બાળકનો પ્રસવ થયા બાદ તરત જ તેનું મોં નાક પાતળા (મલમલ જેવા) રૂમાલથી સાફ કરી નાખવું જોઈએ.
બાળક જન્મ બાદ તરત જ ન રડે તો બાળકને ઊંધું ન કરવું. પગના તળિયે હળવી ટપલી મારવી કે ઠંડા-ગરમ પાણીની છાલક મારવી જેથી કરીને તે રડવા લાગશે. જો તો પણ ન રડે તો તેના મોં પર મોઢું મૂકીને બાળકને શ્વાસોશ્વાસ કરવામાં મદદ કરો ને બાળકને તત્કાલિક હોસ્પિટલમાં ખસેડો.
આખું શરીર કોરા કપડાંથી લૂછી લેવું જોઈએ અને ડેટોલમાં ધોઈને તડકામાં સૂકવેલા સ્વચ્છ સુતરાઉ કપડાંમાં બાળકને લપેટી દેવું જોઈએ.
બાળકને સ્વચ્છ, કોરા, ચોખ્ખા કપડાંમાં વીંટીને માતાની બાજુમાં સુવાડવામાં આવે છે અને તેને સ્તનપાન કરાવતાં શીખવવામાં આવે છે.
પ્રસૂતિકાળ દરમિયાન પિતાએ તેની પત્નીની સાથે જ રહેવું જોઈએ અને તેને માનસિક આધાર આપવો જોઈએ. આથી પ્રસૂતા બહેનનું દુઃખ ઓછું થઈ જાય છે અને તેની દુઃખ સહન કરવાની નૈતિક હિંમત વધે છે.
તેમણે પત્નીના આરોગ્ય અંગે જાગ્રત રહીને જરૂર પડયે પત્નીને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી, બિનસરકારી હોસ્પિટલમાં ફેરવવા માટે તૈયાર રહેવું જોઈએ.
બે બાળક બાદ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવાની સંમતિ પણ સરળતાથી આપવી જોઈએ.
જન્મતાવેંત બાળકને માતાની બાજુમાં સુવાડીને સ્તનપાન કરાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આથી માતા અને બાળક વચ્ચેના ગાઢ સંબંધની શરૂઆત થાય છે અને તે ધાવણ ઝડપથી અને પૂરતા પ્રમાણમાં લાવવામાં મદદ કરે છે. માતાનું ધાવણ બાળકને ફક્ત પોષણ પૂરું પાડે છે એટલું જ નહિ, પરંતુ ખાસ કરીને શ્વસનતંત્ર અને આંતરડાના રોગો સામે રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. જેથી બાળક વારંવાર બીમાર પડતું નથી. તે કુદરતી રીતે જ આવે છે. તેનું મૂલ્ય અમૂલ્ય છે. માતાના ધાવણ અંગે વધુ માહિતી હવે પછીના એકમોમાં આપવામાં આવી છે.
બાળઉછેર: ડૉ. હર્ષદ કામદાર. ગુજરાત સમાચાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020