દિવાળી દરમિયાન વાયુ પ્રદૂષણમાં થતો વધારો આરોગ્ય માટેનું જોખમી પરિબળ છે. શ્વસન અને બ્રાન્કિયલ સમસ્યાઓ આ સમયગાળામાં વધારે જોવા મળે છે. ફટાકડાઓના ધુમાડાને લીધે ઘણા બાળકોને શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાતી હોય છે. કારણ કે દિવાળી શિયાળાની શરૂઆતમાં આવતો તહેવાર છે. આ સિઝનમાં એલર્જી અને અસ્થમાના હુમલાના કેસ વધી જતા હોય છે.
બાળકને વાંરવાર ખાંસી/ઉધરસ આવે, શ્વાસ લેવામાં તકલીફ પડે, છાતીમાં દુખાવો થાય, વધુ પડતો થાક લાગે વગેરે જેવા લક્ષણઓ બાળકમાં દેખાય તો તાત્કાલીક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ રોગોનું વહેલું નિદાન થાય તો બાળકને ઝડપી રાહત મળે છે. આવી પરિસ્થિતનું નિર્માણ થતું અટકાવવા બને ત્યાં સુધી નાના બાળકોને ધુમાડા, ધૂળ અથવા વાયુ પ્રદુષણથી દૂર રાખવા જોઈએ, તહેવાર દરમિયાન બહાર ફરવા જવાનું થાય તો મોઢા ઉપર માસ્ક બાંધવો, ફટાકડા દૂરથી ફોડવા જેથી કરીને દાઝી જવાના અને ધુમાડાથી બચી શકાય.
તહેવારના દિવસો દરમિયાન એક-બીજાના ઘરે જવાનું થાય ત્યારે તળેલા ખોરાક અને ઠંડા પીણાં લિમિટમાં લેવા. સળંગ અઠવાડિયા સુધી તળેલા અને બહારના ખોરાકના કારણે બાળકોને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. પેટમાં ઈન્ફેક્શન પણ થઈ શકે છે. બેક્ટેરિયા અને વાયરસ ફૂડ પોઈઝનિંગ માટે મહત્વના પરિબળો છે. પ્રસંગ આવે તે અગાઉથી જ બનાવેલા ખોરાક તેમજ મીઠાઈ, ફરસાણ કે અન્ય બેકરીની વસ્તુઓ સમય જતા વાસી થવા લાગે છે અને તે બેક્ટેરિયા અને વાયરસ તેમજ ફુગ દ્વારા સંક્રમિત થાય છે.
દાઝવાની ઘટના બને તો વિલંબ કર્યા વગર તેના પર પાણી નાંખો, એન્ટિસેપ્ટિક ક્રિમ લગાવો અને ઝડપથી ડૉક્ટર પાસે પહોંચો
ડૉ.જીજ્ઞેશ મોદી(પીડિયાટ્રિશન)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020