ગર્ભસ્થ માતાના શરીરમાં ફોલિક એસિડની ઉણપના કારણે જન્મનાર બાળકને હૃદય અથવા કરોડરજ્જૂની ખામી આવી શકે છે. મેડિકલ ભાષામાં આ પરિસ્થિતિને ન્યુરલ ટ્યૂબ ડિફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થિતિમાં બાળકના મણકા વચ્ચે જગ્યા રહી જતી હોય છે અને તે ભાગ ધીમેધીમે ઉપસવા લાગે છે. ગાંઠ સ્વરૂપે દેખાતા આ ભાગના કારણે ઘણી વખત બાળકોનો સંડાસ-બાથરૂમ પર કાબૂ રહેતો નથી અથવા પગમાં લકવાની અસર થઈ શકે છે.
મહિલા ગર્ભધારણ કરે તે બાદના બે અઠવાડિયામાં ગર્ભસ્થ બાળકની કરોડરજ્જૂનો વિકાસ થતો હોય છે. આથી દંપતી બાળકનું પ્લાનિંગ કરે તે અગાઉથી શરીરમાં ફોલિક એસિડની ઉણપ ન સર્જાય તે માટે સચેત રહેવું જોઈએ. ફોલિક એસિડની ઉણપને સમયસર દૂર ન કરવામાં આવે તો જન્મનાર બાળક ખોડ-ખાંપણ સાથે જન્મી શકે છે. લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી વિપુલ પ્રમાણમાં ફોલિક એસિડ મળી શકે છે. આ ઉપરાંત માર્કેટમાં ફોલિક એસિડની ટેબલેટ પણ ઉપલબ્ધ છે જેનો માતા અથવા બાળક પર કોઈજ સાઈડ ઈફેક્ટ થતી નથી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના પિડિયાટ્રિક સર્જરી વિભાગમાં ફોલિક એસિડની ઉણપના કારણે ખોડ-ખાંપણ સાથે જન્મેલા બાળકોની સર્જરી કરવામાં આવે છે. એક અંદાજ મુજબ જન્મજાત ખોડ સાથે સિવિલમાં સર્જરી માટે આવતા બાળકો પૈકી 15 બાળકો ફોલિક એસિડની ઉણપના કારણે આવ્યા હોય છે. ન્યુરલ ટ્યૂબ ડિફેક્ટના બાળકોની કરોડરજ્જૂની ઉપરના ઉપસેલા ભાગનું લેયર ઘણું જ પાતળું હોય છે તેથી કેટલાક કિસ્સામાં તે ભાગની ચામડી ફાટવાની શક્યતા રહેલી હોય છે. એક વખત ચામડી ફાટે તો ત્યાં ઈન્ફેક્શન થઈ શકે છે જે ઘણા કિસ્સામાં મગજ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતમાં સમયસર સર્જરી કરાવવી વધુ હિતાવહ છે. કેટલાક કેસમાં સર્જરી એડવાઈઝેબલ નથી હોતી, કારણ કે કરોડરજ્જૂની ગાંઠના કારણે મગજમાં પણ પાણીનો ભરાવો થઈ ગયો હોય છે. આવા બાળકોનું આયુષ્ય ઘણું લાબું નથી હોતું.
નવજાત શિશુ અને માતાઓ માટે સરકારના ઘણા પ્રોગ્રામ કાર્યરત છે જેમાં માતાને ફોલિક એસિડની ટેબલેટ નિઃશુલ્ક આપવામાં આવે છે. માતા બાળક માટે પ્લાનિંગ કરે ત્યારથી ફોલિક એસિડની ટેબલેટ શરૂ કરી દેવી તે વધુ હિતાવહ છે. આ ટેબલેટ તમામ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સહેલાઈથી મળી શકે છે.
ડૉ.જયશ્રી રામજી (પિડિયાટ્રિક સર્જન-સિવિલ હોસ્પિટલ)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/25/2020