1972માં 5મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના દેશોના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે એક જાહેરનામું પણ બહાર પાડ્યું. એના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તા. 5મી જૂનનો દિવસ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે, લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી પ્રતિવર્ષ તા. 5મી જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ પર્યાવરણ દિવસે કાર્યક્રમોના આયોજન માટે વિષયની પસંદગી કરી સૂત્ર આપે છે. જેનાં અનુસંધાનમાં વર્ષ ૨૦૧૨નો વિષય છે “હરિત અર્થતંત્ર’’. એટલે કે એક એવી અર્થ વ્યવસ્થા જેના ફલ સ્વરૂપે સામાન્ય માનવીની જીવન વ્યવસ્થામાં સુધાર આવે સાથે પર્યાવરણના સામેના ખતરાઓમાં ઘટાડો થાય.
વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો. પ્રકૃતિના મહત્ત્વને સ્વીકારતાં વન્ય જીવ-જંતુઓના શિકાર પર અંકુશ અને રક્ષણના નિયમો આજે પણ તેના શિલાલેખોમાં જોવા મળે છે. પર્યાવરણ જાળવણીથી જ ભરપૂર વરસાદ, વનરાજીની લીલીછમ ચાદર, શુદ્ધ હવા, પ્રલયકારી પૂરનું નિયંત્રણ, ભૂગર્ભ જળ-તળની યોગ્ય સપાટીની જાળવણી, પશુઓને યોગ્ય માત્રામાં ઘાસચારો, વનિલ ઉદ્યોગોને પૂરતો લાકડાનો જથ્થો, રોજગારીની ઉપલબ્ધિ, પ્રાકૃતિક તત્ત્વોની જાળવણી કરી શકાય. આપણા પર્યાવરણમાં થતાં હવા, જળ, જમીન અને અવાજનું પ્રદૂષણ રોકવું અને આવા પ્રદૂષણો દ્વારા પર્યાવરણને નુકસાન થતું અટકાવવું જોઈએ. પર્યાવરણની સમસ્યા માટે ”વધુ વૃક્ષો વાવો”ની ઝુંબેશ અતિ અનિવાર્ય છે.
ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેન્ટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓ એ વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે. ”વિશ્વ પર્યાવરણ દિવસે” સહુ સંકલ્પ લઈએ અને પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન થકી આપણા જીવનને ટકાઉ બનાવીશું. ‘વૃક્ષો વાવો, જીવન બચાવો’
રોજિંદા જીવનમાં અહી આપેલી કેટલીક સાવ સરળ ટિપ્સને અપનાવાય. તો પણ આપણી આસપાસના પર્યાવરણ માટે બહુ મોટું કામ કરી શકાય. ‘ટીંપે ટીંપે જ સરોવર ભરાય’ એ કહેવતને યાદ રાખીને બધા લોકો જો પર્યાવરણની સુરક્ષા માટે સજજ થાય તો, આપણું ભવિષ્ય સો ટકા સુરક્ષિત રહેશે.
બિનજરૂરી પાણીનો વ્યય ન કરો
- અગાસી કે ઓટલા ધોવા માટે વધારે પડતા પાણીનો ઉપયોગ ન કરો.
- ફૂલ છોડમાં આડેધડ પાણી છાંટવાને બદલે ટંપક સિંચાઈ પદ્ધતિ કે ફુવારા પદ્દતિનો ઉપયોગ કરવો. અથવા તો પછી બજારમાં મળતી વોટર સ્પ્રે બોટલમાં પાણી ભરીને પણ ફૂલ છોડ પર જરૂરિયાત મુજબનું જ પાણી છાંટો.
- કપડાં અને વાસણના પાણી માટે એવી વ્યવસ્થા કરો કે તે આપોઆપ ફૂલ છોડના ક્યારા સુધી પહોંચે. અને તમારે ફૂલ છોડ માટે વધારાનું પાણી ન બગાડવું પડે.
- અન્ય કામ કરી રહ્યા હો તો પાણીનો નળ ખુલ્લો ન રાખવો.
- ઘર કે બિલ્ડિંગના કામમાં નડતા વૃક્ષોને કાપવાને બદલે ઇકો ફ્રેન્ડલી ટેકનિક અપનાવીને વૃક્ષને નુકસાન ન થાયે એ રીતે બાંધકામ કરો.
- શાકભાજીનો કચરાને ક્યારામાં નાખવો તે ફૂલ છોડ માટે ઉત્તમ ખાતરનું કામ કરશે. અતિશય કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા નાશ પામે છે.
વૃક્ષોનું જતન ભવિષ્યની સુરક્ષા
- ઘર કે ઓફિસની આસપાસની જગ્યામાં અવકાશ હોય તો આસપાસ વૃક્ષો અવશ્ય ઉછેરવા.
- ઓછી જગ્યા હોય તો કીચન ગાર્ડન પણ વિકસાવી શકાય છે.
- તમારી આસપાસ ગેરકાયદે વૃક્ષ છેદન થતું હોય અતવા તો પશુ પક્ષીઓનો શિકાર થતો હોય તો તરત સંબધિત વિભાગને જાણ કરવી.
- વૃક્ષો જમીનના ધોવાણને અટકાવે છે. માટે જ્યારે વૃક્ષો કાપવાની અનિવાર્યતા ઉભી થાય ત્યારે પહેલા એટલા જ વૃક્ષો ઉછેરી શકાય તેવું આયોજન કરવું જોઈએ.
ઇકોફ્રેન્ડલી બનવું અનિવાર્ય
- ખુલ્લો કચરો બાળતા લોકોને સમજાવીને કચરામાંથી જૈવિક ખાતર બનાવવું.
- બને ત્યાં સુધી પ્લાસ્ટિકને બદલે કાગળની બેગનો વપરાશ કરવો.
- જમીનને કૃત્રિમ ખાતરના નુકસાનથી બચાવવા ઓર્ગેનિક ખેતીનો વિકલ્પ અપનાવો.
- ધુમાડો રોકવા, બળતણ બચાવવા અને વાતાવરણના રક્ષણ માટે વાહનોનો ઉપયોગ ઘટાડવો. ચાર રસ્તા/ ક્રોસિંગ ઉપર એન્જીન બંધ કરવા અને બ્રેકનો ઉપયોગ ઘટાડવો.
- ઇલેકટ્રોનિક્સ આઇટમની ખરીદી તેના સ્ટાર જોઈને કરો. જે ઇલેકટ્રોનિક્સ વસ્તુઓ ઓછી વીજળી કન્ઝ્યુમ કરતી હોય તેવી વસ્તુના વપરાશનો જ આગ્રહ રાખો.
- જ્યારે વીજળીનો વપરાશ ન કરવો હોય ત્યારે સ્વીચ બંધ રાખવી.
- કમ્પ્યુટર, ટીવી, ચાર્જર વગેરેના પ્લગને જરૂર ન હોય ત્યારે અનપ્લગ કરી દેવા.
- ખાસ પ્રસંગે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરો.
- ભેટમાં આપવા માટે વિવિધ પ્લાન્ટસનો વિક્લ્પ પણ અપનાવી શકો.
- ઇ-પેપર, ઇ-મેગેઝિન, ઇ-બુક વાંચવાની આદત વિકસાવવી.
ગુજરાતનાં યુવાન અને યુવતીઓ દ્વારા સુવર્ણ જયંતિ વર્ષમાં જનસેવા માટે ૧૦૦ કલાકનો ફાળો આપવાનો સંકલ્પ એટલે "સમયદાન"સમયદાન મહાદાન છે. સમયદાન ફોર્મ માટે
અહીં ક્લિક કરો