অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જળ સહયોગ

જળ સહયોગ 1 :વૈશ્વિક પાણી સમસ્યાના ઉકેલ માટે લોકભાગીદારી જરૂરી છે.

પાણીનો મુખ્ય સ્રોત વરસાદ છે. વરસાદનું આ પાણી ભૂગર્ભના ખડકોમાં જમા થાય છે. આ ખડકોમાંથી જયારે આ પાણી કૂવા-બોરવેલ દ્વારા મેળવવામાં આવે છે ત્યારે એ ભૂગર્ભજળ તરીકે ઓળખાય છે. આજે જે ભૂગર્ભજળ આપણે વાપરીએ છીએ એ ઘણી સદીઓ પૂર્વે ભૂગર્ભમાં જમા થયેલી જળરાશિ છે. વરસાદી પાણી જમીનમાં ખડકોની સાથે જમીનની ઉપર તળાવો અને નદીઓમાં પણ જમા થયેલું હોય છે. ભારતવર્ષની વાત કરીએ તો દરેક રાજયને એક નિશ્ચિત સીમાથી અંકિત કરવામાં આવેલા છે. તળાવો તો જે-તે રાજયોમાં આવેલા હોય છે. આથી, તેમની માલિકી જે-તે રાજયોની આપોઆપ બનેલી હોય છે. વહેતી નદી એક રાજયમાંથી બીજા રાજયમાં જતી હોય છે. આવા સંજોગોમાં નદીના પાણી બાબતે બે રાજયો વચ્ચે સંઘર્ષ થવાનો ભય રહેલો છે. આવા સંઘર્ષને ટાળવા માટે જળ સહયોગની વિભાવના ઉપયોગી છે. જળ સહયોગ માટે તમામ સ્તરે એક ચોક્કસ પદ્ઘતિ હોવી અત્યંત જરૂરી છે.

વૈશ્વિક પાણી સમસ્યાના ઉકેલ માટે લોકભાગીદારી જરૂરી છે.

ટ્રાન્સબાઉન્ડ્રી સ્તરે(પાણીના સ્રોતો વોટરશેડ, નદી, તળાવ વગેરેને એક કરતાં વધારે રાજયો કે દેશોની રાજકિય સીમાઓ લાગુ પડતી હોય)આંતરરાષ્ટ્રિય પાણી અંગેનો કાયદો બનવો જોઇએ અને દરેક રાજય/દેશ માટે સાર્વભૌમ_વની એક રૂપરેખા તૈયાર થવી જોઇએ. કોઇપણ રાજય/દેશ આ રૂપરેખાનો ભંગ કરતું જણાય તો તેને તેમની ફરજો પ્રત્યે સભાનતા દેખાડીને જવાબદારી અંગે ભાન કરવાવવું જોઇએ. આ ઉપરાંત આંતરરાષ્ટ્રિય વિવિદોના શાંતિપૂર્ણ સમાધાન માટે એક સંતુલિત માર્ગદર્શિકા તૈયાર થવી જોઇએ. ઉપરોકત વ્યવસ્થા સ્થાપિત કરવા માટે ટ્રાન્સબાઉન્ડ્રરી વોટરશેડ, નદીઓ, તળાવો જેવા સ્રોતોની દેખરેખ રાખતી સંસ્થાઓ અને સરકારી એજન્સીઓ પાસે જે-તે સ્રોતોની સ્પષ્ટ અને તુલનાત્મક માહિતી હોવી આવશ્યક છે. આમ, આંતરાષ્ટ્રિય એજન્સીઓના સામેલ દેશ/રાજયોના અધિકારીઓ પાસે સંપૂર્ણ અને સાચી માહિતી હોય તો તેઓ આ માહિતીનું આદાન-પ્રદાન કરી શકે છે અને જળ સહયોગની વિભાવનાને સાકાર કરી શકે છે. જોકે એક શકયતા તો એ પણ છે કે, શરૂઆતમાં જો વસતિના પ્રમાણમાં પાણીના જથ્થા અને તેની ગુણવત્તા બાબતે મૂળભૂત કરારો કરવામાં આવેલા ન હોય તો માત્રાત્મક લક્ષ્યાંકો અને અપેક્ષિત લક્ષ્યો પ્રત્યે સંવાદ તથા કાર્ય કરવામાં મુશ્કેલી આવી શકે !
નદીઓના તટપ્રદેશ(બેઝીન) સ્તરે વોટરશેડ ઉપર કાર્ય કરતી સંસ્થાઓના મૂલ્યાંકન અહેવાલો અને વોટરશેડ વ્યવસ્થાપનું આયોજનના અહેવાલો પાણી અંગેના મુખ્ય મુદાઓ, વપરાશકર્તાઓની મુશ્કેલીઓને ઓળખવામાં મદદરૂપ થઇ શકે છે. આથી કયા મુદાઓને પ્રાથમિકતા આપવાની જરૂર છે અથવા તો કયા મુદાઓને અનુલક્ષીને સુધારાઓ લાવવાની જરૂર એ અંગેની માહિતી મળી શકે.
સ્થાનિક સ્તરે શહેરોમાં પાણીનું શુદ્ઘિકરણ અને તેનું યોગ્ય વિતરણ અગ્રતાક્રમે રહે છે. આમ કરવા માટે મજબૂત નેટવર્કની જરૂરિયાત રહે છે અને આ નેટવર્કમાં પાણીના વિતરણ માટે કરવામાં આવતો ખર્ચની પુન:પ્રાપ્તિ(રિકવરી) થવી અત્યંત જરૂરી છે, નહિતર નેટવર્ક ટકી શકે નહી. જોકે પાણી વિતરણ કરવા માટે લગાવવામાં આવતા ખર્ચ બાબતે વપરાશકર્તાઓમાં હંમેશા અંસતોષ હોય છે આથી આવા પ્રક્રિયામાં પારદર્શિતા હોવી પણ જરૂરી છે. આ સાથે વપરાશકર્તાઓમાં પાણી વિતરણની સેવા અંગે જાગૃતિ અભિયાન પણ કરવા આવશ્યક છે જેથી પાણીનો બગાડ ઓછો થાય. કયારેક વપરાશકર્તાઓ અને સેવા પૂરી પાડતા તંત્ર વચ્ચે થતી મુશ્કેલીઓના નિવારણ માટે મધ્યસ્થીની રચના થયેલી હોવી એ પાકટતાની નિશાની ગણાવી શકાય. એક વાત એ પણ સ્વીકારવી રહી કે, મોટાભાગે પાણી વિતરણ કરતું તંત્ર શહેરોમાં આવેલી ઝુંપડપટ્ટી(સ્લમ) અને અન્ય વસાહતો સુધી પાણીની સુવિધા પહોચાડવામાં અસફળ રહે છે. આવા વિસ્તારોમાં સ્થાનિક સગવડોના આધારે નાના પાયે સહભાગી આયોજન કરીને પાણીની સુવિધા પૂરી પાડવી જોઇએ.
આંતરરાષ્ટ્રિય, રાષ્ટ્રિય અને સ્થાનિક સ્તરે આયોજિત રોકાણ મુજબ સ્થાનિક જરૂરિયાતો અને તેનો ઉપયોગ યોગ્ય રીતે થાય એ માટે સહભાગીદારી હોવી અત્યંત જરૂરી છે. પાણી બાબતે સ્થિરતા, ટકાઉપણું અને જળ સહકારની ભાવના વિકસાવવામાં માટે લોકોની ભાગીદારી મહત્વપૂર્ણ સાબિત થાય છે.
પાણી વ્યવસ્થાપન માટે વધુ સર્વગ્રાહી અને સંકલિત અભિગમની પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે ક્ષમતા નિર્માણ અને મધ્યસ્થી પ્રવૃતિઓ ઉપર વિશેષ ધ્યાન આપવું જોઇએ. પાણી સંબંધિત વિવાદોને કોઇપણ જાતના સંઘર્ષ વગર સરળતાથી ઉકેલવા માટે જે પદ્ઘતિ વાપરવામાં આવે છે તેને અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રીઝોલ્યુશન(એડીઆર) અથવા એપ્રોપીએટ ડીસ્પ્યુટ રીઝોલ્યુશન પણ કહેવામાં આવે છે. આ અભિગમ દ્વારા સમાધાનની પ્રક્રિયાના સંદર્ભમાં વિશાળ વિસ્તારને આવરી લેવામાં આવે છે. આ પદ્ઘતિમાં એકબીજાની સન્મુખ વાટાઘાટો કરી અથવા બાહ્ય કે આંતરિક સમજૂતિ દ્વારા જે ઉકેલ મેળવવામાં આવે છે તેનો ઠરાવ પસાર કરવામાં આવે છે. મોટેભાગે એડીઆર આ પ્રક્રિયામાં મધ્યસ્થીની ભૂમિકામાં રહે છે.
દરેક સંસ્કૃતિ, ધર્મ અને સમાજમાં જયાં માનવ છે ત્યાં તકરાર હોવાની સંભાવના વધારે હોય છે. કોઇપણ પરિસ્થિતિમાં કે જયાં લોકો એકબીજા સાથે સંપર્ક કરે છે ત્યાં તકરાર કે સંઘર્ષ થઇ શકે છે. આ તકરાર બે વ્યકિતઓ વચ્ચે કે બે જુથ વચ્ચે તેમના હિતોના રક્ષણ માટે હોઇ શકે છે. તકરારમાં કયારેક તમામ પક્ષોની અપેક્ષાઓને સંતોષી શકાતી નથી. સંઘર્ષ નિવારણ કે કલેશ રહિત સમાધાન એ તકરાર વ્યવસ્થાપનમાં અગત્યનું કાર્ય કરે છે-કારણ કે, તકરાર સાથે વ્યવહાર કરવો એ માનવતા જેટલી જ જૂની પ્રથા છે. માનવ ઇતિહાસમાં આવા અનેક ઉદાહરણો જોવા મળે છે. ઉદાહરણો દર્શાવે છે કે, તકરારમાં વ્યકિતઓ હોય કે સમુદાયો તમામ પક્ષકારો દરેકને માન્ય હોય તેવા ઉકેલ સુધી પહોચવા પ્રયાસ કરે છે. જગતમાં રહેલી બધી જ સંસ્કૃતિમાં માન્યતા છે કે, સમસ્યાનો વ્યવહારું અને ઝડપથી ઉકેલ લાવવો એ જ શાંતિનો શ્રેષ્ઠ માર્ગ છે કારણ કે-સંઘર્ષ, તકરાર એક વિનાશક બળ છે. હાલના સમયમાં એવું માનવામાં આવે છે કે, માનવ સમાજમાં વિવાદો હોવા જરુરી છે. આવા વિવાદોમાં સામાજિક ફેરફારો, વૃદ્ઘિ કે નવા અનુભવોના નવા માર્ગો હોઇ શકે !
વિશ્વના આજના સમયની તાસીર જોતાં એવું કહી શકાય કે, આજના યુગમાં, માનવ સમાજમાં સંઘર્ષો કે તકરાર સામાન્ય થતાં જાય છે. પણ, જરૂરી નથી કે આ સંઘર્ષો વિનાશક હોય...જો એ સંઘર્ષોમાંથી બહાર આવવાનો મોકો ન મળે તો એ સંઘર્ષોના નિવારણની પ્રક્રિયા કરતી વખતે વૃદ્ઘિ, પરિપકવતા, સામાજિક ફેરફારો અને નવા વિચારોની સાથે નવા અનુભવો મળી શકે છે. આ નવા વિચારો, નવા અનુભવો સંભવિત નવા ઉકેલોના માર્ગ તરફ લઇ જાય છે. ભૂતકાળમાં થયેલા સંઘર્ષો પણ માનવસમાજ માટે બોધપાઠ સમાન હોય છે. ભૂતકાળમાં વડીલો દ્વારા સફળતાપૂર્વક ઉકેલવામાં આવેલી તકરારો એ સમાજની અનન્ય તાકાત કે ક્ષમતા ગણવામાં આવે છે. તાજેતરમાં સંઘર્ષ નિવારણ દરેક માટે અગ્રતાક્રમ બની ગયું છે એટલે જ એ અભ્યાસ અને વ્યવહારમાં એક વિસ્તરણ પામી રહેલું ક્ષેત્ર બની રહ્યું છે. સંઘર્ષ ઘનત્વને વીસમી સદીના છેલ્લા ત્રણ દાયકામાં ખૂબ જ વેગ મળ્યો છે. એક અભ્યાસક્રમ તરીકે આ વિષય અંર્તગત વ્યવહાર કુશળતા અને વ્યુહરચનાઓ વિશે કેળવણી આપવામાં આવે છે. સ્વીકૃતિ પામેલા આ ક્ષેત્રમાં દાર્શનિક વલણોમાં ફેરફારો સ્વયં જાગૃતિના કાર્યક્રમો અને તાલીમ દ્વારા પૂર્તિ કરવામાં આવે છે. આ પ્રકારની શૈક્ષણિક પ્રવૃતિ વ્યવહારું તાલીમ પહેલ, સંશોધન અને પ્રકાશન ક્ષેત્રે વિશાળ તક ઊભી કરે છે.
રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરે ઘણી વખત કાયદા અને પાણી અંગેના નીતિ-નિયમો અસ્પષ્ટ અને નબળા હોય છે. પરંતુ, વસતિવધારો, આબોહવામાં પરિવર્તન, પાણીના સ્રોતોનું શોષણ અને ભૂગર્ભમાં પાણીના સ્તર નીચા જવાથી હાલમાં જળ સંપત્તિના યોગ્ય સંચાલન માટે મજબૂત કાયદાઓ અને વ્યવસ્થાપન અત્યંત જરૂરી બની જાય છે.

જળ સહયોગ-૨

વર્ષ ૨૦૧૩ના વિશ્વ જળ દિવસના અનુસંધાનમાં આ વર્ષને જળ સહયોગની થીમ સાથે જોડવામાં આવેલું છે. જળ સહયોગ એટલે પ્રવર્તમાન સમયમાં પાણીની વિવિધ જરૂરિયાત, તેની પ્રાથમિકતા, વિવિધ વપરાશકર્તાઓ અને વિવિધ ક્ષેત્રો વચ્ચે એક મજબૂત સંતુલન બનાવી રાખવું. આ સંતુલન બનાવી રાખવા માટે કેવા નિર્ણયો લેવા પડે એ અંગેની વાત આજે કરીશું.

માનવજીવનના સંદર્ભમાં પાણીની જરૂરિયાત દિવસે ને દિવસે વધતી જાય છે. આ સાથે પર્યાવરણીય સમસ્યાઓને કારણે વરસાદની અનિયમિતતા પણ વધતી જાય છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કેટલાક વિસ્તારોને બાદ કરતાં અનિયમિત અને ઓછા વરસાદનું કહી શકાય. કચ્છ જિલ્લામાં વરસાદ વાર્ષિક સરેરાશ વરસાદ કરતાં પણ ઓછો છે. કચ્છપ્રદેશમાં આવેલા મોટા ભાગના તળાવો ખાલી છે અથવા તો અંશત: પાણીથી ભરાયેલા છે અને ભૂતળની સપાટી પણ ઊંડી ઊતરી ગઇ છે. આવા સંજોગોમાં કચ્છના પાડોશી જિલ્લો સુરેન્દ્રનગરના હળવદ તાલુકામાં આવેલા સામંતસર તળાવને નર્મદાના પાણીથી ભરવામાં આવેલું છે. અહીં નર્મદાના પાણીથી તળાવને ભરવાની સામે કોઇ વાંધો નથી પણ જે નર્મદાના પાણીથી એ તળાવ ભરવામાં આવેલું છે એ પાણી સરકારશ્રી દ્વારા કચ્છપ્રદેશ માટે ફાળવવામાં આવેલું હતું. તા. ૧૨-૦૯-૨૦૧૩ ના કચ્છમિત્ર દૈનિકમાં આ માહિતી 'હળવદનું તળાવ કચ્છની તરસથી ઓગન્યું" એવા શિર્ષક સાથે આપવામાં આવેલી છે. કચ્છપ્રદેશનું ગઇસાલનું વર્ષ દુકાળનું વર્ષ હતું. આ સાલનું વર્ષ પણ દુકાળનું જશે એવું લાગી રહ્યું છે. આવનારા સમયમાં પેયજળની ઉપલબ્ધિની અછત સર્જાવાના એંધાણ છે ત્યારે શું કચ્છપ્રદેશને ફાળવેલા નર્મદાના પાણીથી હળવદના તળાવને પાણીથી ભરવાનો નિર્ણય યોગ્ય છે ?....અહીં જળસહયોગના અનુસંધાનમાં પરસ્પર સમજૂતિની વાત આવે છે. સામંતસર તળાવને નર્મદાના પાણીથી ભરતાં પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રશાસને કચ્છ જિલ્લાના પ્રશાસન સાથે વાત કરવી જોઇએ અને એક યોગ્ય તેમજ સુચારૂં નિર્ણય લેવો જોઇએ. છેલ્લા ત્રણેક દિવસથી શા માટે નર્મદાનું પાણી અનિયમિત અને ઓછું આવી રહ્યું છે તેનું કારણ કચ્છપ્રદેશની જનતાને હવે સમજાયું છે. એક વાત એ પણ નોંધવાની ઇચ્છા થાય છે કે, નજીકના ભૂતકાળમાં ઢાંકીથી હળવદ કેનાલમાં ઉભડક મશીનો દ્વારા પાણીની ચોરી સરેઆમ પકડાઇ હતી અને હવે સામંતસર જેવા તળાવો નર્મદાના પાણીથી ભરવાની શરૂઆત કરવામાં આવી છે. કોઇના ભાગનું પાણી અન્ય કોઇ લઇ ન જાય એ માટે લોકપ્રતિનિધિઓએ એક સુનિશ્ચિત આયોજન ઘડી કાઢવું જોઇએ નહીતર આજે સુરેન્દ્રનગર જિલ્લાએ કચ્છ જિલ્લાનું પાણીની ઉઘાડી લુંટ કરી છે અને આ અક્ષમ્ય પગલું અન્ય કોઇ જિલ્લા માટે પણ 'પ્રેરણાસ્રોત" બની શકે છે. જો આવી સ્થિતિ નિર્માણ પામે તો જિલ્લાઓ વચ્ચે શાંતિ અને સુમેળ રહે નહી અને વર્ષ ૨૦૧૩ના વિશ્વ જળ દિવસની થીમ 'જળ સહયોગ"નો હેતુનું બાળમરણ થાય..!

કચ્છમાં નર્મદાના પાણી બાબતની થોડી આંકડાકીય માહિતી જોઇએ તો, ગ્રામ્ય વિસ્તારમાં દૈનિક ૧૩૩.૪૪ મિલીયન લિટર/ડે(દસ લાખ લી/દિવસ-એમ. એલ. ડી.), શહેરી વિસ્તારમાં ૮૮.૩૩ એમ. એલ. ડી., ઔદ્યોગીક એકમોને ૯૫.૬૬ એમ. એલ. ડી. અને પશુધનને ૫૬.૮૯ એમ. એલ. ડી. મળીને કુલ ૩૭૪.૩૨ એમ. એલ. ડી. જળની જરૂરિયાત છે તેની સામે સ્થાનિક સોર્સ દ્વારા ૧૫૫ એમ. એલ. ડી. અને નર્મદાનું ૨૦૦ એમ. એલ. ડી. મળીને ૩૫૫ એમ. એલ. ડી. પાણીના જથ્થાનું વિતરણ કરવામાં આવે છે.(સૌજન્ય: શ્રી આર. એલ. પટેલ-મુખ્ય ઇજનેર, પાણી પૂરવઠા બોર્ડ). પાણી પૂરવઠા બોર્ડ હસ્તક શહેર અને ગામડાઓના મળીને કુલ ૫૯૮ બોરવેલ છે. અહીં ગંભીર બાબત એ છે કે, પાણીના સ્તર ઊંડા ઉતરી ગયા છે. એ અંદાજ પ્રમાણે ભૂજળ ૪ મીટર જેટલા ઊંડા ઉતરી ગયા છે. વળી, પાણી વધારે નબળી ગુણવત્તાવાળું થયું છે, એટલે કે ખારાશ, ફલોરાઇડ વગેરે જેવા તત્વોનું પ્રમાણ પણ વધ્યું છે. આ વર્ષે પણ વરસાદ ઓછો થયો છે માટે પાણીનું સ્તર હજુ પણ વધારે ઊંડે ઉતરી જવાની ભીતિ છે, કારણ કે ભૂજળના વપરાશની સામે ભૂજળનું અનુશ્રવણ ઘણું ઓછું છે અથવા તો કરવામાં આવતું જ નથી. જળ સહયોગના અનુસંધાનમાં વાત કરીએ તો પાણી આપણી પોતાની જરૂરિયાત છે. જળ સહયોગ માટે જેમ સપાટીય સ્રોતો માટે વિવિધ ક્ષેત્રોને જોડી શકાય છે તેમ ભૂગર્ભજળ માટે પણ જોડાણની શકયતાઓ વિચારી શકાય છે. આ માટે બન્ને પ્રકારના જળ સ્રોતોને લઇને કેટલીક તાંત્રિક બાબતોને ધ્યાનમાં લેવી જોઇએ. જળવિભાજક(વોટરશેડ)ના સંદર્ભમાં આવકક્ષેત્ર, જળાશય ક્ષેત્ર, ઉપયોગ ક્ષેત્ર અને છેવાડાના વપરાશકર્તાઓ વગેરે બાબતોને સપાટીય જળ માટે ચોક્કસ કરી શકાય છે. એવી જ રીતે ભૂગર્ભજળ માટે પણ આવા વિવિધ ક્ષેત્રોને અંકિત કરી શકાય છે.

જળ સહયોગ 3 :પરસ્પર સમજૂતિથી વૈશ્વિક પાણી સમસ્યાનો ઉકેલ લાવવાથી શાંતિ, સુરક્ષા અને સ્થિરતા રહે છે

માનવજીવનની મૂળભૂત જરૂરિયાતો, પર્યાવરણ અને દેશનો સામાજિક-આર્થિક વિકાસનો આધાર પાણી છે. પાણીનું સુનિયોજીત વ્યવસ્થાપન તેની કેટલીક અનન્ય લાક્ષણિકતાઓને કારણે પડકારરૂપ છે. ઝડપથી થઇ રહેલું શહેરીકરણ, પ્રદૂષણ અને કલાઇમેટ ચેઇન્જ જેવા પરીબળોને કારણે પાણીના સ્રોતો ભયસ્થાનના સ્તર ઉપર આવી ગયા છે. વધી રહેલા વસતિ વધારાને કારણે ઘરેલું વપરાશ, ખાદ્ય ઉત્પાદન અને ઓદ્યોગિક ક્ષેત્રે પાણીનો ઉપયોગ વધી રહ્યો છે. પૃથ્વી ઉપર મળતું પાણી એક સાર્વત્રિક વહેચાયેલો સ્રોત છે અને તેના વ્યવસ્થાપન માટે વિવિધ વિરોધાભાષી પરિબળોને ગણતરીમાં લેવાની હવે તાતી જરૂરિયાત છે. વ્યવસ્થાપનની આ પ્રક્રિયામાં વપરાશકર્તાઓ વચ્ચે સહકાર માટેની પૂરતી તકો રહેલી છે.

વર્ષ ૨૦૧૩ના વિશ્વ જળ દિવસના અનુસંધાનમાં આ વર્ષને જળ સહયોગની થીમ સાથે જોડવામાં આવેલું છે. જળ સહયોગ એટલે પ્રવર્તમાન સમયમાં પાણીની જરૂરિયાત અને તેની પ્રાથમિકતા વચ્ચે એક મજબૂત સંતુલન બનાવી રાખવું. પાણીના વધારે પડતા ઉપયોગને કારણે પાણીની અછત ઊભી થઇ રહ્યી છે તેને કારણે સમાજમાં તંગદીલી ઊભી થાય ત્યારે પાણીને જ શાંતિના એક માધ્યમ તરીકે ઉપયોગમાં લેવાનું આ થીમમાં સૂચવવામાં આવેલું છે. જળ સહયોગ પ્રોત્સાહન, સાંસ્કૃતિક, શૈક્ષણિક, વૈજ્ઞાનિક પરિબળોની સાથે ધાર્મિક, નૈતિક, સામજિક કાનૂની અને આર્થિક હકારાત્મક પરિણામો લાવવાનો સૂચીત અભિગમ છે.

પાણીના વિવિધ સ્રોતો બાબતે આંતરાષ્ટ્રિય ક્ષેત્રે સમુદાય વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહી છે. આ સમસ્યાઓના ઉકેલ માટે સમુદાય, પરિસ્થિતિ અને તંત્રએ પ્રતિબદ્ઘ થઇને નક્કર કામગીરી કરવાની જરૂર છે. જળ સહયોગ દ્વારા પાણીનું યોગ્ય વ્યવસ્થાપન કરીને પાણી બાબતના પડકાર, લાભ અને અંર્તભાવની સુધારણા માટે વિશ્વના દેશો વચ્ચે પરસ્પર આદર, સમજણ, શાંતિ, સુરક્ષા અને ટકાઉ આદર્શ આર્થિક વૃદ્ઘિને ઉત્તેજન આપી શકાય તેમ છે. જળ સંશાધન વ્યવસ્થાપન સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરે એકી સાથે થવું જરૂરી છે. આ એક વિવિસ્તરીય વ્યાપક અભિગમ તરીકેની કામગીરી ગણી શકાય. તમામ વપરાશકર્તાઓ સાથે સરકારી, ખાનગી સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોએ સંવેદનશીલ અને વંચીત લોકો પ્રત્યે વિશેષ કાળજી રાખવી જરૂરી છે. વંચીત વિસ્તારના લોકોની આજીવીકાની સાથે તેમની જીવન જરૂરિયાતની તમામ સગવડો પૂરતા પ્રમાણમાં મળી રહે એ દિશામાં સામૂહિક રીતે કાર્ય કરવાની પરિસ્થિતિનું નિર્માણ હવે થઇ ચૂકયું છે. મૂળભૂત રીતે જળ વ્યવસ્થાપનના વિકલ્પો સરકારી નીતિઓ સાથે સુસંગત હોવા જોઇએ અને સાથે-સાથે સમાજને પણ અનુરૂપ હોય એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. જળ વ્યવસ્થાપનના નિર્ણયો સામાજિક, રાજકિય અને જૈવિક પર્યાવરણની મર્યાદાને ધ્યાનમાં રાખીને કરવા જોઇએ અને કુદરતી સંશાધનોની ફાળવણી તથા વિતરણ સંતુલિત રીતે વૈશ્વિક પર્યાવરણને ધ્યાનમાં રાખીને કરવી જોઇએ.

જળ સહયોગ માટે નવીન અભિગમ શું હોઇ શકે ?

વિશ્વભરમાં પાણીના મુદ્રાઓને નવીન અભિગમથી સંબોધવા માટે રાજકિય ઇચ્છા નિર્ણાયક રહે છે. સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય જળ સહયોગ સંપર્ક માટે એક સમાન વિચારધારાને પાયાનું અંગ ગણી શકાય. પાણીના મુદા બાબતે ખુલ્લી ચર્ચા અને સ્થાનિક લોકોની સહભાગીદારી ખૂબ જ જરૂરી છે કારણ કે, તે સુચારૂં પ્રશાસન, જવાબદારી અને પારદર્શકતા જેવા વાતાવરણને ઉત્તેજન આપતી મહત્વની કડી છે. આ કડી જળ સંપત્તિ બાબતે સહકારની ભાવના અને રાજકિય પ્રતિબદ્ઘતાને ઉજાગર કરે છે. જળ સહયોગની પરામર્શ જળ વ્યવસ્થાપન સહિત તમામ સ્તરના લોકોને જીવન જરૂરી લાભો પહોચાડવામાં મદદરૂપ થઇ શકે તેમ છે.
પાણીની પ્રાપ્તીનો મુદો કયારેક સમાજમાં લોકો વચ્ચે વિભાજનની પ્રક્રિયા કરે છે. ભૂતકાળના અનુભવો દ્વારા જાણી શકાય છે કે, આવા સમયે વાટાઘાટ અને પરસ્પર સહકાર દ્વારા જટિલ મુદાઓનો પણ સામનો સરળતાથી કરી શકાય છે. પરસ્પર સમજૂતિથી વૈશ્વિક પાણી સમસ્યાનો ઉકેલ લાવવાથી શાંતિ, સુરક્ષા અને સ્થિરતા રહે છે. સદનસીબે આપણી પૃથ્વી દરેકને 'પાણી સુરક્ષા" પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ, પાણી સુરક્ષા ત્યારેજ શકય બને જયારે સમાજ જળ વ્યવસ્થાપનના વૈચારિક અભિગમને યોગ્ય રીતે સમજે અને તેનું અનુકરણ કરે! આપણા ઇતિહાસમાં ડોકિયું કરીએ તો જાણવા મળે છે કે, અગાઉ લોકો નદીઓના પાણીને પરસ્પર સમાન રીતે વહેચીને વાપરતા હતા. અહીં ચાવીરૂપ મુદો એ છે કે, શાંતિર્પૂણ ઉકેલ માટે લોકો પોતાના આચરણને કદી નેવે મૂકતાં ન હતા.
પાણી અને પાણીનું વ્યવસ્થાપન ટકાઉ વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. એક આદર્શ સંકલિત, સામાજિક, આર્થિક અને પર્યાવરણીય માળખું પાણીના યોગ્ય વ્યવસ્થાપનથી બને છે. પાણીના વ્યવસ્થાપન બાબતના નિર્ણયોમાં તમામ સ્તરના લોકોએ સહભાગી થવું જોઇએ. તમામ સ્તરની સંતુલિત વ્યુહરચના વગર પારિસ્થિતિક તંત્રની એકસૂત્રતાને જાળવી રાખવી અશકય છે. જળ સંશાધનોના વિકાસ અને તેના રક્ષણ માટેની સંયુકત જવાબદારી જે-તે વિસ્તારના લોકોની ઉપર હોય છે. લોકોની સાથે તંત્ર પણ પ્રમાણિકતાથી સાથ આપે તે જરૂરી છે.

વિનીત કુંભારાણા-(સ્રોત:ઇન્ટરનેશનલ ડીકાડ ફોર એકશન-વોટર ફોર ઓલ:૨૦૦૫-૨૦૧૫)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate