অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગામનું પાણી, ગામની જવાબદારી

ગામનું પાણી, ગામની જવાબદારી

સિદ્ધપુર ખાતે લોકવ્યવસ્થાપિત પીવાના પાણીના કાર્યક્રમ અન્વયે લોકસંવાદ દરમિયાન, શ્રી જયનારાયણ વ્યાસે આપેલું વક્તવ્ય…

પાણીની વાત આ વિસ્તાર (ઉત્તર ગુજરાત, પાટણ જિલ્લો) માટે નવી નથી. મને યાદ છે કે ૧૯૮૫માં ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યાથી છૂટકારા માટે અભિયાન શરૂ કર્યું હતું. મેં આ વિસ્તારમાં ફલોરાઈડથી પીડાતા ગામોને કાયમી સારૂ પાણી મળી રહે તે ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો. કમનસીબે એ વાત અને રાજકારણને મેળ ના બેઠો.

લોકોએ મને કહ્યું હતું કે આ વાત તો કંઈ ચૂંટણી મુદ્દો બનતી હશે. એ હકીકત છે કે ૭૦ ટકાથી વધુ રોગો પાણીજન્ય હોય છે. અશુદ્ધ પાણીને લીધે થતા રોગોનો વ્યાપ વધતો જાય છે. ઉત્તર ગુજરાતમાં પથરીના રોગે માઝા મૂકી છે. કારણ શું છે? માત્ર અને માત્ર અશુદ્ધ પાણી. આપણા વિસ્તારમાં તો ફ્લોરાઈડના કારણે હાડકાના રોગ ના થયા હોય તેવો માણસ શોધવા જવો પડતો. આજે રોગોને નાસવું પડ્યું છે.

રોગોની વાત બાજુએ મૂકીએ તો મારે કેટલાક આંકડા સાથે તમને જોડવા છે. ૧૯૫૧માં આપણા રાજ્યમાં માથાદીઠ ૫૦૦૦ ઘનમીટર પાણી મળતું હતું. આજે ૨૦૦૮માં આ આંકડો ૧૨૦૦ સુધી આવીને ઊભો રહી ગયો છે. મતલબ એ થયો કે માથાદીઠ ચારગણું ઓછું પાણી આજે મળે છે. પાણીની ઉપલબ્ધતામાં પ્રમાણમાં ઘટાડો થયો છે. હવે વિચાર તમારે કરવાનો છે કે પાણીને સાચવવું કે તેનો બગાડ કરવો? પાણી તમારૂં અને તમારી આવનારી પેઢીનું ભવિષ્ય છે.

સરકારે નક્કી કર્યું છે કે દરેક ઘરના આંગણા સુધી પીવાનું પાણી પહોંચે. આજે ઘણા ગામોમાં આ સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે પણ સાથે એક ચિંતા લેતી આવી છે. પાણીના બગાડની. ઘરઆંગણે નળ જોડાણ આવવાથી લોકો પાણી બાબતે બેફીકરા બનતા જાય છે. તમે જ્યારે ઘરેથી બહાર જાઓ છો ત્યારે પંખા, ટ્યૂબલાઈટ, ચાલુ રાખીને જાઓ છો? જો ના તો પાણીનો નળ કેમ ખુલ્લો રાખીને જાઓ છો? તમારે, દરેક ગ્રામજને પરિવર્તનના વાહક તરીકે કામ કરવાનું છે. જાગૃતિ તમારે આણવાની છે.

લોકોએ પીવાના પાણીની યોજનાનો સર્વગ્રાહી ઉપયોગ કરવો જોઈએ. ખોટી રીતે મોટર જોડાણ ના કરવું જોઈએ.પાણીની ચોરી ના કરવી જોઈએ. પાઈપલાઈન સાથે છેડછાડ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં ના કરવાં જોઈએ. આવું કરીએ તો રોગચાળો ના થાય તો બીજું શું થાય?

મને યાદ આવે છે કે હું જ્યારે સરદાર સરોવર નિગમમાં હતો ત્યારે એક નવતર અભિગમ અપનાવ્યો હતો. એવો નિયમ કર્યો કે ૧૫ દિવસ સુધી જે પણ મુલાકાતીઓ આવે તેમને જે પાણી આપવામાં આવે અને જે પાણી તે ગ્લાસમાં બચે તેને ઢોળી દેવાના બદલે એને એકઠું કરવું. ૧૫ દિવસ બાદ અમે એ તારણ પર પહોંચ્યા કે લગભગ ૬૦ ટકા જેટલું પાણી મુલાકાતીઓ દ્વારા બગાડવામાં આવતું હતું. માત્ર ૪૦ ટકા પાણી પીતા હતા. બાદમાં એવો નિયમ કર્યો કે કોઈ પણ મુલાકાતી આવે તેને માત્ર અડધો ગ્લાસ પાણી જ આપવાનું. રાજ્યમાં આજે એક પણ વિસ્તારમાં ટેન્કરથી પાણી નથી પહોંચાડવામાં આવતું તે સિદ્ધિ છે.

આજે ગામોના સરપંચ હાજર છે ત્યારે મારે કહેવું છે કે જે સરપંચ પાણીનો બગાડ કરતો હોય,જેને મન પાણીનું મહત્ત્વ ના હોય તેને સરપંચના હોદ્દા પર રહેવાનો અધિકાર જ નથી. ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં સાચવે તેને જ સરપંચ પદે રહેવાનો અધિકાર છે. આ કામ માટે સૌ પહેલાં ગામલોકોએ આગળ આવવું જોઈએ. પણ એક હકીકત મને બહુ પજવે છે કે કોઈ આગળ આવતું નથી.

મારે તમને આજે એક કવિતા સંભળાવવી છે.

સાબરનાં જળ વહ્યાં જાય . . .

સવારનો પહોરઃ ગાંધી ઊઠયાઃ

મુખશુદ્ધિ કરવાને સાબરના જળમાંથી

ભરી એક નાનીશીક લોટી, સાથી પૂછેઃ બાપુ, અહીં પાણીની શી ખોટ?

નદી વહી જાય આવી મોટી

અને તમે ભરી એક નાનીશીક લોટી?

ગાંધીની ભ્રમર ઊંચકાયઃ

ભાઈ, નદી મારા એકલાની ઓછી છે કંઈ?

જીવજંતુ, પશુપંખી, માણસ

એ સહુનો છે એમાં ભાગઃ

હું તો મારા ખપ થકી એકે ટીપું

અધિક ન લઈ શકું,

એમ કરું તો બનું પ્રભુ તણો ગુનેગાર.

આઝાદી મળી ગઈ છે પણ જાણે આપણે તેને વેડફવા બેઠા છીએ. ગાંધી તો ગયા હવે શું?આઝાદી બાદ ૬૦ વરસોમાં લોકોને મફતમાં લેવાની આદત પડી ગઈ છે. આજે આપણે લોકભાગીદારીની વાત કરવા ભેગા થયા છીએ. ગામના વિકાસમાં ગામલોકોના ફાળા વિશે વાત કરવી છે. એક ઉદાહરણ આપવાનું મન થાય છે. આણંદનું થામણા ગામ મારા મનમાં વસી ગયું છે. વિકાસનો સાચો રસ્તો તે ગામે પકડ્યો છે. ગામમાં સી.સી. રસ્તો છે. ગામ લોકો આર.ઓ. પ્લાન્ટનું પાણી પીએ છે. દરેક ઘરમાં શૌચાલય છે. ગામમાં કોઈ જાતનું દબાણ નથી. સરપંચનું નામ છે ચન્દ્રકાન્ત મુખી. તેમણે મને કહ્યું હતું કે પહેલાં હું મારા દબાણ દૂર કરું બાદમાં બીજાને કહેવા જાઉં. એમનું એક એવું પણ આયોજન છે કે ઘરદીઠ બેબે ગાયો આપવી. ગાયો રાખવાની એક જ સ્થળે પણ સાચવવાની જવાબદારી તે ઘરોની. પછી દૂધમાંથી જે નફો થાય તેનો પચાસ ટકા હિસ્સો તે ગાય સાચવનારનો.

આપણા વિશે એક ન કહેવા જેવી બાબત એ છે કે આપણે આપણી જાહેર મિલકતો માટે લખવું પડે છે કે ‘આ જાહેર મિલકત છે તેને સાચવો’. મેં ૩૬ દેશોમાં પ્રવાસ કર્યો છે પણ એકપણ દેશમાં એવું લખેલું નથી જોયું કે આ રાષ્ટ્રની મિલકત છે તેને સાચવો. આપણે ઘર સાચવીએ પણ ઘરની બહાર નીકળતાં જ મારે અને શેરીને શું? તેવી માનસિકતા આવી જાય છે.

આજના ૧૫થી ૪૫ વય જૂથના યુવાનોમાં કેન્સરનું પ્રમાણ વધુ છે. કારણ બધા જાણે છે, ગુટકા અને વ્યસનો. પોતાના દીકરાને વ્યસનોથી દૂર રાખવા માટે સલાહ આપવાની વાત તો દૂર રહી પણ તે દીકરા પાસે જ બાપ બીડી મંગાવે. અમે એક સર્વે કરાવ્યો તેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે સુરતના વરાછા રોડ પર વરસે દહાડે ૫૦ કરોડના ગુટકા અને મસાલાઓનું વેચાણ થાય છે. બીજી એક વાત પણ યાદ રાખજો કે ઉદ્યોગો આવવાથી તમે બધા સુખી થઈ જશો તેવી ભ્રમણામાં રાચવાની જરૂર નથી. સુખી થવા તમારા ગામને સુખી કરવું પડશે.સુખી થવા માટે કેટલાક કુદરતના નિયમો પાળવા મડશે.સાથે મળીને પ્રશ્નોના નિરાકરણ કરવાથી જ ગામો સુખી થશે.

તમારા ગામમાં હવે પાણી સમિતિ હશે. પાણી સમિતિ એટલે જે ભેગી મળી પાણીના કામ કરે. પાણીનો બગાડ અટકાવે. વરસાદી પાણી સંગ્રહ કરે. પાણીનું યોગ્ય આયોજન કરે. પાણી યોજનાની યોગ્ય નિભાવણી કરે. જે કોઈપણ પ્રકારની પક્ષાપક્ષી વગર માત્ર ગામના હિત ખાતર કામ કરે. નિયમિત પાણીવેરો ઉઘરાવે.આ બધું પાણી સમિતિ કરે એટલે આપણે હાથ જોડીને બેસી રહેવું એવું નહીં. ગામની પાણીની જવાબદારી ગામના દરેક નાગરિકની છે. વરસાદી પાણી ઝીલવું એ તો હવે સમયની જરૂરિયાત છે. સરપંચ ગામના વિકાસનો પાયો સાબિત થઈ શકે છે. પણ જો તે ગામ સારું કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય. કંઈ મળશે તેવી આશા રાખવાને બદલે કંઈ આપવાની તૈયારી હોય.

મારા અનુભવોને આધારે કહું છું કે સમાજનું દરેક અંગ મજબૂત હોવું જોઈએ. જો બહેનો પરિવર્તન માટે પગ ઉપાડશે તો આ વાયરો તમારા ગામ તરફી હશે તે ચોક્કસ. એક એવો સંકલ્પ આપણે ભેગા મળીને કરીએ કે ૨૦૧૦માં રાજ્યની સુવર્ણજયંતી વરસે મારા ગામમાં પાણીનું એક પણ ટીપું બગડતું ના હોય. મારા ગામની પાણી સમિતિ રાજ્ય માટે રાહબર બનશે. દરેક ઘરમાં શૌચાલય હશે. દરેક બાળક શાળામાં જતું હશે અને નીરોગી હશે. મારી આવનારી પેઢી મને દોષ નહીં દે કે વિકાસની વાટ અધૂરી રાખી. અહીં તો સૌનું એ કોઈનું નહીં, બળિયાના બે ભાગ. આવું જ ચિત્ર છતું થાય છે

લેખન : જયનારાયણ વ્યાસ

સ્ત્રોત:  જળસવાંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/30/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate