એક વાત સ્વીકારવી રહી કે, કચ્છમાં પાણી માટે વરસાદ સિવાય બીજો એકેય વિકલ્પ નથી. આમ તો સમગ્ર જગતમાં પાણી માટેનો એક માત્ર સ્રોત વરસાદ જ છે પણ આપણા કચ્છમાં વરસાદને વધારે મહત્વ એટલા માટે આપવું જરૂરી છે કે, કચ્છમાં વરસાદ અન્ય વિસ્તારોની સરખામણીએ ઓછો અને અનિયમિત છે.ભૂગર્ભમાં સંચિત થયેલું વરસાદી પાણી કપરા સમયે ખૂબ જ ઉપયોગી બની રહે છે પણ એક વાત અહીં નોંધીએ કે, કપરા સમયે ભૂગર્ભના પાણીનો સૂચારૂં અને વ્યવહારૂં ઉપયોગ કરવો જોઇએ. આવા સમયે ખાસ કરીને પાણીનો બગાડ તો બિલકૂલ કરવો જોઇએ નહી અને બીજી મહત્વની વાત એ છે કે, પાણીની આપણી જરૂરિયાતને સ્વયં ઘટાડવાની પહેલ કરવી જોઇએ. જયાં એક બાલદીથી કાર્ય સંપન્ન થતું હોઇ ત્યાં અડધી બાલદીનો ઉપયોગ કરીએ તો ઉનાળો પસાર કરવામાં ઓછો શ્રમ પડશે.
ભૂગર્ભમાં સંચિત થયેલું વરસાદી પાણી કપરા સમયે ખૂબ જ ઉપયોગી બની રહે છે પણ એક વાત અહીં નોંધીએ કે, કપરા સમયે ભૂગર્ભના પાણીનો સૂચારૂં અને વ્યવહારૂં ઉપયોગ કરવો જોઇએ. આવા સમયે ખાસ કરીને પાણીનો બગાડ તો બિલકૂલ કરવો જોઇએ નહી અને બીજી મહત્વની વાત એ છે કે, પાણીની આપણી જરૂરિયાતને સ્વયં ઘટાડવાની પહેલ કરવી જોઇએ. જયાં એક બાલદીથી કાર્ય સંપન્ન થતું હોઇ ત્યાં અડધી બાલદીનો ઉપયોગ કરીએ તો ઉનાળો પસાર કરવામાં ઓછો શ્રમ પડશે.
ભવિષ્યમાં વરસાદ સારો પણ થયો હોય અને આપણા પાસે પર્યાપ્ત માત્રામાં પાણી હોય ત્યારે પણ પાણીનો કાર્યક્ષમ અને યોગ્ય ઉપયોગ કરીએ તો પાણીનો બચાવ થાય છે અને કપરા કાળમાં એ પાણી અમૃત સમાન લાગે છે.
વરસાદ ન આવે ત્યારે પાણીની તંગી અનુભવાય છે તે વાત આપણે જાણીએ છીએ. આમછતાં પણ આપણે પાણી બાબતે આગોતરી તૈયારી કરતા નથી એ ખેદજનક છે. વરસાદની ઋતુ શરૂ થવાની હોય ત્યારે વધુ વરસાદ અને ઓછો વરસાદ જેવી બન્ને પરિસ્થિતિ અંગેની આગોતરી તૈયારી લોકો તથા તંત્ર દ્વારા થવી જોઇએ. જોકે આવી તૈયારીઓ કરવામાં આવતી નથી અને જે હશે તે જોઇ લેશું જેવી નીતિ અપનાવીને આપણે મુશ્કેલીઓ સામનો કરવો પડે છે.
વરસાદની ઋતુમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવેલો હોય તો ઓછા વરસાદની પરિસ્થિતિમાં પાણીની તંગીની તિવ્રતામાં ઘટાડો અનુભવી શકાય છે. એવી જ રીતે આખા વર્ષ દરમિયાન અને ખાસ કરીને વરસાદની ઋતુ પહેલા આપણા જળસ્રોતોની યોગ્ય માવજત કરેલી હોય તો વધુ વરસાદમાં પૂર પ્રકોપ જેવી સ્થિતિને દૂર કરી શકાય છે. બન્ને પરિસ્થિતિમાં જે કંઇ પણ કરવાનું છે તે આપણે કરવાનું છે. શું કાર્ય કરવાનું છે ? કયારે કાર્ય કરવાનું છે ? આ બાબતની આપણે જાણ હોવા છતાં પણ આપણે કશું કરતા નથી અને પછી પાણી બાબતે આપણે નાહકના કુદરતને દોષિત જાહેર કરીએ છીએ ત્યારે આપણી અપરિપકવતા છતી થાય છે. કુદરત નિયમિત છે. કુદરત કદી પોતાના સમયને આઘો-પાછો કરતી નથી. આપણા કેટલાક અસંગત કાર્યોને કારણે કુદરતની નિયમિતતામાં ખલેલ પહોંચી છે. આ ખલેલ પણ કુદરત પોતાની જાતે જ સુધારી લે તેમ છે પણ શરત માત્ર એટલી છે કે, આપણે કુદરતને હકારાત્મક સહયોગ આપીએ !
શહેરોમાં ખાસ કરીને ભુજ જેવા નાના શહેરોમાં પાણી બાબતે વિચારવાની ખાસ જરૂર જણાય છે. પાણીના સંદર્ભમાં વિચારધારા બદલવાની જરૂર છે. લોકમાનષમાં એક છાપ એવી છે કે, પાણી આપણા ઘર સુધી પહોચાડવું એ તંત્રની ફરજ છે, સાચી વાત છે પણ આપણા ઘર સુધી પહોચેલા એ પાણીનો કાર્યક્ષમ અને યોગ્ય ઉપયોગ કરવો એ આપણી નૈતિક ફરજ છે. મૂળભૂત રીતે તો પાણી આપણી જરૂરિયાત છે માટે એ જરૂરિયાતને પૂર્ણ કરવાની જવાબદારી પણ આપણી જ છે. આપણે આપણી પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવા માટેના પગલાઓ લઇશું તો તંત્ર પણ આપણને ચોક્કસ મદદરૂપ થશે એ વાતમાં શંકાને કોઇ સ્થાન નથી.
ભુજ શહેરના ભીડનાકા પાસે આવેલા દેશલસર તળાવ નજીક આવેલી શીવરા મંડપ જાગીર વિસ્તાર આ બાબતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ વિસ્તારના લોકોએ પોતાના વિસ્તારમાં પાણી નિયમિત મેળવવા માટે પહેલ કરી ત્યારે જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિની સાથે ભુજ નગરપાલિકાએ પણ ખૂબ જ સહયોગ આપ્યો હતો. આજે આ વિસ્તારના લોકો દેશલસર તળાવના પરિસરમાં આવેલા વીરો કૂવો દ્વારા નિયમિત પાણી મેળવી રહ્યા છે. પોતે જ સ્થાપેલી આ વિકેન્દ્રિત પાણી વિતરણ વ્યવસ્થાનું વ્યવસ્થાપન પણ ખૂબ જ સારી રીતે તેઓ કરી રહ્યા છે.
પાણી મેળવવા માટે આપણે બીજા ઉપર આધાર રાખવાનું છોડીને સ્વાયત્ત બનવાનો પ્રયત્ન કરીશું તો કુદરત પણ આપણને સાથ આપશે કારણ કે, કુદરત પોતે પણ કોઇના ઉપર આધારિત નથી.
લેખન: વિનીત કુંભારણા
સ્ત્રોત: ઇન્ડિયા વોટર પોર્ટલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/3/2019