অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રક્તદાન કરવું મહત્ત્વનું યોગદાન

રક્તદાન કરવું એ કોઈ પણ વ્યક્તિનું સમાજ માટેનું એક સૌથી વધુ મહત્ત્વનું યોગદાન છે.

વિશ્વભરના દેશો દ્વારા 14 જૂનને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ રક્તદાન દિવસ 2018 જૂન 14ના દિવસે છે, અને આ વર્ષે તે ‘‘રક્ત આપણને સૌને સાંકળે છે'' થીમ સાથે ગ્રીસ દ્વારા તે હોસ્ટ કરવામાં આવે છે. વર્ષ 2004માં, સલામત રક્ત અને તેની પ્રોડક્ટ્સની અંગે જાગૃતિ ફેલાવવા માટે તથા રક્ત સ્વરૂપે જીવનરક્ષક, અમૂલ્ય ભેટ આપતા સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. સ્વૈચ્છિક દાતાઓના કારણે દર વર્ષે હજારો જીવન બચાવી શકાય છે, કારણ કે તે સ્વૈચ્છિક રક્તદાન એ જ રક્ત મેળવવાનો એક માત્ર સ્રોત છે. ઘણા દર્દીઓ જીવન માટે જોખમી પરિસ્થિતિઓમાં નવું રક્ત મળવાને કારણે લાંબા સમય સુધી જીવી શકે છે અને શસ્ત્રક્રિયા હેઠળના દર્દીઓ માટે પણ રક્ત જીવનરક્ષક છે. રક્ત મળવાને કારણે થલેસસેમિયા, પ્રસૂતિ તથા નવજાત શિશુની સંભાળમાં પણ મોટી મદદ મળે છે.

રક્તદાન વિશેની માન્યતાઓ અને હકીકતો

માન્યતા: રક્ત આપવાથી પીડા/નુક્સાન થાય છે.

હકીકત: રક્તદાન કરતી વખતે સોય ભોંકાય ફક્ત એટલી જ પીડા થાય છે. સોય જ્યાં હતી ત્યાં થોડી ચચરાટી થાય એ માત્ર સારા કામની યાદગીરી છે..

માન્યતા: રક્તદાન કરવાથી એચઆઇવી અથવા અન્ય ચેપ લાગી શકે છે.

હકીકત: દરેક દાતા પાસેથી રક્ત લેવાની એક સ્પષ્ટ પ્રક્રિયા હોય છે. દરેક તબક્કે સ્ટરિલિટી જાળવવામાં આવે છે. દરેક રક્તદાન માટે જંતુરહિત, નવી સોયનો ઉપયોગ કરવામાં આવે છે અને પછી તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે છે. જંતુરહિત સાધનો અને તકનીકનો ઉપયોગ ચેપની શક્યતાને મર્યાદિત કરે છે..

માન્યતા: રક્ત આપવામાં બહુ સમય જાય છે.

હકીકત: એક વારના રક્તદાનમાં માંડ એકાદ કલાક જેટલો જ સમય જાય છે..

માન્યતા: શરીરમાં મર્યાદિત પ્રમાણમાં રક્ત છે અને તેમાંથી કેટલુંક આપી દેવું બિનઆરોગ્યપ્રદ છે.

હકીકત: એક વખતના રક્તદાનમાં અંદાજે 350-450 એમએલ રક્ત લેવાય છે. શરીરમાં એટલું રક્ત છે જ કે કોઈ આડઅસર વિના તેમાંથી કેટલુંક દાન કરી શકાય. શરીર રક્તદાન પછી નવું રક્ત બનાવી લે છે..

માન્યતા: વધુ વજન ધરાવતા લોકો તંદુરસ્ત હોય છે અને તેઓ વધુ રક્ત આપી શકે છે..

હકીકત: વધુ વજનવાળા લોકો ઓછા તંદુરસ્ત હોય છે. વજનવાળા લોકોમાં વધુ રક્ત હોતું નથી..

માન્યતા: રક્ત દાન આપ્યા બાદ સ્વાસ્થ્ય બગડે છે..

હકીકત: જો દાન પૂર્વે તમે તંદુરસ્ત હો તો, તમારી રીકવરી એક કે બે દિવસમાં પૂર્ણ થાય છે. દાન કર્યા પછી થોડો સમય આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. પૂરતું પ્રવાહી પીવાથી, ગયેલું પ્રવાહી થોડા કલાકમાં ફરી મળી જાય છે. રક્તદાન પછી શરીર નવા સેલ્સ વધુ ઝડપથી પેદા કરે છે..

માન્યતા: રક્તદાન કર્યા પછી તમે રમતગમત અથવા અન્ય શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકતા નથી..

હકીકત: રક્તદાન કરવાથી શારીરિક રીતે કામ કરવાની ક્ષમતા પર કોઈ અસર થતી નથી. રક્તદાનના દિવસે, બાકીનો સમય ભારે વજન ન ઉપાડવાની કે આકરી કસરત ન કરવાની સલાહ આપવામાં આવે છે. તમે બીજા દિવસે એ બધું જ કરી શકો છો..

માન્યતા: જ્યારે જરૂરિયાત હોય ત્યારે રક્તનું ઉત્પાદન થઈ શકે છે..

હકીકત: રક્ત એ કોઈ વસ્તુ નથી જેનું ઉત્પાદન કરી શકાય. તે માત્ર સ્વસ્થ મનુષ્યથી જ આવી શકે છે.

માન્યતા: મિશ્ર જાતિના હોવાથી રક્ત મદદરૂપ થતું નથી..

હકીકત: રક્તદાતાની ક્ષમતા પર વંશ કે જાતિની કોઈ અસર થતી નથી. ફક્ત રક્તનો પ્રકાર અને જૂથ મહત્ત્વપૂર્ણ છે..

માન્યતા: મેં આ વર્ષે રક્તદાન કરી દીધું છે, હું ફરીથી દાન કરી શકું નહીં..

હકીકત: તમે વર્ષમાં ચાર વાર, દર ત્રણ મહિને એક વખત રક્તદાન કરી શકો છો. રક્તદાનનું એક યુનિટ ત્રણ જિંદગી બચાવી શકે છે..

માન્યતા: નિયમિત રક્તદાનથી સ્થૂળતા થઈ શકે છે..

હકીકત: ખોટી વાત. રક્તદાન કરવાથી તમારા શરીરના વજનને અસર થતી નથી. તેમ છતાં, કેટલાક લોકો, રક્તદાન પછી, સામાન્ય કરતાં વધુ ખોરાક ખાય છે અને વ્યાયામ ટાળે છે, જેને કારણે વજન વધી શકે છે. પરંતુ આ વાત સીધી રીતે રક્તદાન સાથે જોડાયેલી નથી.

કોણ રક્તદાન કરી શકે છે

  • કોઈપણ દાતા, જે તંદુરસ્ત, ફિટ છે અને કોઈ પણ ચેપી રોગ પીડાતા નથી તે રક્તદાન કરી શકે છે.
  • દાતા 18 થી 60 વર્ષની ઉંમરના હોવા જોઈએ અને ઓછામાં ઓછા 50 કિલો વજન ધરાવતા હોવા જોઈએ, તેઓ રક્તદાન કરી શકે છે.
  • દાતાનું હિમોગ્લોબિન સ્તર 12.5 ગ્રામ% ન્યૂનતમ હોવું છે.
  • દાતા છેલ્લા રક્તદાનના 3 મહિના પછી ફરીથી રક્તદાન કરી શકે છે.
  • પલ્સ રેટ, કોઈ પણ અનિયમિતતા વગર 50 થી 100મીમીની વચ્ચે હોવો જોઈએ.
  • શારીરિક તાપમાન સામાન્ય હોવું જોઈએ અને મૌખિક તાપમાન 37.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ ન હોવું જોઇએ.

રક્તદાન પહેલાં

  • રક્તદાન કરતાં પહેલાં રાત્રે અને સવારમાં પૂરતાં ફળોના રસ અને પાણી લો..
  • ખાલી પેટે રક્તદાન કરવાનું ટાળો. રક્તદાનના ત્રણ કલાક પહેલાં ખોરાક લો. ચરબીવાળો ખોરાક ટાળો. લોહતત્ત્વથી ભરપૂર આહાર જેમ કે આખાં અનાજ, ઇંડા અને માંસ, પાલક, પાંદડાવાળાં શાકભાજી નારંગી અને રસેદાર ફળો વગેરે લો..
  • રક્તદાન પહેલાં દારૂ અથવા કેફીન પીણાંનો ઉપયોગ કરશો નહીં..
  • કોઈ મોટી શસ્ત્રક્રિયા કરાવ્યા પછી 6 મહિના માટે રક્તદાન કરવાનું ટાળો..

રક્તદાન પછી

  • રક્તદાન પછી 5 થી 20 મિનિટ થોડો આરામ કરો. રક્તદાન પછી વાહન ન ચલાવો..
  • વધુ ખાંડ ધરાવતા જ્યુસ કે નાસ્તો લો, જેથી બ્લડ સુગર ફરી સામાન્ય થઈ જાય..
  • વધુ પ્રોટીનવાળું પૌષ્ટિક ભોજન લો..
  • રક્તદાન પછી 8 કલાક માટે દારૂનો ઉપયોગ કરશો નહીં..
  • ઓછામાં ઓછા આગામી એક દિવસ માટે જિમ, નૃત્ય, ચાલવું વગેરે જેવી ભારે શારીરિક પ્રવૃત્તિઓ ટાળો.

રેડ બ્લડ સેલ કોમ્પેટિબિલિટી ટેબલ

રક્તનું ઉત્પાદન કરી શકાતું નથી: તે ઉદાર દાતાઓથી જ મળી શકે છે, એક દાન ત્રણ લોકોનું જીવન બચાવી શકે છે. રક્તની ભેટ જીવનની ભેટ છે. માનવ રક્ત માટે કોઈ વિકલ્પ નથી. તેથી આપણે રક્તદાન માટે આગળ આવવું જોઈએ, જેથી મૃત્યુના ઉંબરે પહોંચેલી કોઈ વ્યક્તિ ફરી જીવન મેળવી શકે.

રેફરન્સ : ડો કુલદીપ ડાંગર. પેથોલોજિસ્ટ(હેલ્થ, નવગુજરાત સમય )

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/9/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate