‘ડિપ્રેશન' દૂર કરવા માટે માત્ર દવાઓ ઉપર આધારિત ના રહેતા પોતાની જાતને મદદ કરવા માટે કેટલીક જરૂરી બાબતો પણ અપનાવવી પડશે
ડિપ્રેશન તમારી જાતને મદદ કરવા દોષ દેવાની વૃત્તિથી દૂર રહીને તમારી હતાશાને સ્વીકારો અને તેની યોગ્ય સારવારની સાથે સાથે જાતે જ પ્રયત્ન કરવો પડે એ બાબત સ્પષ્ટતાપૂર્વક સ્વીકારી લો.
હા, હું ડિપ્રેશનથી પીડાઉ છું, મારે મદદની જરૂર છે' સરળતાથી બોલી કે સ્વીકારી ના શકાય તેવું આ વિધાન છે. અંદરો અંદર રીબાવા અને બધું જ સુખ હોવા પછી પણ તેનો સાચો આનંદ ના માણી શકવા છતાં વ્યક્તિઓ પોતાના મનની આ નકારાત્મક અવસ્થા સ્વીકારવા આનાકાની કરતાં હોય છે! ‘મને ડિપ્રેશન હોઈ જ ના શકે, મને કોઈ ચિંતા જ નથી' એવો નન્નો આ વ્યક્તિઓ આસાનીથી ભરી દેતી હોય છે કારણ કે જો તે પોતે પોતાના મનની આ નકારાત્મક અવસ્થા સ્વીકારે તો પોતાની જાતને અન્યની સામે નબળી જાહેર કરે છે અને કઈ વ્યક્તિનો અહમ આ બાબત સ્વીકારી શકે!? માની લો કે કોઈ સ્વીકારી પણ લે કે મને ડિપ્રેશન અથવા હતાશા અનુભવાય છે તો તેના જીવનસાથી કે કુટુંબના અન્ય સભ્યોને લાગી આવે ‘અમે છીએ, બધું જ છે પછી આવા વિચારો કરવાના જ ના હોય ને!?' પછી શરૂ થઈ જાય તેના ડિપ્રેશનનું એનાલિસીસ અને ઢગલો સલાહો, સરવાળે વ્યક્તિ એના લાગતા-વળગતા બધા માટે પરિસ્થિતી વધુ વિકટ અને અસહ્ય બને.
ડિપ્રેશનની આવી અસ્વીકૃતિ વચ્ચે આ મનોરોગ સાથે સંકળાયેલી વાસ્તવિક્તાઓ ગંભીર છે. ડિપ્રેશન અંદરો અંદર રીબાવતી એક બીમારી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અનુમાન મુજબ આવનારા દસકામાં માનવજાતને રીબાવનારી બીમારીઓમાં ડિપ્રેશન પ્રથમ ક્રમે હશે. આ સંસ્થાના સર્વેક્ષણ મુજબ આજે વિશ્વમાં પાંત્રીસ કરોડ લોકો ડિપ્રેશનથી પિડાય છે પરંતુ આ આંકડા હિમશીલાની ટોચ જેવા છે, અથાર્ત જેમ હિમશીલા બહાર દેખાય તેના કરતાં અંદર સાત ગણી મોટી હોય તેમ ડિપ્રેશનથી પીડાનારા લોકોની સંખ્યા આ આંકડાઓથી અનેકગણી મોટી છે. શરૂઆતમાં આપણે વાત કરીએ મુજબની અસ્વીકૃતિ આ પાથળનું મોટું કારણ છે.
એક સમયે જીવનની વિટંબણાઓ અને સમસ્યાઓ સાથે સાંકળવામાં આવતા ડિપ્રેશનને આજે તબીબી વિજ્ઞાન મગજના કેમિકલ સાથે સાંકળે છે. મગજમાં ન્યુરો-ટ્રાન્સમીટર્સ (ચેતાઓ વચ્ચે સંવેદનાઓના વહન માટે જરૂરી એવા રસાયણો) તરીકે કામ કરતાં રિરોટોટનીન, નોર-એપીનેફ્રીન, ડોપામીન વગેરે જેવા ઘણાં રસાયણો વચ્ચેનું સંતુલન ખોરવાતા થતી જૈવિક બીમારીને તબીબી વિજ્ઞાન આજે ડિપ્રેશન તરીકે ઓળખે છે. એક જમાનામાં ફોન એટલે દોરડાવાળું મોટું કાળુ ડબલું પરંતુ આજે ફોન એટલે હથેળીમાં સમાઈ જાય એટલું ટચૂકડું વગર વાયરનું યંત્ર, બસ એ જ રીતે એક સમયે મનની નબળાઈ ગણાતું ડિપ્રેશન આજે રસાયણોના કુદરતી અસંતુલનને કારણે થતી જૈવિક બીમારી. જેમ ડાયાબિટીસ એટલે ઈન્સ્યુલીનનું અસંતુલન, હાયપો કે હાઈપર થાઈરોઈડ એટલે થાયરોક્ષીનનું અસંતુલન, તેમ ડિપ્રેશન એટલે ન્યુરો-ટ્રોન્સમીટર્સનું અસંતુલન. તમારી બુધ્ધી આ વાત સ્વીકારી શકે અને તેને સાચા અર્થમાં સમજી શકે તો તમે ડિપ્રેશનને એક બીમારી તરીકે સ્વીકારી શકો. એક એવી જૈવિક બીમારી કે જેની પાછળ વ્યક્તિ પોતે નહીં પણ તેના મગજના રસાયણો જવાબદાર છે. તમારી આ સ્વીકૃતિ ડિપ્રેશનને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. અલબત્ત જેમ બેઠાડું જીવન જીવનારને ડાયાબિટીસ થવાની શક્યતા વધારે રહે છે તેમ ડિપ્રેશન સાથે જીવનશૈલી, વારસાગત પરિબળો, વ્યક્તિત્વ, વિચારસરણી એમ ઘણું બધું સંકળાયેલું રહે છે. સરવાળે દવાઓની સાથે બીજું ઘણું તમને મદદરૂપ નિવડી શકે છે, જેમ ડાયાબિટીસની દવાઓ સાથે આહારનું નિયમન કરસત વગેરે.
ડિપ્રેશનના દરેક દર્દીને પોતાની બીમારી સ્વીકાર્યા અને સારવાર શરૂ કર્યા બાદ દવાઓ બંધ કરવાની તાલાવેલી રાત-દિવસ રહેતી હોય છે. સહેજ સારું લાગ્યું નથી કે દવાઓ ઓછી કે બંધ કરી નથઈ. કેટલાક જાતે જ નક્કી કરી નાખે અને બીજા કેટલાક ડોક્ટરને દવાઓ ઘટાડવા કે બંધ કરવા દબાણ કરતાં રહે. પરિણામ એ એવા કે મૂળમાંથી ઠેકાણે ના પડેલો રોગ પાછો ઉથલો મારે અને દર્દી-સગાઓનાં મનમાં અનેક નકારાત્મક માન્યતાઓ મુકતો જાય. જેમ કે, દવાઓ લઈશ ત્યાં સુધી જ સારું રહેશે, દવાઓનું વ્યસન થઈ ગયું છે, આ તો જીવનભરનું લફરું ઘુસી ગયું, ડોક્ટર તો ક્યારેય બંધ કરવાનું નહીં કહે, આડઅસરો થશે તો ઉલમાંથી ચૂલમાં પડીશ વગેરે.
