આજે 5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ. પૃથ્વી પરનું પર્યાવરણ એટલી હદે પ્રદૂષિત થતું જાય છે કે તેને બચાવવાની ચિંતા દુનિયાના દરેક દેશને છે. જંગલોના વિનાશથી તાપમાન વધતું જાય છે. ગ્લોબલ વોર્મિંગથી ધ્રુવીય બરફ ઓગળતો જાય છે, વરસાદ ઓછો થતો જાય છે અને પશુપંખીઓની અનેક પ્રજાતિઓના અસ્તિત્વ સામે ખતરો વધતો જાય છે. .
પર્યાવરણની રક્ષા કરવી એ તમામ નાગરિકોની ફરજ છે. ફક્ત મોટાં પગલાં ભરવાથી જ તે થઈ શકે તેવું નથી. આપણે પણ તેમાં ફાળો આપી શકીએ છીએ. પર્યાવરણ સામે સૌથી મોટું જોખમ પોલીથીન- પ્લાસ્ટિક- ઊભું કરે છે, કારણ કે તે બાયો ડિગ્રેડેબલ નથી. આપણે પ્લાસ્ટિકની બેગને બદલે કપડાં કે જૂટની ઈકો ફ્રેન્ડલી બેગ કેમ ના વાપરીએ? વૃક્ષો એ સ્વસ્થ પર્યાવરણ માટે અતિશય મહત્ત્વના છે. આપણે ઘરઆંગણે કે શેરીમાં વૃક્ષો વાવીએ, તેમનું જતન અને સંવર્ધન કરીએ. દેશભરમાં મીઠાં પાણીનાં સ્ત્રોત ચિંતાજનક રીતે ઘટી રહ્યાં છે. આપણે જરૂર પૂરતું જ પાણી વાપરીને તેને નકામું વેડફાતું અટકાવીએ. હંમેશા પ્રાઈવેટ વાહનનો ઉપયોગ કરવાને બદલે ક્યારેક કારપુલ કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઘટશે. આવાં સરળ, નાનાં નાનાં પગલાં પર્યાવરણને બચાવવા માટે મોટાં સિદ્ધ થશે.
સ્ત્રોત: ફેમિના નવગુજરાત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/5/2019