દિન પ્રતિદિન સમાજમાં વ્યંધત્વના કેસો વધી રહયા છે. વ્યંધત્વના અસંખ્ય કારણો પૈકી એક અગત્યનું કારણ વ્યક્તિગત શારીરિક સ્વચ્છતા છે. સ્વચ્છતામાં ફક્ત બાહ્ય અંગોની જ જરૂરી નથી, પરંતુ ગુપ્તાંગોની સ્વચ્છતા અને સંભાળ વધુ આવશ્યક હોય છે. સ્ત્રીઓ માટે આ સ્વચ્છતા વધુ જરૂરી બની રહે છે, કારણકે દર મહીને થતો માસિક સ્રાવ તેમને યોની માર્ગના ચેપ/ઇન્ફેકશન માટે પ્રભાવી બનાવે છે. બેકટેરિયાના વિકાસ માટે માસિક સ્રાવનું લોહી તેને પોષણ પૂરું પાડે છે, અને તેના લીધે, યોની માર્ગનું ઇન્ફેકશન, શરીર ધોવાવું, ગર્ભાશયમાંથી ચાંદી અને સફેદ પાણી પડવું જેવી તકલીફો વધે છે.
આ ઉપરાંત માસિક સમયે સેનેટેરી પેડનો ઉપયોગ ના કરતા જો સાદા કપડાનો ઉપયોગ કરવામાં આવે તો આ ઇન્ફેકશન વધી આંતરિક અંગો જેમ કે ગર્ભાશય, અંડાશય અને ફેલોપિયન ટ્યુબ સુધી ફેલાઈ શકે છે. ફેલોપિયન ટ્યુબ નું ઇન્ફેકશન ભવિષ્યમાં સ્ત્રીબિજ અને ગર્ભ ધારણની અને ફલનની ક્રિયા પર અસર કરી વ્યંધત્વનું કારણ બની શકે છે. યોની માર્ગ અને ગર્ભાશયમાં થતા ટ્યુબરક્યુલોસીસ પણ ફેલોપિયન ટ્યુબ ને બંધ(બ્લોક) કરી વ્યંધત્વનું કારણ પુરવાર થાય છે.
યોની માર્ગના ઇન્ફેકશનનું એક બીજું કારણ અસુરક્ષિત સંભોગ પણ હોય છે. કોન્ડોમના ઉપયોગ વગર, એક કરતા વધુ પાર્ટનર સાથેના શારીરિક સંભોગના લીધે ઇન્ફેકશન થવાની શક્યતા વધી જાય છે.
જેથી દરેક સ્ત્રીએ બાહ્ય તથા આંતરિક યોનીમાર્ગની સ્વચ્છતાનું પૂરું ધ્યાન રાખવું જોઈએ. વિવિધ પ્રકારના વજાઈનલ વોશ બજારમાં ઉપલબ્ધ હોય છે, જે યોની માર્ગના સારા બેકટેરિયાનો વિકાસ કરી ખરાબ ઇન્ફેકશન સામે રક્ષણ આપે છે, જેનો નિયમિત ઉપયોગ કરવો હિતાવહ છે. સાદા કપડાને બદલે સેનેટેરી પેડ વાપરવા નો હમેશા આગ્રહ રાખવો. કોઈ પણ યોની માર્ગની તકલીફો જેમ કે, સફેદ પાણી પડવું, ખંજવાળ આવવી, પેઢામાં દુખાવો થવો વગેરે માટે તાત્કાલિક ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરવો અને પેલ્વિક ઇન્ફ્લામેટરી ડીઝીઝ ની સંપૂર્ણ તપાસ તથા સારવાર કરાવવી. આમ કરવાથી ફેલોપિયન ટ્યુબ ને થતું નુકસાન વહેલી તકે અટકાવી શકાય છે. પરંતુ જો અધુરી સારવાર કરવામાં આવે કે ફેલોપિયન ટ્યુબ બંધ થઈ જાય તેવા કેસમાં ટેસ્ટ ટ્યુબ બેબી (આઈ. વી. એફ) ની પદ્ધતિથી ગર્ભ ધારણ કરી શકાય છે.
સ્ત્રોત: ડૉ. નીશા પટેલ (ivf એક્સપર્ટ)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020