જળ સમસ્યા અને ભૂગર્ભ ટાંકા યોજના - જુનાગઢ જિલ્લાના સંદર્ભે એક અભ્યાસ
વધતી જતી વસ્તી, ખેતી અને ઔદ્યોગિકરણને કારણે પાણીનો વપરાશ વધતાં ભૂગર્ભ જળનો ઉપયોગ વધ્યો છે. નબળાં વરસાદને કારણે ભૂગર્ભજળ પણ મર્યાદિત બનતાં પાણીની સમસ્યા ખૂબ ઉગ્ર બની છે. સૌરાષ્ટ્રનો વિસ્તાર એવો વિસ્તાર છે કે જ્યાં વરસાદનાં પાણી પર જ આધાર રાખવો પડે. જમીન ઉપર પાણી પડતાં જ જમીનની ખારાશથી તે ખારૂં થઈ જાય. વળી, જમીનનાં તળમાં પણ ખારૂ પાણી જ હોય એવા વિસ્તારો અને પ્રદેશો ગુજરાતમાં ઘણાં છે. એક તરફ લાંબા સમુદ્ર કિનારા માટે ગુજરાત ગૌરવ અનુભવે છે. પરંતુ કિનારે રહેતી પ્રજા સતત મીઠા પાણીની ખેંચથી મુશ્કેલી અનુભવે છે. પૂરતાં શુધ્ધ, મીઠા જળનાં અભાવે આ આખી પ્રજાનો અને પ્રદેશનો વિકાસ કુંઠિત બની ગયા છે. આવા સ્થળોએ મોટી યોજનાઓ દ્વારા સરકારે દૂરથી પાઈપલાઈન મારફતે મીઠું પાણી પહોંચાડવાનો સખત પુરુષાર્થ અને મોટો ખર્ચ કર્યો છે. પરંતુ દૂરનાં અને અંતરિયાળ ગામડામાં તો હજુ પણ પાણીની તંગી અનુભવાય છે.
ફલોરાઈડવાળા, કડવા, ખારા અને ભારે પાણી અંગે સર્વત્ર ફરિયાદ ઊભી થઈ છે. ખાસકરીને ગામડાના લોકોને ઉનાળાના ત્રણ મહિના ખુબ જ મુશ્કેલી સહન કરવી પડે છે. મકાનની અગાસી, મકાનનું છાપરું કે મકાનનાં પતરાં ઉપર પડતું પાણી, ખાળિયા, પરનાળ કે પાઈપથી એકત્ર કરીને એક ટાંકીમાં આવે છે. આ માટે જમીનમાં ૧૫ ફુટ ઊંડો અને ૧૨ ફુટ પહોળો ખાડો કરીને તેના ચુના, સિમેન્ટ, ચીરોડીથી ચણતર કરી પ્લાસ્ટર કરવામાં આવે છે. ટાંકીના માથે ઈંટનો સ્લેબ ભરી દેવામાં આવે છે. પહેલાં વરસાદનું થોડું પાણી બહાર જવા દીધા પછી જ્યારે બધું પાણી સ્વચ્છ અને ચોખ્ખું થાય પછી તેને ખાળિયા કે પાઈપથી ટાંકામાં ઉતારવામાં આવે છે. ટાંકાનું ઢાંકણ બંધ હોવાથી આ પાણી લાંબા સમય સુધી પીવાનાં ઉપયોગમાં લઈ શકાય તેવું રહે છે.
પ્રસ્તુત અભ્યાસનાં હેતુઓ
પ્રસ્તુત અભ્યાસમાં નીચેના હેતુઓને ધ્યાનમાં રાખીને માહિતીનું એકત્રીકરણ કરવામાં આવ્યું છે.
- ભૂગર્ભટાંકા અને ગામ અને કુટુંબકક્ષાએ થયેલી અસરો તપાસવી.
- ભૂગર્ભ ટાંકાથી લાભાન્વિત થયેલા કુટુંબોના યોજના વિશેના અભિપ્રાયો જાણવા તેમ જ સંસ્થાની કામગીરી તપાસવી.
- બાંધેલા ટાંકા અને ફરતાં ટાંકાનાં (ટેન્ડર) ખર્ચની તુલના કરવી.
અભ્યાસ પદ્ધતિ
આ અભ્યાસ માટે જુનાગઢ જિલ્લાના ૧૦ ગામોને પસંદ કરવામાં આવ્યા છે. જુનાગઢ જિલ્લામાં કુલ ૧૪ ગામોમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા ભૂગર્ભ ટાંકા બનાવ્યા છે, પરંતુ આ ૧૪ ગામોમાંથી માત્ર ૧૦ ગામોમાં ૨૦થી વધુ ટાંકા થયા હોવાથી આ ૧૦ ગામોની જ નમૂના તરીકે પસંદ થયેલા ૧૦ ગામો પૈકી ગામમાંથી યાદૃચ્છ પસંદગી મુજબ ૨૦ અને બાકીના બે ગામમાંથી ૨૫ એમ કુલ ૧૮૫ કુટુંબો પસંદગી કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મેળવવા માટે કુટુંબની માહિતી માટેની પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી છે. આ પ્રશ્નાવલી દ્વારા મેળવેલ માહિતીનું ગુણાત્મક અને વર્ણનાત્મક વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
ભૂગર્ભટાંકા યોજનાની ગ્રામીણ ક્ષેત્રે અસર
અભ્યાસ માટે જુનાગઢ જીલ્લાના વીસ ગામોમાંથી દસ ગામો ભૂગર્ભ ટાંકાવાળા પસંદ કરવામાં આવ્યા. આ દસ ગામોમાં શીલ, સરદાર ગઢ, સીડોકર, ખડિયા, બામણવા, કંકાસા, શાપુર, આરેણા, નવાગામ અને ડારી પસંદ કરવામાં આવ્યા હતા. પાણી પુરવઠા બોર્ડની સહાયથી આ દસ ગામોમાં કુલ ૨૦૪ ભૂગર્ભટાંકા બનાવવામાં આવ્યા. આ માહિતીનું વિસ્તૃત વિશ્લેષણ આ પ્રમાણે છે. આ દસ ગામોમાં ભૂગર્ભટાંકાની કામગીરી કેવી થઈ છે. તે જાણવા માટે કુટુંબ કક્ષાએ પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવી. દરેક ગામમાં ૨૦ કુટુંબોને નમૂના તરીકે પસંદ કરી આ માહિતી લેવાનું નક્કી થયું. આ દસ ગામમાં ૨૦૦ કુટુંબોને બદલે ૧૮૫ કુટુંબોમાં પાણી પૂરવઠા બોર્ડ દ્વારા બનેલા ભૂગર્ભટાંકા જોવા મળ્યા. એટલે અહિં આ ૧૮૫ કુટુંબોને નમુના તરીકે લેવામાં આવ્યા છે. આ માહિતીમાં કુટુંબની પ્રાથમિક ઉપરાંત ગામમાં પીવાના પાણીની સ્થિતિ કેવી છે. તેમજ તેનાં કેવા સુધારા-વધારાની જરૂર છે. તે અંગેના સૂચનો લેવામાં આવ્યા.
જાતિયતાને આધારે વર્ગીકરણ
કુટુંબો પાસેથી પ્રશ્નાવલિ દ્વારા માહિતી લેવામાં આવી ત્યારે આ માહિતી આપનાર ઉત્તરદાતા સ્ત્રીઓ કેટલી અને પુરુષો કેટલા એ જાણવામાં આવ્યું. કુલ માહિતીદાતાઓમાં માત્ર ૧૮% જ સ્ત્રીઓ હતી. જ્યારે ૮૨% પુરુષ ઉત્તરદાતાઓએ માહિતી આપી હતી. ક્યારેક એવું પણ બને છે કે સ્ત્રીઓ હાજર હોય અને માહિતી આપે તો પણ નામ પુરુષનું કે ઘરનાં મુખ્ય વ્યક્તિનું જ લખાવે છે. તેમ જ પૂછપરછનાં આર્થિક પાસાને બાદ કરતાં લગભગ તમામ પ્રકારની માહિતી પણ સ્ત્રીઓ ખૂબ સારી રીતે આપી શકે છે.
વ્યવસાયને આધારે વર્ગીકરણ
સામાન્ય રીતે ગામનાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ગામનાં મોટાભાગનાં લોકો ખેતી અને સંબંધિત વ્યવસાયોમાં રોકાયેલા જોવા મળે છે. અહિં ૮૦% લોકો ખેતી કે પશુપાલન વગેરેમાં રોકાયેલા છે. ૧૩% લોકો મજૂરી કામમાં રોકાયેલા છે. જ્યારે ૩% લોકો સરકારી નોકરીમાં અને અન્ય વ્યવસાય ધંધાઓ જેમકે હીરાકામ, નાની દુકાનો વગેરેમાં ૪% જેટલાં લોકો રોકાયેલા છે. જે કુટુંબોનાં કેટલાંક લોકો ખેતી સિવાયના વ્યવસાયમાં રોકાયેલા હોય તે કુટુંબોમાં પણ મુખ્ય વ્યક્તિ ગૌણ વ્યવસાય તરીકે ખેતીમાં હોય તેવું બને. એટલે આવા કુટુંબો પણ પોતાની જમીન ધરાવતાં હોય તેવું બને છે.
પીવાનાં પાણીનાં સ્ત્રોતને આધારે વર્ગીકરણ
ગામનાં લોકો પીવાનાં પાણી માટે કેટલાં સ્ત્રોતનો ઉપયોગ કરે છે. તે વિશે માહિતી મેળવવામાં આવી. સામાન્ય રીતે ગામમાં એક કે બે સ્ત્રોત દ્વારા લોકો પાણી મેળવતા હોય છે. તેમ જ સારો વરસાદ હોય તો બારેમાસ આ સ્ત્રોતમાંથી પાણી મળે. પરંતુ હાલની પરિસ્થિતિ ઉપર છેલ્લા બે વર્ષના નબળા ચોમાસાની અસર જોવા મળી છે.
નમૂનામાં ૧૧૭ કુટુંબો બે સ્ત્રોતમાંથી પીવાનું પાણી મેળવે છે. ૫૪ કુટુંબો ત્રણ સ્ત્રોતમાંથી પાણી મેળવે છે. જ્યારે માત્ર ૮% કટુંબો જ એવા છે જે એક સ્ત્રોતમાંથી બારે મહિના પાણી મેળવતા હોય. હાલની દુષ્કાળની પરિસ્થિતિ જોતાં એમ કહી શકાય કે ગામનાં લોકો ને પીવાનાં પાણી માટે એક જ સ્ત્રોત પર આધાર રાખવો મુશ્કેલ છે. જે ગામોમાં પાણીનાં તળ ઉંચા હોય અને અગાઉથી પાણીનાં સંગ્રહનાં આયોજન માટે કામગીરી થઈ હોય તેવા ગામોમાં બારે માસ પાણી મળી શકે તેવી સુવિધાઓ છે.
અહીંના ડાર, ડંકી, કૂવાઓમાં પાણ છે અને લોકોને તે પુરું પાડવામાં આવે છે. પરંતુ જે ગામમાં આવી સુવિધાઓ નથી તેમ જ અન્ય કેટલાંક ભૌગોલિક કારણોસર જેમ કે ઢોળાવ પર ગામ હોય કે તળમાં પાણી ન હોય કે આસપાસ કોઈ નદી, તળાવ ન હોય તેવાં ગામોમાં ઉનાળાનાં દિવસોમાં લોકોને સહન કરવું પડે છે. આવા ગામમાં લોકોએ જુદા-જુદા સ્ત્રોતને પાણી માટે ઉપયોગ કરવો પડે છે. વાડી, કૂવા, ડંકી, સરકારી ટેન્કર, ગામકૂવા કે પછી પાડોશીની ઘેર કે વાડીમાંથી પાણી ભરીને લાવવું પડે છે. નબળું ચોમાસું હોય તો આવી મુશ્કેલીની પરિસ્થિતિ માત્ર ઉનાળામાં જ નહિ પરંતુ કંઈક એરો શિયાળામાં પણ ભોગવવી પડે છે. પીવાનાં પાણી માટે જે સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે કેટલો તેનો પૂરવઠો સમય ચાલશે તેનો આધાર પણ વરસાદની સ્થિતિ પર છે. અભ્યાસ થયો ત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો દુષ્કાળની પરિસ્થિતિ હોવાથી લગભગ ચારેક માસ સુધી આ સ્ત્રોતમાંથી પાણી પુરું પાડી શકાય છે. જુદી-જુદી ઋતુઓમાં કુટુંબો અને ગામ પોતાને અનુકૂળ એવી પાણીની વ્યવસ્થા ગોઠવે છે.
ઋતુ પ્રમાણે પાણીની વ્યવસ્થા
ઉપર જોયું તે પ્રમાણે ગામમાં પીવાનાં પાણી માટે કુટુંબો એક, બે કે ત્રણ સ્ત્રોત પર આધાર રાખે છે. આ કુટુંબો પોતાની પાણીની જરૂરિયાત સંતોષવા જુદીજુદી ઋતુઓમાં કેવી વ્યવસ્થા કરે છે તે વિશે માહિતી મેળવવામાં આવી. ગામનાં લોકો જુદી જુદી ઋતુમાં પીવાના પાણીની જુદી-જુદી વ્યવસ્થા કરે છે. નબળા વરસાદની અસર અહિં પણ જોઈ શકાય છે. શિયાળામાં પણ કુટુંબોને વેચાતું પાણી લાવવું પડે છે. શિયાળામાં ગામનાં ટેન્ડર તેમ જ ખાનગી ટેન્કર પર આધાર રાખતા ૫૦% કુટુંબો છે. તેમ જ શિયાળાની ઋતુમાં ગામનાં સ્ત્રોતનો પીવાના વાપરવાનાં પાણી માટે ઉપયોગ કરતાં ૫૦% કુટુંબો છે. શિયાળામાં પણ ગામની બહારથી પાણી લાવવું પડે એ ખરેખર પાણીની મુશ્કેલી બતાવે છે. લગભગ છેલ્લા દોઢેક વર્ષથી આ ગામો પાણીની તીવ્ર અછત અનુભવે છે ને ટેન્કરો પર આધારિત છે. ગામમાં વસ્તી પ્રમાણે ટેન્કર લાવવામાં આવે છે. ગામનાં લોકો અને ગામનાં માલ-ઢોર માટે આ ટેન્કર દ્વારા જ પાણી પુરું પડાય છે. ગામનાં સ્ત્રોતમાં ગામનાં કૂવા, ડાર કે ખાનગી કૂવા અથવા વાડી કૂવાનો સમાવેશ થાય છે. કેટલાંક ગામોમાં પાણીનાં તળ નીચાં જતા ડાર વધુ ઊંડા કરાવવામાં આવ્યા છે. તેમજ ડીપનવેલ (ડીપલ), ટ્યુબવેલ વગેરે દ્વારા જમીનમાં ખૂબ નીચેથી પાણી કાઢવામાં આવે છે. ગામનાં આ સ્ત્રોતમાંથી પાણી લાવવા માટે પણ ઘણે દૂર સુધી જવું પડે છે અથવા પાણી ભરી લાવવા માટે ગાડા- બળદ, ટ્રેકટર, સાયકલ વગેરે વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં શિયાળામાં પણ બહારથી ટેન્કર લાવવા પડતાં હોય ત્યાં ઉનાળામાં વધુ સંખ્યામાં મગાવવા પડે એ સ્વાભાવિક છે. અહિં જોઈ શકાય છે કે ઉનાળાની ઋતુમાં ૬૭% કુટુંબો વેચાતા ટેન્કરમાં પાણી પર આધારિત છે. જ્યારે ૩૩% લોકો ગામનાં પાણી પર આધાર રાખે છે.
ટાંકાને કારણે સાધનોનાં વપરાશ પર અસર
ગામનાં લોકોને પોતાનાં ઘર સુખી પાણી પહોંચાડવા માટે વિવિધ સાધનોનો ઉપયોગ કરવો પડે છે. નજીકનાં સ્ત્રોતમાંથી જેવા કે ગામની ડંકી, ડાર કે બહારથી મંગાવતા ટેન્કરમાંથી પાણી લેવા માટે મોટાભાગે ઘરની સ્ત્રીઓ હેલ, હાંડા વગેરે લઈને જાય છે. જો વાડીનાં કૂવામાંથી કે બળદ - ગાડા કે સાયકલ પર પાણી લેવા જતાં હોય છે. તેમ જ ક્યારેક ગામનાં સ્ત્રોતમાંથી પાણી લાવવામાં મુશ્કેલી અનુભવતા અને થોડા સદ્ધર કુટુંબો અન્ય ગામેથી વેચાતા ખાનગી ટેન્કર પણ મંગાવતા હોય છે. પાણીની જરૂરિયાત કાયમી છે અને તે બહુ મોટા પ્રમાણમાં સંગ્રહ થઈ શકતું ન હોવાથી આ પાણી ભરવાની-લાવવાની ક્રિયા લગભગ રોજિંદી બની ગઈ છે. પરંતુ હાલમાં બનેલા ભૂગર્ભટાંકાઓએ લોકોને આ રોજિંદી ક્રિયામાંથી થોડી રાહત અપાવી છે. આ ટાંકાઓમાં મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થઈ શકે છે. એ તેનો મોટામાં મોટો લાભ છે. જેના લીધે એક સાથે નવરાશનાં સમયે કે પાણી મળવાની અનુકૂળતા હોય તેવા સમયે લોકો પાણી લાવીને ટાંકામાં ઠાલવે છે. જેના લીધે તેઓને પછીનાં કેટલાંક દિવસો સુધી પાણી ભરી લાવવા બાબતે રાહત રહે છે. આવું તારણ તેઓનાં પાણી ભરવાનાં સાધનો કયા છે તેમ જ ટાંકો બન્યા પછી કયા સાધનોનાં વપરાશમાં ઘટાડો થયો છે તેના આધારે નીકળી શકે. હેલ-કેનનાં વપરાશ કરતાં અહિં ગાડા બળદ, ટ્રેકટર કે સાયકલનો વધુ વપરાશ થતો હશે તેવું જણાય છે. એટલે કે લોકોને ટાંકા બન્યા તે પહેલા ઘણે દૂરથી પાણી લાવવું પડતું હતું. જે કામ ગાડા-બળદ, સાયકલ, ટ્રેકટર વગેરે દ્વારા થતું હોય છે. અહિં જોઈ શકાય છે કે ટાંકા બન્યા બાદ ગાડા બળદનો ૩૮% સાયકલનો ૨૧% અને ટ્રેકટરનો ૧૬% વપરાશ ઓછો થઈ ગયો છે. લોકોએ જણાવ્યું છે કે “ટાંકાને કારણે અમારા રોજનાં ફેરા ઘટી ગયા છે” એક સાથે ૧૦,૦૦૦ લિ. જેટલા પાણીથી આખો ટાંકો ભરાઈ જાય પછી તે પીવા અને વાપરવા માટે આઠ-દિવસ સુધી ચાલે છે. (કુટુંબની સંખ્યા વધુ દસેક જેટલી હોય તો બાકી વધુ ચાલે) જ્યારે ૨૫% જેટલો કેન-હેલનો વપરાશ ઓછો થયો છે. જે સૂચવે છે કે સ્ત્રીઓને શ્રમમાં રાહત મળી છે.
ટાંકાને લીધે જાતિ પ્રમાણે ફાયદો
ચોમાસાના વહી જતાં પાણીનો સંગ્રહ કરવો અને એમ પાણીની મુશ્કેલી હળવી બનાવવી એ ટાંકાનો મુખ્ય હેતુ છે. હાલનાં તબક્કે નબળાં ચોમાસાનાં કારણે વરસાદનું નહિ તો અન્ય સ્ત્રોતનું પાણી સંગ્રહ કરવાનાં ઉપયોગમાં ટાંકા વાપરવામાં આવે છે. આના કારણે પાણી ભરવાની રોજિંદી ક્રિયા કરતાં સ્ત્રીઓ અને પુરુષોને ઘણી રાહત ફાયદા થયા છે.
સામાન્ય રીતે પાણી ભરવાની કામગીરી કરતી સ્ત્રીઓને જ વધુ ફાયદો થાય છે. પરંતુ અહિં પાણી ભરવાનું કામ પુરુષો વધુ પ્રમાણમાં કરે છે. કારણકે દૂરથી લાવવું પડતું પાણી ગાડી-બળદ કે ટ્રેકટર, સાયકલ દ્વારા લાવવાનું હોય છે. જે કાર્ય પુરુષો કરે છે અને પરિણામે ટાંકાનો વધુ લાભ અહિં પુરુષોને થયો છે. લગભગ ૬૩% જેટલાં કુટુંબોમાં પુરુષો પાણી ભરી લાવવાનું કાર્ય કરે છે તેમને ફાયદો થયો છે.
ફાયદાનો પ્રકાર
ભૂગર્ભટાંકાને કારણે લોકોને કેવા પ્રકારનો ફાયદો થયો એટલે કે આર્થિક રીતે કે શ્રમની રીતે ફાયદો થયો છે તે જાણવાથી ટાંકાની અસરકારકતા લોકોનાં જીવન પર કેવી પડી છે તે જાણી શકાય છે. એકથી વધુ ફાયદાઓ લોકોએ નોંધાવ્યા છે. ટાંકાને કારણે સમયની બચત થવાથી લોકો અનેક આર્થિક પ્રવૃત્તિઓ કરી શક્યા છે. તે રીતે તેઓને આર્થિક ફાયદા થયા છે. અહિં ૮૧% લોકોના મતે ટાંકો બનવાથી તેઓને આર્થિક ફાયદો થયો છે. સમયની બચત થવાથી ખેતીમાં વધુ સમય આપી શકયા તેમ જ વેચાતા લાવવા પડતાં ટેન્કરની સંખ્યામાં પણ ઘટાડો થવાથી આર્થિક ફાયદો થયો છે. આ ઉપરાંત પાણી ભરવાની રોજની ક્રિયામાંથી છૂટકારો મળતાં શ્રમની પણ બચત થઈ છે. ટાંકાને કારણે શ્રમમાં ઘટાડો થયો એવું જણાવતાં ૮૯% કુટુંબો છે. ખાસકરીને સ્ત્રીઓને અને દૂરથી પાણી લાવવા ગાડા, ટ્રેકટરનાં ફેરાં ફરતાં પુરુષોને શ્રમમાં ઘણી રાહત મળી છે.
શ્રમ, સમય બચવાથી કરવામાં આવતી પ્રવૃત્તિ
ટાંકામાં એક સાથે મોટા જથ્થામાં પાણીનો સંગ્રહ થઈ શકવાથી લોકોને રોજની પાણી ભરવાની કામગીરીમાંથી ઘણી રાહત થઈ છે. આના કારણે તેઓનાં સમયમાં બચત થઈ શકી છે. તેમ જ શ્રમમાં ઘટાડો થયો છે. આ શક્તિ, સમય હવે તેઓ કઈ પ્રવૃત્તિ પાછળ ખર્ચે છે તે તપાસવામાં આવ્યું હતું. ૬૫% લોકોએ પોતાનાં આ વધેલા સમયનો ઉપયોગ આર્થિક પ્રવૃત્તિઓમાં કર્યો. હવે તેઓનાં કામનાં કલાકો વધી શક્યા. ખેતી પર કે અન્ય જે કોઈ વ્યવસાયમાં રોકાયા હોય ત્યાં તેઓ વધુ સમય આપી શકે છે. આ ઉપરાંત હવે ટેન્કરોનો વપરાશ પણ ઘટ્યો હોવાથી આર્થિક બચત થઈ શકે છે. એ પણ આર્થિક ફાયદો જ ગણાવી શકાય. ૬૧% લોકોએ પોતાના આ સમયનો ઉપયોગ બિન આર્થિક પ્રવૃત્તિઓમાં કર્યો છે. આમાં મોટાભાગે સ્ત્રીઓનો સમાવેશ થાય છે. સ્ત્રીઓ આ વધેલા સમયનો ઘરકામમાં, બાળકોને ભણાવવામાં ઉપયોગ કરી શકી છે. આ પણ ઘણાં મહત્ત્વના કાર્યો જ ગણાવી શકાય. અહિં એવું જોવા મળે છે કે ટાંકાને કારણે લોકોને આર્થિક તેમજ બિનઆર્થિક એમ બંને પ્રકારનાં ફાયદાઓ થયા છે. લોકોએ આ બંને ફાયદાઓ અહિં નોંધાવ્યા છે. પાણીની મુશ્કેલીમાંથી ઉપાયો સૂચવતા ૩૪% કુટુંબોનું એવું માનવું હતું કે વધુને વધુ ભૂગર્ભટાંકાઓ ગામમાં બનવા જોઈએ. જેથી ગામનાં તમામ લોકોને તેનો લાભ મળી શકે. ૫૦% કુટુંબોને મતે ચેકડેમ બાંધવા જોઈએ.
ગામ તળાવનાંપીવાનાં પાણીનાં પ્રશ્નો અને સીમતળનાં સિંચાઈનાં પ્રશ્નોનો ઉકેલ ચેકડેમથી આવી શકશે. ૪૫% લોકોએ ગામનું પાણી ગામમાં જ સાચવવા અને સંગ્રહ કરવા માટે કૂવા, તળાવ, ખેત તળાવડા વગેરે બાંધવાનું સૂચન કર્યું. આ બધા ઉપાયોના અમલ પછી પણ વરસાદ નિયમિત આવે તો જ તે અસરકારક બની શકે.
પીવાના પાણીમાં રાહત
ઘેર-ઘેર ભૂગર્ભટાંકા બનાવવામાં આવે તો પીવાના પાણીમાં રાહત થઈ હોય એ ખૂબ સ્વાભાવિક છે. નબળું ચોમાસું હોવાથી લોકોએ આ ટાંકાનો ઉપયોગ ટેન્કરનું પાણી કે દૂર વાડીએથી કે ગામનાં પાદરેથી ભરી લાવેલું પાણી સંગ્રહવામાં કર્યો છે. કેટલાંક લોકોએ આ ભૂગર્ભટાંકામાં ગયા વર્ષનાં વરસાદનું પાણી પણ સાચવી રાખ્યું છે. આમ, તેઓને આખા વર્ષ માટે પીવાનાં પાણીની રાહત થઈ છે. દરેક ગામોમાં ભૂગર્ભટાંકા બનવાથી પીવાનાં પાણીમાં રાહત થઈ છે. જો કે ગામનાં પ્રમાણમાં ભૂગર્ભટાંકાની સંખ્યા ઘણી ઓછી જોવા મળી છે. એટલે આ રાહતનો લાભ ઘણાં ઓછા લોકોને મળ્યો છે. આવા વધુ ટાંકા બને તે પાણીનાં સંગ્રહનો પ્રશ્ન ઉકેલી શકાય. ટાંકા બનાવ્યા પહેલા અને પછી જોઈતા ટેન્કર ગામમાં ભૂગર્ભટાંકાઓ બનતાં ટેન્કરની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. ભૂગર્ભટાંકાથી ટેન્કરની સંખ્યામાં જ નહિ પરંતુ સમયગાળામાં પણ તફાવત પડે છે. જેને લીધે સમગ્રપણે ટેન્કરની જરૂરિયાત ઓછી થઈ જાય છે. ટેન્કર આવે ત્યારે લોકો એક સાથે ઘણું વધુ પાણી ભરીને ટાંકામાં ઠાલવી શકે છે અને એમ પાણીનો સંગ્રહ થાય છે. જેથી એકવાર પાણી ભર્યા બાદ બે-ત્રણ દિવસ સુધી તેમાંથી વાપરી શકાય છે. અને પાણીનો બગાડ પણ એ રીતે અટકે છે. અહિં જોઈ શકાય છે કે ભૂગર્ભટાંકા બન્યા પહેલા ૧૦ ગામમાં કુલ ૨૨૭ ટેન્કર મંગાવવા પડતા હતાં અને ભૂગર્ભટાંકા બન્યા બાદ ૭ ગામોમાં ૧૬૨ ટેન્કર મંગાવવા પડે છે. આમ, ભૂગર્ભટાંકાને કારણે ટેન્કરની સંખ્યામાં ઘણો ફેર પાડી શકાય છે.
સમાપન
પસંદ કરેલાં દસ ગામોમાં કુલ ૧૪૪ ભૂગર્ભટાંકા બનાવવા આવ્યા છે. જો કે ગામની સંખ્યા/વસ્તી અને પાણીની જરૂરિયાત સંદર્ભમાં ઘણી ઓછી સંખ્યામાં ભૂગર્ભટાંકા બનેલા છે. ગામનાં ઘણાં લોકોની માંગણી વધુ ભૂગર્ભટાંકા બનાવવા માટેની છે. સારું ચોમાસું હોય તો વરસાદનાં પાણીનો સંગ્રહ કરવામાં અને નબળું વર્ષ હોય તો ગામમાંથી જ ટેન્કરનું પાણી ભરી લાવીને તેનો ટાંકામાં સંગ્રહ કરવામાં આ ભૂગર્ભટાંકાઓ ખૂબ ઉપયોગી છે. ભૂગર્ભટાંકાને કારણે લોકોને પાણી ભરી લાવવાની રોજિંદી ક્રિયામાંથી ઘણી રાહત મળી શકે છે. ભૂગર્ભટાંકા માટે આપવામાં આવેલી સહાયથી લોકો ઘણાં સંતુષ્ટ છે. પાણીની મુશ્કેલી હળવી કરવી માટે ભૂગર્ભટાંકા એ ઘણો ઉપયોગી વિકલ્પ સાબિત થઈ શક્યો છે. આવા વધુ ટાંકાઓ ગામમાં બને તેવી મોટા પ્રમાણમાં માંગણી છે.
ડૉ. ભાવેશ એન. દેસાઈ- લેખક એસ.સી.એ. પટેલ આર્ટ્સ કોલેજ, સાધલીના વ્યાખ્યાતા છે.
સંકલનઃકંચન કુંભારાણા