ભારતવર્ષના ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓના સમૂહથી બનતો વિસ્તાર બુંદેલખંડ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરપ્રદેશના દક્ષિણ અને મધ્યપ્રદેશના પૂર્વભાગથી આ વિસ્તારનું નિર્માણ થયું છે. આ એક પહાડી વિસ્તાર છે. ભૌગોલિક દ્રષ્ટિથી વાત કરીએ તો બુંદેલખંડના ઉત્તર દિશામાં યમુના નદી અને દક્ષિણ દિશામાં વિન્ધય પર્વતશૃંખલા, પૂર્વમાં બેતવા નદી અને પશ્ચિમમાં તમસા(ટૌસ) નદી આવેલી છે. બુંદેલખંડ બુંદેલ રાજાઓના શાસનથી પ્રસિદ્ઘ છે જેની સ્થાપના ૧૪ શતાબ્દિમાં થઇ હતી. એમની પહેલા આ પ્રદેશમાં જુઝૌતિ નામે ઓળખાતો હતો. નવમી શતાબ્દિ સુધી આ વિસ્તારમાં ચંદેલ રાજાઓનું શાસન હતું.
બુંદેલી અહીની મુખ્ય બોલી છે જે હિન્દી ભાષા જેવી છે. ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતા હોવા છતાં પણ અહીં એકતા અને સમરસતા છે જેને કારણે આ વિસ્તાર ખૂબ જ અનન્ય છે. બુંદેલખંડ એક અનોખો આગવો ઇતિહાસ અને વિવિધ સંસ્કૃતિ ધરાવે છે. અહી જન્મેલી આલ્હા, ઉદલ, કવિ પ્રભાકર ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ જેવી અનેક વિભૂતિએ ફકત બુંદેલખંડ નહી પણ ભારતવર્ષનું નામ દુનિયામાં રોશન કરેલું છે. ઇતિહાસ, સંસ્કૃતિ અને ભાષાના મુદ્રે બુંદેલખંડ ખૂબ જ વિશાળ છે. આલ્હા અને ઉદલ બુંદેલખંડના એવા સેનાપતિ હતા જે કદી યુદ્ઘમાં હાર્યા ન હતા. લોકમાન્યતા તો એવી છે કે, આલ્હા તો હજુ પણ જીવીત છે. અહીના રહેવાશી આલ્હાને મૃત વ્યકિત તરીકે સ્વીકારતા નથી. વાસ્તવમાં અહી સાચી સામાજિક, આર્થિક અને ભાવનાત્મક એકતા છે. શ્રાવણ મહિનામાં બુંદેલખંડ વિસ્તારના દરેક ક્ષેત્રમાં 'કજલી" મેળાનું આયોજન કરવામાં આવે છે આ મેળામાં ભાતિગળ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પરંપરાગત સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. કજલી મેળાના ઇતિહાસમાં ડોકિયું કરીએ તો, વરસાદની ઋતુ શરૂ થવાની હોય એ પહેલા એક નાનકડા માટલામાં ખેતરની માટી ભીની કરી ભરવામાં આવે અને તેમાં અનાજના દાણા ઓરવામાં આવે છે. પંદર દિવસ બાદ દરેક બહેનો આ મટકાને પોતાના માથે ઉપાડીને એક મેદાનમાં એકત્ર થતી અને કેટલા દાણા ઉગી નીકળ્યા છે તેની ચકાસણી કરવામાં આવતી. આમ, આ રીતે દેશી બિયારણની તાકાત કેવી છે તે જોવામાં આવતી. આ મેળવડાને કજલી મેળા તરીકે નામ આપવામાં આવેલું છે. એક માન્યતા એવી પણ છે કે, આલ્હા અને ઉદલની શૂરવિરતાના માનમાં દર વર્ષે શ્રાવણ વદ પાંચમના દિવસે કજલી મેળાનું આયોજન કરવામાં આવે છે.
બુંદેખંડના પ્રાચીન ઇતિહાસના સંબંધમાં સર્વાધિક મહત્વપૂર્ણ માન્યતા એ છે કે, આ વિસ્તાર ચેદી વંશનો સમૂહ છે. કેટલાક વિદ્ઘાનો ચેદી વંશના રહેવાશીઓના વિસ્તારને જ બુંદેલખંડ ગણે છે. પૌરાણિક સમયમાં બુંદેલખંડ ઉપર પ્રસિદ્ઘ શાસકોએ રાજ કર્યુ હતું જેમાં ચંદ્રવંશી રાજાઓની શૃંખલા ઉલ્લેખનિય છે. મોર્ય, ગુપ્ત, કલચુરીયો, ચંદેલ, બુંદેલ અને મરાઠાઓના શાસનકાળ પછી બુંદેલખંડ બ્રિટીશશાસનમાં વિલિન થયું હતું અને એવું પણ કહેવાય છે કે, સ્વતંત્રતાની પ્રથમ ચળવળની ચિનગારી બુંદેલખંડ વિસ્તારમાંથી જ પ્રગટ થઇ હતી.
આઝાદી પછી બુંદલેખંડના રહેવાશીઓએ પોતાના પરંપરાગત જ્ઞાન અને કૌશલ્યથી અનેક તળાવો બનાવ્યા હતા. એ સમયે આજના સમય પ્રમાણે કોઇ એન્જિનિયર ન હતા. પરંપરાગત વિચક્ષણ જ્ઞાન ધરાવતાં ગામલોકો જ સાથે મળીને કયાં તળાવ બનાવી શકાય તેમ છે તેની ચર્ચા-વિચારણા કરતા હતા, ચર્ચા-વિચારણા બાદ સાચી જગ્યા પસંદ કરવામાં આવતી અને એ બાદ સર્વાનુમતે તળાવ ખોદવાની કામગીરી સામૂહિક રીતે કરવામાં આવતી હતી. તળાવો બનાવ્યા બાદ એ બધા તળાવોના સંરક્ષણ અને વ્યવસ્થાપનની પણ એમની અનોખી રીત વિકસાવી હતી. વરસાદની ઋતુ શરૂ થાય એ પહેલા બુંદેલખંડના ગામોમાં લોકો તળાવ પાસે એકત્ર થાય, તળાવની સફાઇ કેવી રીતે કરવી અને તળાવ પાણીથી ભરાઇ ગયા બાદ તેના પાણીનો ઉપયોગ કેવી રીતે કરવું તેનું આયોજન તેઓ કરતાં હતા. તળાવો તેમના જીવનું એક અનિવાર્ય અંગ બનેલું હતું. કોઇપણ તહેવાર તળાવોના કિનારે ઉજવવાની તેમની પરંપરા હતી....પણ આજે સરકારની ઉપેક્ષા અને લોકજાગૃતિના અભાવે બુંદેલખંડના આશરે ૬૦૦૦ તળાવો નષ્ટ થવાની અણી ઉપર છે. કેટલાક તળાવોના તો નામોનિશાન જોવા મળતા નથી. કેટલાક તળાવો ઉપર ગેરકાયદેસર દબાણ તો કેટલાક તળાવો માનવસર્જિત તિવ્ર પ્રદૂષણનો ભોગ બની ગયા છે. આમ થવાનું કારણ એવું માનવામાં આવે છે કે, ઇ. સ. ૧૯૭૨ માં સરકાર દ્વારા ગામડાઓમાં હેન્ડપંપ લગાવવાની શરૂઆત કરવામાં આવી અને ધીરે-ધીરે લોકો પોતાની પરંપરાગત તળાવ સંસ્કૃતિને ભૂલતાં ગયા....પણ બુંદેલખંડના કેટલાક વિસ્તારમાં આજે પણ તળાવ સંસ્કૃતિ જીવંત છે, અલબત્ત લોકજાગૃતિનો અભાવ છે. મહોબા અને ચરખારી આવા વિસ્તારના નામ છે.
ઉત્તરપ્રદેશમાં મહોબાને સરકાર દ્વારા થોડા સમય પહેલા જિલ્લો તરીકે જાહેર કરેલો છે. મહોબા મથકમાં કુલ ત્રણ મોટા વિજયસાગર, મદનસાગર અને કિરતસાગર તળાવો આવેલા છે. વિજયસાગર તળાવનો વિસ્તાર અંદાજે ૭૦૦ થી ૯૦૦ એકર જેટલો છે. એજ પ્રમાણે મદનસાગર અને કિરતસાગર તળાવો પણ પ૦૦ એકરથી વધારે વિસ્તાર ધરાવે છે. રાષ્ટ્રિકૃત 'લેક કન્ઝરવેશન" યોજના હેઠળ હાલમાં વિજયસાગર તળાવને નવપલ્લિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં મદનસાગર અને કિરતસાગર તળાવના વિકાસ કાજે કાર્ય કરવામાં આવશે. જોકે આ તળાવોના વિસ્તારમાં અનઅધિકૃત દબાણો થયા છે જેને હવે કાયદેસરની માન્યતા પણ મળી ગઇ છે એટલે હવે જે તળાવનો વિસ્તાર બચ્યો છે તેના રક્ષણ માટેની કામગીરી કરવાની તાતી જરૂરિયાત છે.
મહોબા જિલ્લાનો ચરખારી તાલુકો મહોબા મથકથી પચ્ચીસ કિ.મી.ના અંતરે આવેલો છે. આજના મધ્યપ્રદેશ પ્રાંતના ઇશાનગર, મલખાનપુર, ચંદલા, જુનારનગર, રાણીપુર અને ચરખારી રાજાશાહીના સમયમાં સ્ટેટનો દરજ્જો ભોગવતા હતા. ચરખારી સ્ટેટ સૌથી વધારે(એ સમયના આશરે ૧૩.૫૦ લાખ રૂપિયાની)આકરણી(લગાન) મેળવતું સ્ટેટ હતું. આશરે ૧૦૦૦ વર્ષ પહેલા ચંદેલકાલીન સમયમાં બુંદેલખંડમાં તળાવો બનાવવામાં આવ્યા હતા. ચરખારીમાં આવેલા તળાવો એકબીજા સાથે જોડાયેલા છે. ચરખારીમાં આ તળાવોનું નિર્માણ એવી રીતે કરવામાં આવેલું છે કે, વરસાદી પાણીનું એક પણ ટીંપુ ચરખારીમાંથી બહાર જતું નથી. આ તળાવોના નામ આ પ્રમાણે છે: કોઠી તળાવ, જયસાગર રપટ, મલખાનસાગર, બેસિયત, ગોલાઘાટ, ગુમાન બિહાર તળાવ, રતનસાગર, મંડનાસાગર, દેહુલીયા. આ તળાવના નિર્માણમાં ચંદેલવંશી રાજા બહાદૂરસિંહ, વિજયસિંહ, જયસિંહ અને મલખાનસિંહનો ફાળો મહત્વનો છે.
આ તળાવો ચરખારીની ચારે તરફ ફેલાયેલા છે. ચરખારીમાં શહેરની બહાર મહોબાના વિજયસાગર તળાવનો આ ભાગ અહીં કોઠી તળાવ(કોઠીતાલ) તરીકે પણ જાણીતું છે. અહીં તળાવના કિનારે એક નાનકડો મહેલ(કોઠી) બાંધવામાં આવેલો છે. કોઠીની નજીક મહાદેવનું મંદિર છે જેમાં મહાદેવનું શિવલીંગ મંદિરના ગર્ભગૃહમાં છે જયારે મંદિરની બહાર તળાવના કિનારે મહાદેવની પ્રતિમા છે. વિજયસાગર તળાવનું જોડાણ જયસાગર તળાવ સાથે કરવામાં આવેલું છે. જયારે વિજયસાગર તળાવ પાણીથી ભરાય જાય ત્યારે કિનારા પાસે આવેલી મહાદેવની પ્રતિમાના પગના અંગુઠાને પાણી અડકે એટલે આ તળાવનું પાણી નાલા દ્વારા જયસાગર તળાવમાં આવે છે. જયસાગર તળાવમાં વાસુદેવ-બાળ કૃષ્ણની પ્રતિમા છે. વાસુદેવના મસ્તક ઉપર વાંસના સુંડલામાં સુતેલા બાળ કૃષ્ણના પગના અંગુઠાને પાણી અડકે એટલે જયસાગર તળાવનું પાણી મલખાનસાગરમાં જાય છે.(હાલના સમયમાં જયસાગર તળાવમાં એક નાનકડું મંદિર દેખાય છે, પણ ઉપર જણાવ્યા પ્રમાણેની પ્રણાલી જોવા મળી ન હતી) આ પ્રમાણે એક પછી એક તળાવમાં પાણી ઠલવાતું રહે છે અને છેલ્લે રતનસાગર તળાવમાં આવે છે. દરેક તળાવ આશરે વીસ ફૂટ ઊંડા છે. કોઠી તળાવમાં તળાવની વચ્ચે જઇ શકાય તેવી રીતે પાકો રસ્તો બનાવેલો છે અને વચ્ચે ગોળાકાર પાકું સ્ટ્રકચર(ભુજના હમીરસર તળાવમાં જેમ લખોટો છે એવું)બનાવવામાં આવેલું છે. અહીં કાફેટેરિયા બનાવીને પર્યટન સ્થાન તરીકે વિકસાવાનું આયોજન કરવામાં આવેલું હતું પણ કેટલાક અનિવાર્ય કારણોસર આ આયોજન પૂર્ણ થવા પામ્યું નથી. જયસાગર તળાવમાં કમળના ફૂળ પૂષ્કળ પ્રમાણમાં થાય છે. શહેરની અંદર આવેલા અન્ય તળાવોની હાલત કોઠી તળાવ અને જયસાગર તળાવ કરતાં બદતર છે. શહેરની અંદર આવેલા તળાવો માનવસર્જિત પ્રદૂષણથી દૂષિત થયેલા છે. મલખાનસાગર તળાવના એક કિનારા પાસે તો શાકભાજી વેચનારાઓનો કબ્જો છે. અહીં પહેલા શાકભાજી વેચનારા ગેરકાયદેસર બેસતા હતાં જેને કારણે તળાવની સુંદરતાની સાથે તેના પાણીનો પણ બગાડ થઇ રહ્યો હતો. જનજાગૃતિના કારણે તેમને ત્યાંથી હઠાવવામાં આવ્યા. શાકભાજી વેચવા માટે શહેરમાં બીજી કોઇ વ્યવસ્થા ઊભી શકે તેમ ન હતી. આથી આ વેપારી વર્ગે રાજકારણનો સહારો લીધો. અણધડ નીતિ અને ગંદા રાજકારણને કારણે આ વેપારી વર્ગને તળાવ પાસેની જગ્યા કાયદેસર રીતે ફાળવી દેવામાં આવી. ખેર, લોકજાગૃતિનો જુવાળ ફરી ઊભો થાય તો આ સુંદર તળાવોની રચનાઓ વધુ દૂષિત થતી બચી શકે. ચરખારીના પૂર્વ મેયર અરવિંદસિહે ચરખારીના તળાવોના રક્ષણ માટેની ઘણી કામગીરી કરી છે અને હજુ પણ કામગીરી નિષ્ઠાથી કરી રહ્યા છે.
વર્ષ ૨૦૦૮માં દુકાળની પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે ચરખારીના રહેવાસીઓ માટે આ તળાવોનું મહત્વ વિશેષ રહ્યું. ચરખારીના રહેવાસીઓ આ તળાવોની સફાઇની અને તેને સ્વચ્છ રાખવાની જવાબદારી પોતાના ઉપર લીધી છે. જયારે દુકાળ પડે છે ત્યારે સૌથી વધારે કષ્ટ સમાજે ભોગવવું પડે છે નહી કે સરકારે...આ પ્રકારની વિચારધારાનો ફેલાવો થયો ત્યારે ઘણા લોકો પોતાની નૈતિક ફરજ સમજીને તળાવ સફાઇ અભિયાનમાં સ્વયં જોડાયા હતા. લોકોને તળાવો પ્રત્યે સંવેદનશીલ કરવાની ફરજ મહોબાના પુષ્પેન્દ્રસિંહે નિભાવી હતી.
શું પાણીનું પુનરોત્થાન થઇ શકે..?! વ્યાકરણના દ્રષ્ટિકોણથી આ વાકયરચના થોડી અટપટી છે પણ બુંદેલખંડનું વ્યવહારીક વ્યાકરણ આજે આ જ છે. બુંદેલખંડમાં તળાવોની સંસ્કૃતિ ભુલાઇ જતાં પાણીનું વ્યાપારીકરણ થઇ ગયું હતું. વ્યાપારીકરણની આ બજારમાંયી સમાજને મુકત કરવા માટે પુષ્પેન્દ્રસિંહે પાણીનું પુનરોત્થાન કરવાની સમાજમાં પહેલ કરી છે.
'હા, આ પાણીનું પુનરોત્થાન છે. વ્યવસાયિક બજાર સમાજથી પાણી છીનવી રહ્યું છે. આ બજાર દિવસે ને દિવસે વધતી જાય છે. આ બજારને આગળ વધતી રોકવા માટે અમે બુંદેલી નવયુવકોની ટોળીઓ બનાવેલી છે. આ 'બુંદેલી જળ પ્રહરી" પાણીનું બજાર આગળ વધતું અટકાવશે અને પાણી સમાજને ઉપલધ્ધ કરાવશે. સમાજ એ પાણીની બચત કરશે અને તેનું પુનરોત્થાન કરશે."પુષ્પેન્દ્રસિંહના આ શબ્દોમાં ભારોભાર આત્મવિશ્વાસ છે અને તેમણે આ આત્મવિશ્વાસ લોકોમાં ટકાવી રાખવા જહેમત ઉઠાવી છે. પુષ્પેન્દ્રસિંહ જેવા જ વિચારો ધરાવતાં અને તળાવો બચાવવાની કામગીરીમાં મહત્વનું યોગદાન આપનારા ચરખારી તાલુકાના પૂર્વ ચેરમેન અરવિંદસિંહ પણ કહે છે કે, 'તળાવો હંમેશા સમાજની સંપત્તિ છે. તળાવો ઉપર લોકોનો સામૂહિક હક્ક છે. સરકારે તળાવોને ખાનગી સંપત્તિ તરીકે ગણી લીધી છે. તળાવો જેવી મહામૂલી સંપત્તિ ફરી સમાજના હાથમાં આવે એ માટે સમાજમાં લોકજાગૃતિ હોવી અત્યંત જરૂરી છે."
પુષ્પેન્દ્રસિંહ કેવળ મહોબા અને ચરખારી પૂરતાં તળાવો બચાવવાની કામગીરી નથી કરતાં પણ તેઓ સમગ્ર બુંદેલખંડમાં પાણીના પુનરોત્થાનનું અભિયાન ચલાવવા માગે છે. આ અભિયાનમાં સમાજ પણ સાથ આપે તથા લોકો તેને પોતાનું કાર્ય સમજીને કરે એવી એમની ઇચ્છા છે. તેમના જેવા અન્ય સમાજસેવકો પણ આ ભગીરથ કાર્યમાં જોડાયેલા છે. સર્વોદય સેવા આશ્રમના અભિમન્યુસિંહ, રાજસ્થાન લોકસેવા આયોગની નોકરી છોડીને આવેલા પ્રેમસિંહ, લોકેન્દ્રસિંહ, ડો. ભારતેન્દ્રુપ્રકાશ જેવા અનેક મહાનુભાવો આ અભિયાનમાં તેમની સાથે જોડાયેલા છે.
છત્તરપુર(મધ્યપ્રદેશ)નગરપાલિકાના અધ્યક્ષ સરદાર પ્યારાસિંહએ તળાવના સફાઇની જવાબદારી પોતાના માથે લીધી છે: 'છત્તરપુરમાં ગ્લાવ મગરા, પ્રતાપસાગર, રાણી તળાવ અને કિશોરસાગર જેવા અનેક તળાવો છે. હું સંકલ્પ લઉં છું કે, અધ્યક્ષ તરીકેનો મારો સમયકાળ પૂર્ણ થાય એ પહેલા આવા અનેક તળાવોની સફાઇ હું કરાવીશ."
આવા અનેક મહાનુભાવોની સાથે સરકારી વિભાગના અધિકારીઓ પણ અહીના તળાવોને બચાવવાની કામગીરી સાથે જોડાયેલા છે. મહોબા જિલ્લાના કલેકટરશ્રી અનુજકુમાર ઝા ને જયારે ખ્યાલ આવ્યો કે, મહોબાના વિજયસાગર તળાવના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો કરવામાં આવેલા છે ત્યારે તેમણે સરકારશ્રી તરફથી ફરિયાદી તરીકે એકી સાથે ૨૦૦ લોકોની સામે ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે તેમણે અસામાજિક તત્વો સાથે ઘર્ષણમાં ઉતરવું પડયું હતું.
જયારે પુષ્પેન્દ્રસિંહ કલેકટરશ્રીને મળ્યા ત્યારે તેમણે કહ્યું કે, 'ઘર્ષણમાં ઉતરવું આપણું કાર્ય નથી. તળાવો બચાવવા આપણું કાર્ય છે. આપણે આપણું ધ્યાન ગેરકાયદેસર દબાણયુકત તળાવના વિસ્તાર ઉપર નહી પણ જે તળવાનો વિસ્તાર દબાણથી બચી જવા પામ્યો છે તેના ઉપર કેન્દ્રિત કરીએ. આમ કરવાથી કાર્ય સરળતાથી અને શાંતિથી થશે." કલેકટરશ્રી ઉપર આ વાતની ગંભીર અસર થઇ. તેમણે તળાવ બચાઓ અભિયાન ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યુ અને સરકારશ્રીમાં રજૂઆત કરીને વિજયસાગર તળાવને લેક કન્ઝરવેશન સ્કીમમાં સામેલ કરાવ્યું. હાલમાં તેઓ મહોબાના અન્ય બે મહત્વના તળાવો કિરતસાગર અને મદનસાગર તળાવોને પણ લેક કર્ન્ઝરવેશનમાં સામેલ કરવાની કોશીષ કરી રહ્યા છે.
બેંગલોર સ્થિત આરગ્યમ સંસ્થાના સહયોગથી દિલ્હીમાં ઇન્ડિયા વોટર પોર્ટલ નામે એક વેબસાઇટ સ્થાપિત કરવામાં આવી છે. ઇન્ડિયા વોટર પોર્ટલ સાથે કેસરજી અને મિનાક્ષીજી જોડાયેલા છે. કેસરજી અને મિનાક્ષીજી મહોબા અને તેની આસપાસના આવેલા ગામોમાં ખેડૂતો ખેત તલાવડી બનાવે અને ખેતી કરે એવી ઝુંબેશ ચલાવી રહ્યા છે. આ કાર્યમાં પણ મહોબાના પુષ્પેન્દ્રસિંહ તેમની સાથે છે. કેસરજી અને મિનાક્ષીજી ખેડૂતોને ખેતરમાં ખેત તલાવડી બનાવવા માટે શકય એટલી મદદ કરી રહ્યા છે. મહોબામાં આયોજિત કરવામાં આવેલા કજલી મેળામાં ખેત તળાવડી બનાવનાર ખેડૂતોના સન્માનનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો હતો. ખેત તળાવડીની ઝુંબેશ કેવી રીતે શરૂ થઇ ?
મહોબાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને સંર્પૂણપણે ખેતી આધારિત જીવન નિભાવતા ખેડૂત બિસંભરસિંહ પાસે આશરે ૨૪ એકર સૂકીખેતીની જમીન છે. દર વર્ષે તેઓ વરસાદ પહેલા આ જમીનમાં વાવણી કરે છે. બિસંભરસિંહ ખેતી કાર્યો સંબંધિત ખર્ચાઓની હંમેશા નોંધ રાખે છે. આ બાબતે તેમણે એક વખત અભ્યાસ કરતાં નોધ્યું કે, ૨૪ એકરની જમીનમાંથી ઉપજ મહેનતના પ્રમાણમાં મળતી નથી. ૨૦ એકરની પિયતખેતીમાં જે મહેનત કરવી પડે એટલી મહેનત આ ૨૪ એકરની સૂકીખેતીમાં કરવી પડે છે. તેમણે આ બબતે ઊંડાણપૂર્વક મનોમંથન કર્યુ અને પોતાની ચાર એકરની જમીનમાં વરસાદી પાણી એકત્ર કરવાનો વિચાર આવ્યો. ખેતરમાં બનાવેલી ખેતતળાવડીમાં વરસાદી પાણી એકત્ર કરેલું હોય તો પાકને જયારે કટોકટીનું પિયત આપવાની જરૂરિયાત ઊભી થાય તો આપી શકાય અને વધુ ઉપજ મેળવી શકાય. તેમણે સ્વયં જાત મહેનતથી પોતાના ખેતરમાં ચાર એકરમાં ખેતતળાવડીનું નિર્માણ કર્યુ. ૨૦ એકરમાં વાવેતર કર્યુ. વરસાદ થયો. ખેતતળાવડીમાં પાણી એકત્ર થયું. કટોકટીના યોગ્ય સમયે સમયે પિયત આપ્યું અને ઉપજ વધારે મળી તથા ખર્ચમાં રાહત મળી. પોતાના આ પ્રયોગની જાણ તેમણે મિત્રવર્તળમાં કરી ત્યારે તેમના કેટલાક મિત્રોએ પણ આ પ્રયૌગ કરવાની ઇચ્છા વ્યકત કરી. બિસંભરસિંહે પોતાના તરફથી શકય એટલી મદદ કરી અને અન્ય ખેડૂતોને પણ ખેતતળાવડી બનાવવા માટે પ્રેરણા આપી. વાત ફેલાતી ગઇ. કેસરજી, મિનાક્ષીજી, પુષ્પેન્દ્રસિંહે બિસંભરસિંહના ખેતરની મુલાકાત લીધી અને તેમણે કરેલા કાર્યનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. અભ્યાસના અંતે તેમને લાગ્યું કે ખરેખર આ ખેત તલાવડી સૂકી ખેતી કરતાં ખેડૂતો માટે ફાયદાકારક છે. આ આખી વાત એ પછી જિલ્લા કલેકટરશ્રી અનુજકુમાર ઝા સુધી પહોચી. તંત્ર પણ આ ઝુંબેશમાં જોડાયુ. કલેકટરશ્રીએ પણ આખી વાતમાં ઊંડાણપૂર્વક રસ લીધો. જે લોકોએ ખેત તલાવડી બનાવી હતી એ ખેતરોની તેમણે પણ મુલાકાતો લીધી. સૂકી ખેતીમાં કટોકટીના સમયે ખેત તલાવડી દ્વારા પિયત આપીને ઉત્પાદન પ્રમાણસર મેળવી શકાય છે. આ બાબતની નોંધ લઇને કલકટરશ્રીએ પણ ખેડૂતોને શકય એટલી મદદ કરવાનું શરૂ કર્યુ. આજે આ કાર્ય કોઇપણ સરકારી ગ્રાન્ટ કે ફંડ વગર ફકત પ્રેરણાસ્રોત દ્વારા ચાલે છે. જિલ્લા પ્રશાસન દ્વારા શકય એટલી મદદ ખેડૂતોને ખેતતલાવડી બનાવવા માટે કરવામાં આવે છે.
આ વર્ષે આયોજિત કજલી મેળામાં ખેતતળાવડી બનાવનારા ખેડૂતોને જિલ્લા પ્રશાસન દ્વારા 'જલાધિકારી" તરીકે નવાજવામાં આવ્યા અને વધુને વધુ ખેડૂતો ખેતતળાવડી બનાવે એ અંગેના સંકલ્પપત્ર આ મેળામાં ખેડૂતો દ્વારા ભરવામાં આવ્યા હતા. પુષ્પેન્દ્રસિંહે માહિતી આપતાં કહું કે, કજલી મેળામાં કુલ ૧૨૫ ખેડૂતોએ સંકલ્પપત્ર ભરેલા છે, જયારે અમારૂં લક્ષ્ય એક વર્ષમાં ૧૦૦૦ ખેતતળાવડી નિર્માણ કરવાનું છે. હજુ વધારે ખેડૂતો કેવી રીતે આ ઝુંબેશમાં જોડાય એ અંગેની કામગીરી અમે કરતાં રહીશું. એક નાનકડું પગલું કેવા વિરાટ પરિણામ આપે છે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ મહોબામાં ખેતરે-ખેતરે બનતી ખેત તલાવડીઓ છે...!
(મહોબા વિશેની માહિતી શ્રી પુષ્પેન્દ્રસિંહ સાથે કરેલી વાતચીતના આધારે છે જયારે ચરખારીના તળાવો અંગેની માહિતી ચરખારીના પૂર્વ મેયર શ્રી અરવિંદસિહ તથા ગામવાસીઓ સાથે કરેલી વાતચીતના આધારે છે. માહિતીમાં ક્ષતિ રહેલી હોય તો ક્ષમાપના.)
લેખક : વિનીત કુંભારાણા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020