વર્લ્ડ સ્ટ્રોક ડે-૨૯ ઓક્ટોબર
"વિશ્વ આરોગ્ય સંસ્થા" અને "વર્લ્ડ સ્ટ્રોક ઓર્ગેનાઇઝેશન" દ્વારા દર વર્ષે ૨૯ ઓક્ટોબરના દિવસે " વર્લ્ડ સ્ટ્રોક ડે" તરિકે ઉજવવામાં આવે છે. આ દિવસે મગજ ને રુધિરવાહીનીઓ નો રક્તપ્રવાહ રુંધાવાથી કે તેમા અતિશય દબાણથી આ રક્તવાહીનીઓના હેમરેજથી થતા "બ્રેઇન સ્ટ્રોક" અંગે જન-જાગૃતીના કાર્યક્રમો યોજવામાં આવે છે. તથા તેનાં અટકાયતી પગલાઓ, ઝડપી નિદાન અને સારવારથી લોકોને માહીતગાર કરવામાં આવે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ દર વર્ષે દોઢ કરોડ લોકો "સ્ટ્રોક"નો ભોગ બને છે. જે પૈકી ૬૦ લાખ થી વધુ લોકો "સ્ટ્રોક" થી મૃત્યુ પામે છે. ""સ્ટ્રોક" એ મૃત્યુના કારણો માં હદયરોગ પછી દ્વિતિય ક્રમે છે. સ્ત્રીઓ માં સ્ટ્રોકનુ પ્રમાણ પુરુષોની સાપેક્ષે વધુ છે. આ ઉપરાંત તે સ્ત્રીઓમાં વધુ ઘાતક નિવડે છે આથી વિશ્વ સ્તરે સ્ત્રીઓમાં સ્ટ્રોકની સમસ્યા અંગે જાગૃતી માટે આ વર્ષ ૨૦૧૪થી અભિયાન શરુ કરેલ છે.
વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર ડાયાબિટીસ, હાઇ બી.પી., ડિપ્રેશન, માઇગ્રેન, ડિપ્રેશન ના દર્દિઓ તથા મેદસ્વી વ્યક્તિઓને સ્ટ્રોક થવાનુ જોખમ અન્યોની સાપેક્ષે વધુ રહે છે. આ ઉપરાંત કુટુંબ નિયોજન માટૅ ઉપયોગી એવી હોર્મોનયુક્ત દવાઓ પણ સ્ત્રીઓમાં સ્ટ્રોકનુ જોખમ વધારે છે. આથી યોગ્ય સમયે ન્યુરોલોજીસ્ટનો સંપર્ક કરવાથી યોગ્ય નિદાન અને સારવાર શક્ય બને છે.
સ્ટોક અટકાવવાના ઉપાયોઃ
- જો મોં અને હાથ-પગમાં એક તરફ કે બંને તરફ નબળાઇ જણાય, બોલવામાં તકલીફ જણાય, અવાજ માં ફેર પડે- તોતડાપણુ જણાય તો તાત્કાલીફ ન્યુરોફીઝીશીયન નો સંપર્ક કરવો. ઝડપી નિદાન થી સારવારમાં સફળતાની સંભાવના વધે છે.
- ખોરાકમાં નમક (મીઠા)નુ પ્રમાણ ઘટાડવુ.
- બી.પી., ડાયાબિટીસ અને કોલેસ્ટેરોલ ઘટાડવાની દવાઓ નિયમીત લેવી.
- હ્દયની ધબકારા સબંધિત બિમારી હોય તો તે સ્ટ્રોકનુ જોખમ વધારે છે. જેની સારવાર આવશ્યક છે.
- ખોરાક માં ફળો અને શાકભાજી લેવા. બેકરીની વાનગીઓ, તળેલી વસ્તુઓ, દારુ કે સીગારેટ ના લેવા.
સ્ટ્રોકની સારવારમાં મનોચિકિત્સકની ભુમિકાઃ
સ્ટ્રોકની તાત્કાલીક સારવાર માં સફળતા મળવાથી દર્દિને હાલ પૂરતો જોખમમુક્ત હોય છે પરંતુ તેને સ્નાયુઓ ને ફરી સક્ષમ બનાવવા ફિઝીયોથેરાપીની જરુર રહેતી હોય છે. આ ઉપરાંત ઘણા કેસમાં સ્ટ્રોક બાદ દર્દિના વ્યક્તિત્વમાં ફેરફાર થવો. અકારણ હસી પડવુ કે રડી પડવુ, ગુસ્સે થવુ, અપશબ્દો બોલવા, યાદશક્તિમાં ઘટાડૉ થવો, એકાગ્રતા ના રહેવી, અનિદ્રા જેવા લક્ષણો જોવા મળે છે. સ્ટ્રોક બાદ અરધાથી વધુ લોકો ડિપ્રેશન, એન્કઝાયટી ડિસઓર્ડર કે ઉન્માદ જેવી માનસિક બિમારીઓનો ભોગ બને છે. જેમની યોગ્ય સારવાર થતા દર્દિના જીવનની ગુણવત્તા તેમજ કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થાય છે. તેમજ દર્દિની સાર-સાંભાળ રાખનાર સગાઓની મુશકેલીઓ પણ ઘટે છે.
સ્ત્રોત : ડો. આઇ. જે. રત્નાણી માનસિકરોગ સબંઘિત બ્લોગ- વધુ માટે અહીં ક્લિક કરો