অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સિવિલ હોસ્પિટલમાં સેનેટરી નેપકીનની સુવિધા ઉપલબ્ધ

થોડા સમય અગાઉ રિલીઝ થેયલી બોલીવુડ મૂવી ‘પેડમેન' ના કારણે અભિનેતા અક્ષયકુમાર ભારે ચર્ચામાં આવ્યો હતો. એજ રીતે હવે એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલ પણ ચર્ચામાં આવી છે. રાજ્ય સરકારની આ હોસ્પિટલમાં પ્રથમ વખત સેનેટરી નેપકીન ડીસ્પેન્સીંગ મશીન મૂકવામાં આવ્યા છે. હોસ્પિટલની જુદીજુદી પાંચ જગ્યા પર મૂકવામાં આવેલા આ મશીનનો ઉપયોગ કરી હવે ગમે તે મહિલા નિ:શુલ્ક ઈન્સ્ટન્ટ સેનેટરી નેપકીન મેળવી શકશે.

હાલ અમદાવાદ એરપોર્ટ અને રેલવે સ્ટેશન ઉપર આવા સેનેટરી નેપકીન વેન્ડિંગ મશીન મૂકાયેલા છે જ્યારે હવે સરકારી હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓ પણ તેનો ઉપયોગ કરી શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સરકારી હોસ્પિટલમાં સેનેટરી નેપકીન ડીસ્પેન્સીંગ મશીન મૂકાયું હોય તે આ પ્રથમ ઘટના છે. અમદાવાદમાં શાહીબાગ સ્થિત શિવ સર્જી ફાર્મા નામની કંપનીએ આ હાઈ કેપેસિટી ધરાવતા સેનેટરી નેપકીન ડિસ્પેન્સર મશીનને તૈયાર કરાવ્યું છે. જેને પ્રોયોગિક ધોરણે સિવિલના એન્ટિનેટલ વોર્ડ, પોસ્ટ નેટલ વોર્ડ, લેબર રૂમ જેવા ગાયનેક વિભાગમાં ઈન્સ્ટોલ કરવામાં આવશે..

આ સેનેટરી નેપકીન ડીસ્પેન્સીંગ મશીનની વિશેષતા એ છે કે, તેની કેપેસિટી ૧૦૦ નેપકીનનો સંગ્રહ કરવાની છે. અમદાવાદમાં અન્ય સ્થળો પર લાગેલા વેન્ડિંગ મશીનની કેપેસિટી માત્ર ૧૦થી ૧૫ નેપકીનની છે. સિવિલમાં આવતા મહિલા દર્દીઓ, દર્દીના મહિલા સગા અને મહિલા કર્મચારીઓ એક પણ રૂપિયો ચૂકવ્યા વગર નિ:શુલ્ક સેનેટરી નેપકીન મેળવી શકશે. બજારમાં વેચાતા પેડની સરખામણીએ આ સેનેટરી નેપકીનમાં એબ્ઝોર્બ કરવાની વધુ ક્ષમતા છે..

ડિસ્પેન્સીંગ મશીનની બનાવટ એવી સરળ છે કે તેની ઉપરના બટનને એક વાર પ્રેસ કરતા નેપકીન બહાર આવી જશે. સરળ બનાવટના કારણે નિરક્ષર મહિલાઓ પણ તેનો સહેલાઈથી ઉપયોગ કરી શકશે. કિશોરાવસ્થામાં પ્રવેશતી વિદ્યાર્થિનીઓની મૂંઝવણ અને સમસ્યાને ધ્યાનમાં રાખી મહેસાણાની એક જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાએ ધોરણ ૭થી ૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને મફત સેનેટરી નેપકીન આપવા પહેલ કરી હતી. બીજી તરફ અમદાવાદની સાબરમતી જેલની મહિલા બેરેકમાં રહેતી મહિલા કેદીઓએ પણ સેનેટરી નેપકીન બનાવી તેને આર્થિક ઉપાર્જનનું સાધન બનાવ્યું છે. આમ રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાં સરકારી સંસ્થાઓ અથવા સ્વયંમસેવી સંસ્થાઓ દ્વારા સામૂહિક પ્રયાસ થકી જાગૃતિ અભિયાન શરૂ થઈ ચૂક્યું છે..

ભારતમાં હજુ એવા ઘણાં પોકેટ્સ છે જ્યાંની મહિલાઓ સેનેટરી નેપકીનના નામથી જ અજાણ છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીઓ હજૂ પણ પિરિયડ દરમિયાન સેનેટરી પેડના વપરાશ બાબતે સભાન નથી. આજે પણ મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં સ્ત્રીઓ કપડાંના ટુકડાનો જ ઉપયોગ કરે છે. એક દલીલ એવી પણ છે કે, સાવ જ ગરીબ પરિવારો કે જેને શરીર ઢાંકવા માટે માંડ એકાદ બે જોડી કપડાં હોય ત્યાં સ્ત્રીઓ મોંઘી કિંમતે સેનેટરી નેપકીન ખરીદે એવી આશા નકામી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. આ દર્દીઓ સિવિલમાં સેનેટરી નેપકીન ડીસ્પેન્સીંગ મશીન જોશે અને તેનો ઉપયોગ કરશે તો ચોક્કસ અન્ય રાજ્યોમાં પણ આ અંગેની જાગૃતિ આવશે.બીજી તરફ પિરિયડ દરમિયાન યોગ્ય જરૂરી વ્યવસ્થાના અભાવે ૧૨થી ૧૮ વર્ષની વયજૂથની વિદ્યાર્થિનીઓ મહિનામાં પાંચ દિવસ શાળાએ નથી જઈ શકતી અને સ્ત્રીઓ પોતાના કામમાં ખાસ ધ્યાન નથી આપી શકતી. કેન્દ્ર સરકારે પણ સેનેટરી નેપકીનને ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સમાંથી મુક્તિ આપી છે. અત્યાર સુધી સેનેટરી નેપકીન ઉપર ૧૨ ટકા જીએસટી વસૂલવામાં આવતો હતો

એકના એક કપડાનો વારંવાર થતો ઉપયોગ

સામાન્ય સંજોગોમાં પિરિયડ દરમિયાન રક્તસ્ત્રાવને રોકવા કપડાના ટુકડાનો ઉપયોગ વાંધાજનક નથી, કારણ કે આ સસ્તો અને હાથવગો ઉપાય છે. પરંતુ એકના એક કપડાનો વારંવાર થતો ઉપયોગ મહિલાઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. એકના એક કપડાનો વારંવાર ઉપયોગ કરવાથી ઈન્ફેક્શન થવાની સંભાવના વધી જાય છે. દુનિયામાં સર્વાઈકલ કેન્સરને કારણે મોતને ભેટતી સ્ત્રીઓમાં ૨૭ ટકા સ્ત્રીઓ ભારતીય છે જે પાછળ પિરિયડ દરમિયાન અયોગ્ય ચીજોનો વપરાશ એક મહત્વનું કારણ છે.

દુનિયામાં સર્વાઈકલ કેન્સરને કારણે મોતને ભેટતી સ્ત્રીઓમાં 27 ટકા સ્ત્રીઓ ભારતીય છે. આ સમસ્યા પાછળ પિરિયડ દરમિયાન અયોગ્ય ચીજોનો વપરાશ એક મહત્વનું કારણ છે

62 ટકા મહિલાઓ હજુ કપડાનો ઉપયોગ કરે છે : સર્વે

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે દ્વારા તાજેતરમાં જ કેટલાક આંકડા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં 15થી 24 વર્ષની ઉંમર સુધીની છોકરીઓમાંથી માત્ર 42 ટકા જ સેનેટરી પેડનો ઉપયોગ કરે છે. માસિક ધર્મ દરમિયાન 62 ટકા મહિલાઓ કપડાનો ઉપયોગ કરે છે. લગભગ 16 ટકા મહિલાઓ સ્થાનીય સ્તર પર બનાવવામાં આવેલા સેનેટરી નેપકીનનો ઉપયોગ કરે છે.

જાગૃતિ છતાં મહિલાઓમાં શરમ અને સંકોચનો માહોલ.

સેનેટરી નેપકીનના ઉપયોગ અંગે જાગૃતિ આવી રહી છે છતાં આજે પણ રૂઢિચુસ્ત માનસિકતા યુવતીઓ અને સ્ત્રીઓના મનમાં ઘર કરી ગઈ છે. આજે પણ એક શિક્ષિત યુવતી મેડિકલ સ્ટોરમાં સેનેટરી નેપકીન લેવા જાય તો તે ખરીદવામાં સંકોચ અનુભવે છે. સામે પક્ષે કોઇ રહસ્યમય વસ્તુની જેમ સેનેટરી નેપકીન કાળી થેલી અથવા અખબારમાં વીંટીને આપવામાં આવે છે. આવા બનાવો યુવતીઓ અને સ્ત્રીઓના સંકોચને વધુ દૃઢ બનાવે છે. શોપિંગ મોલમાં પણ મહિલાઓ ખરીદી કરવા જાય ત્યારે દરેક વસ્તુઓ જાહેરમાં લોકોની નજરે પડે એમ જ મૂકવામાં આવી હોય છે, પરંતુ જો બિલિંગ કાઉન્ટર પર યુવતીના બદલે કોઇ યુવક કામ કરતો હશે તો એ આ સેનેટરી નેપકીન પેકેટને લોકોથી છુપાવીને અથવા કોઇ અસ્પૃશ્ય વસ્તુ હોય એ રીતે ઝડપથી બેગમાં સરકાવવાની ફિરાકમાં રહે છે. આમ, વપરાશ સાથે તેની ખરીદીની પ્રક્રિયા પણ સાહજિક કરવાની જરૂર છે.

strot:

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate