ગુજરાતનો ખુબજ સુપ્રસિદ્ધ અને ખેતીથી સમુદ્ધ કાંપવાળો વિસ્તાર નર્મદા અને તાપી નદી વચ્ચેના ખાડી વિસ્તારથી શરૂ થઇને ૨૫૦ માઇલ (૪૦૨ કિ.મી.) ઉત્તર સુધી વિસ્તરી, રાજસ્થાન અને કચ્છના રણમાં સમાઇ જાય છે. તે લગભગ ૭૫ માઇલ (૧૨૧ કિ.મી.) પહોળો છે, તેની પૂર્વીય સીમા અરવલ્લી, વિંધ્યન, સાતપુડા અને સહ્યાદ્રીની ટેકરીઓની હારમાળાથી બંધાયેલી છે.
આ પ્રદેશનું સ્થળ વર્ણન દેખીતી રીતે ભૂસ્તરીય સંરચના પર આધારિત છે. દક્ષિણ ગુજરાતનો પૂર્વીય ભાગ કે જે કાંપ વિસ્તારની સીમાએ આવેલો છે, તે નર્મદાની ખીણ સુધી ડેક્કન ટ્રેપ જેવું વિશિષ્ટ સૌંદર્ય ધરાવે છે. વારંવારના ધોવાણને કારણે અહિંની ટેકરીઓ બનેલી છે, જેના શીખરના ભાગ પર પહોળો ઉચ્ચપ્રદેશ અને ક્ષિતિજ સમાંતર લાવા પ્રવાહને કારણે પગથીયા આકારની રચના, અને તેના સ્વભેદન ખવાણને કારણે છે.
જો કે નર્મદા ખીણના ટ્રેપ વિસ્તારનું સ્થળવર્ણન અલગ છે, અહિં ટેકરીઓ સુવરની પીઠ (હોગ બેક) આકારની છે, અને તેમાંની ઘણી બધી પહોળી અને લાંબી ડોલેરાઇટ ડાઇક્સની બનેલી છે.
નર્મદાની ઉત્તરે બાગ અથવા લેમેટાના છૂટા છવાયા મળતા જળકૃત ખડકોનો વિસ્તાર નીચી ટેકરીઓ સાથે સમતલ ઉચ્ચ પ્રદેશની રચના કરે છે. રાજ્યના ઉત્તર અને ઉત્તરપૂર્વ ભાગમાં ક્વાર્ટઝાઇટ, ફિલાઇટસ અને સીસ્ટસ ખડકો આવેલા છે. ક્વાર્ટઝાઇટ સખત અને ખવાણની ક્રિયાને પ્રતિરોધક હોવાથી તેના વિસ્તારની દિશામાં લંબાયેલા દાંતદાર મથાળા સાથેની સીધા ચઢાણવાળી ટેકરીઓની સાંકડી અને લાંબી હારમાળાઓ બનાવે છે; જ્યારે ફીલાઇટસ અને શીસ્ટસ નરમ હોવાથી ખીણો અને મેદાનોમાં જોવા મળે છે.
ગ્રેનાઇટસ વિશિષ્ટ રીતે મૂળ જગ્યાએ સ્થિત મોટા કદના લુઝ બોલ્ડર્સવાળી નાની-મોટી ટેકરીઓ બનાવે છે, જેથી ગ્રેનાઇટ પ્રદેશને દૂરથી જ સહેલાઇથી પિછાણી શકાય છે.
મુખ્ય પરિવાહ (ડ્રેઇનેજ) દક્ષિણ-પશ્ચિમ અથવા પશ્ચિમ તરફ છે. જેમાં સમાવિષ્ટ તાપી, નર્મદા, મહી, સાબરમતી જેવી નદીઓનો પ્રવાહ ખંભાતના અખાતમાં ઠલવાય છે. તાપી અને નર્મદા નદીઓનો પ્રવાહમાર્ગ સ્તરભંગ અથવા ફાટખીણોને અનુસરે છે.
વરસાદનું પ્રમાણ દક્ષિણમાં વધુ, એટલે કે ૧૦૦ ઇંચ (૨૫૪ સે.મી.) જેટલું છે. જે ઉત્તર તરફ ઘટતું જઇ ૨૦ ઇંચ (૫૧ સે.મી.) જેવું રહે છે.
ખંભાતનો અખાત અને કચ્છનું રણ કદાચ એક સમયે જોડાયેલા હતા અને અમદાવાદની દક્ષિણ-પશ્ચિમે આવેલું નળ સરોવર સમુદ્રનો અવરોધાયેલો અવશેષરૂપ ફાંટો હોઇ શકે છે.
સૌરાષ્ટ્રની પૂર્વ અને ઉત્તરપૂર્વ (ઇશાન)માં ગુજરાતનાં મેદાનો, ઉત્તરે કચ્છનો અખાત તેમજ નાનું રણ અને દક્ષિણ પૂર્વ (અગ્નિ)માં ખંભાતનો અખાત આવેલા છે. સમગ્ર દક્ષિણ કિનારાની સીમાએ અરબી સમુદ્ર આવેલો છે.
આ પ્રદેશનો મધ્યભાગ સમતલ ઉચ્ચ પ્રદેશની રચના કરે છે, કે જ્યાંથી મોટાભાગની નદીઓ ઉદભવે છે. અને ચોતરફ વહે છે. આ પ્રદેશ મહાદ્વીપકલ્પના છેડા તરફ સામાન્ય રીતે હળવો ઢાળ ધરાવે છે. જે કિનારાના મેદાનો અને ઉત્તરપૂર્વ અને પૂર્વના મોટા કાંપીય મેદાન સુધી વિસ્તરે છે. કિનારાના જળકૃત ખડકો લગભગ નિમ્નભૂમિ પ્રદેશની રચના કરે છે.
ટ્રેપમાં ચોમેર અંતભેંદિત કેટલીય બેઝીક ડાઇક્સને લીધે અહીં ટેકરીઓની નીચી અને સીધી હારમાળાઓ એકબીજાને સમાંતર જોવા મળે છે, જે આ પ્રદેશનું વિશિષ્ટ લક્ષણ છે.અહિં ૨૦ થી ૫૦ ઇંચ જેટલો વરસાદ પડે છે. (૫૧ થી ૧૨૭ સે.મી.), જેમાં મધ્યભાગમાં સૌથી વધુ છે.
