અનેક શોધ-સંશોધનો અને સગવડથી યુક્ત આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ હોવા છતાંપણ રોગનો ભોગ બનતા માનવોની સંખ્યામાં ઘટાડો થયો હોય તેવું બનતું નથી. પોલિયો, શીતળા જેવા આંગળીના વેઢે ગણી શકાય તેવા રોગને નાથી શકાય. ટી.બી., ટાઈફોઈડ, ન્યુમોનિયા જેવા સંક્રામક રોગો સામે એન્ટીબાયોટિક્સ દવાઓની અસરકારકતાથી રોગથી છુટકારો મેળવવો સરળ બન્યો. તે સાથોસાથ ડાયાબીટીસ, હ્રદયરોગ, હાયપરટેન્શન, કિડનીના રોગ, ડિપ્રેશન, સ્ટ્રેસ, અનિંદ્રા જેવા ઘણાં રોગોનો વ્યાપ વધ્યો. અમુક રોગો તો ક્યારેક એકલા નથી આવતા, પોતાની સાથે અન્ય રોગ કે રોગની સંભાવના સાથે આવે છે. મેદસ્વીતા, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ, નશાખોરી જેવી ઘણી શારીરિક સ્થિતિ એક સાથે અનેક રોગને આમંત્રણ આપે છે. આવા ગંભીર રોગોનાં લક્ષણો, તકલીફ અને ઉપચાર અલગ હોવા છતાંપણ, તે થવાનાં મૂળભૂત કારણો જોઈએ તો તે કારણો રોજબરોજનું જીવન જે રીતે જીવાય છે, તેમાં છુપાયેલા હોય છે. જેમકે,
જીવન સાથે જોડાયેલી નાની-મોટી બાબતો એક એવું વિષચક્ર બનાવે છે કે જેમાંથી છુટવું અશક્ય લાગે છે. જેઓ રોગનાં ભોગ બની ગયા છે તેઓ અને જેઓ આધુનિક જીવનમાં અનુભવાતી શારીરિક-માનસિક તકલીફમાં રાહત મેળવવા ઈચ્છતા હોય તે દરેકે રોગ થવાનાં મૂળભૂત કારણોને સમજી અને જીવનમાં નિયમિતતા, યોગ્ય પોષણ, આવશ્યક શારીરિક શ્રમ, જીવન તરફ સંતોષ અને હકારાત્મકતાનું વલણ જેવી બાબતોનું મહત્વ સમજી અપનાવવું જોઈએ. વિષચક્રને ક્યાંકથી તોડી અને જીવનનાં મૂળભૂત સુખ, સાદગીની કિંમત જાણી આરોગ્યલક્ષી અભિગમ કેળવવો પડે. ખાન-પાન, ઊંઘ, કસરત વગેરેથી શરીરની સજ્જતા આરોગ્ય માટે પૂરતી નથી. શરીર સાથે મનની સજ્જતા જરૂરી છે. યોગવિદ્યાની મદદથી શરીર અને મન બંનેની કેળવણી શક્ય બને છે.
સ્ટ્રેસ, વધુ વજન, અનિયમિત-અયોગ્ય ખોરાકનાં પરિણામે એથેરોસ્કલેરોસિસ, હાયપરલિપિડિમિયા, હાયપરટેન્શન, ડાયાબિટીસ, બેઠાડું જીવન જેવા કારણો અને રોગોનાં પરસ્પર સંબંધને સમજી દવા તથા અન્ય ઉપચારના ભાગરૂપે યોગને અપનાવવાથી રોગથી શરીર પર થતી વિપરીત અસર ઓછી કરી શકાય છે. રોગનાં ઉપચાર માટે લેવી પડતી દવાઓનું પ્રમાણ ઘટે છે. યોગાસન અને યૌગિક ક્રિયાઓથી શ્વસન, પાચન, ધાતુપોષણ, અંત:સ્ત્રાવોનું યોગ્ય સ્ત્રવણ, રક્તસંચાર, સ્નાયુઓમાં સ્થિતિસ્થાપકતા, માસિક-મળ-મૂત્ર પ્રવૃત્તિમાં નિયમિતતા જેવા શારીરિક ફાયદાઓ મળવાની સીધી અસરથી રોગનું જોર ઓછું થાય છે. રોગ અને તેનાં ઉપચાર સાથે વ્યક્તિ સક્રિય, ઉત્સાહપૂર્ણ જીવન જીવી શકે છે. રોગની પરંપરા અને એક રોગથી અન્ય રોગોનું અનુસરણ અટકાવી શકાય છે.
યોગ માત્ર આસન પૂરતો જ સિમિત નથી. યોગવિદ્યાના આઠ અંગ યમ, નિયમ, પ્રાણાયમ, આસન, ધારણા, ધ્યાન, પ્રત્યાહાર અને સમાધિ છે. આસન શીખતા પહેલાં યમ, નિયમ અને પ્રાણાયમ શીખવાને પરિણામે મનમાં સાદગી, સંયમ અને અનુકૂલનનાં ભાવ કેળવાય છે. ત્યારબાદ આસનોનાં અભ્યાસથી શરીર અને મનનાં સાયુજ્યની અસરથી સાયકોસોમેટિક ડિસોર્ડરમાં ઘણો ફાયદો થાય છે. માત્ર શરીરની લચક વધારવી, દેખાવ-આકારમાં સુધારો કરવાના આશયથી યોગાસન કરવાનો અર્થ, કેરી ફેંકી દઈ માત્ર ગોટલો ચૂસવા જેવી પ્રવૃત્તિ થાય. જ્યાં સુધી યોગાસનને શરીરથી મનની અને મનથી શરીરની કેળવણી અને સજ્જતાનાં દ્રષ્ટિકોણથી સમજી અપનાવીએ નહીં ત્યાં સુધી યોગનો સંપૂર્ણ લાભ મેળવી શકીએ નહીં. આથી યોગ્ય સમજ, ભાવ અને કેળવણીથી યોગ અપનાવવાથી આધુનિક જીવનશૈલીથી થતાં રોગોનાં ભોગ બનતા બચવું શક્ય બને છે. જેઓને રોગ થઇ ચૂક્યા છે તેઓના ઉપચારમાં સરળતા રહે છે.
અનુભવ સિદ્ધ :હ્રદયરોગ, ડાયાબિટીસ, મેદસ્વીતા જેવા વારસાગત કારણો હોવા છતાંપણ જીવનશૈલીની મદદથી રોગ થતાં અટકાવી શકાય છે..
સ્ત્રોત :યુવા ઐયર, નવગુજરાત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020