આજકાલ આધુનિક માતાઓને એના બાળકને સ્તનપાન કરાવવાનું કામ પળોજણ લાગે છે. પરંતુ હકિકતમાં બાળકના જન્મ બાદ માતાનું દૂધ જ શિશુ માટે શ્રેષ્ઠકારક છે. માતાના દૂધથી શિશુની રોગપ્રતિરોધક ક્ષમતામાં વધારો થાય છે. આ દૂધ બાળક માટે અમૃત સમાન હોય છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને તાજેતરમાં 'વર્લ્ડ ફીડિંગ વીક'ના અવસર પર સ્તનપાન વિશે જાગરુકતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગાયનેકોલોજીસ્ટનું કહેવું છે કે બ્રેસ્ટ ફીડિંગને લઈને શહેરી મહિલાઓમાં જાગરૃકતા ઓછી છે, તેઓ વિચારે છે કે ફીડિંગ કરાવવાથી ફિગર બગડી જાય છે. જ્યારે હકીકતમાં સ્તનપાનથી મહિલાઓનું સ્તન કેન્સરનું જોેખમ ઓછું થાય છે. આ ઉપરાંત પણ અનેક ફાયદાઓ છે. માતાનું દૂધ સહુથી ગુણકારી હોય છે. એમાંથી મળનાર પ્રોટીન અને એમિનો એસિડ શિશુના વિકાસ માટે જરૃરી છે. જે બાળકને કુપોષણનો શિકાર થવાથી બચાવે છે. આમ સ્તનપાન કરાવવાથી માતા અને શિશુ બંનેનું આરોગ્ય સ્વસ્થ રહે છે. બ્રેસ્ટ મિલ્ક બેક્ટેરિયા ફ્રી અને ફ્રેશ હોવાના કારણે બાળક વારંવાર બિમાર પડતું નથી. ફીડિંગ કરાવવાથી માતા અને શિશુના સંબંધ મજબુત બને છે. અને શિશુ માતાની સૌથી નજીક હોવાનો અનુભવ કરે છે. શિશુના જન્મ બાળ માતાના સ્તનમાંથી નિકળતા દૂધને કોલોસ્ટ્રમ કહેવાય છે, જેમાં એન્ટીબાયોટિકની માત્રા સૌથી વધુ હોય છે. આનાથી બાળકના હાડકાં મજબૂત બને છે, તેમજ આંતરડા અને શ્વાસોશ્વાસ પ્રક્રિયા સ્વસ્થ બને છે. આ દૂધ 'સડન ઈન્ફેન્ટ ડેથ સિન્ડ્રોમ'ને ઓછું કરવામાં મદદ કરે છે. શિશુના જન્મ બાદ એની અવસ્થા એકદમ નાજુક હોય છે. આથી શિશુને માતાનું દૂધ પચાવવામાં એકદમ સરળ રહે છે. અને બાળકને કબજિયાતની સમસ્યા નથી રહેતી તેમજ બાળકનો ગ્રોથ સરળતાથી થાય છે. શિશુ ઉપરાંત માતા બ્રેસ્ટ ફીડિંગ કરાવે તો એનું વજન પણ પહેલાની જેમ નોર્મલ થતું જણાય છે. અને સ્તનપાનથી મહિલાની સુંદરતામાં કોઈ ફર્ક જણાતો નથી. આ એક માત્ર વહેમ છે. એક વર્ષ સુધી શિશુને સ્તનપાન કરાવવાથી મા-બાળક બંને સ્વસ્થ રહે છે. મોટી ઉંમરની મહિલાઓ પણ શિશુને જન્મ આપે તો તેઓ પણ કેન્સર ઉપરાંત ડાયાબિટિસ, અસ્થમા અને માટાપા જેવી સમસ્યામાં રાહત મેળવી શકે છે. જે શિશુ છ મહિના સુધી સતત માતાના દૂધ પર નિર્ભર હોય એની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આમ માતાનું દૂધ નવજાત શિશુ માટે સર્વોત્તમ છે. –
સ્ત્રોત: લેખક રિધ્ધિ કાપડિયા, સહિયરફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/28/2020