કચ્છનો તળભાગ ઉત્તર અને પૂર્વમાં મોટા રણથી, દક્ષિણે કચ્છના ખાતથી અને બાકીનો ભાગ અરબી સમુદ્રથી જુદો પડે છે.
કચ્છનો મધ્યભાગ બધી દિશામાં ઢળતાં સમતલ ઉચ્ચ પ્રદેશની રચના કરે છે, કે જે કાચબા જેવો આકાર ધરાવતો હોવાથી કચ્છ નામ પડેલ છે.
સામાન્ય રીતે, ત્યાં પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલ ટેકરીઓની ત્રણ હારમાળાઓ આવેલી છે. ઉત્તર તરફ વહેતી નદીઓ રણમાં વિલિન થઇ જાય છે, જ્યારે અન્ય સમુદ્રને મળે છે.
બન્ની વિસ્તાર તળભાગ (મેઇન લેન્ડ) ની ઉત્તરીય સીમાએ જમા થયેલ કણોનો બનેલો છે. અને પ્રમાણમાં મધ્યમ સારી જમીન ધરાવે છે. અહિં વરસાદ ઘણો અનિયમિત છે અને થોડાક ઇંચથી ૩૫ ઇંચ સુધીનો વરસાદ નોંધાયેલ છે, અપવાદરૂપે ૧૯૬૭માં ૪૫ ઇંચ જેટલો ભારે વરસાદ પણ પડેલ છે.
રણ પ્રદેશ સમુદ્રના એક ફાંટાના અવશેષનો સૂકો પટ છે, કે જે અગાઉ નર્મદાની ફાટખીણને સિંધ સાથે જોડતો હતો, અને કચ્છને મુખ્ય ભાગથી જુદો પડતો હતો. ઐતિહાસિક કાળમાં સિંધુ અને વૈદિક કાળની સરસ્વતી અહીં સમુદ્રને મળતી હતી. હવે તે વર્ષનો મોટોભાગ ખારોપાટ બની રહે છે. અને ચોમાસામાં તે કાદવકીચડવાળી બની જાય છે, કે જ્યારે તેનો વિશાળ વિસ્તાર પાણીથી ઢંકાઇ જાય છે. રણ બે ભાગમાં વહેંચાયેલું છે. મોટું રણ અને નાનું રણ, જો કે તેમની વચ્ચે કદ સિવાય કોઇ ભિન્નતા નથી. જ્યારે સૂકું હોય ત્યારે તેની સપાટી મીઠું અને જાડી રેતી કે કાંકરીના થરથી ઢંકાયેલી હોય છે. તે ઝીણી સીલ્ટ અને ક્લેનું બનેલું છે, તે કોઇપણ પ્રકારની વનસ્પતિ ઉગવા માટે યોગ્ય નથી, સિવાય કે કેટલાક નાના ટેકરાળ વિસ્તારો કે જ્યાં મીઠું પાણી મળી રહે છે.
ગુજરાતના ખડક સ્તરો વિવિધ અને રસપ્રદ ભૂસ્તરીય વૃતાંત ધરાવે છે. તેઓ પુષ્કળ પ્રાકૃતિક સંપદા પુરી પાડે છે.
આ સૌથી જુના ખડકનો સમુહ છે અને પાછળથી બનેલ ખડક સ્તરો માટે (બેઝમેન્ટ)ની રચના કરે છે. તેઓ ખનીજ ધરાવતા હોવાથી સંભાવ્ય સમૃધ્ધિની દૃષ્ટિએ ખુબજ અગત્ય ના છે. આ સમુહ હેઠળના ખડકસ્તરોની વિગત નીચે મુજબ છે.
નાઇસ ખડક આકર્ષક દેખાવ સાથેના સારા બાંધકામ માટેના પથ્થર હોવા છતાં તે ભાગ્ય જ વપરાય છે, કારણ કે ઇંટનું ચણતર સસ્તુ પડે છે. બંધો, વિયર્સ, પુલો વગેરેના બાંધકામ માટે આ ખડકો રબલ અથવા ખાંડકી તરીકે ઉત્તમ છે. આ ખડક સ્તરો (અરવલ્લી) પર બંધાયેલા બંધો નીચે મુજબ છે.
ફક્ત વાત્રક બંધજ સાબરકાંઠા જિલ્લામાં આવેલો છે. જ્યારે બાકીના બધા પંચમહાલ જિલ્લામાં આવેલા છે. તાજેતરમાં પંચમહાલ જિલ્લામાં તાંબું અને સીસું મળ્યાના અહેવાલો છે, મોજણીની કામગીરી ચાલુ છે. છોટા ઉદેપુર વિસ્તારના ડોલોમાઇટ ખડકોનો ઉપયોગ મોઝેક ટાઇલ્સ ઉત્પાદન માટે બહોળા પ્રમાણમાં થાય છે. છુછાપુરા (વડોદરા જીલ્લા) પાસેના આરસપહાણ (સરપેન્ટાઇન) પણ વિખ્યાત છે.
દિલ્હી રચના હેઠળના ખડકો પણ વિકૃત પ્રકારના છે અને વિરૂપતા (ડીફોર્મેશન) થી તેનું ગેડી કરણ (ફોલ્ડિંગ) થયેલ છે.
ખડકો માં ક્વાર્ટઝાઇટ, ફીલાઇટસ અને માઇકાસીસ્ટસ, કેલ્ક સીસ્ટસ અને કેલ્ક નાઇસીસ, કેલ્સીફાયર્સ, ચૂનાના ખડકો અને આરસપાણનો સમાવેશ થાય છે. તેની સ્તર નિર્દેશક દિશા ઉત્તર દક્ષિણ અને ઉ.ઉ.પૂ- દ.દ.પ. છે.
આ ખડકો સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં મળી આવે છે. હાથમતી ખીણ અરવલ્લીઝ અને અલવર (દિલ્હી ખડકો) ની સરહદ ગણવામાં આવે છે. અંબા માતા(અંબાજી) નો વિખ્યાત આરસપહાણ આ દિલ્હી રચના ની દેન છે. કેટલીક જગ્યાએ નાઇસીસ અને કેલ્ક સીસ્ટસ જુદી જુદી ગુણવત્તા (શુદધ થી અશુદધ) ધરાવતા આરસ પહાણ માં રૂપાંતરિત થાય છે.
દિલ્હી રચના બાંધકામ માટેના સર્વોત્તમ આરસપહાણ પૂરા પાડે છે. અંબા માતા(અંબાજી) પાસે સાબરકાંઠા જિલ્લામાં ઘણી બધી ખાણો આવેલી છે, કે જ્યાંથી ધણી બધી જગ્યા ના જૈન મંદિરો, મુંબઈ સચિવાલય વગેરે ના બાંધકામ માટેના આરસપહાણ ખનન કરવામાં આવેલ છે.
સ્ફટીકમય ચૂનાનો પત્થર અમીરગઢ રેલવે સ્ટેશન પાસેના દીવાણીયા તથા પાસુવલ, ખુણીયા, અટલ વગેરે સ્થળે મળી આવે છે. આ ચુનાનો પથ્થર ઊંચી ગુણવત્તા ધરાવે છે, અને તેઓ પૈકી દીવાણીયા પાસેનો ( ચુનાનો પથ્થર) સિમેન્ટ ઉત્પાદન માટે વાપરવાનું સુચિત થયેલ છે.
એરીનપુરા રાજસ્થાનમાં આબુ પાસે આવેલુ એક નગર છે. આ ગ્રેનાઈટસ સૌ પ્રથમ અહીં નોંધાયેલ હતા, અને તેથી તે પરથી તેનું નામકરણ થયેલ છે.
ખુબજ સારી યોગ્યતા ઘરાવતો હોવા છતાં આ ખડક ગુજરાતમાં મકાનો માટે વપરાતો નથી, કારણ શકય છે કે તેની ઘડાઈ થોડીક મોંધી પડતી હોય અને લોકો તેના પર ઘડતર કામ કરવા ટેવાયેલા ન હોય એટલે વધુ લોકપ્રિય બિલ્ડીંગ સ્ટોન તરીકે રેતીખડક (સેન્ડસ્ટોન) છે.
આ રચનાના ભૂસ્તરીય ખડકસ્તરો ચાર સમૂહમાં વહેંચાયેલા છે. (અ) હિંમતનગર સેન્ડસ્ટોન (બ) લામેટા સ્તરો (ફ) બાગ સ્તરો અને (ડ) નીમાર સેન્ડસ્ટોન (રેતીખડક)
તેઓ અવિક્ષિપ્ત(અનડીસ્ટર્બડ) ક્ષિતિજ સમાંતર સેન્ડસ્ટોન ના જાડા જથ્થામય સ્તરોના બનેલા છે. કે જે શેલ અને કોંગ્લોમરેટ સાથે સંકળાયેલા છે. તેઓ સફેદ અને ગુલાબી રાતા અને કથયાઈ રંગોની ઝાંય સાથે રંગોની વિવિધતા ધરાવે છે. તેઓ હિંમતનગરથી દક્ષિણ પૂર્વ દિશામાં અને કપડવંજ અને ડાકોર વચ્ચે મળી આવે છે આ લોકપ્રિય બિલ્ડીંગ સ્ટોન છે, અને તેનો વ્યાપક રીતે ઉપયોગ થાય છે.
લામેટા ના સ્તરોના ઘણાં બધા વિવૃત ભાગો ડેક્કન ટ્રેપની સાથે સાંકડી લાંબી પટ્ટીઓ રૂપે મળી આવે છે.
આ સ્તરો તળિયાના ભાગે સીલીસીયસ અથવા કેલકેરીયસ આધારદ્રવ્ય (મેટ્રીકસ) ધરવતા કોંઝલોમરેટીક ખડક સ્તરોના બનેલા સ્વચ્છ જળજન્ય નિક્ષેપ ધરાવે છે, કે જેની ઉપર શિરા સાથેના માટીવાળા ચટીં અને ચાર્લ્સીડોનીક પટ્ટીઓ વાળા ચૂનાના ખડકો મળી આવે છે. તે ટપકાવાળા છે. અને લીમોનીટીક સ્પોર્ટ ધરાવે છે. આ ખડક રચનાની જાડાઈ આશરે ૧૫ ફૂટ (૫ મીટર) સુધીની છે.
આ લામેટા સ્તરો બાલાસિનોર પાસે (ખેડાજોલો) પરબીયા (વીરપુર નજીક) ઝાલોદ, દાહોદ અને ઝાંબુઆ (બારીયા-નજીક) પંચમહાલ જિલ્લામાં અને ગાબટ (સાબરકાંઠા જિલ્લો) પાસે મળી આવે છે.
મેસર્સ એ.સી.સી. લીમીટેડની સેવાલીયા સિમેન્ટ ફેકટરી ખાતે સિમેન્ટ ઉત્પાદન માટે બાલાસિનોર ખાતેના ચૂના ખડકો ઉપયોગમાં લેવામાં આવે છે.
ક્રીટેસીયસ એજમાં દરિયાઈ અતિક્રમણ ને લીધે આ ખડકો બન્યા છે. બાગસ્તરો ચૂનાયુકત ખડકોના બનેલા છે જેની નીચે રેતીના ખડકો (સેન્ડસ્ટોન) અને કોંગ્લોમરેટ મળી આવે છે. દરિયાઈ જીવાવશેષો સામાન્યતઃ સૌથી ઉપરના ચૂનાના ખડકોમાં મળી આવે છે. જેની જાડાઈ સામાન્યતઃ ૭૦ ફૂટ (૨૧ મીટર) સુધીની છે. પણ નર્મદા ખીણમાં તે ૧૦૦૦ ફૂટ (૩૦૫ મીટર) થી પણ વધુ જાડાઈ ધરાવે છે.
આ ખડકો પણ વજીરીય, અગર, નસવાડી, બોરિયાદ અને આંબાડુંગર વિસ્તાર (કે જયાં વિખ્યાત ફલોરાઈટ ડીપોઝીટ મળી આવે છે) ના ડેક્કન ટ્રેપ ના કિનારાના ભાગે સાંકડી પટ્ટીઓ રૂપે મળી આવે છે. આંબા ડુંગરની આસપાસ લાઈમ સ્ટોન (ચૂના ખડકો) જેવા દેખાતા આ ખડકો આર. એન. સુકેશવાલા અને જી.આર. ઉદાસ ધ્વારા કાર્બાનેટાઈટસ તરીકે વર્ગીકૃત થયેલ છે. તેમના માનવા મુજબ ફલોરીન વાયુનો ભાગ લાઈમસ્ટોન (ચૂનાખડક) સાથેની રાસાયણિક ક્રિયાને લીધે બનેલ આંબાડુંગરની ફલોરાઈટ (C a F2) ખનિજ સંપતિ આ પ્રદેશમાં વ્યાપક પ્રમાણમાં દશ્યમાન આલ્કલાઇન મેગમામાં થી બનેલ હોય એવુ જણાય છે.
સોંગીર પાસે મળતો રેતીખડક (સેન્ડસ્ટોન) વિખ્યાત બાંધકામ ખડક (બીલડીંગ સ્ટોન) છે. કે જયાંથી વડોદરાના રાજમહેલો માટે પથ્થરો લાવવામાં આવેલ હતા.
આ ખડક પાવાગઢની ટેકરીઓથી દક્ષિણ પૂર્વમાં મળી આવે છે. અને પાવાગઢની તળેટીમાં આવેલ ચાંપાનેરના કિલ્લાના બાંધકામમાં તેનો ઉપયોગ થયેલ હતો.
આ ખડકો જાસપર પેબલ ઘરાવતા ગુલાબી સેન્ડસ્ટોન છે કે જે કવાર્ટઝ, અને ચાર્લ્સીડોનીના પેબ્લસ ધરાવતા લોહદ્રવ્યયુકત કોંગ્લોમરેટીક સ્તરો સાથે સંકળાયેલ છે.
ડેકકન ટ્રેપ રાજયની પૂર્વપટ્ટીનો ઘણો બધો વિસ્તાર આવરી લે છે. કે જે દક્ષિણ છેડાથી શરૂ કરી નર્મદા નદી સુધી વિસ્તરેલ છે. આગળ ઉતર તરફ તેના છૂટા છવાયા વિવૃતભાગો ગુજરાતના કાંપવિસ્તારમાં પંચમહાલ જિલ્લામાં કાલોલ અને ટીમ્બા પાસે, ખેડા જિલ્લામાં કપડવંજ પાસે અને અમદાવાદ જિલ્લામાં ધનસુરા પાસે મળી આવે છે. ટ્રેપ ખડકોમાં એમીગડોલોઈડલ ટ્રેપ, પોરફીરીટીક ટ્રેપ અને બેસાલ્ટ વગેરેનો સમાવેશ થાય છે.
ટ્રેપના એક સમુહ (જથ્થા) તરીકે જોવા મળતો પાવાગઢ સામાન્યતઃ ચિરાડો તેમજ તડોથી થતાં પ્રફુટન ને બદલે અલગ મધ્યથી થતા પ્રસ્ફુટનની દેન છે. કે જે મેગમેટીક ડીફરન્સીએશન નું એક ઉદારહણ છે. પાવાગઢમાં મળતા અન્ય ખડક પ્રકારો, પ્લેયુમીસ, પીચસ્ટોન,રાહાયોલાઈટ ફેલ્સાઈટ અને કવાટ્રઝ એન્ડેસાઈટ વગેરે છે.
ટ્રેપનો ઉપયોગ રોડમેટલ તરીકે અને રસ્તાના બાંધકામમાં વ્યાપક રીતે થાય છે. તેનો મકાન બાંધકામ માટેનો ઉપયોગ કયારેક થાય છે. જો કે બંધો અને વિયર્સ વગેરે ના બાંધકામમાં તે વપરાય છે.
આ સમુહના ખડકો તાપી અને નર્મદા નદીઓના મુખપ્રદેશમાં જોવા મળે છે. જે ડેક્કન ટ્રેપના છેડે લાંબી પટ્ટીની રચના કરે છે. અહિં નુમ્યુલિટિક લાઈમસ્ટોન અને લોહદ્રવ્યયુકત માટીના (નીચેના) સ્તરો ઈઓસીન કાળના છે; જ્યારે કંદ ખડક રચના (પીળો લાઈમ સ્ટોન) લોહદ્રવ્યયુકત સેન્ડસ્ટોન (રેતીખડક) અને અગેટ ધરાવતા કોન્ગલોમરેટ જેવા ઉપરના સ્તરો મોયોસીન અપર ગજ શ્રેણી (સીરીજ) માં આવેલ છે.
લેટેરાઇટ કપડવંજ અને તારકેશ્વર પાસેના વિસ્તારોમાં જોવા મળે છે.
ખંભાતના અખાતની ઉત્તરે કાંપ (એલયુવીયમ)ની નીચે ઉ.ઉ.પ.-દ..દ.પૂ. દિશામાં વિસ્તરેલ એન્ટીક્લીનલ (ઉર્દુવાંક ) સ્ટ્રકચર્સ જોવા મળે છે. જ્યારે દક્ષિણ ભાગમાં તે પૂ.ઉ.પૂ. - પ.દ.પ. દિશામાં આવેલા છે.
તેલ (ઓઇલ) ધરાવતી હોવાથી ટર્શીયરીઝની ઇયોસીન, ઓલીગોસીન અને માયોસીન વય (એજ) ની ખડક રચનાઓ ઘણી અગત્યની છે. તેઓ પશ્ચિમ તરફ કાંપના જાડા મેન્ટલ (પડ), આવરણ દ્વારા ઢંકાએલી છે. તેલ (ઓઇલ) ઇયોસીન, ઓલીગોસીન અને માયોસીનમાં મળેલ છે. તે સામાન્ય રીતે ખંભાત વિસ્તારમાં લગભગ ૧૫૦૦ મીટર ઉંડાઇ એ, અંકલેશ્વર વિસ્તારમાં ૧૧૭૦ મીટરે અને કલોલ વિસ્તારમાં ૧૪૦૦ મીટરે મળે છે.
તાજેતરનું તેલ (ઓઇલ) સંશોધન, કાંપની જાડાઇ અને તેની નીચે આવેલા સ્તરો બાબતે નવો પ્રકાશ પાડે છે. ખંભાત ખાતેના તેલકુવામાં જોવા મળેલ ભૂસ્તરીય સંરચના નીચે મુજબ છે.
આ સૌરાષ્ટ્ર વિસ્તારની સૌથી જૂની ખડક રચનાઓ છે. અને તેઓ આ પ્રદેશના ઉત્તર-પૂર્વ ખૂણે આવેલા ધ્રાંગધ્રાની આજુબાજુ મળી આવે છે.
કેટલાંક ભૂસ્તરશાસ્ત્રીઓના મતે સૌરાષ્ટ્રમાં જુરાસીક ખડકો મળતા નથી તેઓ તેમને ક્રિટેસીયસ કાળમાં વર્ગીકૃત કરે છે.
ટ્રેપ્સ તેના કિનારાના વિસ્તારો અને ઉત્તર પૂર્વ ખૂણા સિવાય લગભગ આખા સૌરાષ્ટ્ર પ્રદેશમાં ફેલાયેલા છે.
ટ્રેપીયન ગ્રીટ્રસ નાના વિવૃત ભાગો થાનની ઉત્તરે મળી આવે છે. તેઓ એગ્લોમરેટીક અને ગ્રીટી છે અને ક્વાર્ટઝના કણો ધરાવે છે.
સૌરાષ્ટ્રના ટ્રેપ્સ ગુજરાત અને માળવાના ટ્રેપ્સનું વિસ્તરણ છે, અને તેઓ ઉત્તર તરફ કચ્છમાં વિસ્તરે છે. તેઓ ભાવનગરના ઉત્તર વિસ્તારમાં ધોધા અને કચ્છમાં કાંપથી ઢંકાયેલો છે. સૌરાષ્ટ્રના ટ્રેપ્સમાં બેસાલ્ટસ અને ડોલેરાઇટસ ઉપરાંત ફેલ્સાઇટસ, ટ્રેકાઇટસ, ડાયોરાઇટ અને ઓબસીડીયનનો પાણ સમાવેશ થાય છે. કેટલીકવાર સ્કોરીયેસીયસ બ્રેસીયાના સ્તરો પણ મળી આવે છે. ટ્રેપ્સની બીજી જાતો જેવી કે એમીગડલોઇડલ, પોરફીરીટીક વગેરે પણ મળી આવે છે.
જવાળામુખીથી બનેલ રાખના સ્તરોના કણોનું કદ નાના કણથી માંડી ગ્રાવેલ અને મોટા ઘટ્ટ ટ્રેપના ગઠ્ઠા (લમ્પ) જેવું હોય છે. અને તે ચોટીલા પર્વતની તળેટીમાં જોવા મળે છે.
ગીરનાર ટેકરીઓના લાવાના પ્રવાહોથી બનતા કાળમીંઢ ખડકોના ધુંમટ આકારના સ્તરોને પાછળથી ઉદભવેલાં - ઇન્ટ્રસીલ્સ દ્વારા વર્ણવી શકાય કે જે મેગ્નેટીક ડીફરનશયશન ને કારણે ક્રમશ: સ્ફટીરીકરણ દ્વારા નિર્માણ પામેલ છે. આ ધુંમટ આકારના લાવાના ખડકોના મધ્યભાગનું, ધોવાણ થતાં તેની નીચેના ડોલેરાઇટ - મોનઝોનાઇટ ના સ્તરો દેશ્યમાન થાય છે. આ સ્તરો લાવાના પ્રવાહોને અડીને બનેલા ગ્રેનોફાયર અને લેમ્પોફાયર અને ઓલવીન-ગેબ્રો થી ઘેરાયેલા છે. સાયનાઇટ, નેફીલીન સાયનાઇટ અને કવાટ્રઝ ફેલ્સાઇટ એ અહીં મળતા અન્ય ખડક સ્તરો છે. ગીરનારની તળેટીમાં આવેલા “અશોક ના શિલાલેખ” પરનું અશોકનું ફરમાન (ઇ.પૂ. ૨૫૦) ગોળાકાર કવાર્ટઝ ફેલિસાઇટ ખડક પર કોતરવામાં આવેલ છે.
ઘણી બધી સમાંતર ડોલેરાઈટ ડાઈકસ નાની ટેકરીએ, લાંબા ટેકરા અથવા દાંતાદાર ટેકરીઓની હારમાળા ઓની રચના કરે છે. જે સરેરાશ જમીન લેવલથી ૨૫૦ થી ૩૦૦ ફૂટ (૭૬ થી ૯૧) મીટર મહત્તમની ઊચાઈ સુધી પહોંચે છે. તેમાંની કેટલીક ૪૫ માઈલ (૭૨ કિ.મી.) કરતાં વધુ અંતર સુધી વિસ્તરેલ છે. તેમના વિસ્તરણની સામાન્ય દિશા પૂર્વ - પશ્ચિમ છે. તેમાંની કેટલીક ઉત્તર -દક્ષિણ અથવા ઉપ-દપૂ દિશામાં વિસ્તરેલ છે. અને એકબીજાને કાપે છે. ડાઈકસની સંખ્યા ઘણીબધી છે એટલે તેને ડાઈકસનો સમૂહ કહેવાય છે.
લેટરાઈટીક ખડકો : લેટરાઈટ ડેક્કન ટ્રેપ સીમાએ તૂટક સીધા પટ્ટા કે પટ્ટીરૂપે મળીઆવે છે. આમાંનો સૌથી મોટો પટ્ટો ભાવનગર પાસે છે.
આ સ્તરો દ્વારકા અને નવાનગર પાસે મળી આવે છે. અને ચુનાખડક અને લોહ છાંટવાળા સખત પટ્ટા સાથેના અંશતઃ ચિરોડી વાળા પીળા માટી યુક્ત માલી સ્તરોના બનેલા છે. મેસર્સ એ.સી.સી. લિમિટેડ દ્વારા સિમેન્ટ ફેક્ટરી દ્વારકા ખાતે સિમેન્ટ ઉત્પાદન માટે ચુના ખડકો (લાઈમ સ્ટોન્સ) નો ઉપયોગ કરવામાં આવે છે.
મીલીઓલાઈટસ: મીલીઓલાઈટ ચુનાખડકો, સામાન્ય રીતે “પોરબંદર સ્ટોન" તરીકે જાણીતો છે કે જે પાદછિદ્રી મીલીઓલાઈટના અવશેષો અને આસપાસના કેલ્સાઈટના કણોના બનેલા ઝીણા રવાદાર ફીસ્ટોનનો બનેલો છે. કિનારાના ભાગોમાં તે નીચી ટેકરીઓ અને ભેખડોની રચના કરે છે. અને પ્રદેશના અંતભાગમાં પણ વિસ્તરેલ છે. આ ચુના ખડકો કેટલીક ટેકરીઓમાં સરેરાશ દરિયાની સપાટીથી ૧૦૦૦ ફુટ (૩૦૪ મીટર) કરતા વધુ ઊંચાઈએ જોવા મળે છે. જે દર્શાવે છે કે ઉંડાણવાળી જગ્યાના સમયગાળા પછી ધરતીના પોપડાનો એકાદ ઉદવપાત પણ થયો હોય.
આ ખડકોનો બાંધકામના પથ્થર તરીકે વ્યાપક રીતે ઉપયોગ થાય છે. કારણ કે ખડકો તાજા હોય ત્યારે તેને કોઈપણ કદ અથવા આકારમાં કરવતથી સહેલાઈથી કાપી શકાય છે. તેના કપાયેલા ટુકડા “બેલા” તરીકે જાણીતા છે.
મીલીઓલાઈટ લાઈસ્ટોનનો મોટોભાગ ઊંચી ગુણાવતા ધરાવે છે અને સિમેન્ટ ઉત્પાદનમાં તેમ જ રાસાયણિક ઉધોગોમાં વ્યાપક રીતે વપરાય છે.
કાંપ (એલ્યયુવીયમ). તેઓ સેન્ડ્ર ડયુન્સ (રેતીના ટૂઆ), ઘનીકરણ થયેલ કાંઠા ની રેતી, મોજાના કાદવવાળા સપાટ વિસ્તાર, ઉંચકાયેલો દરિયા કિનારો, પરવાળાના ખડકો (કોરલ રીફ) અને મીઠા પાણીવાળા કાંપના બનેલા છે.
સામાન્ય નિરૂપણઃ સૌરાષ્ટ્ર પ્રદેશ ખનીજ સંપત્તિની બાબતમાં સમૃદ્ધ છે ત્યાં રેતીખડક (સેન્ડ સ્ટોન), યુના ખડક (લાઈમ સ્ટોન), ટ્રેપની વિવિધ જાતો ચિરોડી, માટી અને બૉક્સાઈટ મળી આવે છે.
ત્યાં મોટા પ્રમાણમાં ચિનાઇ માટી ઉપલબ્ધ છે. આ પ્રદેશમા ઘણા બધા સારા પોટરી વર્ક્સ આવેલા છે. ત્યાં મળતી બાંધકામ સામગ્રીનો ઉપયોગ કરી ઘણીબધી નદીઓ જેવી કે શેત્રુંજી (પાલીતાણા પાસે), ધારી, હીરણ વગેરે પર બંધો બાંધવામાં આવ્યા છે.
કચ્છ પ્રદેશ ધરતીકંપના સંભવિત વિસ્તારમાં આવે છે. જ્યા અવારનવાર ધરતીકંપો આવે છે. તાજેતરનો ધરતીકંપ ૧૯૫૬ માં આવેલ હતો.
એવું માનવામાં આવે છે કે જુરાસીકથી ભીન્ન ક્રીટેસીયસ સમયમાં મુખ્ય હિમાલય પર્વતમાળા અહીંથી વિસ્તરીને લેસર હિમાલયના પ્રદેશમાં પ્રવેશીને તેનો પ્રવહન માર્ગ (ખાડી), બલુચીસ્તાન અને સોલ્ટરેંજમાં પ્રવેશીને આગળ દક્ષિણમાં રાજસ્થાન પ્રદેશના ભાગમાંથી કચ્છ પ્રદેશમાં અને આથી પશ્ચિમ તરફ ઘણે દૂર માડાગાસ્કર સૂધી વિસ્તરેલી હતી.
જુરાસીક રચનાના ખડકો આ પ્રદેશના સૌથી જુના ખડકો છે, જેમાં શેલ્સ, જથ્થામય સખત ચુનેદાર રેતી ખડક (સેન્ડસ્ટોન), ચૂના ખડક (લાઇમ સ્ટોન), માર્લસ, રવાદાર માર્લસ અને કોંન્ગલોમરેટસનો સમાવેશ થાય છે.
જુરાસીક ખડકરચનાઓ પ્રાણીઓના જીવાવશેષ (સીફેલોપોડ ફોના) અને તેના આધારે આ ખડકો ત્રણશ્રેણી ઓ જેવી કે પચ્ચમ, ચારી અને કટ્રોલમાં વહેંચવામાં આવે છે.
જુરાસીક અને ક્રિટેસીયસ ખડકો પૂર્વ-પશ્ચિમ દિશામાં કચ્છનો અડધો વિસ્તાર રોકે છે, અને દ્વિપકલ્પનો ઉત્તર અને મધ્યભાગ સુધી મર્યાદિત રહે છે. તેઓ આગળ ઉત્તરમાં કચ્છના રણના ટાપૂઓમાં પણ જોવા મળે છે, જ્યાં મોટે ભાગે જુરાસીક રચનાના જુના ખડકો આવેલા છે.
ડેક્કન ટ્રેપ લાવા પ્રવાહ સાથેની મેસોઝોઇક અને ટશીયરી રચનાનો ગેડીકરણની ક્રિયામાં સંકળાયેલા છે. આ પ્રદેશનાં પશ્ચિમ ભાગમાં ઉદવવાંક ગેડની સામાન્ય વિસ્તરણ દિશા ઊત્તર પશ્ચિમ-દક્ષિણ પૂર્વ છે. પણ પૂર્વ ભાગમાં આ દિશા લગભગ પૂર્વ-પશ્ચિમ થઇ જાય છે. મેસોઝોઇક કણોનું ગેડીકરણ લગભગ પૂર્વ-પશ્ચિમ દિશામાં વિસ્તરેલી ઉદવવાંકીય ટેકરીઓની ત્રણ કે તેથી વધારે લગભગ સમાંતર હારમાળાઓ રૂપે થયેલું છે. ત્યાં આાડી તરંગીત સપાટીના લીધે ધુમ્મટ જેવાં ભાગોની રચના થાય છે. જે ધોવાણના લીધે જુદા પડે છે. ઉદવવાંકોના પડખાં સામાન્ય રીતે અપ્રમાણસર છે જે દક્ષિણ તરફના છેડે વધુ સૌમ્ય ઢોળાવ અને ઉત્તર તરફના છેડે ઉગ્ર અથવા એકદમ સીધો ઢોળાવ ધરાવે છે. જો કે પુર્વ કચ્છમાં સીધા ઢોળાવવાળાં પડખાં દક્ષિણ તરફ જોવા મળે છે.
આ વિસ્તારમાં પૂર્વ-પશ્ચિમથી વિસ્તરેલ ઉ.પ. - દ.પ. દિશામાં ચાર સ્તર ભંગો નોધાયેલ છે. તેઓ નીચે મુજબ છે.
જુરાસીક ખડક રચનાઓ કેટલીક જગ્યાએ ઉત્તર-દક્ષિણ અને ઉ.ઉ.પૂ-દ.દ.પ. દિશામાં વિસ્તરેલ આડા સ્તરભંગો વડે કપાયેલ છે. તેઓ મુખયત્વે થોડાક ક્ષેપ (પાત) સાથેના સામાન્ય સ્તરભંગો છે.
ઉત્તરીય હારમાળા લગભગ ૧૦૦ માઇલ (૧૬૧ કિ.મી) લાંબી છે અને કચ્છના રણમાં તૂટીને ચાર ટાપુઓ (પચમ, ખદીર, બેલા અને ચોરાર) રૂપે જોવા મળે છે. મધ્ય હારમાળા ૧૨૦ માઇલ (૧૯૩ કિ.મી.) લાંબી છે. અને પશ્ચિમે લખપતથી શરૂ કરી પૂ.દ.પૂ. દિશામાં વિસ્તરે છે. એક મોટો વિવૃત્તભાગ પૂર્વમાં વાગુરની આસપાસ મળી આવે છે, કે જે મેદાની પ્રદેશથી અલગ પડે છે. ભુજની દક્ષિણે આવેલી દક્ષિણીય હારમાળા ૪૦ માઇલ (૪૦ કિ.મી) લાંબી છે. અને ચારવાર અને કટ્રોલ ટેકરીઓની રચના કરે છે.
ઉક્રા સ્તરો સહિતની ભુજ અને ઉમિયા શ્રેણીઓ નિમન ક્રિટેસીયસ રચનાનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં નરમ, જથ્થામય, પ્રવાહસ્તરીય રેતી ખડકો (સેન્ડસ્ટોન્સ) અને શેલ્સ મળી આવે છે. તેઓ દરિયાઇ, નદીજન્ય અને નદીનાળ જન્ય સ્થિતિમાં નિક્ષેપિત થાય છે.
ભુજ શ્રેણીના રેતીખડકો નોંધપાત્ર જથ્થામાં ભુગર્ભ-જળ ધરાવે છે. અહીં ભુજ સેન્ડસ્ટોનના મધ્ય પટ્ટામાં આર્ટીજન અને સબ-આર્ટીજન વિસ્તારોમાં શ્રેણીબધ્ધ ટયુબવેલો નું શારકામ કરી સ્વચ્છ જળ મેળવવામાં આવ્યું છે.
ભુજ અને ઉમિયા રેતી ખડકો (સેન્ડસ્ટોન્સ) સારા બાંધકામના પત્થરો તરીકે જાણીતા છે.
શેલ્સ ઉપર મળી આવતા ચૂર્ણશીલ રેતી ખડકો (ફ્રાયેબલ સેંડસ્ટોન) બંધોના પાયામાટે જટિલ સમસ્યારૂપ છે. ત્રણ માટી બંધો જેવા કે રુદ્રમાતા, કૈલા અને નીરૂના આવા વિસ્તારોમાં બાંધવામાં આવ્યા છે.
કચ્છમાં જોવા મળતાં જૂદી જૂદી જડાઈ ધરાવતાં ડેક્કન ટ્રેપ ખડકો એ સૌરાષ્ટ્રના લાવા પ્રવાહોનો લંબાયેલો એક ભાગ જ છે આને તે દક્ષિણ સીમાએ ભૂજ અને ઉમીયા ખડક સ્તરોની સાથે નાના પટ્ટામાં જોવા મળે છે. ટૂફના સ્તરો, લાવા સ્તરોની ઉપરના ભાગમાં જોડાયેલા છે અને તે મોટે ભાગે આ પ્રદેશનાં પશ્ચિમ ભાગમાં જોવાં મળે છે.
કેટલાક ભાગોમાં ખડક સ્તરોના રચનાત્મક વલણની દિશામાં આલ્કલીયુક્ત અંતઃ ભેદકો જેવા મળે છે.
ટ્રેપ ખડકોની ઉપર મળતાં સ્તરોમાં પેલીઓસીન કાળના ધનીકરણ પામેલ રેતીના ખડકો ગ્રેિટ, વિવિધ રંગી માટીના સ્તરો ,બૅન્ટોનાઈટ અને લોહયુક્ત માટીના સ્તરોનો સમાવેશ થાય છે .કચ્છના પશ્ચિમ ભાગમાં માતા નો મઢ નામની જગાએ આ બધા સ્તરો જોવા મળે છે. ઓ.એન. જી.સી. ના ભુસ્તરશાસી શ્રી એસ.કે. બિશ્વાસે તેમનું વર્ગીકરણ મઢ શ્રીણીમાં કરેલું છે.
ઝુલરાની અને મઢ પાસેની કાકડી નદી પાસે અને દક્ષિણ - પશ્ચિમ કચ્છ ની બેરવાલી નદીના બેરાનદા અને બેર નાની વચ્ચે મળતાં ઈઓસીન કાળના સ્તરોમાં વિવિધ રંગી માટીના સ્તરો, ઘાટા ધેરા રાખોડી રંગના શેલના સ્તરો સાથે અશ્મિયુકત માલી સ્તરો, ચીકાશયુકત ખનિજ રેખા ધરાવતાં પાયરેશયશ લીગનાઈટ , ન્યુમીલીટીક ચૂના ના ખડક સ્તરો વિગેરેનો સમવેશ થાય છે, પશ્ચિમ કચ્છમાં બાબીઆની ટેકરી માં આ સ્તરો ખૂબ સારી રીતે દ્રશ્યમાન થાય છે.
લખપત પાસે મળતાં ઓછી જાડાઈ ધરાવતાં ઓલીગોસીન કાળના સ્તરોમાં રાખોડી શેલ, માર્લ ,રવાદાર (ઓલીટીક) શેલ અને રેતીના સ્તરો નો સમાવેશ થાય છે.
માયોસીન કાળના સ્તરોનું પ્રતિનિધિત્પ ચૂના ના ખડકો, માર્લ, ઘેરા રાખોડી રંગના માટીના સ્તરો અને લોહ ધાતુયુકત રેતીના ખડકો કરે છે. તેઓ સિંધની ગજ શ્રેણી ના સમકક્ષ છે અને દક્ષિણ-પશ્ચિમ કચ્છ ની ખારી નદી, વૈયરો , ઝાંઘડીયા અને છાસરા માં જોવા મળે છે. પ્લાયોસીન કાળના સ્તરો કંકાવટી નદી ની આજુબાજુ સંધાન અને વિજન ની વચ્ચે મળે છે અને તેમાં મંચાર શ્રેણીના માર્લ, કઠણ રેતીના સ્તરો ,શેલ આને ગ્રીટ નો સમાવેશ થાય છે. પ્લાયસ્ટોસીન કાળના સ્તરોનું પ્રતિનિધિત્વ મીલીયોલાઈટ ચૂનાના ખડક સ્તરો કરે છે કે જે ભૂજની દક્ષિણે ઉત્તરીય ટેકરીઓની તળેટીના ડેક્કન ટ્રેપની સાથે અને ટ્રેપ વિસ્તારની અન્ય જગ્યાઓ જેવી કે બાલાડીઓા ઝુમકા વિગરે પાસે આવેલ છે. આ ઉપરાંત કટ્રોલની ટેકરીઓ અને વાગોડ વિસ્તાર ના કેટલાંક સ્થળો એ પણ આ સ્તરો દૂશ્મયમાન થાય છે .
રીસન્ટ સ્તરો માટી, રેતી અને એકદમ ઝીણી રેતી ના બનેલા છે. કચ્છ ના રણમાં મોટે ભાગે દરિયા કિનારે આ સ્તરો વિકસેલાં છે.
કચ્છ નો વિસ્તાર કે જે ખૂબ જ ઓછા વરસાદ ને કારણે પાંગળો બનેલો છે તે ખનિજ સંપત્તિ થી ભરપૂર છે અને ભૂસ્તરીય દૃષ્ટિ એ ખૂબ જ રસપ્રદ છે. આ પ્રદેશ નો વિકાસ તેની ખનિજ સંપત્તિ ના વિકાસમાં જ રહેલો છે અને તેની વ્યૂહાત્મક અગત્યને કારણે તેને અવગણી શકાય તેમ નથી.
ઉપરોકત વર્ણન ગુજરાતના જુદાજુદા ભૂમિભાગોની ભૂસ્તરી લાક્ષણિકતાઓની ટુંકી રૂપરેખા છે. તેમ છતાં તે બાબતે ધ્યાન દોરવુ રહુત્યું કે જુદીજુદી ખડકરચનાઓના વિગતવાર ભૂસ્તરીય અન્વષેણથી મળતી વિગતો ધ્વારા આ પ્રદેશની હયાત ભૂસ્તરીય રચનાના દ્રશ્યની સમીક્ષા કરવાની તાતી જરૂરિયાત છે.
આ ઘણા સમયથી પડતર સંશોધનો રાજયના વિપુલ ખનિજ સંપતિના ક્ષેત્રમાં સફળ અનુસંધાન કરવા માટે નવી કેડી કંડારશે, જેનાથી આ પ્રદેશ જ નહિં આખોદેશ લાભાવિત થશે તેઓ ભૂગર્ભજળ સંપતિના વિશાલ સંભાવ્ય સામથર્યમાં પણ વધારો કરશે કે જે અનાજ ઉત્પાદન માટે ઘણું જરૂરી છે.તેઓ ચોતરફના ઔધોગિક અને તાંત્રિક (ટેકનોલોજીકલ) વિકાસ અને ગુજરાતની સમૃધ્ધિ માટે પ્રરેકબળ પુરૂ પાડશે. તે ચોક્કસ અભિનંદન ને પાત્ર છે કે કેન્દ્ર અને રાજયની વિભિન્ન સંસ્થાઓ એ તેમનું ધ્યાન આ પાસા પર કેન્દ્રિત કર્યું છે. અને તેઓ આ ભૂસ્તરીય અન્વષણો માટે અવિરતપણે કાર્ય કરી રહી છે.
આ લેખ તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરવા બદલ શ્રી એચ. પી. ઓઝા, નિયામકશ્રી ગુજરાત ઈજનેરી સંશોધન સંસ્થા, વડોદરાનો હું હ્રદયપૂર્વક આભારમાનું છું.
આ લેખ તૈયાર કરવામાં ઘણા બધા ઉપયોગી સુચનો અને તેના વિવેચન માટે હું પ્રો. એસ.સેસ. મેઢ, ભૂસ્તર વિભાગના વડા, એમ.એસ. યુનિવર્સિટી વડોદરાનો હું ખૂબજ જ ઋણી.
વી. એન. કુલકણી, સીનીયર ભૂસ્તરશાસ્ત્રી ઇજનેરી સંશોધન સંસ્થા, જા.બાં.ખા., ગુજરાત.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/15/2019