સ્થાનિક સરકાર અને આંતરાષ્ટ્રિય સ્તરે વ્યાપાર કરતી કંપનીઓ દ્વારા પાણીની રીતસરની વહેચણી કરવાની વાત આવે તો સ્વભાવિક રીતે જ કદાચ લોહિયાળ યુદ્ઘના ઇતિહાસ તરીકે બોલિવિયાનો જળ સત્યાગ્રહ યાદ આવશે. સ્થાનિક સરકારે આંતરાષ્ટ્રિય સ્તરે વ્યાપાર કરતી કંપનીઓ સાથે હાથ મિલાવીને પાણીની વહેચણી બાબતે હાહાકાર મચાવેલો હતો. પરિણામ સ્વરૂપ એક લોકક્રાંતિ રૂપે એક ભયાનક લડત લોકો દ્વારા લડાયેલી હતી. લડાઇના અંતે સરકારે એ કંપની સાથે છેડો ફાડીને દેશની આબરૂને લિલામ થતી બચાવી લીધી હતી. બોલિવિયામાં જે પાણીના મુદે રમખાણો થયા તેનું સમગ્ર વર્ણન બોલિવિયાના નેતા ઓસ્કાર ઓલિવેરાએ 'લોકાબબ્બા વોટર રેબેલિયન ઇન બોલિવિયા" નામક એક પુસ્તકમાં કરેલું છે. આ પુસ્તક ઉપરથી પ્રેરિત વિશ્વપ્રસિદ્ઘ જેમ્સ બોન્ડ સિરિઝની ફિલ્મ 'કવોન્ટમ ઓફ સોલેસ" બની હતી. એક વાત પથ્થર ઉપર લખાયેલા શિલાલેખની જેમ સત્ય છે કે, પાણી વગર જીવન શકય નથી. જો પાણીનો સદ્ઉપયોગ કરવામાં નહી આવે, જળસંચય, જાળવણી અને સંરક્ષણ કરવામાં નહી આવે તો પૃથ્વી ઉપર પાણી માટે યુદ્ઘો ખેલાશે એ વાત નક્કી છે. પાણીનું જીવનમાં કેટલું મહત્વ છે તે આંતરરાષ્ટ્રિય સ્તરે વ્યાપાર કરતાં કંપનીઓવાળા પણ જાણી ગયા છે. એટલે જ સ્તો તેઓએ પોતાના ધંધામાં પાણીનો માલદાર ધંધો વિકસાવવાની શરૂઆત કરી દીધી છે. આ ફિલ્મમાં એક અબજોપતિ પાણી ઉપર કબ્જો જમાવવા માટેના પ્રયત્ન કરતો જોવા મળે છે. અમુક અંશે એ સફળ પણ થાય છે પણ અંતમાં જેમ્સ બોન્ડ તેના ઇરાદાઓ ઉપર પાણી ફેરવી નાખે છે. એક અંદાજ પ્રમાણે દિલ્હીમાં દૈનિક ૯૦ મિલિયન ગેલન 'રો વોટર" નો ધંધો પૂર બહારમાં ચાલે છે. આ ધંધામાં ૧૪૦૦ મિલિયન ગેલન પાણીનું વિતરણ એક ખાનગી કંપની કરે છે. દક્ષિણ આફ્રિકાના જોહાનીસ બર્ગ શહેરમાં પાણીના ખાનગીકરણના કારણે સેંકડો માણસો કમોતે મર્યા હતા અને લાખો માણસો હોસ્પીટલ ભેગા થઇ ગયા હતા. એક કડવી વાસ્તવિકતા એ પણ છે કે આપણો દેશ એક મધપૂડા જેવો છે. આ મધપૂડામાં રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓને કેમ સાચવવા એ આંતરતાષ્ટ્રિય વ્યાપાર કરનારી કંપનીઓ ખૂબ જ સારી રીતે જાણે છે. આપણે અત્યારથી જ ચેતી જવાની જરૂર છે નહિતર આવનારા વર્ષોમાં બોલિવિયા જેવું યુદ્ઘ થાય તો નવાઇ નહી !
અમેરિકા જેવી મહાસત્તામાં પણ પાણીના ખાનગીકરણની સામે હિંસક દેખાવો થયા હતા જેને કારણે અમેરિકન સરકારે પીછેહઠ કરવી પડી હતી. દક્ષિણ આફ્રિકાની જ વાત કરીએ તો જે લોકો પાણીના મોટા બિલો ભરી શકતા ન હતા તેને કંપની પાણી આપવાનું બંધ કરી દેતી હતી.
આથી આવા લોકો પાણી વગર ટળવળીને મૃત્યુ પામ્યા. જાકે એ પછી સરકારે હસ્તક્ષેપ કરીને નક્કી કરાવ્યું કે વ્યકિત દીઠ દરેકને પચ્ચીસ લિટર પાણી આપો. આ પ્રમાણે મેકિસકોમાં પાણી માટે આવી જ પ્રણાલી વિકસાવવામાં આવી છે. જોકે ત્યાં પણ પાણી માટે સંઘર્ષ તો 'ડોરબેલ" વગાડી રહ્યો છે જ.
ભારતમાં આવી સ્થિતિ નિર્માણ થાય એવા એંધાણ છે. ભારતના નાગપુર વિસ્તારમાં પણ
પાણીનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. પ્રચંડ વિરોધ લોકો દ્વારા કરવામાં આવેલો છે. સ્થાનિક નેતાઓ અને નગરપાલિકાના અધિકારીઓ એમ કહે છે કે, ૪૫ ટકા પાણી તો લિકેજ દ્વારા વેડફાઇ જાય છે અને ૫૦ ટકા પાણી તો 'રેવન્યુ વોટર" છે જેની આવક મહાનગરપાલિકાને આવતી નથી. શું તમને નથી લાગતું કે આવા નેતાઓ, અધિકારીઓને જેલના સળિયા ગણાવી દેવા જોઇએ?
ભારતમાં પાણીના ખાનગીકરણની જે શરૂઆત થઇ છે તે સમય જતા ઘાતક પૂરવાર થશે એ વાતમાં કોઇ શંકા નથી. સ્થાનિક નેતાઓ, અધિકારીઓ અને ખાનગી કંપનીઓવાળાને પાણીનો ધંધો માલદાર લાગી રહ્યો છે. આ માનસીકતા આપણા દેશને નુકશાન કરી રહી છે. પાણી ખૂબ જ કિંમતી જણસ છે. તેનો કરકસરપૂર્વકનો, જરૂરિયાત મુજબનો ઉપયોગ કરવો જોઇએ.
આ લેખ દ્વારા કોઇનો વિરોધ કરવાનો હેતુ નથી, પણ ફકત ને ફકત પાણીના બચાવવાની અભિવ્યકિત રજૂ કરવાનો છે. અહીં મુખ્ય મુદો એ છે કે, આવનારા વર્ષોમાં કદાચ સરકાર પાણીના વેડફાટનું બહાનું આગળ ધરીને વર્લ્ડબેંકના દબાણ હેઠળ આંતરરાષ્ટ્રિય કંપનીઓને પાણીનું ખાનગીકરણ કરી આપશે. આ પ્રક્રિયામાં પહેલા પાણીની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવશે. પાણીના વિતરણ માટે સરકાર ખાનગી કંપનીઓ સાથે કરાર કરીને તેને 'રો વોટર" પૂરૂં પાડશે. Business Business આ રો વોટરને ફિલ્ટર કરીને કંપનીઓ આપણને ઊંચી કિંમતે વેંચશે...એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે, પાણીનો જરૂરિયાત મુજબનો જ કરકસરપૂર્વક ઉપયોગ કરવો. પાણીનું સંવર્ધન કેમ કરવું તે વિશે સતત ચિંતન કરી જળસંચય કરવું.
જો આમ કરવામાં નહી આવે તો આવનારા વર્ષોમાં આપણે પાણીના એક બુંદ માટે હજારો રૂપિયા ચૂકવવાનો વારો આવશે.
ડો. મિહીર વોરા