অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વ્યક્તિગત સ્વાસ્થ્ય વિજ્ઞાન

આપણે જે ખોરાક ખાઇએ છીએ, જે રીતે આપણું શરીર સ્વચ્છ રાખીએ છીએ, શારીરિક કસરત અને સલામત જાતીય સંબંધ, આ દરેક પરિબળો શરીરના સારા સ્વાસ્થ્યમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે. ઘણાંબધાં રોગો સ્વચ્છતાના અભાવને કારણે થાય છે. પરોપજીવીઓ, કરમિયા, ખસ, દાંતમાં સડો, ઝાડા, મરડો વગેરે વ્યક્તિગત સ્વાસ્થ્ય વિજ્ઞાનના અભાવને કારણે થાય છે. આ દરેક રોગોને સ્વચ્છતા રાખીને થતાં અટકાવી શકાય છે.

માથું સાફ રાખવુ

શેમ્પુ કે અન્ય કોઇ શોધન પ્રક્રિયાથી અઠવાડિયે એકથી બે વખત માથું ધોવાનું રાખવુ.

આંખો, કાન અને નાક સાફ રાખવા

  1. તમારી આંખને દરરોજ ચોખ્ખા પાણીથી ધુઓ.
  2. કાનમાં મીણ બને છે અને તેનાથી હવા જવાનો રસ્તો બંધ થઈ જાય છે. આના કારણે દુખાવો થાય છે. આથી કોટન બડ દ્વારા અઠવાડિયે એક વખત કાન સાફ કરવા જોઇએ.
  3. નાકમાંથી નીકળતું શ્લેષ્મ સૂકાઈને કઠણ થતાં નાક બંધ થઇ જાય છે. આથી, જ્યારે પણ જરૂર જણાય ત્યારે નાક સાફ કરો. જ્યારે બાળકોને શરદી હોય અને નાક વહેતુ હોય ત્યારે નરમ કપડાથી નાક સાફ કરો.

મોં સાફ રાખો

  • દાંતને સાફ કરવા માટે નરમ પાવડર અને પેસ્ટ સારા પડે છે. દિવસમાં બે વખત બ્રશ કરો – સવારે તમે ઉઠો ત્યારે અને સૂવા જાવ ત્યારે. કોલસાનો પાવડર, મીઠુ, રફ ટુથ પાવડર વગેરે દ્વારા બ્રશ કરવાથી તમારા દાંતના બહારના સ્તરને નુકસાન થઇ શકે છે.
  • કંઈ પણ ખાધા પછી તમારા મોંને ચોખ્ખા પાણીથી ધુઓ. આનાથી ખોરાકના કણો તમારા દાંત વચ્ચેની જગ્યામાં ભરાશે નહી અને તમને દુર્ગંધ, પેઢાને નુકસાન તેમજ દાંતના સડાથી છૂટકારો મળશે.
  • પોષણયુક્ત આહાર લો. મીઠાઈ, ચોકલેટ, આઈસક્રીમ અને કેક જેવો ખોરાક ઓછો લો.
  • તમને તમારા દાંતમાં સડાની કોઇપણ નિશાની દેખાય તો, તુરત જ દાંતના ડોક્ટરનો સંપર્ક કરવો.
  • નિયમિત અને યોગ્ય બ્રશ કરવાની પદ્ધતિથી દાંત પર છારી બાજતી નથી. તમારા દાંતની નિયમિત સફાઇ માટે તમારા દાંતના ડોક્ટરનો નિયમિત સંપર્ક કરો.

ચામડીની સંભાળ

  • ચામડી આખા શરીરને ઢાંકે છે, શરીરના દરેક ભાગને રક્ષણ આપે છે અને શરીરનું તાપમાન જાળવવામાં મદદરૂપ થાય છે.
  • ચામડી શરીરના બિનજરૂરી તત્વોને પરસેવારૂપે બહાર ફેંકે છે. ચામડીમાં ખામી હોય તો, તે પરસેવા નિકળવાના છીદ્રો બંધ કરી દે છે અને તેના કારણે ગુમડા, ખીલ વગેરે થાય છે.
  • તમારી ચામડીને સાફ રાખવા માટે દરરોજ સાબુ અને ચોખ્ખા પાણી દ્વારા નાહવુ.

હાથ ધોવા

  • આપણે દરેક કામ, જેમ કે જમવું, સંડાસ પછી સાફ કરવાં, નાક સાફ કરવું, છાણ સાફ કરવું વગેરે આપણા હાથથી કરીએ છીએ. આ પ્રવૃત્તિઓ દરમિયાન, રોગો ફેલાવતા ઘણાબધાં કિટાણુઓ આપણી ચામડી અને નખમાં રહી જાય છે. ખાસ કરીને રાંધતા પહેલા અને જમતા પહેલા, સાબુથી કાંડાની ઉપર, આંગળીઓની વચ્ચે અને નખ સહિત હાથ ધોવાથી ઘણા રોગોનું નિવારણ થાય છે.
  • તમારા નખ નિયમિત રીતે કાપો. નખ ચાવવાનું અને નાકમાં આંગળી નાખવાનું ટાળો.
  • બાળકો કાદવમાં રમે છે. તેમને જમતા પહેલા હાથ ધોવાની ટેવ પાડો.
  • લોહી, સંડાસ, પેશાબ અને ઉલટી સાથે સંપર્ક ટાળો.

પેશાબ અને સંડાસ વખતે સ્વચ્છતા

  • સંડાસ અને પેશાબ કર્યા પછી, તે ભાગને ચોખ્ખા પાણીથી આગળ અને પાછળથી ધુઓ અને સ્વચ્છ રાખો. તમારા હાથ સાબુથી ધોવાનું ભૂલતા નહી.
  • સંડાસ, બાથરૂમ અને તેની આજુબાજુનો વિસ્તાર ચોખ્ખો રાખો. ખુલ્લામાં હાજતે જવાનું ટાળો.

પ્રજનન અંગોની સફાઇ

  • પુરુષો અને મહિલાઓ બંનેએ તેમના પ્રજનન અંગોને હંમેશા સાફ રાખવા જોઇએ
  • મહિલાઓએ માસિક દરમિયાન સ્વચ્છ, નરમ કપડાં કે સેનિટરી નેપકિન વાપરવા જોઇએ. નેપકિન દિવસમાં ઓછામાં ઓછું બે વખત બદલવા જોઇએ.
  • જેમને સફેદ દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતુ હોય તેની મહિલાઓએ તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.
  • પેશાબ અને સંડાસ ગયા પછી ચોખ્ખા પાણીથી અંગોની સફાઇ કરવી જોઇએ.
  • તમને પ્રજનનતંત્રના અંગોમાં કોઇપણ ચેપ લાગે તો, તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો.
  • સલામત જાતીય સબંધ માટે નિરોધનો ઉપયોગ કરો.
  • જાતીય સબંધ પહેલા અને પછી પ્રજનન અંગોને સાફ કરો.

ખોરાક અને રાંધતી વખતે સ્વાસ્થ્ય વિજ્ઞાન

ખોરાક રાંધતી વખતે તેમાં ચેપ ન લાગે, ખોરાકમાં ઝેર ન ભળે અને કોઈ રોગ ન લાગે તે માટે સ્વચ્છતા જાળવો.

  • રસોઇનો વિસ્તાર અને વાસણો સ્વચ્છ રાખો.
  • વાસી અને ચેપી ખોરાકની વાનગીઓ ખાવાનું ટાળો.
  • રાંધતા અને પીરસતા પહેલા તમારા હાથ ધુઓ.
  • શાકભાજી જેવી ખોરાકની વાનગીઓ વાપરતા પહેલા સારી રીતે ધુઓ.
  • ખોરાકની વસ્તુઓનો યોગ્ય સંગ્રહ કરો.
  • ખોરાકની વાનગીઓ ખરીદતા પહેલા તેની એક્સપાયરી તારીખ વાંચો.
  • રસોડાના કચરાનો યોગ્ય નિકાલ કરો.

તબીબી સ્વાસ્થ્ય વિજ્ઞાન

  • યોગ્ય પાટાપીંડીથી ડ્રેસિંગ કરીને ઘાની યોગ્ય સંભાળ રાખો.
  • દવાઓ ખરીદતી વખતે એક્સપાયરી તારીખ વાંચો.
  • ન જોઇતી દવાઓનો યોગ્ય અને સલામત નિકાલ કરો.
  • ડોક્ટરની સલાહ વગર દવાઓ લેવાનું ટાળો.
સ્રોતઃ સ્વસ્થ ગામડાઓ – સમુદાય અને સામુદાયિક આરોગ્ય કાર્યકર્તાઓ માટેની માર્ગદર્શિકા, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/5/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate