অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સારા સ્વાસ્થ્ય માટે 30 નુસખા

સારા સ્વાસ્થ્ય માટે 30 નુસખા

સ્વાસ્થ્ય સંબંધી તમામ નાની-મોટી તકલીફો માટે દાદીમાના ખાસ ઘરગથ્થુ ઉપચાર

આપણા ઘર-ઘરનાં આયુર્વેદિક પ્રાચીન નુસખાઓ ઘણીવાર એલૉપેથી દવાઓ કરતાં વધારે અક્સિર હોય છે. આજે પણ દરેક ઘરમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે દાદી-નાનીના જુનવાણી ઉપચાર અજમાવીને ઈલાજ કરવામાં આવે છે અને તેનાથી તરત ફાયદો પણ થાય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે આ સરળ અને અક્સિર નુસખાઓ અપનાવ્યા વિના જ નાની અમથી બાબતોમાં પણ ડોક્ટર પાસે દોડી જાય છે અને દવાઓ ખાઈને કામચલાઉ સ્વાસ્થ્ય સુધારી લે છે. જેથી આજે અમે તમને સ્વાસ્થ્ય સંબંધી 30 જાતની તકલીફો માટે દાદીમાના પ્રાચીન નુસખાઓના ખજાનામાંથી સચોટ અને ઝડપી ઈલાજ કરી શકે એવા ઉપાય લાવ્યા છે તો નોંધવાનું ભુલતા નહીં. ડગલે પગલે કામ આવશે આ સરળ નુસખા.

  1. જો દાંતમાં સખત દુખાવો થતો હોય તો એલચી, લવિંગ અને જાયફળના તેલને મેળવીને તે તેલને રૂ થી દુ:ખતા દાંત પર લગાવવાથી દર્દ મટે છે.
  2. ચામાં અજમાના પાન અને ફુદીનો નાંખી ઉકાળીને પીવાથી ખાંસીમાં રાહત મળે છે.
  3. કડવા લીમડાની છાલનો ઉકાળો બનાવી તેમાં ગોળ મેળવી ત્રણ દિવસ સુધી રોજ રાત્રે પીવાથી પેટના કૃમિ નીકળી જાય છે.
  4. તુલસીના બીજનો ઉકાળો બનાવીને પીવાથી માસિક નિયમિત-યોગ્ય માત્રામાં આવે છે.
  5. ભોજન લીધા પછી રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ થતો નથી.
  6. અજમો અને લસણને સરસવના તેલમાં પકાવી, તે તેલની માલિશ કરવાથી શરીરના દુ:ખાવા મટે છે.
  7. બે ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ મેળવી વાળના મૂળમાં લગાડી અડધો કલાક રહેવા દઈ વાળ ધોવાં. આ પ્રયોગ નિયમિતરૂપે કરવાથી વાળની તમામ સમસ્યા દૂર થાય છે.
  8. દાડમની છાલને પાણીમાં પીસી તેની પેસ્ટ બનાવી વાળમાં રાત્રે લગાવીને સવારે વાળ ધોઈ નાંખવા. આ પ્રયોગથી વાળની જૂ અને લીખ મરી જાય છે.
  9. આંબાના પાનની ભસ્મ બનાવી દાઝેલા સ્થાન પર ઘી સાથે લગાવવાથી રાહત રહે છે.
  10. . ફુદીનાના પાન ચૂસવાથી કે મોઢામાં રાખી ચાવવાથી હેડકી તરત બંધ થાય છે.
  11. કાળામરીના ચૂર્ણને ઘીમાં મેળવી શરીર પર લગાવવાથી પિત્તની તકલીફ મટે છે.
  12. ગાયના દૂધની સાથે આમળાના ચૂર્ણનું નિયમિત સેવન કરવાથી આંખનું તેજ વધે છે.
  13. જરૂર પૂરતાં તેજપત્રને પીસી માથા પર (કપાળ પર) લેપ કરવાથી માથાનો દુ:ખાવો મટે છે.
  14. કાળા તલ, સાકર અને નાગકેસર રોજ સવારે ખૂબ ચાવીને ખાવાથી મસા શાંત થાય છે.
  15. ભેંસના દૂધમાં સાકર અને એલચી મેળવી ગરમાગરમ દૂધ પીવાથી અનિદ્રામાં લાભ થાય છે.
  16. સૂંઠનું ચુર્ણ એક ચમચી ફાકવાથી ઝાડામાં ફાયદો થાય છે.
  17. વાયુ વધી જવાથી ઊલટી થતી હોય તો અજમો ખાવાથી કે અજમો-મીઠું મોંમા રાખી ચૂસવાથી ઉલ્ટીમાં રાહત થાય છે.
  18. નિયમિત રીતે ત્રિફળાચૂર્ણ ચોખાના ધોવાણ સાથે લેવાથી શ્વેતપ્રદર મટે છે.
  19. કાળી દ્રાક્ષ અને આમળાનો રસ 10 ગ્રામ પ્રમાણમાં અને 5 ગ્રામ મધ મેળવીને પીવાથી એસીડીટી મટે છે.
  20. નિયમિત રીતે કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે.
  21. એલચી, લવિંગ અને જાયફળના ચૂર્ણને મધ અને લીંબુથી બનાવેલ ચામાં મેળવીને પીવાથી કબજિયાતમાં આરામ થાય છે.
  22. કાળા મરીનું ચૂર્ણ સાકર નાખેલા ગરમ ગરમ દૂધ સાથે પીવાથી અવાજ ખૂલે છે.
  23. કડવા લીમડાની અંતરછાલનો ઉકાળો બનાવી તેમાં મધ નાખીને પીવાથી લાભ થાય છે.
  24. ઘી અને ગોળ સાથે આમળાંના ચૂર્ણની ગોળીઓ બનાવી લેવાથી પેશાબની બળતરા મટે છે.
  25. અજમો, તુલસીના પાનનું ચૂર્ણ અને સૂંઠનું ચૂર્ણ સમાન ભાગે લઈ તેમાં મધ નાખીને પીવાથી તાવમાં ફાયદો થાય છે.
  26. તલનું તેલ નિયમિત રીતે એક ચમચાની માત્રામાં પીવાથી વજન ઘટે છે.
  27. અશ્વગંધા, શતાવરી, યષ્ટિ મધુ ચૂર્ણ અને ગળો ચૂર્ણનું નિયમિત દૂધ સાથે સેવન કરવાથી શક્તિ વધે છે.
  28. રોજ રાત્રે મધ, લીંબુ, ગ્લિસરીન અને ગુલાબજળ મેળવી, પેસ્ટ જેવું બનાવી ત્વચા પર ઘસીને માલિશ કરવાથી ત્વચા સુંવાળી બને છે.
  29. લીમડાનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે. હળદળ એક ચમચી અને આમળાંનું ચૂર્ણ એક ચમચી ભેગાં કરી રોજ સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસમાં ખૂબ રાહત થાય છે.
  30. મરી, તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે. સૂંઠ, તલ અને ખડી સાકરનો ઉકાળો કરીને પીવાથી પણ શરદી, સળેખમ મટે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/8/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate