অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઋતુમાં ફેરફારના સમયે બાળકોમાં જોવા મળતી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ

ઋતુમાં ફેરફારના સમયે બાળકોમાં જોવા મળતી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ

ઋતુમાં ફેરફારના સમયે બાળકોમાં જોવા મળતી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ

જ્યારે શિયાળો શરૂ થાય છે ત્યારે મોટાં ભાગનાં બાળકોને શ્વાસોશ્વાસની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સિઝનમાં બાળકોને અસ્થમા, ગળામાં સસણી બોલવી, કફ, નાકમાંથી  પાણી વહેવું, ગળામાં બળવું અને ફ્લૂ જેવા ચિહ્નોનું જોખમ હોય છે. શ્વાસોશ્વાસનાં સામાન્ય રોગોમાં અસ્થમા, થોડાં મોટાં બાળકોમાં શ્વાસનળીમાં સોજો અને ન્યૂમોનિયા જેવો શ્વસન માર્ગનો ચેપ સૌથી વધુ જોવા મળે છે.

આજકાલ બાળકોમાં અસ્થમાનાં કેસમાં વધારો થઈ રહ્યો છે, જે માટે વસતિમાં વધારો, એલર્જી અને કુટુંબનાં કોઈ સભ્યને અસ્થમા હોવો જેવા પરિબળો જવાબદાર છે. ઓપીડીમાં અસ્થમાનાં ચિહ્નો ધરાવતાં મોટાં ભાગનાં બાળકોમાં વારંવાર કફ,ગળામા સસણી બોલવી,શ્વાસ લેવામાં મુશ્કેલી અને હાંફ ચઢવાથી રમતમાં ઝડપથી થાક લાગવો જેવા ચિહ્નો જોવા મળે છે.

અસ્થમાનાં ચિહ્નો ધરાવતાં મોટાં ભાગનાં બાળકોમાં ફેમિલી હિસ્ટ્રી પોઝિટિવ હોય છે. આ બાળકોનાં માતા-પિતા કે કુટુંબમાં અન્ય કોઈ સભ્ય તેમનાં બાળપણ કે પુખ્તાવસ્થામાં આવી સમસ્યાથી પિડીત હોય છે. અસ્થમા ધરાવતાં મોટાં ભાગનાં  બાળકોને અસ્થમા સાથે બીજી એલર્જીક બિમારી જેવી કે વારંવાર છીંક આવવી, નાકમાંથી પાણી વહેવું અથવા ત્વચા(ચામડી)ની એલર્જી જોવા મળે છે.

ઇનહેલેશન થેરપી શરૂ ન કરનાર બાળકોની સરખામણીમાં ઇનહેલર્સ સ્વરૂપે દમની પર્યાપ્ત અને સમયસર સારવાર શરૂ કરનાર બાળકોની સ્થિતિમાં ઝડપથી સુધારો થાય છે. જે  બાળકો ઇનહેલેશન થેરપી લેતા નથી તેઓ પુખ્ત વયે એસ્થમેટિક્સ બને છે એટલે નાની ઉંમરે ઇનહેલર્સ સાથે સારવાર આવશ્યક છે, જેથી તેઓ ભવિષ્યમાં સારું સ્વાસ્થ્ય મેળવી શકે. ઇનહેલેશન થેરપીમાંથી પસંદગી કરવા ઘણાં સુરક્ષિત વિકલ્પો છે. તેનાં નિયમિત ઉપયોગથી શ્વાસ લેવાની સમસ્યા નિયંત્રણમાં આવે છે.

ઘણાં માતાપિતાઓને ચિંતા હોય છે કે, ઇનહેલર્સ કે પમ્પનો ઉપયોગ કરવાથી તેમને એની ટેવ પડી જશે. પણ આ વાત સાચી નથી. હકીકતમાં ઇનહેલર્સ સારવારનું સુરક્ષિત સ્વરૂપ છે, મુખ વાટે લેવાતી દવાઓ કરતાં વધારે સલામત છે, કારણ કે ઇનહેલર્સ લોહીમાં ભળતું નથી અને એક જ અંગને અસર કરે છે. એટલે તેનાથી કોઈ મોટી આડઅસરો થતી નથી. આ કારણે શક્ય હોય ત્યાં સુધી વહેલી તકે ઇનહેલર્સનો ઉપયોગ શરૂ કરવો જોઈએ , જે પુખ્ત વયે અસ્થમા અટકાવવાનો એક માત્ર ઉપાય છે.

અસ્થમા સામાન્ય રીતે ઋતુ બદલાય એટલે વકરે છે, ખાસ કરીને શિયાળો શરૂ થાય છે ત્યારે જોવા મળે છે. ઘણાં બાળકોમાં શરદી કે ગળામાં બળતરા થાય છે જે અસ્થમા તરફ દોરી જાય છે. એટલે ગળા અને છાતીમાં ઇન્ફેક્શન ટાળવું મહત્વપૂર્ણ છે. આ માટે તમે સરળ પગલાં લઈ શકો  છો, જેમ કે ઠંડા પીણાનું સેવન ટાળવું, ગળામાં બળતરા કરે એવું તીખું-તળેલું ભોજનનું સેવન ટાળવું. બાળકોમાં ગળાનું ઇન્ફેક્શન, ફેરીન્જાઇટિસ (અન્નનળીમાં બળતરા) અને કાકડા અતિ સામાન્ય છે. પોષક દ્રવ્યોની ખામી ધરાવતાં બાળકોમાં ન્યૂમોનિયા પણ સામાન્ય છે.

તાવ, નાકમાંથી પાણી વહેવું અને કફનાં ચિહ્નો સાથે ફ્લૂ-સ્વાઇન ફ્લૂ જોવા મળે છે. ગંભીર કેસોમાં શ્વાસ લેવામાં વધારે મુશ્કેલી પડે છે. આ સમસ્યા ભીડમાં જવાનું ટાળીને, વારંવાર હાથ ધોવાથી, છીંક આવે અને કફ છૂટે ત્યારે હાથરૂમાલનો ઉપયોગ કરવાથી અને સ્વસ્થ ભોજન લેવાથી નિવારી શકાશે. જો ફ્લૂ કે સ્વાઇન ફ્લૂ થાય, તો પણ વહેલાસર સારવાર મહત્ત્વપૂર્ણ છે.પુષ્કળ પ્રવાહી અને યોગ્ય આરામ સાથે ઘરમાં જ આઈસોલેશન ની કાળજી રાખવી જેથી બીજાઓ ને ચેપ ફેલાય નહી.તે ઉપરાંત જરૂર જણાય તો ડોક્ટરની સલાહ મુજબ એન્ટી-ફ્લૂ દવાઓ લેવી.થોડા કેસમાં શ્વાસોશ્વાસની સમસ્યા વધારે વકરી શકે છે, જે માટે Barrier ICUમાં સારવાર લેવાની જરૂર પડે છે. જો ફ્લૂ માટે રસીકરણ પ્રથમ વખત કરવામાં આવતુ હોય અને બાળક નવ વર્ષથી નાનું હોય તો એક મહિનાના અંતરે બે ડોઝ આપવામાં આવે છે અને પછી વાર્ષિક ધોરણે આપવામાં આવે છે. દર વર્ષે ફ્લૂની રસીનું નવું વર્ઝન લેવું વધારે મહત્ત્વપૂર્ણ છે. ફ્લૂની રસી ન લેતા બાળકોની સરખામણીમાં ફ્લૂની રસી લેતા બાળકોમાં સારો પ્રતિસાદ જોવા મળે છે. રસીકરણ બાદ પણ જો ફ્લૂ થાય, તો પણ રોગની તીવ્રતા અતિ ઓછી હોય છે. ફ્લૂની સીઝનમાં કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે જેવી કે ફ્લૂનો રોગચાળો હોય એવી ભીડ ધરાવતી જગ્યાઓમાં જવાનું ટાળવું જોઈએ અને ફ્લૂની રસી ડૉક્ટરની સલાહ પ્રમાણે લેવી જોઈએ અને વારંવાર હાથ ધોવા.

પોષક દ્રવ્યોની ઊણપથી ચેપી રોગો સામે લડવાની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે, જેથી બાળકોને શ્વાસોશ્વાસની સમસ્યાનું વધારે જોખમ હોય છે. શ્વાસોશ્વાસની સમસ્યા સામે લડી ન શકે  એવા બાળકોને ન્યૂમોનિયા થવાની વધારે શક્યતા હોય છે. ન્યૂમોનિયા અને ફ્લુનાં નિવારણ માટે ચોક્કસ રસીકરણ ઉપલબ્ધ છે. આ બાળકની શ્વાસોશ્વાસની સમસ્યાઓ સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અતિ ઉપયોગી છે. ફ્લૂ માટે રસીકરણ વાર્ષિક લેવાય છે, જે ગળામાં ચેપ અને દમ થવાનું જોખમ ધરાવતાં બાળકોને ખાસ આપવી જોઈએ.

સ્ત્રોત: ડો. જ્યોતિન્દર કૌર(પીડિયાટ્રિશિયન & નિયોનેટોલોજિસ્ટ)

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate