મેનોપોઝ એટલે સાદી ભાષામાં રજોનિવૃત્તિ. એટલે કે દર મહિને આવતા માસિક ધર્મમાંથી નિવૃત્તિ.
ભારતીય સ્ત્રીમાં મેનોપોઝની વય આશરે 45 થી 55 વર્ષની છે. મેનોપોઝ એક સ્ત્રીના શરીરમાં થતો પ્રાકૃતિક (ફીઝીયોલોજીકલ) ફેરફાર છે.
ભારતીય સ્ત્રીમાં મેનોપોઝની વય આશરે 45 થી 55 વર્ષની છે. મેનોપોઝ એક સ્ત્રીના શરીરમાં થતો પ્રાકૃતિક (ફીઝીયોલોજીકલ) ફેરફાર છે.
મેનોપોઝ શા માટે આવે છે ?
જે પ્રમાણે વય વધવાની સાથે વાળ સફેદ થવા, કરચલીઓ પડવી જેવા ફેરફાર થાય છે તે પ્રમાણે આપણા મગજમાં આવેલ હાઇપોથેલેમસ અને પિટ્યુટરી નામની ગ્રંથીના અંતઃસ્ત્રાવોમાં વધઘટ થતા સ્ત્રીના અંડપિંડમાંના સ્ત્રીબીજની સંખ્યા ક્રમશઃ ઘટી જાય છે અને અંતસ્ત્રાવો બંધ થાય છે. જેને કારણે સ્ત્રીના નિયમિત થતા માસિક બંધ થાય છે.
મેનોપોઝના લક્ષણો
મેનોપોઝ થવાના ચાર પાંચ વર્ષ પહેલાના ગાળામાં કેટલાક ફેરફાર થાય છે. જેને પેરીમેનોપોઝ કહેવામાં આવે છે. આ સમયે માસિક અનિયમિત થવું, ચિડિયાપણુ થવું, અંદરથી અચાનક ગરમીનો અનુભવ થવો જેવા અનેક લક્ષણો જોવા મળે છે.
મેનોપોઝ આવતા માસિક બંધ થાય છે, સ્ત્રીના શરીરમાં ખાસ કરીને કમરના ભાગમાં, નીતંબપર અને પેટ ઉપર ચરબી વધે છે. અચાનક શરીરમાં ગરમીનો અનુભવ થવો, ઉંઘ ઓછી થવી, વાળ બરછટ થવા અને ઉતરવા, ચામડી પાતળી અને સૂકી પડવી, આત્મવિશ્વાસ ઓછો થવો તેવા ફેરફાર થાય છે. યોનિની ભિનાશ ઓછી થતા શારીરિક સંબંધમાં તકલીફ પડવાની અને પેશાબમાં ચેપ લાગવાની શક્યતાઓ રહે છે.
મેનોપોઝ દરમિયાન શી કાળજી લેવી જોઇએ ?
- કાર્યશૈલીમાં પરીવર્તન - આ એક પ્રાકૃતિક ફેરફાર છે, તે સમજીને તે દરમિયાન થતા નાના મોટા ફેરફારનો સ્વીકાર કરી લેવો જોઇએ. આ સમયે સામાન્ય રીતે સ્ત્રી ઘણી જવાબદારીઓથી ઘેરાયેલી હોય છે. જો જીવનમાં સકારાત્મક ફેરફારો જેવા કે સારૂ વાંચન, પોતાના શોખની પ્રવૃત્તિ તેમજ ધ્યાન કરવું વેગેરેથી મેનોપોઝ સરળતાથી સ્વીકારી શકાય છે.
- આહાર - આ સમય વખતે વધુ પ્રોટીન અને કેલ્શીયમ વાળો આહાર લેવો જોઇએ. જેના માટે કઠોળ, દાળ, કેળા, દૂધ વગેરે ખોરાકમાં વધારવા જોઇએ અને સોયાબીન પણ આ સમય દરમિયાન ફાયદો આપે છે.
- કેલ્શીયમ વીટામીન-ડી, સી અને પૂરૂ પાડતી દવાઓ લેવી પણ જરૂરી છે.
- વ્યાયામ - આ સમય દરમિયાન વ્યાયામ ખૂબઅગત્યનો ભાગ ભજવે છે. જેનાથી શરીરમાં જમા થતી ચરબી અટકાવી શકાય, ચિડિયાપણું ઓછું થાય અને શરીરના સ્નાયુ તેમજ હાડકા ઓગળતા પણ અટકાવી શકાય છે. વ્યાયામમાં નિયમિત રીતે ચાલવું, તરવું, યોગાસન તેમજ વજન ઉચકવાની કસરતો લાભ આપે છે.
ડૉક્ટર (ગાયનેકોલોજીસ્ટ) ની સલાહ / સારવાર ક્યારે લેવી જોઇએ ?
- સામાન્ય રીતે ગર્ભાશયના મુખ ઉપર થતા કેન્સરના આશરે દસ વર્ષ આગળથી તેની માહિતી પેપ (PAP) ટેસ્ટ દ્વારા જાણી શકાય છે. આ ખૂબ જ સરળ, સામાન્ય તપાસ જેવી જ તપાસ છે જે ગાયનેકોલોજીસ્ટ પાસે થઇ શકે છે.
- જો માસિક બંધ થયા પછી માસિક આવે તો ડોક્ટરની સલાહ મુજબ સોનોગ્રાફી કે અન્ય તપાસ જરૂરી બને છે.
- આ ઉપરાંત મેનોપોઝ દરમિયાન થતી વારંવાર પેશાબની તકલીફ યોનિના સ્ત્રાવની તકલીફ તેમજ સ્તનના કેન્સર માટેની જરૂરી તપાસ ડૉક્ટરની સલાહ પ્રમાણે કરવી જરૂરી બને છે.
- આની સાથે જો નાની ઉમરે મેનોપોઝ આવે કે અંડપીંડ કઢાવવા પડે કે ક્ષ-કિરણોથી અંડપીંડની નુકશાન થતુ હોય તો એ માટેની દવા (HRT) કરાવવી જરૂરી બને છે.
આ સમય સ્ત્રીના જીવનનો નાજુક તબક્કો છે. જો આ સમયે તેના કુટુંબના સભ્યો જેમ પતિ, બાળકો તેમજ ઘરના વડીલો લાગણીસભર સાથ તેમજ પ્રેમ ભરી હુંફ આપે તો આ સમય સારી રીતે પસાર થઇ શકે.
ડૉ.દિપ્તી શાહ (ગાયનેકોલોજિસ્ટ),નવગુજરાત સમય