ડિપ્રેશનની સારવામાં યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમય માટે દવાઓ ખૂબ મહત્વની છે. પરંતુ તેની સાથે સાથે એ પણ જરૂરી છે કે તમે તમારી જાતને આ અવસ્થામાંથી બહાર લાવવામાં મદદ કરો. કમનસીબે મોટાભાગના જાતને મદદ કરવાને બદલે ડોક્ટરને દવાઓ ઓછી કરવા દબાણ કરતાં હોય છે. સાચો અભિગમ એ છે કે ડોક્ટરને એનું કામ કરવા દો, દવાઓ ગોઠવવી એ એનું કામ છે તેમાં માથું મારીને તમારી સારવારમાં અડચણ ના નાંખો, એ સરવાળે તમારા માટે નુક્સાનકારક છે. એના બદલે ડોક્ટર પાસેથી એ જાણવાની કોશિશ કરો કે તમે તમારી જાતને કેવી રીતે મદદ કરી શકો. તમારો આ અભિગમ તમને ઝડપથી સાજા કરશે અને ભવિષ્યમાં ઉથલાની સંભાવનાઓથી બચાવશે. ડિપ્રેશનમાં વ્યક્તિ પોતાની જાતને મદદરૂપ થઈ શકે તે માટેની વાતો આમ જોવા જશો તો ખુબ સરળ અને નાની લાગશે પરંતુ તેને પકડી રાખીને પોતાના મનની નકારાત્મક અવસ્થા સામે લડવું એ પ્રયત્ન અને સાતત્ય માંગી લે તેમ છે. માત્ર આ બાબતો એક જ બેઠકે વાંચી જવાથી પોતાની જાતને મદદ નહીં થાય પરંતુ દરેક બાબત શાંતિથી વાંચો, જે તે મુદ્દા વિશે વિચારો, તામારા કિસ્સામાં એ મુદ્દો કેટલો અગત્યનો છે તે મૂલવો અને તેને અનુરૂપ તમારે તમારામાં જે ફેરફારો લાવવા પડે તે માટે માનસિક રીતે તૈયાર થાવ. તમે રાતોરાત આ પરિવર્તનો નહીં લાવી શકો પરંતુ ધીરજ પૂર્વક સાતત્યપૂર્ણ અભિગમ ચોક્કસ પરિણામો આપશે જ.
ડિપ્રેશન તમારા મનની નકારાત્મક અવસ્થા છે જે તમારી માનસિક શક્તિઓ, ઈચ્છાઓ અને મનોબળને નબળું પાડી દે છે. આ સંજોગોમાં તમને સારું લાગે તે માટે જરૂરી એવી બાબતોમાં મન પરોવવું પણ તમારા માટે અઘરું બની જતું હોય છે. સમજી શકાય એવું છે કે ડિપ્રેશન સામે લડત આપવી એ સહેલી નથી પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખવું કે આ લડત આપવી અશક્ય પણ નથી. માત્ર મન મક્કમ કરવાથી તે જતું નથી રહેવાનું પણ થોડું મનોબળ એકઠું કરીને તેની સામે પડવાથી તમે તમારી જાતને મદદ ચોક્કસ કરી શકો છો. તમને સારું લાગે તેવી પરિસ્થિતિ સર્જાતા થોડો સમય લાગે પરંતુ એ માટે તમારે રોજ-બરોજ પ્રયત્નશીલ રહેવું પડશે અને નાની નાની હકારાત્મકતાઓ ધ્યાનમાં રાખવી પડશે. યાદ રાખો જ્યારે તમે હતાશા અનુભવતા હોવ અને તમે દ્વઢતા પૂર્વક એ હતાશાનો સામનો કરવા માનસિક રીતે તૈયાર થાવ ત્યારે ડિપ્રેશન સામેનો તમારો જંગ જીતવાના પાયા નંખાઈ જાય છે. તમારી આ માનસિક તૈયારી તમને ઝડપથી સાજા થવામાં મદદરૂપ થાય છે અને દવાઓ ઉપરનું તમારું અવલંબન ઘટાડે છે.
નાના પ્રયત્નોથી તમારી જાતને મદદ કરવાનું ચાલુ કરવાનું છે અને ધીમે ધીમે મક્કમતા પૂર્વક આગળ વધતા જવાનું છે. તમારી જાતને મદદ કરવાના તમારા નાના પ્રયત્નો સરવાળે તમને જલ્દી સાજા થવામાં મોટી સફળતા અપાવશે. ભલે ધીમે ધીમે આગળ વધો પણ રોજ રોજ તેની પાછળ લાગેલા રહો. તમારી જાતને મદદ કરવા માટે સૌથી જરૂરી અને પહેલી બાબત એ છે કે તમે ડિપ્રેશનને મનની નબળાઈ તરીકે નહીં પરંતુ એક બીમારી તરીકે સ્વીકારો. મોટાભાગની વ્યક્તિઓ અને તેમના સગાઓ આ બીમારીને સ્વીકારતા ખચકાય છે અને સરવાળે વધારે રીબાય છે. ડિપ્રેશનન મનની નબળાઈ નથી પરંતુ મગજના રસાયણોના સ્તરમાં ઊભી થતી ગરબડને કારણે થતો એક જૈવિક રોગ છે. આ સમજ તમને ઝડપથી સાજા થવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તમારી આ સ્વીકૃતિ તમારી જાતને મદદ કરવાનું પહેલું પગલું છે. ડિપ્રેશનમાં પોતાની જાતને મદદ કરવાનું બીજું પગલું એ સમજ છે કે તમે એકલા નથી કે જેને ડિપ્રેશન થયું હોય, દુનિયાના ખૂણે ખૂણે એવા અસંખ્ય લોકો છે કે જેઓ હતાશાથી પિડાય છે અને તેની સામે જંગ ખેલે છે. આ વાસ્તવિકતા વ્યક્તિને ડિપ્રેશન સામે ટક્કર ઝીલવા માટેનું એક નવું બળ આપે છે.
હતાશા દૂર કરવામાં તમારી જાતને મદદ કરવા માટે ત્રીજી અગત્યની સમજ એ છે કે તમારી સારવારમાં સૌથી અગત્યનો ભાગ તમે પોતે જ ભજવી શકો છો. તમારા કુટુંબીજનો, મિત્રો, સ્નેહીઓ કે તમારા ડોક્ટર તમને જેટલી મદદ કરી શકે છે તેના કરતાં ઘણી વધુ મદદ તમે તમારી જાતને કરી શકો છો. ડોક્ટર દવા કરશે, કાઉન્સેલિંગ કરશે અને બીજા ટેકો આપશે, હિંમત આપશે પણ બધો જ બદલાવ તો તમારે જાતે જ લાવવાનો છે તેવી સ્પષ્ટ સમજ તમારા મનમાં હોવી જોઈએ.
ડિપ્રેશન એ મનની નકારાત્મક અવસ્થા છે, જેમાં વ્યક્તિનું મનોબળ નબળું પડતું હોય છે અને તેને અન્ય વ્યક્તિઓના સહારાની એક માનસિક જરૂરિયાત રહેતી હોય છે. તમારી સાથે સાચી લાગણીથી જોડાયેલા મિત્રો-સ્નેહીઓ તમને ખુબ જરૂરી એવો ટેકો ચોક્કસ આપી શકે છે અને તમને ઝડપથી સાજા થવામાં મદદરૂપ થઈ શકે છે પરંતુ, આ તબક્કે એક બાબત બરાબર યાદ રાખવી પડે કે જે વ્યક્તિ તમારી લાગણીઓને સાચા અર્થમાં સમજી શકતી ના હોય અથવા જેને તમારી માનસિક અવસ્થા સાથે કોઈ લેવા દેવા ના હોય તેવી વ્યક્તિઓ સાથે ક્યારેય તમારી મનોવ્યથાની ચર્ચા ના કરો. આવી વ્યક્તિઓને માત્ર સલાહો આપવા સિવાય બીજો કોઈ રસ નથી હોતો અને એ સરવાળે તમારી હતાશામાં વધારો કરતી હોય છે. ડિપ્રેશનમાં તમારી જાતને મદદ કરવામાં હંમેશા યાદ રાખો કે સાચી વ્યક્તિ સાથે તમારી લાગણીઓ વહેંચવાથી તમે ઝડપથી સાજા થાવ છો અને ખોટી વ્યક્તિઓ મનઘડત સલાહ સૂચનોથી તમારી તકલીફોમાં વધારો કરે છે. ઘણાં લેભાગુઓ (ભુવાઓ, તાંત્રિકો, જ્યોતિષો, કાઉન્સેલરો વગેરે) વ્યક્તિની હતાશ મનોદશાનો પોતપોતાની રીતે લાભ ઉઠાવવામાં માહેર હોય છે. વ્યક્તિની નકારાત્મક અવસ્થાનો લાભ ઉઠાવીને પોતાનો ધંધો કરતાં હોય છે કારણ કે હતાશ વ્યક્તિ પોતાની હતાશા દૂર કરવા ગમે તેવી અંધશ્રધ્ધામાં સહેલાઈથી દોરાઈ જતાં હોય છે અને સરવાળે સરળતાથી છેતરાઈ જતાં હોય છે. તમારા ડિપ્રેશનના ઈલાજ માટે માત્ર વૈજ્ઞાનિક રીતે સિદ્વ થયેલા ઉપચાર ઉપર જ વિશ્વાસ રાખો અને તમારી આ અવસ્થાનો ગેરલાભ ઉઠાવી શકે તેવા લેભાગુઓથી દૂર રહીને તમારી જાતને મદદ કરો.
વ્યક્તિઓની હાજરી અને ગેરહાજરી તમારા મૂડ ઉપર અસર કરતી હોય છે. હંમેશા તમારી આજુબાજુ કેવી વ્યક્તિઓ રહે છે તે બાબતનો પ્રભાવ તમારી મનોદશા ઉપર સતત પડતો રહેતો હોય છે. હકારાત્મક, આશાવાદી અને વાઈબ્રન્ટ વ્યક્તિઓ તમારો મૂડ પોઝીટીવ બનાવે છે માટે એવી વ્યક્તિઓના સંપર્કમાં વધુ રહેવાનો પ્રયત્ન કરો. આ વ્યક્તિઓની હાજરી, વાતો, જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ તમારું મનોબળ વધારવામાં મદદરૂપ થાય છે. એથી ઉલટું નકારાત્મક અને નિરાશાવાદી વ્યક્તિઓ તમારી હતાશ મનોદશા વધુ ઘેરી બનાવે છે. એમના સંપર્કમાં તમને વધુ હતાશા અનુભવાય છે અને તમને સારા થવામાં વધુ વાર લાગે છે. ડિપ્રેશનને દૂર કરવા માટે તમે સ્વ-મદદ કરવા માંગતા હોવ તો તમે કોની વચ્ચે રહો છો, કોની સાથે ઉઠો-બેસો છો એ બાબતનું સતત ધ્યાન રાખો. જ્યારે તમારા નજીકના જ માણસો નકારાત્મક અને નિરાશાવાદી હોય ત્યારે તેમની સાથે સંભાળ પૂર્વક વ્યવહાર કરો.
ઘણી વ્યક્તિઓના જીવનચરિત્રો તમને ડિપ્રેશન સામે લડવા માટે મનોબળ પૂરું પાડી શકે એમ હોય છે, તેમાંય ખાસ કરીને એવી વ્યક્તિઓ કે જે પોતે હતાશ મનોદશામાંથી અથવા અનેક મુશ્કેલીઓમાંથી પસાર થયા હોય. આ ઉપરાંત પ્રેરણાદાયક વાંચન-પ્રવચન વ્યક્તિને હતાશાની સામે લડવાનું બળ આપે છે. જો તમે તમારી જાતને મદદ કરવા માંગતા હોવ તો ફાલતું વ્યક્તિઓ દ્વારા અપાયેલી બોગલ સલાહો કરતાં સાચા અર્થમાં પ્રેરણા આપે તેવા વાંચનો કે પ્રવચનો વાંચવા-સાંભળવાનો આગ્રહ રાખો. યાદ રાખો સામાન્ય અવસ્થા કરતાં હતાશ અવસ્થામાં તમે તમારા મનને કેવા વિચારોનો ખોરાક આપો છો તે વધારે અગત્યનું છે.
હતાશ વ્યક્તિઓ પોતાની હતાશા માટે પોતાની જાતને, અન્ય કોઈ વ્યક્તિઓને કે પરિસ્થિતિઓને દોષ દેવાનું વલણ ધરાવતાં હોય છે. ખરેખર આ વલણ વ્યક્તિની હતાશ મનોદશામાં સરવાળે વધારો કરે છે અને વ્યક્તિને વધુ નકારાત્મક બનાવે છે. યાદ રાખો દોષ દેવાની વૃત્તિ એ ભાગેડુ વૃત્તિનો એક પ્રકાર છે, જે સરવાળે વ્યક્તિ માટે નુક્શાનકર્તા છે. ડિપ્રેશનમાં તમારી જાતને મદદ કરવા દોષ દેવાની વૃત્તિથી દૂર રહીને તમારી હતાશાને સ્વીકારો અને તેની યોગ્ય સારવારની સાથે સાથે જાતે જ પ્રયક્ન કરવો પડે એ બાબત સ્પષ્ટતા પૂર્વક સ્વીકારી લો.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/12/2020