অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

માતાના ઉદરમાં શિશુનો તબક્કાવાર ઉછેર

આપણે સૌ જાણીએ છીએ કે સ્ત્રીના ગર્ભાશયમાં એક નવા જીવના અંકુર ફુટે પછી તે સ્ત્રીને ગર્ભિણી કે બેજીવતી કહે છે. માત્ર એક સૂક્ષ્મ બૂંદ વીર્ય અને સ્ત્રીરજના સંયુગ્મથી પાંગરતો નવો જીવ કાળક્રમે મોટો થાય છે. ગર્ભાશયમાં આ રીતે શૂન્યમાંથી સર્જન પામતા શિશુનો વિકાસ પણ કુદરતની કરામત જેવો હોય છે.
ગર્ભિણીના ઉદરમાં ગર્ભ જે ક્રમથી વૃધ્ધિ પામીને બાળકનું રૃપ ધારણ કરે છે. આ વૃધ્ધિક્રમનું જ્ઞાન વૈજ્ઞાાનિકોએ વિભિન્ન અવસ્થાઓમાં શસ્ત્રક્રિયા દ્વારા બહાર કાઢેલા ગર્ભને જોઈને અને વિભિન્ન માસની કસુવાવડ વખતે પડેલા ગર્ભનું નિરીક્ષણ કરીને ઉપલબ્ધ કર્યું હોય છે. બે અઠવાડિયાનો ગર્ભ હજુ સુધી પ્રાપ્ત કરી શક્યો નથી, એટલે તેનું વર્ણન કાલ્પનિક સમજવાનું રહે છે.
કેટલીક વખત વ્યવહાર આયુર્વેદની દ્રષ્ટિએ અથવા વિશુધ્ધ ચિકિત્સાના વિચારથી ગર્ભની આયુ નક્કી કરવી પડે છે. આ નિર્ણય માટે તેની લંબાઈ, આકાર, વજન વગેરેનાં જ્ઞાનનું મહત્ત્વ રહે છે. કસુવાવડને વખતે ગર્ભ કેટલા મહિનાનો હતો, તે આ જ્ઞાન દ્વારા જાણી શકાય છે. હવે સોનોગ્રાફી દ્વારા પણ ગર્ભવૃધ્ધિ જાણી શકાય છે. પાંચમા મહિના અથવા વીસમા અઠવાડિયા પછી ગર્ભની લંબાઈ પ્રતિમાસ બે ઈંચ જેટલી વધે છે.

પ્રથમ મહિનો

પ્રથમ માસ એટલે કે ચાર અઠવાડિયાનો ગર્ભ કબૂતરના ઈંડાના આકારનો હોય છે, અને તે મોટા આકારના ગર્ભકોષમાં તરતો રહે છે. ગર્ભ હૂક આકારનો અને તેની લંબાઈ એક ઈંચના પાંચમા ભાગ જેટલી હોય છે, મસ્તિષ્ક અને કરોડ વળેલાં આંખ અને કાન નાના ટપકાં જેવા તથા હાથપગના અંકૂરો ઉત્પન્ન થયા હોય છે. એટલે પ્રથમ માસમાં ગર્ભના અંગો અવ્યક્ત જેવા હોય છે.

બીજો મહિનો

બીજા મહિનાનો એટલે કે આઠ સપ્તાહનો ગર્ભ મરઘીનાં  ઈંડા જેવો અને એક ઈંચ લાંબો તથા વજનમાં ૩૦ થી ૪૦ રતિ જેટલો હોય છે. તેના માથાની બનાવટ મનુષ્યના જેવી લાગે છે. પ્રથમ  માસના ગર્ભમાં જે પૂંછડી જેવું દેખાય છે તે બીજા મહિનામાં વિલિન થઈ જાય છે. હાથ, પગ વગેરે સ્પષ્ટ થવા લાગે છે. આંખ, કાન, નાક વગેરે ઓળખી શકાય છે. બહિર્જનનેન્દ્રિયો દેખાવા લાગે છે, પરંતુ લિંગનો નિર્ણય થઈ શકતો નથી.

તૃતીય માસ

ત્રીજા મહિનામાં ગર્ભ નારંગીના આકારનો થઈ જાય છે. લંબાઈ લગભગ સાડા ત્રણ ઈંચ અને વજન પણ લગભગ સાડા ત્રણ ઈંચ અને વજન પણ લગભગ ૩૫ થી ૪૦ ગ્રામ જેટલું થાય છે. આંત્ર પૂર્ણ રીતે ઉદર ગૂહાની અંદર પહોંચી જાય છે, અને નાભિ નાળમાં ચક્કરદાર  મોડ ઉત્પન્ન થાય છે. ગર્ભાશયની ઉપસ્થિતિ કે અનુપસ્થિતિ દ્વારા લિંગનો નિર્ણય કરી શકાય છે. અનેક અસ્થિઓમાં અસ્થિ નિર્માણ કેન્દ્ર બનવા લાગે છે.

આયુર્વેદના ગ્રંથોમાં આ માસની ઘણી વિવાદ વિવેચના વાંચવા મળે છે. પ્રાચીન આયુર્વેદાચાર્યોએ લખ્યું છે કે ત્રીજા મહિનામાં બધી ઈન્દ્રિયો અંગ અને અવયવો એક સાથે વ્યક્ત થવા લાગે છે. આ અવયવોને આધારે ત્રીજા મહિનાનો ગર્ભ સ્ત્રી છે કે પુરુષ, તે પણ જાણી શકાય છે. મહર્ષિ વાગ્ભટે લખ્યું છે કે, ત્રીજા મહિનામાં ગર્ભ ગાત્રક પંચક બની જાય છે. તેમાં માથું,  બે હાથ અને બે પગ સ્પષ્ટ થઈ જાય છે અને બધાં અંગો સૂક્ષ્મ રીતે પ્રકટ થાય છે. માથાની ઉત્પત્તિ સાથે ગર્ભને સુખદુ:ખની અનુભૂતિ પણ થાય છે. પ્રાચીન નિરૃપણ કેટલું સૂક્ષ્મ હશે તે આ ઉપરથી વિચારી શકાય.

ચોથો મહિનો

ચોથા મહિનાનો એટલે કે પૂરા  સોળ અઠવાડિયાનો ગર્ભ ૬ ઈંચ લાંબો અને વજનમાં ૭ ઔસ જેટલો થઈ જાય છે. લિંગ સંપૂર્ણ વ્યક્ત થઈ જાય છે અને ગર્ભ લોમ પૂરી ત્વચા પર નીકળી આવે છે.

પ્રાચીન આયુર્વેદનાં ગ્રંથોમાં પણ ચોથા માસનો ગર્ભનું આવું જ વર્ણન જોવામાં આવે છે. ચોથા મહિનામાં ગર્ભના બધા અંગ પ્રત્યંગ સ્પષ્ટ થઈ જાય છે. ગર્ભ હૃદય પૂર્ણત: વ્યક્ત થાય છે. એટલા માટે ચોથા મહિનામાં ગર્ભ ત્વચા આદિ ઈન્દ્રિયો દ્વારા વિષયને ગ્રહણ કરવાની ઈચ્છા કરવા લાગે છે.

પરિણામે ગર્ભને અનુરૃપ માતાને ખાવાની, પીવાની, જોવા, સાંભળવાની વગેરે આહારવિહારની ઈચ્છા જાગૃત થવા લાગે છે. હવે ગર્ભિણી સ્ત્રી બે હૃદયવાળી થઈ જાય છે. એટલે આ અવસ્થામાં ચોથા માસથી ગર્ભિણીને આયુર્વેદમાં 'દૌહ્યાદિની' કહેવામાં આવે છે. આ મહિનામાં ગર્ભિણીને થતી ઈચ્છાઓને 'દૌહદ' કહેવામાં આવે છે. શાસ્ત્રમાં દૌહદનું ખૂબ જ મોટું મહત્ત્વ છે.

માતાને થનાર ઈચ્છાને ગર્ભ જ ઈચ્છા માનવામાં આવે છે, તે ઈચ્છાની પૂર્તિ ન કરવાથી ગર્ભને હાનિ થાય છે અને ગર્ભના અંગ અથવા અવયવ વિકૃત થઈ જાય છે, એટલા માટે 'દૌહર્દ' ઈચ્છાને આપણે ત્યાં માન આપી ગર્ભિણીની ખાટું વગેરે ખાવાની ઈચ્છાને પૂર્ણ કરવામાં આવે છે. આચાર્યો આટલી સૂક્ષ્મ  વિવેચના કરી ગયા હોવાથી આધુનિકોએ તેનું સંશોધન કરવું જોઈએ.

પાંચમો મહિનો

પાંચમા મહિનાનો ગર્ભ સાતથી આઠ ઈંચ લાંબો અને વજનમાં લગભગ ત્રણસો ગ્રામનો હોય છે. બીજા અંગો કરતાં માથું વધારે મોટું લાગે છે. ચામડી પર છાશ જેવું શ્વેત સ્નિગ્ધ પડ જોવામાં આવે છે. નાભિ-નાળ-પ્લેસન્ટા લગભગ એક ફૂટ જેટલી લાંબી થઈ જાય છે.

પ્રાચીન ગ્રંથોમાં ચરકે લખ્યું છે કે આ માસમાં ગર્ભની માંસપેશિયોની વૃધ્ધિ અન્ય માંસની અપેક્ષાએ અધિક હોય છે એટલા માટે પાંચમા મહિનામાં ગર્ભિણી થોડી કૃશ-પાતળી પડી જાય છે. સુશ્રુત આ મહિનામાં ગર્ભ મનની અભિવ્યક્તિ દર્શાવતો હોવાનું કહે છે.

છઠ્ઠો મહિનો

છઠ્ઠા  મહિનામાં ગર્ભ નવ ઈંચ લાંબો થઈ જાય છે અને તેનું વજન લગભગ પાંચસો ગ્રામ જેટલું થઈ જાય છે. ત્વચાની નીચે મેદનો સંચય થાય છે, અને માથા પર વાળ ઘટ્ટ બનવા લાગે છે.

આયુર્વેદના ગ્રંથોમાં કહેવાયું છે કે આ માસમાં ગર્ભના બળ અને વર્ણની વૃધ્ધિ થાય છે. પરિણામે ગર્ભિણીનાં બળ અને વર્ણ ઘટે છે. છઠ્ઠા મહિનામાં બુધ્ધિ પણ વ્યક્ત થઈ જાય છે. સંગ્રહકારે લખ્યું છે કે આ માસમાં કેશ, રોમ, નખ, અસ્થિ સ્નાયુ વગેરે પૂર્ણ રીતે પ્રકટ થાય છે.

સાતમો મહિનો

સાતમા મહિને એટલે કે ૨૮ અઠવાડિયા પછી ગર્ભની લંબાઈ લગભગ અગિયાર ઈંચ અને વજન લગભગ અઢીથી ત્રણ પૌડ જેટલું થઈ જાય છે.

આંખની પાંપણો ખુલી જાય છે. સંપૂર્ણ શરીર મૃદુ અને અનુલોમોથી આચ્છાદિત થઈ જાય છે. આંતરડામાં કાળો લીલા રંગનો મળ ઉત્પન્ન થાય છે. ત્વચાની નીચે મેદનો વધારે પડતો સંચય થવાથી ગર્ભની ત્વચાની કરચલીઓ દૂર થાય છે.

આ સ્થિતિમાં બાળનો જન્મ થાય તો તે જીવવા લાયક ગણાય છે. પરંતુ સાતમા મહિને અતરેલાં બાળકો ખૂબ જ ઓછા પ્રમાણમાં જીવે છે. સાતમા મહિને શરીર ખૂબ જ દુર્બળ હોવાથી તેનાં ઉછેરની પૂરી વ્યવસ્થા હોત તો તે બચી જાય છે, પણ તેવાં બાળકો મોટી ઉંમરે પણ દુબળા-પાતળા બાંધાનાં રહે છે.

આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં એવું નિરૃપણ છે કે સાતમા માસનો ગર્ભ બધી જ રીતે સર્વાંગ પૂર્ણ હોય છે અને  આવા બાળકમાં જીવનને યોગ્ય બધાં અંગો અને લક્ષણો  મળે છે. તેની ઈન્દ્રિયો પણ અર્થગ્રહણમાં સમર્થ બને છે. પરંતુ પૂરા માસનો ગર્ભ ન હોવાથી આવા બાળકો ખૂબ જ ઓછા પ્રમાણમાં જીવતાં રહે છે. તેઓ અલ્પાયુ અને દુર્બળ રહે છે.

આઠમો મહિનો

બત્રીસ અઠવાડિયા પછીનો ગર્ભબાર ઈંચ લાંબો અને વજનમાં સાડા ચારથી પાંચ પાઉન્ડનો બની જાય છે. માથાના વાળ પહેલાં જે ઓછા અને પાતળા હોય તે આઠમા મહિનામાં ઘટ્ટ અને કાળા બની જાય છે. ગર્ભલોમ ક્ષીણ થવા લાગે છે.

નખ  આંગળીના છેડા સુધી વધેલા નથી હોતા. આઠમા મહિને અવતરેલ બાળક પણ ખૂબ ધ્યાનપૂર્વક ઉછેર વ્યવસ્થા કરવામાં આવે તો જીવિત રહી જાય છે. આયુર્વેદનાં ગ્રંથકારોએ આ મહિનાની  અપૂર્વ વિશેષતા બતાવી છે. આ ગ્રંથકર્તાઓનું કહેવું એમ છે કે આઠમા મહિનામાં 'ઓજ' અસ્થિર રહે છે.

ક્યારેક તે નાભિનાળ દ્વારા માતાના હૃદયમાં તો ક્યારેક ગર્ભના હૃદયમાં આવે છે. પરિણામે ગર્ભિણી ક્યારેક પ્રસન્ન રહે છે, તો ક્યારેક ઉદાસ ઓજની આ અસ્થિરતાને લીધે ગર્ભનો જન્મ વિપત્તિયુક્ત ગણાય છે. કારણ કે પ્રસવ વખતે જો બાળકનાં ઓજનો વિયોગ-અભાવ થઈ જાય તો તે અવતરતાં જ  મરણ પામે છે. એટલા માટે જ આ મહિનામાં પ્રસવ રોકવા માટે ગર્ભિણીએ સ્નાન, પવિત્રતા, બ્રહ્મચર્યયુક્ત અને દેવતા તરફ મન વાળવું જોઈએ.

નવમો માસ

પૂરા નવમા મહિનાના ગર્ભની લંબાઈ સાડા ચૌદ ઈંચ અને વજન લગભગ ૬ થી ૭ પૌડનું થઈ જાય છે. ત્વચાની  નીચે મેદની અધિકતા થવાથી ગર્ભના ચહેરા પરની કરચલીઓનો પણ નાશ થાય છે અને ગર્ભના શરીરનું શૈથિલ્ય દૂર થાય છે. આ મહિનામાં અવતરેલ બાળક પૂર્ણ વિકસિત હોવાથી તે જીવિત રહે છે.

સ્ત્રોત: જ્યોત્સના, સહિયર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/24/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate