অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વિશ્વ સ્વલીનતા (ઓટીઝમ) દિવસ

વિશ્વ સ્વલીનતા (ઓટીઝમ) દિવસ

વિશ્વ સ્વલીનતા (ઓટીઝમ) દિવસ તરીકે 2 જી એપ્રિલના દિવસને મનાવવાની શરૂઆત થયે આ નવમું વર્ષ છે. એટલે કે આ વર્ષે દુનિયા નવમો વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ માનવી રહી છે. 2007 માં કતાર રાજ્ય તરફથી સયુંકત રાષ્ટ્રની સામાન્ય સભામાં રજુ થયેલા પ્રસ્તાવને મંજુરી મળતા ત્યારથી દર વર્ષે આ દિવસ મનાવાય છે. સામાન્ય રીતે આ દિવસે વિશ્વભરમાં સ્વલીનતા એટલે કે ઓટીઝમ રોગ અંગે જાગૃતિ કેળવાય અને જે લોકો તેનાથી પીડિત છે તેમની સારસંભાળ કેમ રાખવી તેને લગતા કાર્યક્રમો યોજવામાં આવે છે.
સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને આપણે ત્યાં ઓટીઝમ અંગે વિશેષ જાગૃતિનો અભાવ વર્તાય છે. ઓટીઝમ એ માનસિક બીમારી છે અને મહદ અંશે બાળપણથી જ અનુભવાય છે. હિન્દીમાં તેને સ્વલીનતા અથવા आत्मविमोह પણ કહે છે. આ બીમારીથી ગ્રસિત લોકો માનસિક રીતે અન્ય લોકો જેવો સામાન્ય વિકાસ પામેલા હોતા નથી. અન્ય માનસિક બીમારીની જેમ આ રોગમાં પણ સમાજમાં જાગૃતિનો અભાવ છે. માનસિક રોગીઓને સમાજમાં સહાનુભૂતિની ખાસ જરૂર હોય છે. આવી બીમારીઓ વિષે વધુમાં વધુ જાગૃતિ ફેલાય અને અન્ય લોકો આવી બીમાર વ્યક્તિઓની તકલીફ અને સ્થિતિ સમજે તો બીમાર વ્યક્તિ સમાજમાં સહજતાથી જીવી શકે.

લક્ષણો:

આ બીમારીના લક્ષણો અન્ય માનસિક બીમારીઓ જેવા જ હોય છે. જેથી તેને અલગ તારવવા મુશ્કેલ છે. આમ છતાં અમુક લક્ષણોનો આખો સમૂહ જયારે જોવામાં આવે ત્યારે સ્પષ્ટ થાય કે બાળક ઓટીઝમ એટલે કે સ્વલીનતાની બીમારીથી ગ્રસિત છે. એક નોધાવા લાયક બાબત એ છે કે સ્વલીનતાના લક્ષણો બાળકના પ્રથમ વર્ષથી જ માં-બાપ ઓળખી જતા હોય છે. આવા બાળકોનો માનસિક વિકાસ સામાન્ય બાળકો કરતા અસામાન્ય હોય છે. બાળકો એકની એક ક્રિયા વારંવાર કરે છે. ભાષા અને ઇશારાથી સમજવામાં તકલીફ અનુભવે છે. સામાજીક સંપર્ક તેમણે ગમતો નથી. વ્યક્તિઓનો લગાવ હોતો નથી. શરૂઆતમાં કોઈ બાબત કહેવા શબ્દો કરતા ઈશારાથી પ્રદર્શિત વધુ કરે છે. શોખ સીમિત રાખે છે અને પોતાનામાં મસ્ત રહેતા જોવા મળે છે. આ બધા લક્ષણો કોઈ એક વ્યક્તિમાં હોવા અનિવાર્ય નથી પણ આવા લક્ષણો વાળા બાળકો સ્વલીનતાની બીમારીથી પીડિત હોઈ શકે છે.

કારણો:

સ્વલીનતા કયા કારણોથી થાય છે તે અંગે એકમત નથી તેમજ કોઈ એક ચોક્કસ કારણથી આ ખામી ઉદભવે છે તેવું શોધાયું નથી. ગર્ભસ્થ બાળકના વિકાસમાં આનુવંશિક કારણોથી સ્વલીનતા ઉદભાવે છે. વળી, જન્મ પહેલા વિકાસમાં કોઈ અવરોધ ઉત્પન્ન થવો કે અપૂરતો ગર્ભનો વિકાસ પણ કારણભૂત હોઈ શકે છે. મગજમાં જરૂરી રસાયણોનું અલ્પપ્રમાણ પણ તેના માટે જવાબદાર હોય છે. સામાન્ય રીતે કોઈ એક કારણથી આ ખામી સર્જાય છે તેમ કહેવા કરતા એક કરતા વધુ પરિબળોની સંયુક્ત અસરથી સ્વલીનતાની બીમારી થાય છે તેમ કહેવું વધુ યોગ્ય છે.

ઓળખ:

બાલ્યાવસ્થામાં સામાન્ય બાળકો અને સ્વલીનતા પીડિત બાળકોના વ્યવહાર અને વર્તનમાં તફાવત જણાય છે. જેના આધારે જાણી શકાય છે કે બાળક સ્વલીનતાથી પીડિત (ઓટીસ્ટીક) છે.

  • સામાન્ય બાળકો માનો ચહેરો ઓળખે છે અને તેના હાવભાવ સમજવા પ્રયત્ન કરે છે. જયારે સ્વલીનતા પીડિત બાળકો કોઈની સાથે નજર મિલાવતા નથી.
  • સામાન્ય બાળકો અવાજ સાંભળવાથી ખુશ થાય છે . જયારે ઓટીસ્ટીક બાળકો અવાજ પ્રત્યે બેધ્યાન રહે છે, ક્યારેક બહેરા પણ હોય છે.
  • સામાન્ય બાળકોમાં ધીરે ધીરે ભાષા જ્ઞાન વધે છે. જયારે સ્વલીનતા પીડિત બાળકો બોલવાનું શરુ કરી વચ્ચે અટકી જાય છે પછી વિચિત્ર અવાજો કાઢે છે.
  • સામાન્ય બાળક માંના દૂર જવાથી કે અજાણ વ્યક્તિના પાસે આવવાથી પરેશાની અનુભવે છે. સ્વલીનતા પીડિત બાળકો માટે કોઈના ય આવવા જવાથી પરેશાન થતા નથી.સ્વલીનતા ગ્રસિત બાળકો તકલીફ પડવાથી કોઈ પ્રતિક્રિયા દર્શાવતા નથી તેમજ તેનાથી બચવા પ્રયત્ન કરતા નથી.
  • સામાન્ય બાળકો પરિચિતો સાથે વાત કરે છે અને ખુશ થાય છે. સ્વલીનતા ગ્રસિત બાળકો પ્રયત્નપૂર્વક પણ કોઈની સાથે વાત કરતા નથી અને પોતાનામાં મસ્ત રહે છે.
  • ઓટીસ્ટીક બાળકો અકારણ અમુક ક્રિયાઓ વારંવાર કરતા જોવા મળે છે. જેમ કે આગળ-પાછળ ચાલવું, હાથ હલાવતા રહેવું.
  • ઓટીસ્ટીક બાળકો કાલ્પનિક રમતો રમતા નથી. રમકડાથી રમવાની જગ્યાએ તેને સુંઘે કે ચાટે છે.
  • આવા બાળકો ફેરફાર સહન નથી કરતા. પોતાની ક્રિયાઓ નિયમાનુસાર કરતા જોવા મળે છે.
  • આવા બાળકો વધુ ચંચળ કે વધુ સુસ્ત રહે છે.
  • આવા બાળકોમાં કયારેક ખાસ ખાશીયત જોવાય છે. જેમ કે કોઈ એક ઇન્દ્રિય (શ્રવણ. ધ્રાણેન્દ્રીય) વધુ સચેત હોય છે.

સ્વલીનતાના લક્ષણો વ્યક્તિમાં જીવનના પ્રથમ વર્ષથી જ જોવા મળે છે. આવા અડધાથી 1/3 ભાગના બાળકોમાં પોતાની દૈનિક જરૂરિયાતો પુરતો પણ ભાષાબોધ અને બોલવાની ક્ષમતા વિકસિત થતી નથી. સમજવાની અને સમજાવવાની ક્ષમતા પણ વિકસતી નથી. બોલવાનું મોડું શરુ થાય છે. બીજા અને ત્રીજા વર્ષમાં આવા બાળકો ઓછું બોલે છે. બોલવાના શબ્દો અને કહેવાના ભાવ એકબીજા સાથે સામંજસ્ય ધરાવતા નથી. પોતાના અનુભવો વ્યક્ત કરી શકતા નથી. બીજાની ક્રિયાઓને અનુસરે છે કે જોઇને તેવું જ કરે છે. કોઈનું બોલેલું સંભાળીને તેવું જ બોલે છે. એકની એક ચીજ ખાવી ગમે અથવા એકનો એક ટીવી કાર્યક્રમ જુવે એવું ક્રિયાઓનું પુનરાવર્તન કરે છે.

ઉપચાર:

સ્વલીનતા એ જીવનભર રહેનારી સ્થિતિ છે. જેટલી જલ્દી બાળકમાં આ ખામી જાણવામાં આવે કે તરત જ મનોચિકિત્સક કે મનોવિજ્ઞાની પાસે જવું જરૂરી છે. આ ખામીમાં ધીરજથી બાળકની સંભાળ જરૂરી છે. આના માટે કોઈ ખાસ દવા કે ચિકિત્સા હજુ શોધાઈ નથી. સમાજમાં અને કુટુંબમાં પ્રેમ અને હુંફથી બાળકની કાળજી લેવાય તેમ કરવું જોઈએ. આમ તેમ લેભાગુ અને ઢાંગી લોકોના ચક્કરમાં ફસાવું નહી. આ માનસિક વિકાસ સંબંધી ખામી છે. તે સંપૂર્ણ દૂર કરી શકાતી નથી પણ હકારાત્મક અભિગમથી સારવાર કરવામાં આવે તો વ્યક્તિ શાંતિથી પોતાની જરૂરિયાતો પૂરી કરી જીવી શકે તેટલી કેળવણી આપી શકાય છે.

સ્ત્રોત જીગ્યા બ્લોગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/30/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate