વસુંધરા ઉપર વિશ્વની સંસ્કૃતિ વૈવિધ્યસભર છે. વૈવિધ્યસભર આ સંસ્કૃતિઓમાં આધ્યાત્મિકતાના દ્રષ્ટ્રિકોણથી ભારતીય સંસ્કૃતિ યુગોથી સર્વશ્રેષ્ઠ સાબિત થયેલી છે. અર્વાચીન સમયમાં પણ ભારતીય સંસ્કૃત્તિએ પશ્ચિમી સંસ્કૃત્તિની તુલનાએ આધ્યાત્મિકતાની દ્રષ્ટ્રિ્એ ઉચ્ચકોટીની આદરણીયતા, સરળ જીવનશૈલી, વડિલો પ્રત્યે આદર, સ્ત્રી સન્માન, ઉચ્ચ વિચારસણી સભર અતૂટ કૌટુંબિક ભાવના જેવા અનેકવીધ અમૂલ્ય સંસ્કારોનાં સિંચન દ્વારા આપણી ભારતીય સંસ્કૃત્તિને ઉજાગર કરી છે. જેમ અમૂલ્ય સંસ્કારીતાના સિંચન દ્વારા આપણી સંસ્કૃત્તિ ઉજાગર બની છે તેમ આપણી સામાજિક-કૌટુંબિક ભાવનાઓ સાથે-સાથે આપણા અમૂલ્ય ત્રિવિધ જીવનરત્નો (જળ, તેજ અને વાયુ)ના વ્યવસ્થાપનમાં પણ આપણી આધ્યાત્મિકતા એટલે કે ધાર્મિકતાનું યોગદાન અસીમ રહ્યું છે.
અહીં આપણે આપણાં ત્રિવિધ જીવનરત્નોમાંના એક 'જળ" ની વાત કરીએ. જળને આપણે 'જળદેવતા" તરીકે પણ સંબોધિએ છીએ. આથી જ આપણે ત્યાં જળના વ્યવસ્થાપનમાં ધાર્મિક પ્રતિકોનો અમૂલ્ય સાથે અસીમ લેખાવી શકાય તેવો ઉચ્ચત્તમ ફાળો રહ્યો છે. આ બાબતના આધારભૂત નમૂના આપણા ઇતિહાસમાં પણ જોવા મળે છે.
રાજાશાહી વખતના કે તેની આસપાસના ઇતિહાસમાં ડોંકીયુ કરીએ તો એ સમયે પાણી સંબંધિત કરવામાં આવેલી કોઇપણ કામગીરીમાં પાણી સંચયની સાથે-સાથે લાંબાગાળાના વ્યવસ્થાપન માટે કોઇ દેવી-દેવસ્થાન, નાગ, ગાય, જતી-સતી કે સૂરવીરનાં પાળીયા જેવા ધાર્મિક પ્રતિકો પ્રસ્થાપીત કરવામાં આવતાં હતા, જેથી એક જળદેવતા તરીકેની પવિત્રતાનું મહત્વ જળવાઇ રહેતું હતું. આ બાબતનો પૂરાવો આપણે આજે પણ કોઇપણ જૂનવાણી વારિગૃહનાં મુખદ્વારે જોઇ શકીએ છીએ. આ ધાર્મિક પ્રતિકો પ્રસ્થાપિત કરવા પાછળની મુખ્ય ભાવના એવી હતી કે, જળની દેવતા તરીકેની પવિત્રતાનું માહાત્મ્ય જળવાઇ રહે. આ પવિત્રતાને કારણે લોકો વારિગૃહોને નુકશાન નહીં પહોંચાડે. લોકો આવા પ્રતિકો પાછળની ધાર્મિક ભાવનાને કારણે વારિગૃહોને નુકશાન ન પહોંચાડવા સાથે-સાથે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતાં અને આમ વિવિધ ધાર્મિક પ્રતિકોનાં પ્રસ્તાપનને કારણે આવા વારિગૃહોના વ્યવસ્થાપન માટેની સ્વયં સંચાલિત પ્રણાલિ અનંતકાળ સુધી ચાલતી હતી. તળાવના કિનારે મંદિર કે દરગાહ, વાવના મુખદ્વારે કોઇ દેવી-દેવસ્થાનની પ્રતિમા, ગોખલામાં નાગ પ્રતિમા, મુખદ્વારની બંને બાજુ ત્રિશૂલ, કૂવા કે વાવની નજીકમાં કોઇ જતી-સતી, સૂરાપૂરાનાં પાળીયા કે ધર્મધજા જેવા ધાર્મિક પ્રતિકો આપણને આજે પણ દ્રષ્ટ્રિ્રગોચર થાય છે. આપણી ભારતીય સંસ્કૃત્તિમાં ગાયને માતા તરીકેની ઉપમાથી નવાજવામાં આવે છે, કારણ કે તેમાં ૨૪ કરોડ દેવતાનો વાશ થયેલો હોવાનું માનવામાં આવે છે. આથી ઘણી જગ્યાએ ઝરણા સ્વરૂપે મળતા પાણીનાં વહેણના મુખદ્વારને ગાયના મોઢાનો આકાર આપી રક્ષિત કરી લેવામાં આવે છે. આમ આપણા વિવિધ આધ્યાત્મિકતાના પ્રતિકો એ આપણા જળ વ્યવસ્થાપનના ઉત્તમ નમૂનારૂપ બની રહ્યા છે.
જળ વ્યવસ્થાપનમાં જેમ ધાર્મિક પ્રતિકોનો અમૂલ્ય ફાળો રહેલો છે, તેમ કેટલાંક વણલેખાયેલા સ્વયંભૂ અનુસરવામાં આવેલા ધાર્મિક નિતી-નિયમોએ પણ જળ વ્યવસ્થાપનમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે અને હાલમાં પણ ભજવી રહ્યાના દાખલા આપણને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આજે પણ હયાત અવસ્થામાં જોવા-જાણવા મળે છે. જેમ કે, ઘણા ગામોમાં માનવોને પીવાના પાણીના મુખ્ય સ્રોત તરીકે પહેલા અલાયદા તળાવો રહેતાં હતા. આવા તળાવોમાં પાણી ભરવા જનારી પનિહારી તળાવના પાણી ભરવાના આરા બહાર પોતાના પગરખા ઉતારી તળાવમાં પાણી ભરવા ઉતરતી હતી. કૂવે પાણી સીંચવા જતી પનિહારી પણ કૂવાથી થોડે દૂર પોતાના પગરખા ઉતાર્યા પછી જ કૂવાના પગથીયા કે કાંઠો ચડતી હતી. માસિકધર્મમાં આવેલી સ્ત્રી(કોઇના કહેવાથી નહી પણ પોતાની સ્વ સ્ફૂરણાથી)પોતાનો માસિક કાળ પૂર્ણ થાય ત્યાં સુધી કયારેય પીવાના પાણીના સ્રોતની નજીકથી પસાર પણ થતી ન હતી અને પોતાના ઘરના પાણીયારે પણ સ્પર્શ કરતી ન હતી. આવા સમયે તેને પીવા માટેના પાણીનું વાસણ અને લોટો કે પ્યાલો પણ પાણીયારાથી દૂર ખૂણામાં અલગ રહેતા હતા. પ્રસૂતા સ્ત્રી પ્રસૂતિકાળના સવા માસ સુધી પીવાના પાણીના સ્રોત ઉપર પાણી ભરવા જતી ન હતી. સવા માસનો સમય પૂર્ણ થયા બાદ પીવાના પાણીના સ્રોતના કાંઠે કે પરથાળની નજીકમાં ઘીનો દીવો પ્રગટાવી, કંકુના પાંચ ચાંદલા કરી, હાથમાં ચોખા લઇ પાણીના સ્રોત (તળાવ/કૂવો/વાવ)ને જળદેવતા અને કૂળદેવીના નામ સ્મરણથી વધાવતી અને જળસ્રોતની પૂજનવિધિ કર્યા બાદ જ પાણી ભરવાનું શરૂ કરતી હતી. આવા તો અનેક વણલખાયેલા ધાર્મિક નિતીનિયમોનું પાલન આપણી ભારતીય સંસ્કૃત્તિમાં આજે પણ સ્વયંભૂ અનુસરવામાં આવે છે. આથી જ મારી દ્રષ્ટ્રિ્એ ધાર્મિક પ્રતિકને જળ વ્યવસ્થાપનનો આધ્યાત્મિક ગુરૂ ગણવામાં સહેજ પણ અતિશયોકિત નહીં ગણાય.
વિનીત કુંભારાણા