অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પંચકર્મ

પંચકર્મ

  1. આયુર્વેદ શું છે ?
  2. પંચકર્મ શું છે ?
  3. આ પાંચ પ્રક્રિયાઓ કઇ કઇ છે?
  4. પંચકર્મ ની પ્રક્રિયામાં શું કરવામાં આવે છે
    1. વમન:
    2. વિરેચન :
    3. બસ્તિ :
    4. નસ્ય :
    5. રક્તમોક્ષણ :
    6. અભ્યંગ (મસાજ) :
    7. સ્વેદન (શેક આપવાની ક્રિયા) :
    8. ષષ્ટીકશાલી પિંડસ્વેદ (ચોખા અને દૂધ થી શેક કરવાની ક્રિયા) :
    9. ઉદ્વર્તન (ચૂર્ણ દ્વારા શુષ્ક માલીશ) :
    10. નેત્ર તર્પણ :
    11. કટી બસ્તિ :
  5. પંચકર્મ કરાવવાથી શું ફાયદો છે ?
  6. પંચકર્મ કોણ કરાવી શકે ? કેટલા દિવસ આ પ્રક્રિયા માં જોઇએ?
  7. ક્યારે પંચકર્મ કરાવી શકાય ?
  8. શું પંચકર્મ સારવાર એ સલામત (safe) છે ?
  9. શું આ સારવાર કરાવવી મુશ્કેલ છે ?
  10. સારવાર દરમ્યાન દુઃખાવો થાય ?
  11. શું ઘી ઇ. પીવાથી વજન, કોલેસ્ટેરોલ વિ. વધે નહી ?
  12. તો પછી ઝાડા – ઉલ્ટી થાય કે વમન – વિરેચન કરાવીએ આ બંને માં ફરક શું ?
  13. શું પંચકર્મ ની કોઇ આડ અસરો કે તકલીફ હોય છે ?
  14. એક વખત પંચકર્મ કરાવ્યા બાદ ફરી રોગ ન જ થાય ?
  15. પંચકર્મ ફરી કરાવી શકાય, કેટલા સમય બાદ ?
  16. આ પ્રક્રિયા દરમ્યાન શું પરેજી પાળવી પડે ?
  17. કેરાલા ના પંચકર્મ નું નામ સાંભળ્યુ છે, તેમાં અને અહીં થતા પંચકર્મ માં શું ફરક છે ?
  18. પંચકર્મ માં મસાજ અને બ્યુટીપાર્લર માં થતા મસાજ માં શું ફરક છે ?
  19. પંચકર્મ કોની પાસે કરાવાય ?
  20. લેખક પરિચય

”panchkarma

આજના ફાસ્ટ યુગ માં સેકન્ડ ના હજારમાં ભાગમાં ગતિ કરનાર સાધનો ની શોધખોળ થઇ ચૂકી છે, ત્યારે ચિકિત્સા વિજ્ઞાન માં ધીમે અસર કરતી સારવાર પદ્ધતિ તરીકે આયુર્વેદ ની વિકાસગાથા પણ આગળ વધી રહી છે. જેનુ એક કારણ એ આયુર્વેદ સારવાર નો “Holistic Approach” છે. ભારત વર્ષ ની ભૂમી પર જન્મ પામીને ઉછરનાર આ સારવાર પદ્ધતિ એ પોતાના હજારો વર્ષ ના આયુષ્ય માં ઘણા ઉતાર ચઢાવ જોયા છે. આયુર્વેદ ની ઘણી બાબતો એવી છે જે જન સામાન્ય માં થોડા ઘણા અંશે પ્રચલિત છે, ઘણી એવી બાબતો છે જે આયુર્વેદ માં છે તેના કરતા વિશેષ પ્રચલિત બની છે અને કેટલીક બાબતો બિલ્કુલ પ્રકાશ માં આવી જ નથી. આવી અજાણ બાબતો પૈકી એક છે – પંચકર્મ સારવાર પદ્ધતિ.

આ સમગ્ર લેખ એક પ્રશ્ન અને ઉત્તરના રૂપે લખેલ છે, જેથી આપના પ્રશ્નો નુ સરળતા થી સમાધાન થઇ શકે

આયુર્વેદ શું છે ?

આયુર્વેદ એ જૂના સમયથી સારવાર માટેની રીત છે, જેનો જન્મ ભારત દેશ માં થયો છે. આયુર્વેદ શબ્દ માં આયુ અને વેદ એમ બે શબ્દો છે. જેમાં આયુ એટલે – જીવન અને વેદ એટલે – વિજ્ઞાન. આમ, આયુર્વેદ એટલે જીવન જીવવાનું વિજ્ઞાન.

આયુર્વેદ નું મુખ્ય લક્ષ્ય એ સાજા માણસ ને સાજો રાખવો એ છે, એ પછી રોગી માણસના રોગ ને દૂર કરવો એ બીજુ અગત્યનુ લક્ષ્ય છે. આ માટે આયુર્વેદ માં વિવિધ દવાઓ –ઉપચાર ની પદ્ધતિઓ અને ખોરાક અંગે માર્ગદર્શન આપેલ છે.

આયુર્વેદ ના મૂળ પ્રાચીન વેદો માં પડ્યા છે – ઋગ્વેદ,સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ આ બધામાં આયુર્વેદ ને લગતી ઘણી વાતો બતાવેલ છે. આયુર્વેદ એ માત્ર શારીરીક જ નહિ પણ માનસીક તથા આધ્યાત્મિક બાબતો સાથે પણ જોડાયેલ છે.

પંચકર્મ શું છે ?

પંચકર્મ એ આયુર્વેદ ની એક વિશિષ્ટ પ્રકાર ની સારવાર ની રીત છે. સામાન્ય રીતે કોઇ પણ રોગ માં આપણે દવાઓ લઇએ છીએ, કે જે દવાઓ થી તે રોગ ના કારણરૂપ કચરો ધીમે ધીમે શરીર માં ઓછો થાય છે. જ્યારે પંચકર્મ સારવાર વડે એ કચરો એકીસાથે શરીર ની બહાર કાઢી નાખવામાં આવે છે. જેવી રીતે મેલા કપડા ને ધોવાથી તેમાં રહેલા ડાઘ – અશુદ્ધિઓ દૂર થઇ જાય તેવી જ રીતે પંચકર્મ થી શરીર ની સાફ સફાઇ થી શરીર ની અંદર રહેલ કચરો દૂર થઇ જાય છે. આયુર્વેદ મુજબ વાયુ-પિત્ત-કફ એ રોગ કરનારા કારણો માં મુખ્ય છે, આ ત્રણેય ને દોષ કહેવામાં આવેલ છે. આ દોષો ના મુખ્ય સ્થાન રૂપ જે ભાગ કહ્યા છે, તે ભાગ માંથી પંચકર્મ દ્વારા તે દોષ ને દૂર કરવામાં આવે છે.

પંચ એટલે પાંચ, કર્મ એટલે પ્રક્રિયા, આમ અલગ અલગ રોગો માટે કરવામાં આવતી મુખ્ય પાંચ પ્રક્રિયાઓ એટલે પંચકર્મ. આમાં પાંચ ક્રિયાઓ નો સમાવેશ થાય છે , જેથી પંચકર્મ તરીકે ઓળખવામાં આવે છે.

જેવી રીતે એલોપેથી વિજ્ઞાન માં દવાઓ અને શસ્ત્રક્ર્રિયાઓ (ઓપરેશન) નું અલગ અલગ મહત્વ છે, તે રીતે પંચકર્મ નુ એક મહત્વ છે. પંચકર્મ એ શસ્ત્રક્રિયા ના સિદ્ધાંત પર કામ કરતી પદ્ધતિ છે. એટલેકે જે વસ્તુ શરીર માં રોગ નું કારણ બને તેને શરીરમાંથી દૂર કરવી. અહીં ફરક એ છે કે પંચકર્મ માં શરીર પર ક્યાંય ચેકો કે વાઢ કાપ કરવાની રહેતી નથી, પણ કુદરતી માર્ગો દ્વારા શરીર માંથી કચરો દૂર કરાય છે. શરીર ને અનુરૂપ અને નુકસાન ન કરે તેવી આ પ્રક્રિયા વડે ઝડપથી અને જડમૂળ થી રોગને મટાડવાની તાકાત મળે છે. પંચકર્મ દ્વારા શરીરમાંથી કચરા રૂપી ઝેર દૂર થઇ શરીરના કાર્યોમાં સુધારો અને સંતુલન આવે છે. આ પદ્ધતિ વડે જૂના - હઠીલા રોગોમાં વધારે પ્રમાણ માં રહેલા દોષો – મલો – કચરો વિ. ને શરીરમાંથી બહાર કાઢી જડમૂળથી તેનો નાશ થાય છે.

આ પાંચ પ્રક્રિયાઓ કઇ કઇ છે?

  1. વમન એટલે કે દવા દ્વારા ઉલ્ટી કરાવાની ક્રિયા,
  2. વિરેચન એટલે કે દવા દ્વારા ઝાડા કરાવાની ક્રિયા,
  3. બસ્તિ એટલે કે આયુર્વેદિક એનિમા,
  4. નસ્ય એટલે કે નાક દ્વારા દવા નાંખવાની ક્રિયા અને
  5. રક્તમોક્ષણ એટલે કે લોહી બગાડમાં ખરાબ લોહી ને કાઢી નાખવાની ક્રિયા

આ મુખ્ય પાંચ ક્રિયાઓ છે. અને આ પાંચ ને પંચકર્મ તરીકે ઓળખવામાં આવે છે.

આ ઉપરાંત આ પ્રક્રિયાઓ સાથે અન્ય કેટલીક પ્રક્રિયાઓ પણ કરવામાં આવે છે જેને આયુર્વેદમાં સ્નેહન અને સ્વેદન તરીકે ઓળખાય છે. જેમાં વિવિધ પ્રકારે માલીશ અને શેક ની પ્રક્રિયાઓ નો સમાવેશ થાય છે. ઘણી વાર આ માલીશ અને શેક એ જ મુખ્ય સારવાર રૂપે કરવામાં આવે છે.

એક આડ પ્રશ્ન આપને થાય કે શું ઝાડા કે ઉલ્ટી કરાવવાથી રોગ મટી શકે ? તેના જવાબ માટે પંચકર્મ ની સારવાર કઇ રીતે કામ કરે તે સમજવુ પડે તેમ છે.

આયુર્વેદ અનુસાર કોઇ પણ વ્યક્તિ ને કોઇ પણ રોગ થાય તેની પ્રક્રિયા આ મુજબ છે. રોગ કરનારા કારણો ના સંપર્ક માં રહેવાથી શરીરમાં ધીમે ધીમે તે કચરો એકઠો થાય છે. સાથે તે શરીર ના બંધારણ ના મૂળભૂત ને બગાડે છે, ઉપરાંત શરીર માં રોગ થવાની જગ્યા એ એક ચોક્કસ વાતાવરણ ઉભુ કરે છે. આનાથી મુખ્ય અસર પાચન પર (માત્ર પેટમાં થતા પાચન પર જ નહિ, પરંતુ ચયાપચય ના દરેક લેવલ પર) થાય છે. આ રીતે શરીર માં અંતે રોગ થાય છે.


પંચકર્મ દ્વારા આ રોગ થવાની પ્રક્રિયા ને તોડવામાં મદદ થાય છે. એક તો જે મલ રૂપ કચરો એકઠો થાય તે પંચકર્મ થી દૂર કરી શકાય છે. જેથી રોગ ની શરૂઆત નુ કારણ દૂર થાય છે. બીજુ ચયાપચય માં જે ગડબડ ઉભી થઇ હોય તેને પંચકર્મ થી દૂર કરી શકાય છે. ઉપરાંત પંચકર્મ કરાવ્યા બાદ શરીર ના મૂળભૂત બંધારણ ના ઘટકો માં જે વિકૃતિ આવી હોય તે દૂર થઇને સામાન્ય અને પ્રાકૃત અવસ્થામાં આ ઘટકો નું નિર્માણ કરી શકાય છે.

પંચકર્મ ની પ્રક્રિયામાં શું કરવામાં આવે છે

દરેક અલગ અલગ પંચકર્મ સારવાર ની રીત અલગ અલગ હોય છે. જેવી રીતે કોઇ ઓપરેશન (સર્જરી) વખતે એક ચોક્કસ ક્રમ માં પ્રક્રિયાઓ કરવામાં આવે છે, તેવી રીતે પંચકર્મ સારવાર માં એક ચોક્કસ ક્રમમાં અલગ અલગ પ્રક્રિયાઓ કરવામાં આવે છે. દરેક પંચકર્મ ની દવાઓ અને ક્રિયા અલગ છે. ટૂંકમાં જોઇએ તો

વમન:

કફ વધવાથી થતા રોગોમાં કફને જડમૂળ થી દૂર કાઢવા માટે વિશિષ્ટ પ્રકારની દવા વડે ઊલ્ટી કરાવવાની ક્રિયા છે. ખાસ કરીને શ્વસનતંત્ર ના રોગો, શ્વાસ, જૂની શરદી, સાયનસ વિ. તથા અન્ય ચામડી ના રોગો – ખીલ ખરજવુ – સોરાયસીસ અને માનસિક રોગોમાં અત્યંત ફાયદાકારક છે.

વિરેચન :

વિવિધ પ્રકારની આયુર્વેદિક દવા વડે રેચ આપી, ખાસ કરીને પિત્ત (ગરમી) અને તેના રોગો દૂર કરવા માટે થતી એક સારવાર છે. જે ચામડીના રોગો, લોહી વિકાર, એસીડીટી, વંધ્યત્વ, એલર્જી અને અન્ય પાચન તંત્રના અને સ્ત્રીરોગો પર ખૂબ અસરકારક છે. વમન અને વિરેચન માં પહેલા થોડા દિવસ માટે પાચન ની દવાઓ આપી, પછી ઔષધિ (દવા) યુક્ત ધી પીવડાવવામાં આવે છે. ઘી એક ચોક્કસ પ્રમાણ માં અને ચોક્કસ સમયે થોડા વખત સુધી આપવામાં આવે છે. ત્યારબાદ માલીશ- શેક વિ. ઉપચારો કરીને વમન કે વિરેચન આપવામાં આવે છે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ એક ચોક્કસ પ્રકારનો આહાર નો ક્રમ આપવામાં આવે છે.

બસ્તિ :

જુદા જુદા ઔષધિ વાળા તેલ – ઉકાળા – દૂધ અને દ્રવ્યોથી બનાવેલ મિશ્રણ ને મળમાર્ગેથી આંતરડા માં પહોંચાડીને, ખાસ કરીને વાયુ ને કાબૂમાં કરનાર અત્યંત વિશિષ્ટ પ્રકારની અને અક્સીર ચિકિત્સા પદ્ધતિ છે. આજે આંતરડા ને સેકન્ડ બ્રેઇન (બીજુ મગજ) ની ઉપમા અપાય છે, ત્યારે આ ચિકિત્સા દ્વારા મળતા પરિણામો પર શંકા અસ્થાને છે. આયુર્વેદ મુજબ આંતરડુ એ વાયુ નુ મુખ્ય સ્થાન છે, જેથી વાયુ ના રોગો માં આ સારવાર ખૂબ લાભદાયીછે. સાંધા ના રોગો, વા, સાયટીકા, કમરનો દુઃખાવો, લકવો, પેરાલીસીસ, અને અન્ય ચેતાતંત્ર ના રોગો, કબજીયાત, કીડની ના રોગો અને વંધ્યત્વ તથા સ્ત્રીરોગોમાં ખૂબજ લાભદાયી છે.

નસ્ય :

નાક દ્વારા ઔષધિઓ નાંખવામાં આવે તેને નસ્ય કહેવાય છે. આયુર્વેદ અનુસાર નાક એ મગજ નો દરવાજો છે. જેથી નસ્ય થી મગજ ની ક્રિયા, કાર્યો અને યાદ શક્તિ માં વધારો થાય છે. આથી આ ચિકિત્સા માથા – ડોક કે ખભા નો દુઃખાવો, મોં નો લકવો, જૂની શરદી, સાયનસ, તોતડાપણું, વાળના રોગો, દાંતની તકલીફો, જડબા ના રોગો માં સારૂ પરિણામ આપે છે, સાથે સાથે ડીપ્રેશન, હાઇપરટેન્શન, અનિદ્રા, ઉદ્વેગ વિ. જેવા માનસિક રોગોમાં પણ ખૂબ લાભકારી છે.

રક્તમોક્ષણ :

બગડેલા લોહી ને વિશિષ્ટ યંત્રો કે જળો થી શરીરમાંથી દૂર કરવાની પ્રક્રિયા. લોહીના બગાડ થી થતા ચામડીના રોગો, સફેદ દાગ, શીળસ, વિ. માં અસરકારક સારવાર છે. આ ઉપરાંત આગળ કહ્યુ તેમ માલિશ અને શેક ના ઘણા બધા પ્રકારો આયુર્વેદ માં આપ્યા છે, તે પણ ઘણી વાર મુખ્ય પ્રક્રિયા રૂપે કરવામાં આવે છે. હાલ ના જમાના માં માલિશ – શેક અને શિરોધારા ખૂબ પ્રખ્યાત છે, આ પ્રક્રિયા માંથી કેટલીક પ્રચલિત સારવારો વિશે જોઇએ...

અભ્યંગ (મસાજ) :

વિવિધ ઔષધિ માંથી ખાસ બનાવેલ તેલ ઇ. વડે સંપૂર્ણ શરીર પર નિશ્ચિત સમય સુધી માલીશ કરવામાં આવે છે. જેથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને સ્થૂળતા, થાક, અનિદ્રા અને અન્ય વાયુ થી થતા રોગોમાં સારૂ પરિણામ મળે છે.

સ્વેદન (શેક આપવાની ક્રિયા) :

વિવિધ પ્રકારે શેક કરવાથી સ્નાયુઅને સાંધાઓ મજબૂત બને છે, શરીરમાં હળવાશ આવી સ્ફૂર્તી આવે છે. તથા વાયુ ના રોગોમાં ખૂબ પરિણામ આપે છે. શિરોધારા : શિરોધારા એ વિશ્વપ્રસિદ્ધ અને સર્વ સ્વિકૃત ચિકિત્સા છે, જેમાં કપાળ પર તેલ, દૂધ, તક્ર ઇ. ની ધાર કરવામાં આવે છે. તે શરીર અને મન બંને પર અસરકારક છે, તથા stress (માનસીક તાણ) થી થતા અને અનિદ્રા જેવા રોગોમાં અક્સીર છે. આ ઉપરાંત વાળ ના રોગો, ચેતાતંત્ર ના રોગો માં ફાયદાની સાથે યાદશક્તિ વધારવામાં પણ મદદરૂપ છે.

ષષ્ટીકશાલી પિંડસ્વેદ (ચોખા અને દૂધ થી શેક કરવાની ક્રિયા) :

આ ખાસ પ્રકારની કેરાલીય પંચકર્મ સારવાર માં દૂધ અને દવાના ઉકાળામાં એક ખાસ પ્રકાર ના ચોખા (ષષ્ટીકશાલી) ને રાંધી તેની પોટલી બનાવી માલીશ અને શેક આપવામાં આવે છે. જે નાના બાળકો માં થતી માંસ અને સ્નાયુ ની વિકૃતી માં તથા લકવો, મોટોર ન્યુરોન ડીસીઝ વિ. ચેતાતંત્ર ના રોગોમાં ફાયદાકારક છે.

ઉદ્વર્તન (ચૂર્ણ દ્વારા શુષ્ક માલીશ) :

ચામડીની નીચેની ચરબી અને વાળના મૂળ માટે ઉત્તેજક એવી માલીશ ની ખાસ પદ્ધતિ દ્વારા સ્થૂળતા, સાંધા ની જકડન, ત્વચાના રોગો વિ. માં ફાયદો થાય છે. ઉપરાંત માંસપેશીઓ ને બળ પણ આપે છે.

નેત્ર તર્પણ :

વિશિષ્ટ સાધનો થી આંખ માં ઔષધિયુક્ત ઘી ભરી રાખવાની ક્રિયા. જેનાથી આંખના રોગો, પડદાના રોગો વિ. માં લાભ થઇ દૃષ્ટી સુધરે છે.

કટી બસ્તિ :

કમરના ભાગે પાળ બનાવીને ઔષધિયુક્ત તેલ ભરવાની ક્રિયા છે. કમરનો દુઃખાવો, ગાદી દબાવી કે ઘસાવી, નસ દબાઇ જવી વિ. માં ઉપયોગી છે. આ ઉપરાંત આજ રીતે જાનુ બસ્તિ (ગોઠણ પર), શિરોબસ્તિ (માથા પર), હ્રદ બસ્તિ (હ્રદય પર) અને ગ્રીવા બસ્તિ (ગરદન પર) કરવામાં આવે છે.

પંચકર્મ કરાવવાથી શું ફાયદો છે ?

આયુર્વેદ માં બતાવેલ ત્રણ દોષ (વાત – પિત્ત – કફ) ના શોધન માટે પંચકર્મ કહેલ છે, આ ત્રણ ના સંતુલન બગડવાથી જ રોગ થાય છે. અને તેનુ સંતુલન એ પંચકર્મ થી કરી શકાય છે. આમ, સાજા થવા અને સાજા રહેવા માટે પંચકર્મ એ અગત્યનું છે. આ ઉપરાંત પંચકર્મ થી શરીરમાંથી ઝેરી કચરો દૂર થાય છે, તાકાત વધે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે, પાચન તંત્રની કાર્ય શક્તિ સુધરે છે. મન અને માનસિક ભાવો પર પણ પંચકર્મ પોઝીટીવ અસરો કરે છે.

પંચકર્મ કોણ કરાવી શકે ? કેટલા દિવસ આ પ્રક્રિયા માં જોઇએ?

બાળક થી લઇને વૃદ્ધ સુધી કોઇ પણ વ્યક્તિ પંચકર્મ ની સારવાર કરાવી શકે છે, જોકે અમુક પરિસ્થિતિ માં અમુક કર્મો કરાવી શકાતા નથી, જેનો નિર્ણય પંચકર્મ વૈદ્ય પર છોડવો. કોઇ પણ રોગ માં તો પંચકર્મ કરાવી જ શકાય છે પણ સાજા વ્યક્તિ પણ પંચકર્મ કરાવી શકે છે.
આશ્ચર્ય ની વાત એ છે કે કોઇ પણ સાજી વ્યક્તિ પણ પંચકર્મ કરાવી શકે છે. મૂળ તો પંચકર્મ નો મુખ્ય ઉદ્દેશ સાજા માણસ માટે જ છે, તે સમજીએ. આગળ રોગ થવાની પ્રક્રિયા જોઇ, જે મુજબ રોગ ઉત્પત્તિ થાય છે. પણ ઋતુઓ ના ફેરફારો થી કુદરતી રીતે શરીર માં આવો કચરો એકઠો થાય જ છે. આ કચરો આગળ ઉપર જતા રોગ કરનાર ના બને તે માટે આયુર્વેદ માં ઋતુ મુજબ પંચકર્મ ની ગોઠવણી કરવામાં આવી છે. જેમકે વસંત ઋતુ (હોળી ની આસપાસ નો ગાળો) માં વમન કરાવવું જેથી કફ ની તકલીફો ન થાય.શરદ ઋતુ (શ્રાદ્ધ – નવરાત્રિ ની આસપાસ નો ગાળો) એ પિત્ત ની ઋતુ હોય ત્યારે વિરેચન કરાવવું.
પંચકર્મ પ્રક્રિયા નો સમયગાળો ચોક્કસ રીતે નક્કી કહી શકાય નહિ. વમન અને વિરેચન જેવી સારવાર માં ૧૫ દિવસ જેટલો સમય જોઇએ.(આ પણ એક્દમ ફિક્સ નહિ, આમાં ૨-૪ દિવસ નો ફેરફાર થઇ શકે) આ સમયગાળો એટલે જ્યાર થી પાચન ની દવા શરૂ કરી ત્યારથી લઇને છેક ખોરાક નો ક્રમ પૂરો થાય ત્યાં સુધી. આમાં મુખ્ય પ્રક્રિયા તો માત્ર એક જ દિવસ હોય છે.
બસ્તિ અને નસ્ય માં ઘી વિગેરે પીવાનું હોતુ નથી, અને આ સારવાર ૭-૧૪-૨૧-૩૦ દિવસ સુધી વ્યક્તિ ના રોગ મુજબ આપવામાં આવે છે. અમુક એવી પણ સારવાર છે જે એકાંતરે, કે અઠવાડીયા કે પંદર દિવસ માં એક વાર લેવામાં આવે છે. આમ, વિવિધ સારવારો નો સમયગાળો અલગ-અલગ હોય છે.

ક્યારે પંચકર્મ કરાવી શકાય ?

રોગી મટે કોઇ પણ સમયે પંચકર્મ કરાવી શકાય, ઋતુ ના ફેરફારો મુજબ અમુક સમયે કેટલીક પંચકર્મ પ્રક્રિયાઓ નિષેધ છે. પરંતુ નિષ્ણાંત વૈદ્ય ની સલાહ મુજબ યોગ્ય સમયે પંચકર્મ કરાવવુ.

શું પંચકર્મ સારવાર એ સલામત (safe) છે ?

૧૦૦% સલામત. વૈદ્ય એ કહેલ બાબતો નુ અક્ષરશઃ પાલન કરવામાં આવે તો.

શું આ સારવાર કરાવવી મુશ્કેલ છે ?

અમુક બાબતો જેમકે ઘી પીવુ વિગેરે થોડુ તકલીફરૂપ લાગે પણ અન્ય કોઇ મુશ્કેલી પડતી નથી. શરીર હંમેશા કુદરતી રીતે સાજા થવાનો પ્રયત્ન કરતુ જ હોય છે, પંચકર્મ એ આવી કુદરતી પ્રક્રિયા ને ટેકો આપનારી સારવારરૂપ છે. જો યોગ્ય વૈદ્ય પાસે અને પૂરતી કાળજી સાથે પંચકર્મ કરાવાય તો કોઇ મુશ્કેલી પડતી નથી.

સારવાર દરમ્યાન દુઃખાવો થાય ?

મોટા ભાગે આવી કોઇ ફરીયાદ થતી નથી. અને કદાચ જો કોઇ નવી તકલીફ થાય તો તેને તુરંત દૂર કરવામાં આવે છે. આ માટે જરૂરી છે કે કોઇ નિષ્ણાંત વૈદ્ય પાસે જ પંચકર્મ કરાવવુ.

શું ઘી ઇ. પીવાથી વજન, કોલેસ્ટેરોલ વિ. વધે નહી ?

બહુ અગત્યનો પ્રશ્ન. પંચકર્મ માં વપરાતુ ઘી એ ગાયનુ ઘી હોય છે, વળી તે ચોક્કસ સમય મુજબ લેવાય છે. આથી વજન કે કોલેસ્ટેરોલ વધવાનો પ્રશ્ન જ રહેતો નથી. ઉલ્ટાનુ પંચકર્મ દરમ્યાન વજન અને કોલેસ્ટેરોલ ઘટે છે.

તો પછી ઝાડા – ઉલ્ટી થાય કે વમન – વિરેચન કરાવીએ આ બંને માં ફરક શું ?

ઝાડા કે ઉલ્ટી એ પાચનતંત્ર ની ગડબડી કે અન્ય કોઇ તકલીફ ના કારણે થાય છે. જ્યારે વમન કે વિરેચન એ શરીર નો કચરો દૂર કરવા વૈદ્ય ની દેખરેખ હેઠળ યોગ્ય દવાઓ આપી ને કરવામાં આવે છે. વમન – વિરેચન એ માત્ર પેટ ની સફાઇ કરવા માટે જ નથી, પણ શરીર ના નાના મા નાના કોષ સુધીની સફાઇ માટે છે.

શું પંચકર્મ ની કોઇ આડ અસરો કે તકલીફ હોય છે ?

યોગ્ય વૈદ્ય, યોગ્ય દવા અને યોગ્ય વ્યક્તિ (દર્દી) હોય તો ક્યારેય કોઇ આડ અસર કે તકલીફ રહેતી નથી.

એક વખત પંચકર્મ કરાવ્યા બાદ ફરી રોગ ન જ થાય ?

વૈદ્ય એ વ્યક્તિ છે, અને આયુર્વેદ એક વિજ્ઞાન છે. ચમત્કાર કે જાદુગરી કળા સિવાય ગેરેંટી આપવી શક્ય નથી. છતા અનુભવ પરથી કહીએ તો એક વખત સાફ સફાઇ થયા બાદ જો ખોરાક ઇત્યાદિ નુ ધ્યાન રાખવામાં આવે તો મોટા ભાગે ફરી રોગ થતો નથી અને કદાચ ફરી તે કચરો જમા થવાનુ શરૂ થાય તો એટલા પ્રમાણ માં તો મળ એકઠો થતો નથી જ.

પંચકર્મ ફરી કરાવી શકાય, કેટલા સમય બાદ ?

પંચકર્મ જરૂર મુજબ ફરી પણ કરાવી શકાય, ક્યા પ્રકારનું પંચકર્મ કરાવીએ તેના પર આ સમય આધાર રાખે છે. જો કે સાજા માણસ માટે વર્ષ માં એક વાર પંચકર્મ કરાવવુ જોઇએ.

આ પ્રક્રિયા દરમ્યાન શું પરેજી પાળવી પડે ?

અલગ અલગ પંચકર્મ ની ક્રિયા માં અલગ અલગ સમયે પરેજી માં ફેરફાર હોય છે. જો કે મોટા ભાગે પંચકર્મ દરમ્યાન પરેજી નું વિશેષ ધ્યાન રાખવુ પડે છે. કારણકે આ સમયગાળા દરમ્યાન શરીર માં ઘણા ફેરફારો થતા હોય છે, તેથી શરીર ની સાચવણી સવિશેષ રાખવી પડે છે. આ સમય દરમ્યાન વધુ મુસાફરી કરવી, વધુ ચાલવુ કે દોડવુ, વધુ ખોરાક લેવો કે અનિયમિત ખોરાક લેવો, અત્યંત ઠંડા કે ગરમ વાતાવરણ માં રહેવુ વિગેરે જેવી બાબતોથી ખાસ બચવું જરૂરી છે.

કેરાલા ના પંચકર્મ નું નામ સાંભળ્યુ છે, તેમાં અને અહીં થતા પંચકર્મ માં શું ફરક છે ?

કેરાલા એ આયુર્વેદ ની રાજધાની કહી શકાય, ત્યાંના વિદ્વાન વૈદ્યો એ વર્ષો પહેલા પંચકર્મ ની ખાસ સારવારો ને પોતાના પ્રયત્નો થી વિશેષ વિકસાવી છે. જેમાં ત્યાંના વાતાવરણ અને ત્યાંના સમાજ ને ધ્યાન માં રાખીને કાળજી લેવામાં આવી છે. કેરાલા હોય કે હિમાલય – પંચકર્મ એક જ છે. પણ, પ્રદેશ મુજબ માણસો ના શરીર બંધારણ અને રોગો માં પણ ફેરફાર હોય તેમ જે તે જગ્યાએ સારવાર માં ફેરફાર હોય છે.

પંચકર્મ માં મસાજ અને બ્યુટીપાર્લર માં થતા મસાજ માં શું ફરક છે ?

બહુ મોટો ફરક છે. બ્યુટી પાર્લર કે સ્પા માં માનસિક શાંતિ માટે કે શોખ ખાતર આ ક્રિયાઓ કરવામાં આવે છે, વળી ત્યાં નિષ્ણાંત વૈદ્ય કે માલિશ કરનાર હોતા નથી. આયુર્વેદ માં અભ્યંગ (માલીશ) રૂપે બતાવેલ સારવાર માં ચોક્કસ દર્દ માટે ચોક્કસ તેલ વપરાય છે, જે શરીર નો કચરો દૂર કરી શરીર ને તાકાત આપે છે. વળી, તે નિષ્ણાંત વૈદ્ય અને માલિશકર્તા દ્વારા થાય છે, જેથી ક્યા વ્યક્તિ ને ક્યા પ્રકારે માલિશ ની જરૂર છે, તે ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. ઉપરાંત આ અભ્યંગ ની ખૂબ ઉંડી અસરો મળે છે, જે સ્પા કે બ્યુટી પાર્લર માં શક્ય નથી.

પંચકર્મ કોની પાસે કરાવાય ?

આની પણ જાણકારી અવશ્ય મેળવવી જરૂરી છે. આજે આયુર્વેદ માં આલીયા- જમાલીયાઓ ની સંખ્યા પણ છે. આવા લેભાગુ તત્વો રૂપીયા ના મોહમાં તમારૂ અહિત કરનારા હોય છે. જેથી આવા ઉંટવૈધોથી ખાસ બચવુ. આયુર્વેદ ના સ્નાતક હોય તેમની પાસે પંચકર્મ કરાવવુ. ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લા માં ઓછા માં ઓછી એક સરકારી આયુર્વેદ હોસ્પીટલ હાલ કાર્યરત છે, ત્યાં પંચકર્મ ની પણ તમામ સગવડો ઉપલબ્ધ જ છે. ત્યાં જઇને પંચકર્મ સારવાર કરાવી શકો છો. આ ઉપરાંત ઘણા આયુર્વેદ ના સ્નાતકો પણ ખાનગી ક્લિનીક કે હોસ્પીટલ ચલાવે છે, તેમની પાસે પણ પંચકર્મ કરાવી શકો છો. પણ, ખાસ એ કે અભણ અને બની બેઠેલા વૈદ્યો થી બચવુ જરૂરી છે.

લેખક પરિચય

વૈદ્ય અજય પીઠીયા

એમ.ડી. (પંચકર્મ), પીજીડીવાયએન

તબીબી અધિકારી (આયુર્વેદ) વર્ગ - ૨, ગુજરાત સરકાર.

જૂનાગઢ

સંપર્ક : મો. - ૯૭૧૪૦૬૬૭૭૯,

મેઇલ આઇડી - vd.ajay1984@gmail.com

ફેસબૂક પેજ   https://www.facebook.com/pranamayurveda/

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/29/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate