આપણા પૂર્વજો પહેલેથી પ્રકૃતિ અને પ્રાકૃતિક તત્વોની પૂજા કરતા આવ્યા છે. તેઓ જાણતા હતા કે આ તત્વો જ પૃથ્વી પર જીવનને ટકાવે છે. ૠગ્વેદમાં પણ સૂર્ય, વરુણ, વાયુ, અગ્નિ, ચંદ્ર અને પૃથ્વીની પૂજા માટેની અનેક ઋચાઓ છે. જેમ કે, ‘नूनः जनाः सूर्येण प्रसुताः ।’ એટલે કે ‘જે પણ કંઈ અસ્તિત્વમાં છે તે સૂર્યમાંથી ઉદભવ્યુ છે.’ સૂર્ય, પવન અને પાણી જીવનના મૂળભૂત સ્ત્રોતની સાથે સાથે નવીનતમ ઊર્જાના સ્ત્રોત પણ છે. નવીનતમ ઊર્જા સ્ત્રોતો એટલે સૂર્ય, પવન, જળ, ભરતી અને ભૂગર્ભીય ગરમી વગેરે પ્રાકૃતિક ઊર્જા સ્ત્રોતો. આપણા પ્રણાલીગત ઊર્જા સ્ત્રોતો જેવા કે કોલસો, પેટ્રોલિયમ, ખનીજતેલ વગેરે બહુ ઝડપથી ખતમ થઈ રહ્યાં છે. જો આપણે વહેલી તકે તેમનાં વિકલ્પો નહીં શોધીએ તો વિશ્વને ભવિષ્યમાં ઊર્જાની વિકટ સમસ્યાનો સામનો કરવો પડશે. વધુમાં પ્રણાલીગત ઊર્જા સ્ત્રોતોના ઉપયોગથી પ્રદુષણ વધે છે. આવા સમયે આ નવીનતમ ઊર્જા સ્ત્રોતો કે જે અખુટ અને પ્રદુષણહીન છે, તેમનું મહત્વ ખુબ વધી જાય છે.
જોકે પવનઊર્જા અને જળઊર્જાના ઉપયોગ માટે જટીલ પવનચક્કી અને મોટા ડેમની જરૂરીયાત રહે છે; જે વ્યક્તિગત રીતે વાપરવું શક્ય નથી. પરંતુ સૌરઊર્જાનો ઉપયોગ તો દરેક વ્યક્તિ બહુ સરળતાથી કરી શકે છે. સૌરઊર્જાથી ચાલતાં સાધનોમાં સૂર્યકૂકર, સૂર્યહિટર, સોલાર-લેમ્પ, સોલાર-રેફ્રિજરેટર વગેરેનો સમાવેશ થાય છે. સૂર્યકૂકર એ સૂર્યની ગરમીથી ખોરાક પકવતું સાધન છે. આપણે સહુએ નાની સુટકેસના કદનું સૂર્યકૂકર જોયું હશે. આપણે તેનાં વિશે થોડું વધુ જાણીએ.
સૂર્યકૂકર ૨-૩ કલાકમાં ખોરાક રાંધી શકે છે. સૂર્યકૂકર માટે ગરમી કરતાં ચોખ્ખું આકાશ વધુ અગત્યનું છે. આપણા ગુજરાતમાં લગભગ ૮૦ થી ૯૦ ટકા સમયે આકાશ સ્વચ્છ હોય છે જે સૂર્યકૂકર માટે અનુકૂળ છે. સૂર્યકૂકર શિયાળામાં પણ કામ કરે છે. કૂકરને જ્યાં સતત તડકો રહેતો હોય તે જગ્યાએ રાખવું જરૂરી છે. કૂકરને સૂર્યની દિશામાં ફેરવતાં રહેવાની જરૂર નથી. જો આકાશ વાદળછાયું કે વરસાદી હોય તો ખોરાક પૂરેપૂરો બનતો નથી. આ અડધા પકાવેલા ખોરાકને ગેસ પર પૂરેપૂરો પકાવી શકાય છે. સ્વચ્છ આકાશવાળા દિવસે બે વાર (૯ થી ૧૨ અને ૧૨ થી ૩) ખોરાક રાંધી શકાય છે. સૂર્યકૂકરનું વજન લગભગ ૧૦ થી ૧૨ કિલો હોય છે. કૂકરમાં કાળા રંગે રંગેલા ચાર ડબ્બાઓ હોય છે. સૂર્યના કિરણો કૂકરની અંદરની ટ્રે પર સીધા અને અરીસાથી પરાવર્તિત થઈને પડે છે. કાળા રંગની ટ્રે અને અંદરનું વાતાવરણ ધીરે ધીરે ગરમ થાય છે. અંદર આવેલી ગરમીને કૂકરનું અવાહક પડ અને બે કાચવાળું ઢાંકણ બહાર જતાં રોકે છે. આમ અંદરનું તાપમાન ૧૦૦ અંશ સેન્ટ્રીગ્રેડથી પણ વધી જાય છે.
સૂર્યકૂકરમાં આપણે એ બધું જ રાંધી શકીએ જે આપણે સામાન્યતઃ ગેસકૂકરમાં રાંધતા હોઈએ છીએ. ચાર ડબ્બાઓમાં દાળ, ભાત અને શાક મૂકી શકાય. ૨ કલાક પછી દાળને ગેસ પર વઘારી શકાય અને શાકને ગેસ પર ચઢાવી શકાય. આ ઉપરાંત તેમાં કઠોળ, ખીર, દૂધપાક, લાડુ, હાંડવો, ઢોકળા, બાસુંદી, માખણમાંથી ઘી, ખારીસીંગ, મુખવાસ વગેરે ચીજો બનાવી શકાય છે. સૂર્યકૂકરમાં પાણી ઉકાળી શકાય તથા શાકભાજી પણ બાફી શકાય. સૂર્યકૂકરમાં બનાવેલા ખોરાકમાં પોષકતત્વો વધુ જળવાઈ રહે છે કારણકે તેમાં ખોરાકનું ધીમું અને નૈસર્ગિક દહન થાય છે. સૂર્યકૂકરમાં બનાવેલો ખોરાક વધુ સ્વાદિષ્ટ લાગે છે. આ બાબતે ૠગ્વેદમાં ઋચા છે :
रुप रस गंध समायुक्तम पौरुष कान्ति दायः ।
सूर्यपक्कान्न महौषधि न किंचिदपि संशयः ।
‘સૂર્ય દ્વારા પકાવેલું અન્ન રૂપ, સ્વાદ, સુગંધમાં ઉત્તમ હોય છે. એમાં કોઈ શંકા નથી કે આવું અન્ન શરીરના બળ અને ક્રાંતિ માટે અમૃત સમાન છે.’
अकालमृत्युहरणं पुष्टितुष्टिप्रदायकं
त्रिदोषहरणं, त्रितापशामकं, सर्वव्याधिविनाशकं ।
सूर्यपक्कान्नमहौषध ऋध्धिसिध्धिप्रदायकं
श्रुणुपूर्व मुनि शार्दुलः सूर्यात्मेअन्नः शुभं ।
‘સૂર્યદ્વારા પકાવેલું અન્ન શરીરના વિકાસ અને દીર્ઘાયુજીવન માટે આશીર્વાદરૂપ છે. તે શરીરના મુખ્ય ત્રણ દોષ : વાત, પિત્ત અને કફને હરે છે. શરીરના મુખ્ય તાપ તથા પ્રાણ, તેજ અને ઓજસને સંતુલિત રાખે છે અને સર્વે વ્યાધિઓને દૂર કરે છે. સૂર્ય દ્વારા પકાવેલું અન્ન એ ઔષધી સમાન છે અને તે પ્રજ્ઞા અને બુદ્ધિને વધારે છે. પૂર્વે શાર્દુલ મુની કહે છે કે ‘સૂર્ય દ્વારા પકાવેલું અન્ન અતિશુભ છે.’ રસોઈ તૈયાર થયા બાદ તેને અંદર જ મૂકી રાખવાથી રસોઈ ૨-૩ કલાક સુધી ગરમ જ રહે છે પણ બળી જતી નથી. સૂર્યકૂકરમાં રસોઈ બનાવવામાં ધી-તેલનું પ્રમાણ ઓછું રાખી શકાય છે જે ખાસ કરીને હૃદયરોગનાં દર્દીઓ માટે ઉપકારક છે.
સૂર્યકૂકરની કેટલીક મર્યાદાઓ પણ છે. જેમ કે તેનો ઉપયોગ વહેલી સવારે અને રાત્રે થઈ શકતો નથી. તેમાં તળવાની ચીજો તથા રોટલી, ભાખરી વગેરે બનાવી શકાતાં નથી. જલ્દી અને ફટાફટ રસોઈ બનાવવી હોય ત્યારે તે ઉપયોગી થતું નથી. આમ, સૂર્યકૂકર પરંપરાગત વિકલ્પો જેવા કે રાંધણગેસ કે કેરોસીનનો સંપૂર્ણ વિકલ્પ નથી પણ એનું પૂરક તો છે જ પરંતુ સૂર્યકૂકરની મર્યાદાઓના પ્રમાણમાં તેના ફાયદાઓ અનેકગણા છે. સૂર્યકૂકરની કિંમત આશરે ૧૩૦૦ થી ૨૦૦૦ રૂપિયા છે. યોગ્ય વપરાશથી તે ૧૫ થી ૨૦ વર્ષ સુધી ચાલે છે. સૂર્યકૂકરના વપરાશથી રાંધણગેસનો ઉપયોગ ૧૫ થી ૨૦% જેટલો ઓછો થાય છે જેનાથી દર મહીને લગભગ ૩૦ થી ૫૦ રૂપિયાની બચત થાય છે. સૂર્યકૂકરના ઉપયોગથી એક સાલમાં ૨-૩ ગેસ સિલિન્ડર કે પછી ૭૫ લિટર કેરોસીન કે પછી ૫૫૦ કિ. ગ્રા. લાકડાની બચત થાય છે. આ રીતે પ્રથમ બે વર્ષમાં જ સૂર્યકૂકરનો ખર્ચ નીકળી જાય છે ! બાદમાં તે લગભગ મફતમાં કામ કરે છે. જે રીતે રાંધણગેસના ભાવ વધતા જાય છે તે જોતા સૂર્યકૂકરએ બચતનું ઉત્તમ સાધન છે. વધુમાં આપણે સૂર્યકૂકર વાપરીને આપણી પૃથ્વી અને પર્યાવરણને વધુ પ્રદુષણમુક્ત અને સ્વચ્છ બનાવીએ છીએ. સૂર્યકુકરમાં ઊર્જાનો બિલકુલ વ્યય થતો નથી જ્યારે સાધારણ રાંધણ ગેસથી ખોરાક પકાવતી વખતે લગભગ ૫૦-૭૦% ગેસનો વ્યય થાય છે. જો ફક્ત ૩ ટકા લોકો સૂર્યકૂકર વાપરવા માંડે તો ૩.૨ મિલિયન ટન લાકડા અને ગેસ બચાવી શકાય અને વાતાવરણમાં ૬.૭ મીલીયન ટન કાર્બન ડાયોક્સાઈડ ઓછો ભળે.
ગ્રામીણ વિસ્તારમાં ખાસ કરીને ઓછી આવકવાળા કુટુંબો માટે સૂર્યકૂકર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. શહેરોમાં પણ જો ઘરે પૂરતો સૂર્યપ્રકાશ આવતો હોય અને વહેલી સવારે જમવાનું તૈયાર કરવાની જરૂર ન હોય તો સૂર્યકૂકર વાપરી શકાય છે. આપણે આપણાં સગાં-સબંધી કે મિત્રોને સૂર્યકૂકરના ફાયદાઓ વિશે માહિતી આપી તે ખરીદવા માટે પ્રોત્સાહિત કરી શકીએ તથા જરૂરીયાતવાળી વ્યક્તિને સૂર્યકૂકર ભેટ પણ આપી શકીએ. સૂર્યકૂકર માટે સહુથી સારો પ્રચાર તેને વાપરનાર લોકો છે. એક વાર તેને વાપરવાનું શરૂ કર્યા બાદ તમારો અનુભવ અને બચત તમારા પાડોશીઓ અને મિત્રોને પણ તે ખરીદવા પ્રોત્સાહિત કરશે. સરકારે સૌર ઊર્જા સંબંધિત સાધનો માટે ‘આદિત્ય સોલાર શોપ’ નામની દુકાનો ગુજરાતમાં ઘણી જગ્યાએ ખોલી છે. ઘણા શહેરોમાં સૌર ઊર્જા સંબંધિત સાધનો સ્થાનિક દુકાનદાર પાસે પણ મળે છે. આ રહ્યા કેટલાક દુકાનોના સરનામાં, આપની સુવિધા માટે :
(1) સ્વામીના. ગઢડાનો ખાદી ભંડાર, પ્રીતમનગરનો પહેલો ઢાળ, એલિસબ્રિજ, આશ્રમ રોડ, અમદાવાદ. ટે. ૦૭૯-૨૬૫૭૯૨૮૦ (2) ગ્રામ શિલ્પ ખાદી ભવન, વિદ્યાનગર મુખ્ય રોડ, રાષ્ટ્રિય શાળાની નજીક, રાજકોટ. ટે. ૦૨૮૧-૨૪૬૬૧૪૧ (3) દેવનાદ કોમ્પ્લેક્સ, પાનવાડી, ભાવનગર (4) ૧૭, દિગ્વિજય પ્લોટ, નવો રોડ, તળાવની પાળ, જામનગર (5) પો. બો. નં ૩૭, એસ આર પી. કેમ્પની નજીક, ગોધરા ટે. ૦૨૬૭૨૪૨૩૨૭ (6) ૮૦ ફીટ રોડ, દેસલભગત વાવની નજીક, ઘનશ્યામ નગર પાસે, સુરેન્દ્રનગર (7) શર્મા કોમ્પ્લેક્સ, કોલેજ રોડ, રાજપીપળા, જી. નર્મદા (8) ગ્રામ ઈજનેરી વિદ્યાલય, રોજમાળ, તાલુકો ગઢડા, જિ. ભાવનગર – ૩૬૪૭૫૦. ટે. ૦૨૮૪૭ ૨૯૪૧૨૭/૨૯૦૪૪૯ (9) ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ, ગાંધી આશ્રમ, અમદાવાદ – ૩૮૦૦૨૭ ટે.૦૭૯ ૨૭૫૫૨૪૬૯
તમને નથી લાગતું કે સૂર્યકૂકર એ આપણા દેશની ઊર્જાપૂર્તિ અને પર્યાવરણના સંરક્ષણ માટેનો શ્રેષ્ઠ ઉપાય છે ?
(ચિત્ર સૌજન્ય : ગ્રામ ઈજનેરી વિદ્યાલય, ગામ : રોજમાળ, જિ. ભાવનગર.)
નવોદિત યુવાસર્જક શ્રી ઉદયભાઈ (બૅંગ્લોર) વ્યવસાયે સોફટવેર એન્જિનિયર છે. માનવતા, જીવન અને અધ્યાત્મ તેમના રસના વિષયો છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે udaytrivedi@gmail.com અથવા આ નંબર પર +91 98864 60844 સંપર્ક કરી શકો છો.
સ્ત્રોત:
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020