મેનોપોઝ શબ્દ ખૂબ જ પ્રચલિત છે પરંતુ તે અંગેની સમજણ ઘણી જ ઓછી છે. સ્ત્રીના જીવનનો આ સમયગાળો ખૂબ જ મહત્વનો છે. મેનો એટલે માસિક અને પોઝ એટલે થંભી જવું. માસિક થંભી જવાની પ્રક્રિયાને મેનોપોઝ કહેવામાં આવે છે. સ્ત્રીના જીવનકાળ દરમિયાન જુદીજુદી અવસ્થા જોવા મળે છે, જેવીકે બાળપણ, પુખ્તાવસ્થા, યૌવનકાળ, મધ્યાવસ્થા, મેનોપોઝ. આપણાં સમાજમાં મેનોપોઝ અંગે ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. મેનોપોઝએ જિંદગીનો લાંબો સમયગાળો કહી શકાય.
સામાન્ય રીતે ભારતીય સ્ત્રીઓમાં માસિક બંધ થવાની કે મેનોપોઝ શરૂ થવાની ઉંમર પણ 50-52 વર્ષ ગણવામાં આવે છે. આ ઉપરાંત, મહિલાના શરીરનો બાંધો, જિનેટીક હિસ્ટ્રી તથા અન્ય અનેક પરિબળો મેનોપોઝની ઉંમર નક્કી કરવામાં કારણભૂત હોય છે. એક વખત સ્ત્રી મેનોપોઝમાં પ્રવેશે પછી તે જીવે ત્યાં સુધી મેનોપોઝમાં જ ગણાય છે.
સ્ત્રીની ઉંમરના પ્રત્યેક તબક્કે થતા પરિવર્તનો તેણીના શરીરમાં ઝરતા રાસાયણીક દ્રવ્યો કે હોર્મોનને આભારી છે. પુખ્તાવસ્થામાં પ્રવેશતી સ્ત્રીમાં અનેક ફેરફારો જોવા મળે છે. તેણીનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે. માસિક આવવાની શરૂઆત થાય છે. બાળક રાખવાની ક્ષમતા આવે છે, તેમજ શારીરિક સંભોગની ઈચ્છા થાય છે. આ બધા જ ફેરફારો સ્ત્રીના શરીરમાં ઝરતા અંતસ્ત્રાવ એટલે હોર્મોન – જેવાકે ઈસ્ટ્રૉજન, પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન (પુરૂષત્વ માટેનો અંતસ્ત્રાવ)ને આભારી છે. માસિક આવવાની પ્રક્રિયા લગભગ 14થી 15 વર્ષથી લઈને 50 થી 52 વર્ષ સુધી નિયમિત રીતે રહે છે.
ગુજરાતી ભાષામાં કહેવત છે કે ‘સોળે સાન અને વીસે વાન’, તો માનસિક પરિપક્વતા (મેચ્યોરીટી) અને સ્ત્રી સૌંદર્યનું સૌષ્ઠવ (ફેમિનાઈન કર્વઝ)એ અંતસ્ત્રાવો એટલેકે હોર્મોન્સને કારણે વિકસે છે. સ્ત્રીત્વના હોર્મોન જેવાકે ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન સ્ત્રીને સમજણશક્તિ આપે છે, તેનું સૌંદર્ય નિખારે છે, શરીરમાં લોહીને પાતળું રાખે છે. હાંડકાંની મજબૂતાઈ, ચામડીની કોમળતા, સુંદરતા આવા હોર્મોન્સને આભારી હોય છે.
50 વર્ષની વયની આસપાસ સ્ત્રીના શરીરમાં ઈસ્ટ્રૉજન- પ્રોજેસ્ટેરોન હોર્મોનનું પ્રમાણ ધીરેધીરે ઘટવા લાગે છે. અને પછી તે ઝરવાના બંધ થઈ જાય છે. પરિણામ રૂપે, માસિક અનિયમિત થાય છે. અને પછી તે આવવાનું બંધ થઈ જાય છે. માસિક જ્યારે સળંગ 12 મહિના (1 વર્ષ) સુધી ન આવે ત્યારે સ્ત્રી મેનોપોઝમાં પ્રવેશે છે. મેનોપોઝ એ સ્ત્રીના જીવનનો સૌથી લાંબો સમયગાળો ગણવામાં આવે છે, જે ઈચ્છા તે અનિચ્છા વગર દરેક સ્ત્રીએ નિભાવવો પડે છે.
માસિક બંધ થવાની સાથે સાથે સ્ત્રીને અનેક તકલીફો શરૂ થાય છે, જેવીકે, હાડકાંનો ધસારો, ચીડિયાપણું, હૃદયરોગ, ડાયબિટીઝ, બ્લડપ્રેશર, ડિપ્રેશન અથવા માનસિક અસંતુલન અને પેશાબની સમસ્યાઓ. આજે આપણે મેનોપોઝને કારણે થતી પેશાબની સમસ્યાઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું.
સ્ત્રીત્વના હોર્મોન્સ જેવાકે, ઈસ્ટ્રૉજન અને પ્રોજેસ્ટેરોન પેશાબની થેલીના બંધારણ તેમજ કાર્યક્ષમતા પર મહત્વનો ભાગ ભજવે છે. સ્ત્રીઓમાં પેશાબનો રસ્તો પુરૂષ કરતા નાનો અને ટૂંકો હોય છે. જ્યારે તેણી મેનોપોઝમાં પ્રવેશે છે ત્યારે પેશાબની થેલીની ચામડી સુકાવા લાગે છે. જેથી વારંવાર પેશાબ જવું પડે છે. પેશાબમાં ચેપ(ઈન્ફેક્શન) થાય છે. પેશાબની થેલીનો સપોર્ટ ઢીલો થઈ જાય છે. હસતાં-છીંક ખાતા કે કસરત કરતા પેશાબ લીક થવા લાગે છે. જેમ જેમ ઉંમર વધતી જાય તેમતેમ પેશાબની સમસ્યાઓ વધતી જાય છે. પેશાબની થેલી ઢીલી થઈ અને નીચેના ભાગમાં સરકાવા લાગે છે. જેને સિસ્ટોસીલ કહે છે. પેશાબનો ભરાવો થાય છે. આ બધી સમસ્યાઓ ને કારણે આગળ કિડનીને પણ અસર થઈ શકે છે. જે સ્ત્રીઓને મેનોપોઝ દરમિયાન પેશાબની તકલીફ થતી હોય તેમણે ડૉક્ટરનું માર્ગદર્શન લેવું જરૂરી છે.
આ બધી જ તકલીફોના નિવારણ માટે સ્ત્રીઓએ વધારે પાણી પીવું જોઈએ. પેલ્વીક ફ્લોરની કસરત કરવી જોઈએ. પેશાબના ચેપની સારવાર લેવી જોઈએ. યુરીન લીકેજ માટે હવે આધુનિક દવાઓ તેમજ લેસર પધ્ધતિની સારવાર પણ ઉપલબ્ધ છે. બ્લેડર ટ્રેનિંગ, વોઈડિંગ ડાયરી જેવી હકારાત્મક અભિગમ ધરાવતી જીવનશૈલી અપનાવવી જોઈએ.
મેનોપોઝ એ સ્ત્રીના જીવનનો કપરો દીર્ઘકાળ છે. દરેક સ્ત્રીએ તેના માટે માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ અને તેના વિશે જરૂરી માહિતી અને માર્ગદર્શન લેતા રહેવું જોઈએ. જીવનના આ તબક્કામાં પ્રવેશતી મહિલાઓએ ઉપરોકત વિકલ્પોની સાથે હળવી કસરતો, યોગ, અનુકૂળ આસનો, વિવિધ શોખ કેળવવા, કેલ્શિયમ યુક્ત આહાર કે ગોળીઓ લેવી, નેચરલ પદાર્થો જેવાકે સાયોબીન વિગેરેનો આહાર લેવો વિગેરે બાબતોની કાળજી લેવી જોઈએ. જો સ્ત્રીઓને તેના આ સમયગાળામાં યોગ્ય હૂંફ અને સહકાર મળે તો મહદઅંશે તણાવ, એકલતા વિગેરેને દૂર રાખી આનંદિત જીવન જીવી શકે છે.
લેખ:ડૉ. રિધ્ધિ શુક્લા(ગાયનેકોલૉજિસ્ટ), નવગુજરાત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020