ઉપરોક્ત સંભાવનાઓ પ્રત્યે સ્ત્રીને ‘મેનોપોઝ’ ના વિચાર સાથે વિહ્વળ કરવો સક્ષમ છે. એક અંદાજ મુજબ ઈ.સ. 2025 સુધીમાં વિશ્વમાં 1.1 અબજ જેટલી સ્ત્રીઓ મેનોપોઝની ઉંમરના દાયરામાં પ્રવેશ કરી ચૂકી હશે.
આપણી સંસ્કૃતિ મેનોપોઝને ગૃહસ્થાશ્રમમાંથી વાનપ્રસ્થાશ્રમના પ્રવેશનું એક કુદરત સહજ સ્વભાવિક લક્ષણ ગણે છે. આપણે ત્યાં સ્ત્રીઓનો મોટો વર્ગ મેનોપોઝની શરૂઆતને ‘માસિકધર્મ’ ની કડાકૂટ અને પ્રસૂતિની બીક અને તેને આનુસંગિક સમસ્યાઓમાંથી મુક્તિ ગણીને હાશકારો અનુભવે છે. ભારતમાં મેનોપોઝની સરેરાશ આયુ 46 વર્ષની ગણાય છે. અમેરીકામાં સરેરાશ આયુ 51 વર્ષ અને સરેરાશ ગાળો 48થી 55 વર્ષનો ગણાય છે. એટલે કે, આપણે ત્યાં લગભગ 6થી 10 વર્ષ પહેલા ભારતીય બહેનો મનોપોઝ પ્રાપ્ત કરે છે. જેટલો મેનોપોઝ વહેલો તેટલી જ તેને સંલગ્ન નાની-મોટી સમસ્યાઓ સ્વભાવિક રીતે જ વ્હેલી આવવાની!
આ બધી જ સમસ્યાઓનું મૂળ સ્ત્રીના અંડપિંડમાં પ્રત્યેક મહીને બનતા સ્ત્રીબીજ બનવાની પ્રક્રિયા અટકી જવાનું અને તેની સાથે શરીરમાં ઉત્પન્ન થતા ઈસ્ટ્રોજન નામના અંતઃસ્ત્રાવના અભાવની શરીરની વિવિધ જૈવિક ક્રિયાઓ અને અંગો ઉપર ઉદભવતી અસરો છે.
આમ, તો ઉપરોક્ત વર્ણવેલી બધી જ સમસ્યાઓ માટે જે દવાઓ શોધાઈ, તેનું આધુનિક નામ એટલે હોર્મોન રીપ્લેસમેન્ટ થેરાપી (HRT). છેક 1940માં HRT ઉપલબ્ધ થઈ હતી, પરંતુ તેનો વ્યાપક ઉપયોગ 1960થી શરૂ થયો.
મેરી હોગ (MBA) નું એક પ્રખ્યાત વાક્ય છે ‘મેં ઈસ્ટ્રોજન હોર્મોનને કારણે કદરૂપી-ડાકણ સમાન લાગતી સ્ત્રીઓને રાજકુમારીમાં પરિવર્તિત થતી નિહાળી છે’
આ એક વાક્ય ઈસ્ટ્રોજન હાર્મોનની સ્ત્રીના જીવનમાં રહેલી મહત્તાને સિદ્ધ કરવા પૂરતું છે.
ઈસ્ટ્રોજન હોર્મોન ધરાવતી ટેબ્લેટ્સ, ક્રીમ, ત્વચા, ઉપર લગાડવાના પેચ હવે ઉપલબ્ધ છે, પરંતુ માત્ર ઈસ્ટ્રોજન હોર્મોન ધરાવતી દવાઓના અનેક જોખમો પણ છે. જેવા કે....
લોહીનો ગંઠાવ: પગની લોહીની નળીઓમાં અથવા ફેફસાની લોહીની નળીઓમાં લોહી ગંઠાઈ જવું. જોકે આ જોખમ ઈસ્ટ્રોજન કયા પ્રકારે, કેટલા સમય માટે વપરાયલ છે અને કયા પ્રકારના દર્દીઓમાં વપરાયેલ છે તેના ઉપર આધાર રાખે છે. દર્દીની ઉંમર, મેદસ્વીપણું, લાંબા સમયથી પથારીવશ દર્દી, લોહી ગંઠાવાની કૌટુંબિક તવારીખ અને વધુ સંભાવનાઓ વગેરે પણ અગત્યના ગણત્રીમાં લેવા જેવા પરિબળો હોય છે.
બ્રેસ્ટ કેન્સરઃ મોટા ભાગના મેનોપોઝના દર્દીઓમાં ઈસ્ટ્રોજન બહુ ઓછા કેસમાં એકલું વપરાય છે. મોટેભાગે તે પ્રોજેસ્ટરોન હોર્મોન સાથે સંયુક્ત રીતે ઓછા વત્તા ડોઝમાં અપાતું હોય છે.
વર્લ્ડ હેલ્થ ઈનિશ્યટિવ (WHI 2002) ના રીપોર્ટ મુજબ ઈસ્ટ્રોજન ધરાવતી HRIની દવાઓ જો ત્રણ વર્ષથી વધુ સમય સુધી ચાલુ રખાય તો તે દર્દીઓમાં સ્તનના કેન્સરનું પ્રમાણ વધી શકે છે. જ્યાં એક તરફ સામાન્યતઃ દસ હજારે 30 સ્ત્રીઓમાં સ્તન કેન્સર જોવા મળે છે. તો બીજી તરફ જે સ્ત્રીઓ હોર્મોન રીપ્લેસમેન્ટ થેરાપીનો પાંચ વર્ષથી વધુ ઉપયોગ કરે તો તેઓમાં સ્તનના કેન્સરનું પ્રમાણ વધીને દસ હજારે 38 સ્ત્રીઓમાં જોવા મળે છે.
તેવી જ રીતે, જે સ્ત્રીઓ મેનોપોઝ શરૂ થવાની સાથે તુરંત જ HRT શરૂ કરે છે તેઓમાં સ્તન કેન્સરની સંભાવના વધતી જોવા મળે છે. એક તારણ મુજબ ‘ટીબોલોન’ નામની હોર્મોન રીપ્લેસમેન્ટ થેરાપી (HRT) ની મેનોપોઝ માટેની એક દવાથી સ્તન કેન્સર થવાની સંભાવના ઈસ્ટ્રોજન તથા પ્રોજેસ્ટરોન સાથે વાપરવામાં આવે તો તેના કરતા ઓછી જોખમકારક છે.
ઘણા બધા અભ્યાસોના એક સરેરાશ તારણમાં એવું ચોક્કસ કહી શકાય કે, જ્યાં જરૂરી હોય ત્યાં HRTની દવાઓનો ઉપયોગ કરવો, પરંતુ તેની આવશ્યકતા ન હોય તો આ દવાઓ બંધ કરવાથી સ્તન કેન્સરના જોખમની શક્યતાઓ પણ ઘટી જાય છે. HRTની દવાઓ ત્રણ કે વધુમાં વધુ પાંચ વર્ષથી વધુ ઉપયોગમાં લેવાની હોય તો ઓછામાં ઓછા ઉપયોગી ડોઝમાં લેવી. ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરની પ્રત્યેક વર્ષે મુલાકાત લઈને તે દવાઓના જોખમી પરિબળોની આવશ્યક ચકાસણી જરૂર કરાવી લેવી
અંડપિંડનું કેન્સરઃ ઓવેરીયન કેન્સર- એક સરેરાશ તારણ મુજબ 50 વર્ષની વય ધરાવતી એક હજાર સ્ત્રીઓ જો પાંચ વર્ષ માટે HRTની દવાઓ લેતી હોય તો અંડપિંડનું કેન્સર થવાની શક્યતા એક દર્દીમાં વધતી હોય છે. જો આ દવાઓ આવશ્યકતા ન હોય ત્યારે લેવાની બંધ કરી દેવામાં આવે તો અંડપિંડના કેન્સરનું જોખમ પણ ઘટી જતું હોય છે.
ગર્ભાશયનું કેન્સરઃ મેનોપોઝમાં એકલા ઈસ્ટ્રોજન ધરાવતી દવાઓ HRT તરીકે વાપરવામાં આવે તો, ગર્ભાશય ધરાવતી બહનોમાં ગર્ભાશયના કેન્સરની શક્યતા ચારગણી વધી જતી હોય છે, પરંતુ જો તે પ્રોજેસ્ટરોન હોર્મોન સાથે લેવામાં આવે તો ગર્ભાશયના કેન્સરની શક્યતા ઘટીને ચોથા ભાગની થઈ જાય છે.
બ્રેઈન હેમરેજઃ એક તારણ મુજબ HRTની દવાઓ ચાલુ હોય તેવી એક હાજર સ્ત્રીઓમાં સામાન્ય કરતા છ સ્ત્રીઓને બ્રેઈન હેમરેજ અને સામાન્ય કરતા આઠ સ્ત્રીઓમાં બ્રેઈનમાં લોહી ગંઠાવાની શક્યતા વધુ જોવા મળે છે. બીજા એક તારણમાં 50 માઈક્રોગ્રામ કરતા ઓછા ડોઝના ત્વચા ઉપર લગાડવાના ઈસ્ટ્રોજનના પેચથી બ્રેઈન હેમરેજની શક્યતા નિવારી શકાય છે.
HRT થેરાપીથી બીજી નાની મોટી સમસ્યાઓ જેવી કે અનિયમિત માસિક આવવું, સ્તનમાં દુખાવો, પગ દુખવા, ઉબકા-ઉલ્ટી, માથાનો દુખાવો, સ્વભાવનું ચિડીયાપણું થઈ શકે છે.
આ તો થઈ HRT થેરાપી સાથે જોડાયેલ સમસ્યાઓની વાત, પરંતુ શું એટલે HRT લઈ જ ન શકાય કે HRTની દવાઓ લેવી જોખમી છે
મારે ભારપૂર્વક જણાવવું છે કે, એમ માનવાને જરાય કારણ નથી. મેનોપોઝમાં સમસ્યાઓના નિવારણ માટે HRT ઘણી બધી રાહત આપનાર દવાઓ છે. HRTના આ રહ્યાં ફાયદા
આપણા વડવાઓ કહી ગયા છે કે, ‘કોઈ પણ વસ્તુનો અતિરેક નકામો’ એ ઉક્તિ HRTની દવાઓને પણ લાગુ પડે છે. નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટની સલાહ મુજબ પોતાની ઉંમર, વજન, શરીરના અન્ય પરિબળોને લક્ષમાં લઈને યોગ્ય માત્રામાં HRTની દવા લેવામાં આવે તો તે ‘અમૃત’ સિદ્ધ થઈ શકે છે, પરંતુ નિષ્ણાતોની સલાહ વગર ઈન્ટરનેટની સલાહ સૂચન પ્રમાણે કોઈ પણ પ્રકારના મોનીટરીંગ દેખભાળ વગર HRT લેવામાં આવે તો આપણા માટે અત્યંત નુકસાનકારક પૂરવાર થઈ શકે છે.
ભારતમાં મેનોપોઝની સરેરાશ આયુ 46 વર્ષ છે જ્યારે અમેરિકામાં સરેરાશ આયુ 51 વર્ષ અને સરેરાશ ગાળો 48થી 55 વર્ષનો છે. એટલે કે, ભારતમાં 6થી 10 વર્ષ પહેલા મહિલાઓ મનોપોઝ પ્રાપ્ત કરે છે.
ડૉ.હેમંત ભટ્ટ(ગાયનેકોલોજિસ્ટ), નવગુજરાત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/29/2020