કબજિયાત માત્ર શારીરિક નહીં, માનસિક અવસ્થા પણ છે. કબજિયાત રહેવા માટેનાં ઘણાં કારણો હોય છે. જેવી રીતે કે માનસિક તણાવ, જમવામાં અનિયમિતતા, જીવનશૈલીની અનિયમિતતા, ફળ, શાકભાજી, પાણી વગેરેનો ઉપયોગ ઓછો હોવાથી. મોડી રાતે સુવાનું, સવારમાં ચાલવાનું, એક્સરસાઈઝ, યોગ અને વ્યાયામ વગેરે જીવનમાં નહીં કરાતા હોવાથી સમસ્યા થાય છે. કબજિયાતના યોગિક ઉપાયો છે, તેને માટે નીચે મુજબ યોગાભ્યાસ કરવો.
આસનઃ સૂર્ય નમસ્કાર, તાડાસન, ત્રિર્યક તાડાસન, કટિચક્રાસન, ત્રિયંક ભુજંગાસન, સુપ્તવજ્રાસન, ત્રિકોણાસન, ઉત્ષ્ટ્રાસન, યોગમુદ્રાસન,ઉતરાકષણ, મત્યાસન, અર્ધમત્સ્યાદ્રાસન, ત્રિર્યક ભૂજંગાસન, વજ્રાસનમાં દરરોજ ર૦ મિનિટ બેસવું
તાડાસનઃ સીધા ઊભા રહી જવું. બંને પગને સાથે રાખવા, નજર સામે, બંને હાથ ખભાની બરાબર સીધા ઊઠાવવા. બંને હાથની આંગળીઓને એકબીજામાં ફસાવી અને માથા ઉપર રાખી દેવા. શ્વાસ લેતાં લેતાં આખા શરીરને ઉપરની બાજુ ખેંચવું. હાથને ઉપર લઈ જઈ હાથની હથેળી ઉપરની તરફ રાખવી. આખા શરીરને પગના પંજા પર સ્થીર કરવું ૩૦-૪૦ સેકન્ડ સુધી રાખવું અને શ્વાસ છોડતાં - છોડતાં પહેલાંની અવસ્થામાં આવવું.
શ્વાસની પ્રક્રિયા : જ્યારે શરીરને સંપૂર્ણ રીતે ઉપરની તરફ ખેંચીએ છીએ ત્યારે શ્વાસને લેતાં લેતાં છેલ્લી અવસ્થામાં શ્વાસને રોકવાનો છે અને શ્વાસ છોડતાં છોડતાં પાછા આવવાનું હોય છે.
ત્રિર્યક તાડાસન : બંને પગને ફલાવો, બંને પગની વચ્ચે બે થી અઢી ફૂટની જગ્યા રાખવી. બંને હાથને કમરની બાજુમાં રાખવા. શ્વાસ લેતાં લેતાં બંને હાથ ઉપર ઊઠાવવા. બંને હાથની આંગળીને સાથે ફસાવી અને માથા ઉપર રાખવી. શ્વાસ છોડતાં છોડતાં કમરને જમણી તરફ વાળવી. ૩૦ થી ૪૦ સેકન્ડ આજ સ્થિતિમાં રહેવું અને પછી શ્વાસ લેતાં લેતાં ઉપર આવી જવું. એવી જ રીતે લાંબો શ્વાસ લેવો અને શ્વાસ છોડતાં છોડતાં ડાબી બાજુ વળીને કમરથી હાથ સીધા રાખવા. આ જ સ્થિતિમાં ૩૦ થી ૪૦ સેકન્ડ રહેવું અને ફરીથી મૂળ સ્થિતિમાં આવી જવું. આવી જ રીતે એક રાઉન્ડ પૂરો થયો. આવા ૮ થી ૧૦ રાઉન્ડ કરવા.
કટી ચક્રાસન : બંને પગની વચ્ચે બે થી અઢી ફૂટની જગ્યા રાખવી. બંને હાથ કમરની બાજુમાં. લાંબો શ્વાસ લેવો અને શ્વાસ છોડતાં છોડતાં ડાબી હાથેળીને જમણા ખભા પર અને જમણી હથેળીને પીઠ પર રાખવી. જમણી તરફ વળવું અને પાછળ જવું ૩૦ થી ૪૦ સેકન્ડ સુધી આજ સ્થિતિમાં શ્વાસ રોકતા રહેવું. ફરીથી શ્વાસ લેતાં લેતાં હાથને ફેલાવતાં સામે આવી જવું. હાથ ખભાની સાથે રાખવા. ફરીથી શ્વાસ લેવો અને શ્વાસ છોડતાં છોડતાં કમરથી ડાબી તરફ વળવું. ડાબા હાથની હથેળી પીઠ પર અને જમણા હાથની હથેળી ખભા પર રાખવી. પાછળ જોઈને ૩૦ થી ૪૦ સેકન્ડ રોકાવું. શ્વાસ રોકી રાખવો અને પછી શ્વાસ લેતાં લેતાં સામે આવી જવું. આવી જ રીતે એક રાઉન્ડ થયો. આવી જ રીતે ૮ થી ૧૦ રાઉન્ડ કરવા. સાવધાની : વર્ટીગો અને પાર્કિન્સોનીઝમ વાળા દર્દીએ યોગ શિક્ષકના નિર્દેશ મુજબ કરવું.
પ્રાણાયામઃ નાડી શોધન
મુદ્રા : ઉપરાંત બંધ, પાસિની મુદ્રા, યોગ મુદ્રા, અશ્વીની મુદ્રા, ઉડિયાન બંધ, મહાબંધ
ષટકર્મ : લઘુ શંખપ્રક્ષાલન, અગ્નિસાર ક્રિયા, નોલીક્રિયા
આહાર : ફળ, શાકભાજી, પાંદડાવાળી શાકભાજી, સલાડ, બાફેલા ચણા, મગ, સૂકો મેવો, અંજીર, આલુ બુખારા વગેરે લેવું જોઈએ. ૮-૧૦ ગ્લાસ પાણી પીવું જોઈએ. તેલ, ઘી, તળેલી ચીજ વસ્તુ છોડી દેવી જોઈએ.
બે-ત્રણ ગ્લાસ ગુનગુના(ઓછું ગરમ, પી શકાય તેવું ગરમ) પાણી પી ને તાડાસન, ત્રીર્યક ત્રાડાસન, કટી ચક્રાસન આઠ-આઠ રાઉન્ડ કરવા જોઈએ અને કાગડો ચાલે એવી રીતે ચાલવું જોઈએ. જેથી સવારમાં પેટ સાફ થઈ જાય છે. બપોર અને સાંજે જમ્યા પછી અડધો કપ પાણીમાં ૧ ચમચી ઈસબગુલ અને અડધી ચમચી હરડેનો ઉપયોગ કરવાથી તરત જ ફાયદો થશે અને એક-બે મહિના યોગ અભ્યાસ પછી ધીમે-ધીમે એને બંધ કરી દેવું જોઇએ.
સ્ત્રોત: યોગાચાર્ય ભાસ્કર હિન્દુસ્તાની , ગુજરાત સમય , યોગ ઉપયોગ - info@nirvikalpyogaacademy.com
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020