આજે પણ સમાજના અનેક લોકોને અંગદાન અંગેની જાણકારી નથી,સમાજમાં હજી પણ અંગદાન ની જાગૃતિ જોઇએ તેટલા પ્રમાણમાં નથી. જોકે જાગૃતિનું પ્રમાણ ધીમેધીમે વધી રહ્યું છે, જે એક સારી બાબત છે. ઘણાને પ્રશ્ન થતો હોય છે કે અંગદાન એટલે શું? અંગદાન પહેલાં બ્રેઇન ડેડ અંગેની માહિતી અતિ જરૂરી છે. જે દર્દીનું મગજ કામ કરતું અટકી ગયું હોય તે દર્દીની ફરીથી ભાનમાં આવવાની અને જાતે શ્વાસ લેવાની શક્યતા રહેતી નથી. તે માત્ર કૃત્રિમ શ્વાસ પર જીવિત રહે, એટલે કે વેન્ટિલેટર મશીનથી દર્દીની શ્વાસની પ્રક્રિયા ચાલતી હોય તેવા દર્દીને બ્રેઇન ડેડ કહેવામાં આવે છે. દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરતા પહેલાં ડૉક્ટરની એક પેનલ તેની તપાસ કરે છે. ત્યારબાદ દર્દીને બ્રેઇન ડેેડ જાહેર કરે છે. આવા દર્દી માત્ર એક જીવિત લાશ સમાન હોય છે. જો તેના નિકટનાં સગાંસંબંધી આ બ્રેઇન ડેડ દર્દીના અવયવો એટલે કે હાર્ટ, કિડની, લીવર, આંખો દાન આપવાની મહેચ્છા કરે તો તેને અંગદાન કહેવામાં આવે છે.
સામાન્ય રીતે માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા દર્દી વધારે બ્રેઇન ડેડ થતાં હોય છે. ઉલ્લેખનીય છે કે આવા દર્દીના અવયવો ગંભીર બીમારીમાં હોય એવા દર્દીના ઉપયોગમાં આવે છે. એટલે કે હાર્ટ, લીવર, કિડની જેવી બીમારીના દર્દીને ઉપયોગી બને છે. જોકે આજે પણ અંગદાન કરવામાં લોકો ખચકાટ અનુભવે છે, અનેક લોકો હજી પણ બ્રેઇન ડેડને મૃત્યુ તરીકે સ્વીકારવા તૈયાર થતા નથી. જેના લીધે તે અંગદાન કરવાની ઘસીને ના પાડતા હોય છે. સમાજે અંગદાન અંગે જાગ્રત થવું પડશે. બ્રેઇન ડેથ દર્દીના નિકટના સંબંધી તેના મૃત્યુ સ્વીકારવા તૈયાર થતા નથી તે સ્વાભાવિક છે પરંતુ નક્કર વાસ્તવિકતા એ છે કે ૯૯ ટકા બ્રેઇન ડેડ દર્દી જીવિત થઇ શકતા નથી. દર્દીના સંબંધીઓએ ઉદારતાથી વિચારીને બ્રેઇન ડેડ દર્દીના અંગદાન માં આપવા જોઇએ. દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરવા માટે ડૉક્ટરની એક પેનલ કામ કરે છે.
અંગદાન ની ઇચ્છા ધરાવનાર વ્યક્તિએ પોતાના ઘરના સભ્યોને અગાઉથી જાણ કરવી જોઇએ.એનું કારણ એ છે કે જ્યારે પણ ભવિષ્યમાં વ્યક્તિનું બ્રેઇન ડેડ થાય તો તેના અવયવો સરળતાથી મળી શકે, જેનાથી અન્ય દર્દીને લાભ થાય. વ્યક્તિએ પોતાના સૌથી નજીકના કુટુંબીજનને એક અગત્યના ફોર્મ દસ્તાવેજ પર સહી કરવાની હોય છે. જેથી કોઇ સંજોગોમાં અકસ્માતે મગજને ઇજા પહોંચે અને તમે બ્રેઇન ડેડ થાવ તો તમારા સંકલ્પ પ્રમાણે અંગદાન માં લઇ શકાય.
શરીરના અવયવોનું દાન સ્ત્રી-પુરુષ બંને કરી શકે છે. તેમાં કોઇ પણ ઉંમર, ધર્મ કે જાતિ હોય તેની સાથે કોઇ નિસબત નથી. કોઇ ભેદભાવ નથી. કોઇ પણ વ્યક્તિ અંગદાન કરી શકે છે. બ્રેઇન ડેડ થયેલ દર્દીએ અંગદાન કર્યું હોય તો ટ્રાન્સપ્લાન્ટની ટીમ બ્રેઇન ડેડ દર્દીનું તબીબી પરીક્ષણ કરીને અવયવોનું દાન કરવા યોગ્ય છે કે નહીં તેે તપાસીને તેની ચકાસણી કરે છે. શરીરમાંથી અવયવ બહાર કાઢીને તેનું પ્રત્યારોપણ કરવું એ એક વ્યવસ્થિત પ્રક્રિયા છે.તેમાં શરીરનું બિનજરૂરી ડિસેક્શન કરવામાં આવતું નથી. તેના લીધે અંતિમવિધિમાં કોઇ પણ પ્રકારની અડચણ થતી નથી.
તાજેતરમાં જ ભાવનગરના સિહોર તાલુકાના ચોરવડલા ગામના ૩૭ વર્ષીય આસીફ મહંમદભાઇ જુણેજાના અવયવો તેમના પરિવારે દાન કર્યા હતા. આસીફના પિતા મહંમદભાઇએ પોતાના સંતાનના અંગદાન માં આપવાની ઇચ્છા દર્શાવી, જે અંતર્ગત અમદાવાદની તબીબની ટીમ ભાવનગર પહોંચી હાર્ટ, કિડની અને લીવર લેવામાં આવ્યાં. આસીફમાંથી લેવામાં આવેલા હાર્ટને ગ્રીન કોરિડોર રચીને અમદાવાદ લાવવામાં આવ્યું હતું. આ હાર્ટનું પ્રત્યારોપણ એક હિન્દુ દર્દીમાં કરવામાં આવ્યું જે સફળ નીવડ્યું. આ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતની આ પ્રકારની પ્રથમ સર્જરી હતી જે ઇતિહાસના સોનેરી અક્ષરોમાં કંડારાઇ ગઇ. એક મુસ્લિમનું હાર્ટ હિન્દુમાં ધબકવા લાગ્યું. અંગદાન કરવામાં કોઇ ધર્મ કે નાતજાત હોતી નથી. તેના અવયવોથી ત્રણ લોકોને જીવનદાન મળ્યું હતંુ. આ વિશે વાત કરતા આસીફના ભાઇ ઇમરાન જુનેજા કહે છે કે, "મારો ભાઇ બ્રેઇન ડેડ થતા અમે પરિવારજનોએ સાથે મળીને નિર્ણય લીધો. આમ તો આપણે કોઇને પાંચ રૂપિયાની પણ મદદ કરવા જતા નથી. જો આ રીતે સેવાનું કામ થઇ શકે તો તેમાં મારા ભાઇના આત્માને પણ શાંતિ મળે. જેથી અમે અવયવો દાન કરવાનું વિચાર્યુ. પીપળિયા ગામના જયરામભાઇ ચાવડાનો અકસ્માત થતા બ્રેઇન ડેડ થયું. તેમનાં સંતાનોએ પિતાનાં અંગ દાન કરવાનો નિર્ણય લીધો. તેમની બે કિડની, સ્વાદુપિંડ અને આંખોનું દાન કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે વાત કરતા તેમના પુત્ર ભરતભાઇ ચાવડા કહે છે કે, "પિતાજી ખૂબ જ સેવાભાવી હતા. તે હયાત હતા ત્યારે પણ બધાને મદદ કરતા ત્યારે તેમનું મૃત્યુ થવાથી તેમના અંગથી કોઇને જીવતદાન મળી શકે તો તેમના આત્માને આનંદ જ મળે. તેમનાં અંગનું દાન કરી અમે તેમના આત્માને શાંતિ અર્પી છે ને સાથે જ એક સેવાનું કાર્ય પણ કર્યું છે." પત્ની ભાવના પટેલનાં અંગ દાન કરનાર જયેશભાઇ પટેલ કહે છે કે, "ભાવના મારી જીવનસંગિની હતી. તેનંુ બ્રેઇન ડેડ થતા મને ઘણો આઘાત લાગ્યો હતો, પરંતુ તે ફરી તો પહેલાં જેવી થવાની જ નહોતી. માટે મેં મન મક્કમ કરીને તેના અંગદાનનો નિર્ણય કર્યો. આ મારા તરફથી તેને પ્રેમાળ શ્રદ્ધાંજલી હતી." અમદાવાદની સિવિલ હોસ્પિટલના નેફ્રોલોજિસ્ટ ડૉ.એચ.એલ.ત્રિવેદીના માર્ગદર્શન અને સમજાવટથી બ્રેઇન ડેડ થયેલા દર્દીના પરિવારજનો અંગદાન કરવા તૈયાર થઇ જાય છે. સિવિલ હોસ્પિટલમાં ૨૦૧૪માં ૩૯, ૨૦૧૫માં ૭૧ અને ૨૦૧૬માં ૧૦૩ વ્યક્તિએ અવયવોનું દાન કર્યું છે. જે સમાજમાં આ બાબતે જાગૃતિ વધી રહી હોવાનું પ્રમાણ છે. આ વિશે વાત કરતા સિવિલ કિડની હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર વિરેન ત્રિવેદી કહે છે કે, "હવે ધીમેધીમે અવયવો દાન કરવાની
જાગૃતિ લોકોમાં વધી રહી છે. જોકે હજુ પણ આપણે ત્યાં અંગદાનને સ્વીકારવા લોકો તૈયાર નથી થતા. આ વિશે ઉદારતાથી વિચારવું અનિવાર્ય છે. અંગદાન કરવામાં સૌથી વધારે સુરત અને ભાવનગર મોખરે છે. અહીંના લોકામાં અવેરનેસ ખૂબ જોવા મળે છે. જોઇએ." સિવિલ હોસ્પિટલ દ્વારા ૨૫ નવેમ્બરે અંગદાન આપનાર દર્દીના ૪૮ કુટુંબીજનોનું સન્માન કરાયું હતું. સમાજમાં બ્રેઇન ડેડ અંગેનીજાગૃતિ ધીમેધીમે વધી રહી છે તે ખુશીની વાત છે. છતાં હજુ વધુ જાગૃતિ અને ખાસ કરીને આ વિષયે પ્રવર્તતી ગેરસમજને દુર કરવા એનજીઓ, સરકારી હોસ્પિટલ,ખાનગી હોસ્પિટલોના ડૉક્ટરોએ અંગદાન માટે સેમિનાર ગોઠવી અને જાહેરાત કરીને સમાજમાં અવેરનેસ લાવવા કટિબદ્ધતા દાખવવી જોઇએ જેનાથી સમાજને ફાયદો થાય.
સ્ત્રોત: સમભાવ ન્યુઝ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/30/2020