સૂત્રનેતિ (દોરા વડે નેઝલ ક્લિન્સિંગ ) એ નાક સાફ કરવાની એક એડવાન્સ્ડ પ્રક્રિયા છે. એ જલનેતિની જેમ જ કામ કરે છે, જે નાકના પેસેજમાંથી બ્લોકેજ સાફ કરી દૂર કરે છે. આ રીતે હવાનો પ્રવાહ મુક્ત રીતે બંને નસકોરાંમાંથી વહી શકે છે.
જલનેતિમાં નાક સાફ કરવા મીઠાનું પાણી વપરાય છે તો સૂત્રનેતિમાં એક કેથેટર (એક લાંબી પાતળી રબર ટ્યૂબ) અથવા કોટનના દોરાના બેવડા સ્ટ્રાન્ડ્સ નસકોરાંમાંથી પસાર થાય છે.
શાસ્ત્રીય સંદર્ભઃ
સૂત્રનેતિ કફ (ફ્રંટલ બ્રેન) સાફ કરે છે અને નાકમાંથી અશુદ્ધિઓ દૂર કરે છે. તેનાથી આંખની દૃષ્ટિનો પાવર વધે છે અને આંખો તેજસ્વી બને છે.
સાધનઃ
એક લાંબી રબરની ટ્યૂબ-કેથેટર કોઈ પણ ફાર્મસીમાંથી ખરીદવી, જે બહુ ઓછા પૈસામાં મળે છે. કેથેટર વિવિધ સાઇઝની મળે છે જે બહારના ડાયામીટર મુજબ વિવિધ નંબરની હોય છે.
પોશ્ચરઃ
કોઈ પણ કંફર્ટેબલ બેઠક કે ઊભેલી સ્થિતિ લઇ શકાય. ઊભી સ્થિતિ વધારે સારી પડે.
રીત:
- કેથેટરને ઉપયોગ કરતાં પહેલાં સ્ટરીલાઇઝ કરવી અગત્યની છે એટલે એને હૂંફાળા પાણીમાં પહેલાં સ્ટરીલાઇઝ કરવી તે પછી ચોખ્ખા હાથોથી ઉપયોગમાં લેવી.
- ધીમે રહીને કેથેટરનો સાંકડો ભાગ ડાબા નસકોરામાં નાંખવો.
- ધીમે ધીમે સૂત્રને નસકોરાંમાં ધકેલો, એને નસકોરામાં સરળતાથી જાય તે માટે વાળો.
- કોઈ પણ સંજોગોમાં દબાણ ન કરશો કેમ કે નાકનો અંદરનો ભાગ બહુ નાજુક હોય છે અને કોઈ પણ બિનજરૂરી દબાણ નુકસાન કરી શકે.
- સૂત્રનો છેડો ગળાના પાછલા ભાગમાં જતો લાગશે.
- તમારી ઇન્ડેક્સ ફિંગર ગળામાં નાખો અને સૂત્રનો છેડો મોઢામાંથી બહાર કાઢો.
- જો તમને કોઈ દુખાવો કે ડિસ્કંફર્ટ લાગે તો તરત રોકાઇ જાવ. સૂત્રને થોડી વાર અંદર બહાર કરો.
- તમારું કામ થઈ જાય એટલે ધીમેથી અને નાજુકતાથી કેથેટર (કેથીડ્લ)ને બહાર કાઢવી.
લાભઃ
- સૂત્રનેતિ નાકના અંદરના ભાગને ફ્રિક્શન મસાજ આપે છે, મેમ્બ્રેન્સને સક્ષમ બનાવી મજબૂત કરે છે.
- સૂત્રનેતિ નાકના પેસેજમાં આવતી અનેક નર્વ્ઝને સ્ટિમ્યુલેટ કરે છે.
- એ નસકોરાંમાંથી લોહીના કોઈ પણ સ્ટેગ્નેશનને બહાર કાઢે છે અને સિક્રેટરી ગ્રંથિને સાફ કરી દે છે.
- એ શરદી, કફ, અસ્થમા, માઇગ્રેન, માથાનો દુખાવો થતાં રોકે છે.
ટીચર્સ ટિપ્સઃ
શિયાળો આવી રહ્યો છે ત્યારે જલનેતિ, સૂત્રનેતિ, વમન, શંખપ્રક્ષાલન વગેરે બહુ સારી અને અસરકારક ક્રિયાઓ છે. જો આ ક્રિયાઓ નિયમિત રીતે કરવામાં આવે તો નાકમાં કોઈ બ્લોકેજ, કફ, શરદી નહીં થાય. છાતીમાં ભરાવો નહીં થાય કે બીજી કોઈ તકલીફ નહીં થાય. કફ અને શરદીમાં કોઈ દવા સાજા નથી કરતી પણ આ ક્રિયાઓ
નિયમિત અને યોગ્ય રીતે કરવાથી ચોક્કસપણે મૂળમાંથી કાઢશે.
હું મારી જાતે નિયમિત ધોરણે છેલ્લાં 14 વર્ષથી આ ક્રિયાઓની પ્રેક્ટિસ કરું છું. એટલે કોઈ કફ, શરદી કે કોઈ કંજેશન યાદ નથી. પહેલાં મને મોસમ બદલાય કે બહુ જ સિવ્યર કફ રહેતો પણ હવે કોઈ જ મેડિસીન વિના એની તકલીફ મટી ગઈ છે.
પૂર્વી શાહ(yoga for you)