অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઉત્તર ગુજરાત વિસ્તારમાં ભૂગર્ભજળ વ્યવસ્થાપન

ઉત્તર ગુજરાત વિસ્તારમાં ભૂગર્ભજળ વ્યવસ્થાપન

ઉત્તર ગુજરાત વિસ્તારમાં ભૂગર્ભજળ વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય

ગુજરાત રાજયમાં ઉત્તર ગુજરાત વિસ્તાર રાજયનો ૨૫% વિસ્તાર ધરાવે છે. વિસ્તાર મોટો છે માટે અહીં ભૂસ્તરીય લાક્ષણિકતાઓમાં વૈવિધ્ય જોવા મળે છે. કેટલાક ભાગોમાં ડુંગરાળ વિસ્તાર છે જયારે અધિકત્તમ કાંપના વિસ્તાર આવેલા છે. અહીં કાંપના વિસ્તારો બે પ્રકારના છે: નદીની પાણીથી ઢસડાઇને આવેલો કાંપનો વિસ્તાર અને પવન દ્વારા પથરાયેલો કાંપનો વિસ્તાર. વિસ્તારની સમજ મેળવી લીધા પછી તેની મુશ્કેલીઓ વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઇએ. અભ્યાસ બાદ આવી મુશ્કેલીઓને સમજીને તેના નિવારણના પગલાઓ વિચારવા જોઇએ અને તેનું અમલીકરણ કેવી રીતે કરી શકાય તેનું આયોજન બનાવવું પડે. ઉત્તર ગુજરાત વિસ્તારની ભૂગર્ભજળને અનુલક્ષીને ઊભી થયેલી સમસ્યાઓ વિશે આ વિસ્તારના પ્રગતિશીલ ખેડતિ શ્રી રજુજી વરવાજી બોડાણા સાથે વાતચીત કરતાં તેમણે આ પ્રમાણે માહિતી આપી હતી:

સને ૧૯૫૦માં મારી ઉંમર લગભગ ૫(પાંચેક) વર્ષની હશે. એ વખતે મારા ખેતરોમાં બે કૂવા ઇંટ માટીના ચણતરના હતાં. બંને કૂવાઓની ઉંડાઇ અંદાજે ૧૮ હાથ એટલે કે, ૨૭ ફૂટ જેટલી હશે. એક કૂવો તો મેં બે-એક મહિના પહેલા જ પુરાવી દીધો અને બીજો કૂવો હજી પણ છે. સને ૧૯૫૦માં મારા ગામમાં લગભગ ૨૮ થી ૩૦ કૂવા હતા અને બધાની ઊંડાઇ લગભગ ૨૮ થી ૩૦ ફૂટ જેટલી હતી. એ વખતે ચોમાસામાં પાણીના સ્તર લગભગ ૫ થી ૭ ફૂટે રહેતાં અને ઉનાળામાં ઘટીને લગભગ ૧૨ થી ૧૫ ફૂટે જતાં રહેતાં. ત્યારે વિજળી કે મશીન ન હતાં. બળદ વડે કોશથી પાણી કાઢી પિયત કરતા હતાં. સાધનોમાં ચામડાનો કોશ, તેને બાંધવા લોખંડની ગોળ કાંબી, કાથી કે સુતર અથવા ચામડામાંથી બનાવેલી રાસડી, બે લાકડાની કાંઢો(થાંભલા), લાકડામાંથી બનાવેલું પૈડું, જેના બંને છેડે લોઢાના જાડા ખીલા(નેહળા) રહેતાં. બે તણાયા(પૈડું મૂકવા), બે લાકડાની આઘીઓ ઉપર મૂકતાં, નીચે ગરગડો બે લાકડાના ચોટીયા કાંણા પાડેલા તેના ઉપર મૂકતાં અને કોશનું પાણી ઠલવાય તે ઝુંડાની કીનારી ઉપર એક ગરગડી, જે બે કાણાં પાડેલા ખીંટાઓ ઉપર રહેતી. બળદો જોડવા માટે એક તરીલું લાકડાનું, બે બળદ અને કોશ હાંકનાર. આટલી સાધન સામગ્રી લગભગ એ વખતે રૂપિયા ૭૦ થી ૮૦માં તૈયાર થઇ જતી.

ચોમાસાના દિવસોમાં મારા એક કૂવામાં ૫ ફૂટે પાણીનું લેવલ રહેતું. એક કૂવો તો ભરાઇ જતો અને ઉપર ૩ થી ૪ ફૂટ પાણી અડધા ખેતરમાં ભરાઇ જતું. મારા ખેતરમાં ત્રણેક વિઘાનું એક તળાવ નીચાણા ભાગે હતું. જેમાં ચોમાસામાં સાતેક ફૂટ જેટલું પાણી ભરાતું અને ઉનાળામાં ૪ થી ૫ ફૂટ જેટલું પાણી કાયમ રહેતું. બારેમાસ આખા ગામનાં ઢોર ગાયો, ભેંસો, બળદ, ઊંટ, બકરાં, ઘેટાં અને જંગલી જાનવરો પાણી પીતાં. ખેતરમાં કે વગડે ગયેલાં ખેડૂતો કે ગોવાળો પણ આ પાણી પીવા માટે ઉપયોગ કરતાં અને બારેમાસ લીલોતરી રહેતી. સને ૧૯૬૫ સુધી તો આવું જ રળિયામણું, લીલોતરીએ હિલોળા લેતું અને આખાયે વગડામાં ઠંડક પ્રસરાવતું વાતાવરણ રહેતું. સને ૧૯૬૫માં અમારા પંથકમાં વધુ કમાણી કરવા અને ઓછી મહેનતે વધુ પાક(બીજાઓ માટે, આપણા માટે નહીં)લેવાની લાલચે અમે ગામમાં ૧૦ થી ૧૨ ક્રૂડઓઇલ એન્જીનો લાવ્યાં. જે શિયાળામાં પાંચ થી સાત વિઘાનું પિયત કરતા હતાં તે ૪૦ થી ૮૦ વિઘાનું પિયત કરવા માંડયાં.

હું પણ ૬ હો.પા.નું જામનગરની બનાવટનું એન્જિન લાવ્યો અને લગભગ ૬૦ થી ૭૦ વિઘાનું પિયત કર્યુ. આખા ગામમાં જે ૭૦ થી ૮૦ વિઘા પિયત થતું હતું તે વધીને લગભગ ૪૦૦ થી ૫૦૦ વિઘા થઇ ગયું. બે વર્ષમાં તો પાણીનાં લેવલ ૧૨ થી ૧૫ ફૂટ જેટલાં ઊંડા ઉતરી ગયાં. ઘણાં કૂવાઓના તળીયા ખુલ્લા થઇ ગયા અને પાણી ખૂટી ગયું. પછી અમે હાથ શારડા કરાવ્યા(જે દોરડાથી લોખંડની પા" ની પાઇપોથી ડ્રીલીંગ કરતાં તેને શારડો મૂકાવ્યો એમ કહેતાં) અને લગભગ ૩૨, ૪૨, ૫૨, ૬૨, ૭૨, ૯૨ અને ૧૦૨ ફૂટ જેટલી ઊંડાઇનાં શારડા કરાવ્યાં. પૈસાની લાલચે વધુ ખર્ચા કરીને પણ વધુ કમાણી પર્યાવરણના ભોગે(સરકારની હરિતક્રાંતિના વાવાઝોડામાં) વધુને વધુ પાણી ખેંચતા રહ્યા. ખોટી મહેનત, મજુરી અને ખર્ચાઓ કરતાં રહ્યાં. આ બધુ ઉદ્યોગોના લાભ માટે થયું. મશીનો નાના પડતાં ૬ હો.પા.ના બદલે ૮ હો.પા., ૧૦ હો.પા., ૧૨ હો.પા., ૧૫ ને ૨૦-૨૦ હો.પા. સુધીનાં મશીનો મૂકી પાણી ખેંચે રાખ્યાં. જે ક્રૂડ ઓઇલનું પીપ ૨૦૦ લીટરનું રૂપિયા ૨૫માં મળતું અને મોવીલ ઓઇલનો ૨૦ લીટરનો ડબ્બો રૂપિયા ૧૨માં મળતો તેનાં રૂપિયા ૭૦૦ ક્રૂડના અને રૂપિયા ૧૫૦ થી ૨૦૦ મોવીલ ઓઇલના થયા. ખેતી એટલી મોંઘી થઇ કે દેવાં કરીને ખેતી કરતા રહ્યાં. પછી સને ૧૯૮૧-૮૨ માં વિજળી આવી. જે પહેલાં બીજાલોકો ૭ પૈસે યુનિટે વાપરતાં તે અમારે ત્યાં આવી ત્યારે ૮૭ પૈસે યુનિટના હતાં. પરંતુ કપડાં કે હાથ કાળા ન્હોતા થતાં તેથી સૌએ અપનાવી ને ટયુબવેલ કરાવ્યા, જેનો ખર્ચ રૂપિયા ૩ થી ૪ લાખ થાય. આ દેવામાંથી છૂટવા વધુ ને વધુ જમીન પિયત હેઠળ લાવતા રહ્યાં અને જમીનમાંથી પાણી ખેંચતા રહ્યાં. સને ૧૯૮૦માં જે પાણી ૪૦ થી ૫૦ ફૂટના લેવલે હતાં તે પાણી ઊંડાને ઊંડા જતાં ગયાં. શારડા કામ આવતાં બંધ થયા એટલે મશીનવાળી શારકામની રીંગોથી ૩૦૦ થી ૪૦૦ ફૂટનું ડ્રીંલીંગ કરી હજારો વર્ષ પહેલાનું સંગ્રહાયેલું પાણી ઉલેચવા લાગ્યાં. આ ૩૦૦ થી ૪૦૦ ફૂટ સુધી ખાલી કરીને હવે ૮૦૦ થી ૧૫૦૦ ફૂટ સુધીનું ડ્રીલીંગ કરીને ૬૦ થી ૧૦૦ હો.પા. સુધીની મોટરો(સબમર્સિબલ પંપ) મૂકીને હવે પાણી ખેંચી રહ્યા છીએ.

પાછલા ૪૦ થી ૫૦ વર્ષની સ્થિતિ ઉપર નજર નાખીએ છીએ તો ભૂતકાળમાં જે બળદ અને કોશની મદદથી ખેતી કરતાં ત્યારે કોઇ પણ જાતનું ખર્ચ ખેતી માટે ન્હોતું. ઘરના બળદ, ઘરનું બિયારણ અને પોતાની જાત મહેનત આટલાથી ખૂબ સારી રીતે ગુજરાન ચાલતું અને ઉનાળામાં એકાદ વિઘો રજકો કે રજકા-બાજરી, જુવારનું વાવેતર ઢોર માટે કરતાં અને નવરાને નવરા રહીને મહેમાનગતી માણતાં. દશ-દશ દિવસની મહેમાનગતી કરતાં અને કરાવતાં પણ સમયની તાણ કદીએ ન્હોતી પડતી. પરંતુ હવે આટઆટલી સગવડો, સુવિધાઓ વધી, સાધનો વધ્યાં, ટ્રેકટરો અને બીજા ખેત ઓજારોથી ખેતી કરતાં થયાં તોયે સમયની ખૂબ જ તાણ(ખેંચ) વરતાય છે. પહેલાં દુષ્કાળ પડતાં તો અનાજની તંગી જરૂર વરતાતી, ઘાંસની થોડી તંગી વરતાતી પણ પાણીની તંગી ન્હોતી પડતી. તેની જગ્યાએ હવે આટઆટલાં સાઘનો હોવાં છતાં પણ પાણીની ખેંચ ખૂબ જ વર્તાય છે. એનું કારણ પૈસાની લાલચમાં પાણીને ખેંચીને ધરતી માતાનું હીર ચુસી લીધું તે છે. રહી જતું હતું તે રાસાયણિક દવાઓ અને ખાતરોનો જરૂર કરતાં વધુ ઉપયોગ કરી વધુ પાણીની જરૂરિયાતો વ્હોરી લીધી અને હાઇબ્રીડ બિયારણો અને જંતુનાશક દવાઓને કારણે ખર્ચા વધ્યા. એટલું જ નહીં પણ નવા-નવા રોગોનો પગ પેસારો પણ વધારે થઇ ગયો.

અમે આ બધું કર્યુ ઉદ્યોગોને માટે. ખેડૂતને સબસીડીઓ આપીને મરવાના વાંકે જીવતો રહે અને ઉદ્યોગોના માટે કાચો માલ(રો મટીરીયલ) પૂરો પાડતો રહે તેવી પરિસ્થિતિએ લાવી મૂકયો. પાછલા વર્ષો પર નજર કરતાં લાગે છે કે, અમે જે ઉપર જ પાણી હતાં તેને ખેંચીને પૈસા કર્યા અને તે પૈસાથી મશીનો(ક્રૂડ ઓઇલ એન્જિનો વસાવ્યા) લાવ્યાં અને મશીનોથી વધુ પાણી ખેંચી પાછા પૈસા કર્યા. પાછા પાણી ઉંડા જતાં ઇલેકટ્રીક મોટરો વસાવીને વધુ પાણી ખેંચ્યું. આથી પાણી ખૂબ જ ઊડું જતાં હવે ટયુબવેલ કરીને દેવાં કરીને સબમર્સિબલ પંપો મૂકયાં અને હવે દેવાના બોજતળેથી ઊંચા આવી શકીએ તેમ નથી, કારણ કુદરતમાંથી મફત મળતા પાણીના અમે પૈસા કર્યા અને એ પૈસાનું પાછું પાણી કર્યુ. આમ રેંટ ચાલતો રહ્યો ને હવે આનાથી પાણી તો ઊંડા જશે(અને જશે જ) તો હવે ખેતી કેમ કરવી તે કોયડો ઉકલે તેવો નથી, સિવાય કે નર્મદા જેવી નદીઓનું પાણી દરેક ખેડૂતનાં ખેતર સુધી પહોંચે અને ગ્રીનહાઉસને ડ્રીપ ઇરીગેશન દ્વારા પાણીનો વપરાશ ઘટાડીને વધુ ઉપજ લેવાય. ઓછા પાણીએ વધુ ઉપજ આવે તેવા પાકોનાં સંશોધનો થતાં રહે. ડ્રીપઇરીગેશન કે ફાઉન્ટેશન ઇરીગેશન માટે સરકારે વધુ સબસીડી ૯૦ થી ૯૫ % આપીને ખેડૂતોને ઓછા પાણીએ ખેતી કરવા પ્રોત્સાહિત કરવા જોઇએ. ખેતરોમાં શેઢાપાળા માટે પણ ૮૦ થી ૯૦ % સબસીડી આપીને ખેતરનું પાણી ખેતરમાં રહે, બહાર વહી ન જાય તેમ કરવું જોઇએ. જયાં વધુ પાણી વહી જતું હોય ત્યાં ચેકડેમ બાંધીને પાણીનો સંગ્રહ કરવો જોઇએ. વધુ મદદ કરી ખેત તલાવડીઓ બાંધવા પણ સહાય કરવી જોઇએ.

વળી ખેડૂતોએ પકવેલ પાકોનું પ્રોસેસીંગ ગામડા લેવલે થાય અને ખેડૂતોનો માલ બગડે નહીંં. વચેટીયા ઓછા થઇ માલ સીધો વાપરનારના હાથમાં પહોંચે તેવી ગોઠવણ થવી જોઇએ. જેથી કરીને પાણીનો બગાડ ઓછો થાય અને ખેડૂતનું જીવન ધોરણ પણ ઊચું આવે. હાલતો ખેતીની ઉપજમાંથી અવસરો કાઢવા, ગુજરાન ચલાવવું, છોકરાને ભણાવવા અને સમાજમાં પ્રતિષ્ઠા સાથે ટકી રહેવું ખેડૂત માટે મુશ્કેલ છે. સરકારે અને ઉદ્યોગપતિઓએ પણ સમજવા જેવું છે કે, ખેડૂત અને ખેતી નહીં હોય તો લાંબાગાળે ઉદ્યોગો પણ નહીં રહે. પાણી વિના ઉદ્યોગો પણ પડી ભાંગશે માટે પાણીનો જતનથી ઉપયોગ થાય તે માટે સરકારશ્રી સાથે ઉદ્યોગોએ પણ મદદ કરવી જોઇએ. નહીંતર હવે પાણીના પૈસા કરીને પછી પૈસાનું પાણી કરતાં કરતાં ખેડૂત થાકી ગયો છે અને પાણી પણ થાકયું છે, તો હવે દરેકે જાગવાનો સમય આવી ગયો છે. મારા ખેતરમાં જે તળાવ હતું અને બારેમાસ પાણી રહેતું હતું તે છેલ્લા ૨૦ વર્ષથી સુકાઇ ગયું છે અને આજે એમાં પણ ખેતી થાય છે. વરસાદ એટલો વરસતો નથી કે એ તળાવ ભરાય. કોઇ સાલ વધુ વરસાદ થાય અને તળાવ ભરાય તો આઠ દિવસમાં તો પાણી જમીનમાં ઉતરી જાય છે. પાણી હવે ભરાઇ રહેતું નથી. વળી જે કૂવામાં ચોમાસામાં ઉપર પાણી છવાઇ જતું હતું તેવું હવે થતું નથી. કોઇ વર્ષે સારો વરસાદ આવે અને કૂવા ઉપર પાણી ભરાઇ જાય તો બીજા દિવસે જ તળીયું દેખાઇ જાય છે. કારણ હમણાં અમારા ગામે પાણીનાં લેવલ ૫૦૦ ફૂટે છે અને બીજા ગામોમાં તો ૮૦૦ થી ૧૦૦૦ ફૂટે છે. આતો મેં મારા ગામની વાત કરી પણ અમારા આખાયે પંથકમાં આનાથી પણ વીકટ પરિસ્થિતિ છે. અમારા આખાએ ઉત્તર ગુજરાતની પરિસ્થિતિ આવી જ છે. અમે મહેસાણા જિલ્લામાં જે પાણીના પૈસા અને પૈસાનું પાણી કર્યુ તેવું હાલ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓ પણ કરી રહ્યા છે.

અમારા ગામે સુજલામ સુફલામની નહેરનું પાણી ગયા વર્ષથી શિયાળુ સીઝનમાં અપાય છે. તેથી પાક તો થાય જ છે, પણ ટયુબવેલોમાં જયારે ટયુબવેલ બંધ હોય ત્યારે ઉપરનું પાણી નીચે વેલમાં પડતું સંભળાય છે. તેથી નર્મદાનું પાણી જમીનમાં રીચાર્જ થાય છે એમ જણાય છે.

વિનીત કુંભારાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate