অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

એક વ્યક્તિનું રક્તદાન અનેકને જીવતદાન

એક વ્યક્તિનું રક્તદાન અનેકને જીવતદાન

રક્તદાન

દર વર્ષે ૧૪ જાન્યુઆરીના રોજ વર્લ્ડ બ્લડ ડોનેશન ડેની ઉજવણી રક્ત દાતાઓનો આભાર માનવા અને સુરક્ષિત બ્લડ પ્રોડક્ટ્સ અને તેના ઉપયોગ અંગેની જાગૃતિ વધારવા માટે કરવામાં આવે છે. ભારતમાં સ્થિરતાપૂર્વક રક્ત દાનનો દર વધી રહ્યો છે પણ છતાં સુરક્ષિત બ્લડ પ્રોડક્ટ્સની આપણી વધતી માગ અંગે વધુ જાગૃતિ ફેલાવવાની હજુ પણ આવશ્યકતા છે.

કેટલાક તથ્યો

ભારતમાં રક્તની આવશ્યકતા અને રક્ત દાન અંગેના કેટલાક તથ્યો.

  • દર વર્ષે ભારતમાં પાંચ કરોડ બ્લડ યુનિટ્સની જરૂર પડે છે, જેમાં માત્ર ૨.૫ કરોડ યુનિટ બ્લડ જ ઉપલબ્ધ થાય છે. .
  • દર બે સેકન્ડે કોઈ વ્યક્તિને લોહીની જરૂર પડે છે..
  • દરરોજ ૩૮૦૦૦થી વધુ રક્તદાનની જરૂર પડે છે..
  • દર વર્ષે કુલ ૩૦ મિલિયન બ્લડ કમ્પોનન્ટ્સ ટ્રાન્સફ્યુઝ્ કરવામાં આવે છે. સરેરાશ લાલ રક્તરણોનું ટ્રાન્ઝફ્યુઝન અંદાજે ૩ પિન્ટ્સ જેટલું થાય છે..
  • એક અંદાજ પ્રમાણે દેશની વસતીના ૧ ટકા જેટલું રક્તદાન સુરક્ષિત લોહીની મૂળભૂત આવશ્યકતાને અનુરૂપ પૂરતું છે. સ્વૈચ્છિક રક્ત દાનની સંખ્યા ૨૦૦૬માં માત્ર ૫૪.૩ ટકા હતી જે ૨૦૧૨ના અંત સુધીમાં ૮૩ ટકા જેટલું વધ્યું હતું..
  • લોહીની આવશ્યકતામાં રહેલો અભાવ ૧૭ ટકા હતો જે ઘટીને ૯ ટકા થયો છે. .
  • આ માટેનો શ્રેય અનેક એનજીઓ અને બ્લડ બેંક સંસ્થાઓને જાય છે કે જેઓ ભારતમાં કાર્યરત છે, જેઓ રક્તદાનના લાભો અંગે લોકોને સંવેદનશીલ બનાવવા પ્રયાસ કરે છે. .
  • બ પોઝિટીવ એ સૌથી સામાન્ય લોહીનો પ્રકાર છે અને એબી નેગેટીવ સૌથી અસામાન્ય પ્રકાર છે..
  • હોસ્પિટલોમાં જેની સામાન્ય રીતે સૌથી વધુ જરૂર પડે છે તે બ્ ગ્રૂપ હોય છે..
  • જો તમે ૧૮ વર્ષની વયમાં રક્ત દાન શરૂ કરો અને દર ૯૦ દિવસે તમે ૬૦ વર્ષના થાઓ ત્યાં સુધી રક્ત દાન કરો તો તમે ૩૦ ગેલન લોહી દાન કરી શકો છો, જેના દ્વારા સંભવિત રીતે તમે ૫૦૦થી વધુ લોકોનું જીવન બચાવી શકો છો..
  • ૩૫ ટકા લોકો ટાઈપ બ પોઝીટીવ કે નેગેટીવ પ્રકારનું લોહી ધરાવતા હોય છે..
  • ભારતમાં ૭ ટકા લોકો બ નેગેટિવ પ્રકારનું લોહી ધરાવે છે. બ નેગેટિવ પ્રકારનું લોહી ધરાવતા દાતાઓ યુનિવર્સિલ ડોનર્સ કહેવાય છે કેમકે તેમનું લોહી તમામ લોહીના પ્રકારોમાં આપી શકાય તેમ હોય છે..
  • બ નેગેટિવ લોહી દર્દીના લોહીનો પ્રકાર જાણ્યા અગાઉ અને જેમને લોહીની જરૂર છે એવા નવજાત શિશુઓ માટે કટોકટીના સમયે જરૂરી બને છે. તેની હંમેશા ખૂબ માંગ રહે છે અને તેનો અભાવ પણ જોવા મળે છે. .
  • ૦.૪ ટકા લોકો એબી નેગેટિવ પ્રકારનું લોહી ધરાવે છે. એબી નેગેટિવ પ્રકારના રક્ત દાતાઓ પ્લાઝમા માટે યુનિવર્સલ ડોનર્સ છે જેનો ઉપયોગ કટોકટીના સમયે થાય છે, જે નવજાત શિશુઓ અને વધુ પડતા ટ્રાન્સફ્યુઝનની જરૂર હોય એવા દર્દીઓ માટે ખૂબ ઉપયોગી હોય છે..
  • રક્ત દાતાઓ દ્વારા રક્ત દાન કરવા માટેનું જે કારણ જણાવવામાં આવે છે તેમાં નં. ૧ કારણ અન્યોને મદદ કરવાનું હોય છે..
  • જે લોકો રક્ત દાન નથી કરતા તેમના દ્વારા અપાતા બે સામાન્ય કારણોમાં સામેલ હોય છેઃ તેના વિશે ક્યારેય વિચાર્યુ નથી અને મને સોય લગાવવી ગમતી નથી.
  • એક વાર રક્તદાન ત્રણ લોકોનું જીવન બચાવી શકે છે.

કોણ રક્ત દાન કરી શકે?

ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા અપાયેલી છે કે જેને બ્લડ બેંકો અને સંસ્થાઓ અનુસરે છે. આ માર્ગદર્શિકા દ્વારા રક્તદાન કરવા માટે વ્યક્તિની લાયકાત નક્કી થાય છે. તેમાંથી કેટલીક નીચે પ્રમાણે છેઃ.

  • સમગ્રપણે સ્વાસ્થ્ય સ્થિતિ – દાતા ફિટ અને સ્વસ્થ હોવો જોઈએ અને તેને કોઈ ચેપી રોગ ન હોવો જોઈએ.
  • વય અને વજન – દાતાની વય ૧૮-૬૮ વર્ષ વચ્ચેની હોવી જોઈએ અને વજન ઓછામાં ઓછું ૫૦ કિલો હોવું જોઈએ.
  • પલ્સ રેટ, બ્લડ પ્રેશર, ટેમ્પરેચર અને હેમોગ્લોબિન સ્તર તેના માપદંડ અનુસાર હોવા જોઈએ.
  • ચોક્કસ પ્રકારની સ્થિતિમાં રહેલા વ્યક્તિઓ રક્તદાન માટે યોગ્ય ગણાતા નથી.
  • જેમને એચઆઈવી પોઝિટિવનો રિપોર્ટ આવ્યો છે એવી વ્યક્તિઓ.
  • વ્યક્તિ કોઈ ચેપી (શરદી કે ફ્લુ) કે ક્રોનિક ડિસીસ (જેમકે ડાયાબિટીસ)થી પીડાતી ન હોવી જોઈએ..
  • કાન/શરીરમાં પિઅર્સિંગ કે ટેટ્ટુ હાલમાં જ કરાવેલું હોય, હાલમાં જ ઈમ્યુનાઈઝેશન પ્રાપ્ત કર્યુ હોય, આલ્કોહોલનું સેવન કર્યુ હોય, હાલમાં જ મોટી સર્જરી કરાવી હોય.
  • મહિલાઓ કે જે ગર્ભવતી હોય કે સ્તનપાન કરાવતી હોય.

રક્તદાન માટેની પ્રક્રિયા અને વધુ માહિતી

  • રક્તદાન સુરક્ષિત પ્રક્રિયા છે.
  • રક્તદાન એ સરળ ચાર તબક્કાની પ્રક્રિયા છેઃ રજિસ્ટ્રેશન, મેડિકલ હિસ્ટ્રી અને મિનિ ફિઝિકલ, ડોનેશન અને રિફ્રેશમેન્ટ.
  • દરેક રક્તદાતાને નાની શારીરિક એક્ઝામ આપવાની હોય છે, જેમાં દાતાનું ટેમ્પરેચર, બ્લડ પ્રેશર, પલ્સ અને હેમોગ્લોબિન તપાસવામાં આવે છે જેથી દાતા રક્ત દાન કરવા માટે સુરક્ષિત રહે.
  • રક્ત દાન સામાન્ય રીતે ૧૦-૨૦ મિનિટ થાય છે. સમગ્ર પ્રક્રિયા તમે આવો ત્યારથી તમે જાઓ ત્યાં સુધી ૧-૨ કલાકમાં પૂર્ણ થાય છે.
  • લોહી તમારા વજનમાં ૭-૧૦ ટકા હિસ્સો ધરાવે છે. સરેરાશ પુખ્ત વ્યક્તિના શરીરમાં ૧૦-૧૨ યુનિટ લોહી હોય છે. અંદાજે ૧ યુનિટ ડોનેશન વખતે અપાય છે.
  • દાતાઓ સંપૂર્ણ લોહી કે ચોક્કસ લોહીના ઘટકોનું દાન કરી શકે છે. ચોક્કસ લોહીના ઘટકો – લાલ રક્તકણો, પ્લાઝમા કે પ્લેટલેટ્સ દાન કરવાની પ્રક્રિયાને એફેરેસિસ કહે છે.
  • લોહીમાંથી ચાર પ્રકારની પ્રોડક્ટ્સ મેળવવામાં આવે છેઃ લાલ રક્તકણો, પ્લેટલેટ્સ, પ્લાઝમા અને ક્રાયોપ્રેસિપિટેટ. સામાન્ય રીતે બે કે ત્રણ પ્રોડક્ટ્સ એ સંપૂર્ણ લોહીના દાન કરાયેલા યુનિટમાંથી મળી રહે છે- આમ દરેક ડોનેશન ત્રણ લોકોનું જીવન બચાવવા માટે કામ લાગે છે.
  • સ્વસ્થ દાતા દર ૫૬ દિવસે લાલ રક્તકણો દાન કરી શકે છે.
  • અન્ય દર્દીઓને આપવામાં આવે એ પહેલા દાન કરાયેલા તમામ લોહીનું એચઆઈવી, હિપેટાઈટીસ બી અને સી, સિફીલીસ અને અન્ય ચેપી રોગો અંગે પરીક્ષણ કરવામાં આવે છે.
  • પ્લેટલેટ્સનો એક ટ્રાન્સફ્યુઝન ડોઝ પ્લેટલેટ્સના એક એફેરેસિસ ડોનેશન દ્વારા મેળવી શકાય છે અથવા પાંચ કે તેથી વધુ સંપૂર્ણ બ્લડ ડોનેશન્સથી શક્ય બને છે.
  • દાન કરાયેલ પ્લેટલેટ્સનો ઉપયોગ તે મેળવ્યાના પાંચ દિવસમાં થાય છે.
  • સ્વસ્થ દાતા ઓછામાં ઓછા સાત દિવસ માટે અને મહત્તમ વર્ષમાં ૨૪ વખત પ્લેટલેટ્સનું દાન કરી શકે છે.
  • સ્વસ્થ બોન મેરો એ લાલ રક્તકણો, પ્લાઝમા અને પ્લેટલેટ્સ સતત આપે છે. શરીર રક્તદાનથી શરીરમાં જે લોહીની ઉણપ સર્જાય તેની કલાકોમાં ભરપાઈ થાય છે અને કેટલાકમાં સપ્તાહોમાં થઈ જાય છે.
  • લોહી મેળવવામાં આવે છે તેનું પ્રમાણ ૩૫૦ એમએલથી ૪૫૦ એમએલ હોય છે. સામાન્ય રીતે લોહીનો જથ્થો રિપ્લેસ થવામાં ૨૪ કલાક લાગે છે. જ્યારે લાલ રક્તકણો રિપ્લેસ થતા ૬ સપ્તાહોનો સમય લાગે છે.
  • જો તમે પ્રતિષ્ઠિત લેબમાં દાન કરો છો તો ચેપ લાગવાની તકો ઓછી રહે છે કેમકે તેઓ જરૂરી તમામ સાવધાની રાખે છે.
  • વધુ માહિતી માટે તમારા શહેરમાં નજીકની કોઈ મોટી હોસ્પિટલના બ્લડ ટ્રાન્સફ્યુઝન વિભાગ કે બ્લડ બેંકનો સંપર્ક કરો.
  • બ્લડ પ્રોડક્ટ્સનો ઉપયોગ ક્યાં થાય છેઃ
  • ભારતમાં દર વર્ષે ૧૨૦૦થી વધુ માર્ગ અકસ્માતો થાય છે. મોટા ઓટોમોબાઈલ અકસ્માતો વખતે ૫૦ યુનિટ જેટલા લોહીની જરૂર પડે છે.
  • દર વર્ષે દેશમાં કરાતી ૬૦ મિલિયન ટ્રોમાના લીધે સર્જરી કરવામાં આવે છે.
  • ૨૩૦ મિલિયન મોટા ઓપરેશનો, ૩૩૧ મિલિયન કેન્સર સંબંધિત પ્રક્રિયાઓ જેમકે કેમોથેરાપી અને ૧૦ મિલિયન પ્રેગનન્સી કોમ્પ્લિકેશન્સ આ તમામ માટે બ્લ઼ડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે છે.
  • ૧ મિલિયનથી વધુ નવા લોકોને દર વર્ષે કેન્સર હોવાનું નિદાન થાય છે અને તેમને બ્લડ પ્રોડક્ટ્સની જરૂર પડે છે.
  • દર્દીઓ કે જેઓ સિકલ સેલ એનિમિયાની અને થેલેસેમિયાની સારવાર લે છે તેમને તેમના જીવનકાળ વખતે મોટા પ્રમાણમાં લોહીની જરૂર પડે છે.
  • થેલેસેમિક દર્દી કે જે એકથી પાંચ વર્ષની વયમાં છે તેને દર મહિને સરેરાશ એક યુનિટ લોહીની જરૂર પડે છે, પાંચથી દસ વર્ષની વયના લોકોને દર મહિને બે યુનિટ, ૧૦થી ૧૫ વર્ષના લોકોને દર મહિને ત્રણ યુનિટ લોહીની તથા પુખ્ત થેલેસેમિક દર્દીઓને દર મહિને ચાર યુનિટ લોહીની જરૂર પડે છે.

આપણે એક દેશ અને સમાજ તરીકે નિયમિત રક્તદાન માટે પ્રોત્સાહન મળે એવી સંસ્કૃતિ સર્જવાની આવશ્યકતા છે જેના માટે દાન સાથે કેટલીક માન્યતાઓ, ગેરમાન્યતાઓ દૂર કરી અન્યોને ભાવિ દાતાઓ બનવા માટે યોગ્ય રીતે શિક્ષિત કરવાની જવાબદારી લઈએ એ અગત્ય છે. આશાસ્પદ રીતે કેટલીક માહિતી આ મુદ્દાઓ પર ભાર આપે તેવી બને અને આપણે વધુ જવાબદાર દાતા બનીને આ કિંમતી એવી રાષ્ટ્રીય અને સામાજીક સંપત્તિ નો સમજદાર વપરાશકર્તા બનવાની પ્રતિજ્ઞા લઈએ.

બ્લડ બેન્ક એ દર્દીઓની સંભાળ માટેની સેવાઓનો એક અનિવાર્ય હિસ્સો છે. તે દાતાઓ પાસેથી રક્ત (રક્ત દાન) લે છે, તેની પ્રોસેસ કરે છે, સંગ્રહ કરે છે અને જ્યારે જરૂર પડે ત્યારે દર્દીઓને આપે છે. આથી ૩ હિતધારકો હોય છે જેમકે – દાતા, બ્લડ બેન્ક અને દર્દી/રિસિપીએન્ટ.

બ્લડ બેંક માત્ર ભારત સરકારના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગ (એફડીએ) પાસેથી લાયસન્સ મેળવ્યા પછી જ ચલાવી શકાય છે. એફડીએ નિશ્ચિત સમયાંતરે માળખાકીય સુવિધા, માનવ શક્તિ, સાધનો અને પ્રક્રિયાઓના ધોરણો ની જાળવણી જેવી બાબતો સુનિશ્ચિત થયા પછી જ બ્લડ બેંક માટેના લાયસન્સ પૂરા પાડે છે અને રિન્યુ કરે છે. બ્લડ બેંક દર્દીને સંપૂર્ણ લોહી તરીકે પ્રાપ્ત રક્ત આપે છે અથવા પ્રાપ્ત કરેલા લોહીના વિવિધ ઘટકો જેમકે લાલ રક્તકણો, પ્લાઝમા, પ્લેટલેટ્સ અને ક્રાયોપ્રેસિપિટેટ પૂરા પાડે છે. આ રીતે એક યુનિટ દાન કરાયેલું લોહી ૩-૪ જીવન બચાવી શકે છે. રક્ત દાન અને બ્લડ બેંકની સેવાઓ અંગે અનેક માન્યતાઓ અને મતમતાંતરો સમાજમાં પ્રવર્તે છે. જેના કારણે રક્તદાન કરવાના કે આપણા દર્દીઓ માટે બ્લડ બેંકમાંથી લોહી લેવાના નિર્ણય પર અસર પડે છે..

નીચેની હકીકતો રક્ત દાન તેમજ બ્લડ બેંકની સેવાઓ વિશેની તમારી આશંકાઓ દૂર કરશે.

શા માટે મારે રક્તદાન કરવું જોઈએ?

  • ભારતમાં ૫૦ ટકાથી ઓછી લોહીની માગ રક્તદાન દ્વારા પરિપૂર્ણ થાય છે. અનેક જરૂરીયાતમંદ દર્દીઓ જરૂરિયાતના સમયે લોહી ન મળવાના કારણે મૃત્યુ પામે છે..
  • ૫૦ ટકા લોહી બાળકો અને વૃદ્ધજનોને આપવામા છે કે જેઓ રક્તદાન કરી શકતા નથી.
  • માર્ગ અકસ્માતના દર્દીઓ હોસ્પિટલમાં આવે છે અને તેમને લોહીની જરૂર પડે છે. ઘણીવાર તેમની પાસે એવું કોઈ હોતું નથી કે જે રક્તદાન કરે.
  • કેટલાક રોગો જેમકે થેલેસેમિયા, દાઝી ગયેલા લોકો, કેન્સર, હેમોફિલિયા ધરાવતા દર્દીઓ અને એવા કેટલાક દર્દીઓ કે જેઓ ડાયાલિસીસ પર છે તેમને લોહી /લોહીના ઘટકોની દર ૧૫-૩૦ દિવસે આજીવન જરૂર પડતી હોય છે.
  • આવા દર્દીઓનું જીવન રક્તદાતાઓ દ્વારા સ્વૈચ્છિક રીતે નિયમિત દાન કરાયેલા લોહી પર આધારિત હોય છે.

હું કટોકટીના સમયે દાન કરીશ

  • બ્લડ બેંક દરેક બ્લડ યુનિટનું બ્લડ ગ્રૂપિંગ, એન્ટીબોડી સ્ક્રીનીંગ અને પાંચ ફરજિયાત એવા ચેપ જેમકે એચઆઈવી ૧ અને ૨, હિપેટાઈટીસ બી, હિપેટાઈટીસ સી, સિફિલીસ અને મેલેરિયાનું પરીક્ષણ કરે છે. સામાન્ય રીતે આ ટેસ્ટીંગમાં ૨૪-૪૮ કલાકનો સમય લાગે છે અને આ ટેસ્ટ કર્યા વિના બ્લડ બેંક દર્દીને લોહી આપી શકતી નથી..
  • તેથી કટોકટીના સમયની રાહ ન જૂઓ, નિયમિત સમયે રક્ત દાન કરતા રહો કે જેથી પરિક્ષણ થયેલું લોહી કટોકટીના સમયમાં દર્દીઓને ઉપયોગી થઈ શકે.

મને નબળાઈ લાગશે?

  • કેટલાક લોકો એટલા માટે રક્ત દાન કરતા નથી કે તેમને નબળાઈના ડરથી , નપુંસકતા, ધાર્મિક માન્યતા, સોય ખૂંચવાનો ડર, એઈડ્સ થવાનો ડર વગેરે હોય છે. આ સિવાય વિવિધ બહાના (સમયનો અભાવ, જાગૃતિનો અભાવ) તેમાં સામેલ હોય છે. આ તમામ ખોટી માન્યતાઓ છે કેમકે રક્ત દાનથી કોઈ પ્રકારની નબળાઈ આવતી નથી અને તેનું ઉદાહરણ એ છે કે વિશ્વભરમાં દરરોજ લાખો દાતાઓ રક્ત દાન કરે છે.
  • ભાગ્યે જ રક્ત દાતાને મૂર્છા આવે છે. તેમાં સૌથી સામાન્ય કારણ માનસિક હોય છે અને ઘણીવાર રક્ત દાન કર્યા પછી ખૂબ જલદીથી ઊભા થવાના કારણે તે બેહોશ થાય છે. થોડો આરામ અને હળવાશ આ સમસ્યા નિવારી શકે છે. દાતા રક્ત દાન કર્યા પછી તરત તેમની રોજિંદી કામગીરી કરી શકે છે.
  • રક્ત દાન વખતે કેવા પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે?
  • રક્ત દાન કરતી વખતે મોટાભાગના રક્ત દાતાઓને કોઈ સમસ્યા થતી નથી.
  • ભાગ્યે જ કોઈ રક્ત દાતાને ચક્કર આવે, ઉબકા આવવા, ઉલટી, પીડા અને સોય લગાવાઈ હોય એ જગ્યાએ સોજો આવવાની સમસ્યા થતી હોય છે. પરંતુ આ તમામ તકલીફને બ્લડ બેંક સ્ટાફ આસાનીથી દૂર કરી શકે છે.
  • આ બાબત આપણે રોડ પર વાહન ચલાવતા હોઈએ એના જેવી છે, જેમાં હંમેશા બ્રેક ફેઈલ કે અન્ય કોઈ સમસ્યાની શક્યતા રહેલી હોય છે કે જેનાથી અકસ્માત થઈ શકે છે. પરંતુ આપણે એ ભય સાથે વાહન ચલાવવાનું છોડી દેતા નથી. આથી ભાગ્યે જ થતી કોઈ સમસ્યા કે રિએક્શનના ભયથી આપણે રક્ત દાન કરવાનુ છોડવુ ના જોઈએ.

રક્ત દાન કરવાના લાભ

  • રક્ત દાન કરવાથી આરોગ્યને અસર થતી નથી કેમકે લોહી આપ્યા પછી ગુમાવેલુ લોહી પરિપૂર્ણ કરવા માટે શરીરમાં ફરી નવું લોહી બનવાનું શરૂ થાય છે. આપણા સ્વાસ્થ્યને કંઈ સમસ્યા ન થતી હોય તો કોઈને જીવન આપવું વધુ સારૂં છે.
  • એ ઉપરાંત, તાલીમબદ્ધ મેડિકલ કર્મચારી દ્વારા નિઃશૂલ્ક ફિઝિકલ અને મેડિકલ પરીક્ષણ કરવામાં આવે છે, જેમાં બ્લડ પ્રેશર, પલ્સ, ટેમ્પરેચર, વજન અને સમગ્ર બોડી એક્ઝામિનેશન સામેલ હોય છે.
  • કેટલાક અન્ય ટેસ્ટ પણ નિઃશૂલ્ક કરવામાં આવે છે જેમકે હેમોગ્લોબીન, એચઆઈવી ૧ અને ૨, હિપેટાઈટીસ બી, હિપેટાઈટીસ સી, સિફિલીસ અને મેલેરિયા અંગે ટેસ્ટ કરાય છે.
  • બ્લેડ બેંકમાં, અનેક દાતાઓ આવે છે જેઓને એ સમયે પ્રથમવાર જીવનમાં ખ્યાલ આવતો હોય છે કે તેમને હાઈ બ્લડ પ્રેશર કે એનિમિયા (હેમોગ્લોબીન ઓછું હોવું) છે કે એચઆઈવી, હિપેટાઈટીસ બી, હિપેટાઈટીસ સી કે સિફિલીસ છે. જો તેમનું નિદાન ન થાય અને સારવાર સમયસર ન થાય તો તો આ સમસ્યાઓ દાતા અને/અથવા અન્યો માટે આભ તૂટી પડવા જેવી બની રહે છે.

કોણ રક્ત દાન કરી શકે?

  • કોઈ વ્યક્તિ કે જે ૧૮થી ૬૫ વર્ષના વયજૂથમાં સામેલ છે જે શારીરિક અને તબીબી રીતે સ્વસ્થ અને માનસિક રીતે સજાગ હોય એવી વ્યક્તિ રક્ત દાન કરી શકે છે.
  • વ્યક્તિમાં હાઈ રિસ્ક બિહેવિયર(ઉચ્ચ જોખમ વાળુ વર્તન) જેમકે એકથી વધુ વ્યક્તિ સાથે યૌન સંબંધ રાખવા, આઈવી ડ્રગ અબ્યુઝ(ડ્રગનો દુરુપયોગ ) અને અસુરક્ષિત સેક્સમાં પ્રવૃત ન હોવી જોઈએ. જો વ્યક્તિને લાગે કે તેનુ હાઈ રિસ્ક બિહેવિયર છે, તેણે/તેણીએ રક્ત દાન કરવાથી દૂર રહેવું જોઈએ.
  • ઓછામાં ઓછું ૪૫ કિલો વજન હોવું જરૂરી છે અને ઓછામાં ઓછું ૧૨.૫ જીએમ્રુ હેમોગ્લોબીન હોવું જોઈએ.
  • બ્લડ પ્રેશર, પલ્સ અને અન્ય મેડિકલ અને શારીરિક પેરામિટર્સ સામાન્ય મર્યાદામાં હોવા જોઈએ.

હું ક્યાં રક્ત દાન કરી શકું?

  • કોઈપણ વ્યક્તિ કોઈપણ લાયસન્સ પ્રાપ્ત બ્લડ બેંક અથવા લાયસન્સ પ્રાપ્ત બ્લડ બેંક દ્વારા આયોજિત આઉટડોર રક્ત દાન કેમ્પમાં રક્ત દાન કરી શકે છે.

દાતા કેટલી વાર રક્ત દાન કરી શકે છે?

  • નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (એનએસીઓ) માપદંડ પ્રમાણે, પુરૂષ દર ત્રણ મહિને રક્ત દાન કરી શકે છે જ્યારે મહિલા દર ચાર મહિને સુરક્ષિત રીતે રક્ત દાન કરી શકે છે.

બ્લડ બેંક સામાન્ય રીતે કેટલું રક્ત લે છે?

  • સામાન્ય રીતે તે /તેણીનું વજન ૪૫ કિલો-૫૪ કિલો વચ્ચે હોય તો એ દાતા પાસેથી ૩૫૦ એમએલ લોહી લેવાય છે અને જો વજન ૫૫ કિલો કે તેથી વધુ વજન હોય તેની પાસેથી ૪૫૦ એમએલ લોહી લેવાય છે.

રક્ત દાન કરવામાં કેટલો સમય લાગે છે?

  • સમગ્ર પ્રક્રિયાને ૪૫થી ૬૦ મિનિટ લાગે છે, જ્યારે વાસ્તવિકપણે રક્ત દાન કરવામાં માત્ર ૫-૭ મિનિટ જ લાગે છે. અનેક લોકોને મોટાભાગે આ જીવનની સૌથી નિઃસ્વાર્થી ક્ષણો હોવાનો અનુભવ થાય છે.

શું બ્લડ બેન્ક દાતાને રિજેક્ટ કરી શકે?

  • બ્લડ બેંક દાતાના શારીરિક અને તબીબી પરીક્ષણ કે તેના હિસ્ટ્રીના આધારે અલ્પકાલિક ધોરણે કે કાયમ માટે રિજેક્ટ કરી શકે છે અથવા રદ કરી શકે છે..
  • જો દાતાને કાયમ માટે રદ કરી દેવામાં આવે તો તે ક્યારેય રક્ત દાન કરી શકશે નહીં.
  • જો હંગામી ધોરણે રદ કરાયેલ હોય તો, તે/તેણી રદ સમય પછી ફરી રક્ત દાન માટે બ્લડ બેંકનો સંપર્ક કરી શકે છે.

બ્લડ બેંક સમક્ષ મારે કયા મુદ્દા જાહેર કરવા જોઈએ?

  • દાતાએ રક્ત દાન અગાઉ ખુદની અને તેનું લોહી પ્રાપ્ત કરનાર દર્દીની સુરક્ષા સુનિશ્ચિત થાય એ માટે આરોગ્ય તથા વલણની સંપૂર્ણ માહિતી પૂરી પાડવી જોઈએ.
  • જો દાતા વિન્ડો પિરિયડમાં(આ ચેપના સંપર્કમા આવ્યા બાદ અને જાંચ કે ચકાસણી દ્વારા શોધી શકાય તેવા એન્ટીબોડીસ્-એન્ટીજન્સ નો વિકાસ થયા વચ્ચેનો સમય ગાળો છે) લોહી દાન કરે ત્યારે દર્દીને આ બ્લડ યુનિટથી ચેપ લાગી શકે છે.
  • દરેક દાતા એ રક્તદાન અગાઉ હાઈ રિસ્ક બિહેવિયર પ્રવ્રુત્તિઓ જેવી કે અસુરક્ષિત યૌન સંબંધ કે દૂષિત સોયના ઉપયોગ જેવા વર્તન ની ચોક્કસપણે સાચી અને પ્રામાણિક માહિતી બ્લડ બેંક સ્ટાફને આપવી જોઈએ કારણ-કે તેઓ આવા વર્તન દ્વારા ચેપના સંપર્કમા આવ્યા હોય તેવી શક્યતાઓ છે.

સુરક્ષિત દાતા કોણ છે?

  • દાતા મુખ્ય ત્રણ પ્રકારના ગણવામાં આવે છે..
    • સ્વૈચ્છિક દાતાઓ વ્યક્તિઓ કે જેઓ પોતાની ઈચ્છાથી રક્તદાન કરે છે અને રોકડ કે અન્ય પ્રકારે કોઈ પેમેન્ટ મેળવતા નથી..
    • રિપ્લેસમેન્ટ દાતા – એવા દાતા કે જે રક્ત આપે છે જ્યારે દર્દીના પરિવાર કે સમુદાયના સભ્યને જરૂર હોય..
    • પેઈડ/પ્રોફેશનલ ડોનર – એવા દાતા કે જેઓ નાણાંના બદલામાં કે અન્ય રીતે પેમેન્ટ મેળવીને રક્ત દાન કરે છે. જે આપણા દેશમાં પ્રતિબંધિત છે..
  • સ્વૈચ્છિક અને કોઈ પેમેન્ટ વિના નિયમિત અને અવારનવાર રક્ત દાન કરતા દાતાઓ સૌથી સુરક્ષિત દાતાઓ છે અને તે સિદ્ધ થયેલું છે. તેઓ હકીકતો છૂપાવ્યા વિના અને કોઈ બળ જબરી વિના રક્ત દાન કરે છે. આ દાતાઓ ની આરોગ્ય વિષયક હિસ્ટ્રી નિયમિત સમયાંતરે ચકાસવામાં આવે છે. તેઓ લો રિસ્ક બિહેવિયર અને સેલ્ફ ડિફરલ (પોતાના રકતદાન દ્વારા દર્દી/રેસિપિયન્ટમાં સંબંધિત તકલીફોની સમજણ બ્લડ બેન્ક પાસે થી લીધા બાદ રકતદાન ના કરવાનો નિર્ણય લેવો) ના મહત્વથી જાગૃત હોય છે.

દાન કરાયેલા લોહીનું શું થાય છે?

  • રક્ત મેળવ્યા પછી બ્લડ બેંક તેનો ઉપયોગ સંપૂર્ણ લોહી તરીકે અથવા વિવિધ લોહીના ઘટકો જેમકે લાલ રક્તકણો, પ્લાઝમા, પ્લેટલેટ્સ, ક્રાયોપ્રેસિપિટેટ વગેરેને અલગ અલગ રીતે ઉપયોગમાં લે છે. તેથી બ્લડ બેંકોમાં કમ્પોનન્ટ સુવિધા હોવાથી એક રક્તદાન ૩-૪ દર્દીઓનું જીવન બચાવી શકે છે.
  • દરરોજ દાન કરાતા બ્લડ યુનિટનું બ્લડ ગ્રુપિંગ અને એન્ટીબોડી સ્ક્રીનીંગ માટે પરીક્ષણ થાય છે. તેમાં ખાસ કરીને પાંચ ફરજિયાત પરીક્ષણો જેમકે એચઆઈવી ૧ અને ૨, હિપેટાઈટીસ બી, હિપેટાઈટીસ સી, સિફીલીસ અને મેલેરિયાના ચેપના પરીક્ષણો થાય છે.
  • જો આ તમામ પાંચ ચેપમાં નેગેટિવ રિપોર્ટ આવે તો ત્યારે જ દર્દીના ઉપયોગ માટે લોહી / લોહીના ઘટકો દર્દીના ઉપયોગ માટે લેવામા આવે છે નહીંતર લોહી/લોહીના ઘટકોનો નિકાલ કરી દેવામાં આવે છે.
  • સંપૂર્ણ લોહી અને લાલ રક્તકણો ૨-૬ ડિગ્રી સે. તાપમાને, પ્લાઝમા – ૩૦ ડિગ્રી સે. થી ઓછા તાપમાન અને પ્લેટલેટ્સ ૨૦-૪૦ ડિગ્રી સે. તાપમાને ખાસ સ્ટોરેજ કેબિનેટ્સમાં સંગ્રહિત કરવામાં આવે છે.
  • આ સંગ્રહિત લોહી/લોહીના ઘટકો નિશ્ચિત સમયમાં દર્દીઓને પહોંચાડી દેવામા આવે છે.

બ્લડ બેંકની પસંદગી કેવી રીતે કરવી?

  • જ્યારે આપણે બ્લડ બેંકમાં રક્ત દાન માટે જઈએ કે આપણા સંબંધીઓ કે મિત્રો માટે રક્ત લઈએ ત્યારે આપણને ગુણવત્તાના માપદંડો અંગે આશંકા રહેતી હોય છે.
  • બ્લડ બેંકની ગુણવત્તા સુનિશ્ચિત કરવા વ્યક્તિ બ્લડ બેંકનું માન્ય લાયસન્સ જોઈ શકે છે.
  • આપણે સુવિધાઓ જેમકે સ્વચ્છતા, સુરક્ષાના માપદંડો, ડોક્ટરની હાજરી, પૂરતો તાલીમબદ્ધ સ્ટાફ, કોઈ ખરાબ ઘટના થતી અટકાવવા માટે પરીક્ષણની પદ્ધતિઓ અને સ્ત્રોતો ચકાસી શકીએ છીએ.
  • બ્લડ બેંકની રક્તદાન માટેની પ્રથા-પ્રણાલી અને પ્રોસેસિંગ જેવી પ્રક્રિયા વિશે પૂરતી માહિતી ડિસ્પ્લે દ્વારા દર્શાવાયેલી હોવી જોઈએ. .
  • દાતા/દર્દીને જો જરૂર લાગે તો આ સુવિધાઓ અંગેની માહિતી આપવા માટે તે બ્લડ બેંકને કહી શકવાનો અધિકાર છે.

તમારે જીવન બચાવવા માટે ડોક્ટર બનવાની જરૂર નથી, તમે રક્ત દાન કરીને પણ જીવન બચાવી શકો છો.

રેફરન્સ

  • ડૉ હેમંત મેઘાણી. બ્લડ બેંક, રક્ત દાતાઓ અને રક્ત દાન.
  • ડૉ સંજય ગુપ્તા.કન્સલ્ટન્ટ, પિડીયાટ્રીક હિમેટોલોજી & ઓન્કોલોજી.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/13/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate