‘અમારે તો સમાજમાં નીચા જોવા જેવું થઇ જશે. ડૅાક્ટર, આ અમારી દીકરી અમાયાની વાત છે. એના લગ્ન વસંતપંચમીના સારા મુહૂર્તમાં એટલે કે ગઇ બાવીસમી તારીખે લેવાના હતા પણ એણે છેલ્લી ઘડીએ ના પાડી દીધી. અમારી સાથે મેરેજનું કાર્ડ સિલેક્ટ કરવા પણ આવી. પણ અચાનક બીજા દિવસે સવારે અમારા ફેમિલીમાં એણે ડાઇનિંગ ટેબલ પર બ્રેકફાસ્ટ મિટિંગમાં એનો આ ફરીથી થયેલા એંગેજમેન્ટને બ્રેક કરી નાંખવાની જાહેરાત કરી. મારૂં તો એ જ વખતે બી.પી. લો થઇ ગયું. અને જાણે એવું થઇ ગયું કે આ બધું જ છોડીને ક્યાંક જતી રહું. મારા અને અમાયાના ડૅડી વચ્ચે પણ સખત બોલચાલ થઇ ગઇ. અમારે વેવાઇને ના કેવી રીતે કહેવું ! અને શું કારણ આપવું ? ધામધૂમથી સગાઇ કર્યાના છેલ્લા છ મહિનાથી અમાયા અને નીલ બંને જોડે ફરે છે. સમાજમાં અમારે શું મોં બતાવવું ? અને ખાસ વાત તો એ છે કે આવું બીજી વાર બન્યું. અમને થયું કે ખરેખર અમાયાને કોઇ બિહેવીયરલ પ્રોબ્લેમ તો નહીં હોય ?' અનિષાબહેને આશ્ચર્યસહિત વેદના ઠાલવી.
અમાયાની ક્લિનિકલ હિસ્ટ્રીથી જાણવા મળ્યું કે એને છેલ્લા ત્રણ વર્ષમાં ઓછામાં ઓછી પાંચ સિરિયસ રિલેશનશીપ થઇ હતી. એની વર્તણૂંકની પેટર્ન કંઇક આવી હતી. પોતે બહુ જ દેખાવડી એટલે ડ્રેસિંગના, સ્કિન ટૅાન કે ફિચર્સના કોઇપણ છોકરો વખાણ કરે એટલે એ ખૂબ ઝડપથી એનાથી ઇમ્પ્રેસ થઇ જાય. પછી સંકોચ વગર તરત મોબાઇલ નંબર એક્સચેન્જ થઇ જાય. વોટ્સએપ કનેક્શન ચાલુ થઇ જાય. ઇમોશનલી અને ફિઝીકલી નજીક આવી જાય. પછી એ છોકરા ઉપર સખ્ખત પ્રેમ ઊભરાઇ આવે. થોડો સમય જાય એટલે પ્રેમ તરત પઝેશનમાં પરિવર્તિત થઇ જાય. એ બૅાયફ્રેન્ડની બધી હરકતો પર જાસૂસી કરવાનું શરૂ કરી દે. અને પછી અકારણ શંકા અને દૈનિક તકરારો ચાલુ થઇ જાય. પછી અચાનક બ્રેક-ઑફની જાહેરાત થઇ જાય. વળી પાછી બીજા બૅાયફ્રેન્ડની એન્ટ્રી થઇ જાય. અને ફરી પાછી એ જ ‘લફરાયણ' ચાલુ થઇ જાય. પછી ગુસ્સો, ચીડ, એંઝાયટી અને ડિપ્રેશન સતાવે.
અમાયાની હિસ્ટ્રી અને ફરિયાદો ‘બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર'ને સૂચવતી હતી. આવા લોકો હંમેશા ઇમોશનલ ક્રાઇસીસમાં જ રહેતા હોય. ક્યારેક જે વ્યક્તિની ખૂબ નજીક અને અતિ પ્રેમમાં લાગે એ જ વ્યક્તિને ભયંકર તિરસ્કાર પણ કરવા લાગે. હંમેશા કંપેનીયનશીપની તલાશ ચાલુ જ હોય. એડજસ્ટમેન્ટ કરવામાં ભયંકર મુશ્કેલીઓ પડે. પોતાના વિશેની ઇમેજ પણ પોતાના મનમાં બદલ્યા કરે. મતલબ ક્યારેક પોતાને સૌથી શ્રેષ્ઠ માને તો ક્યારેક સૌથી નિમ્ન કે ખરાબ માને. કેટલાક કિસ્સાઓમાં એક વિચિત્ર ખાલીપણાની લાગણી ચાલ્યા કરે.
અમાયાના કિસ્સામાં તેના પિતાનો ભૂતકાળ મહત્વનો હતો. અમાયા જ્યારે બારેક વર્ષની હતી ત્યારે એના પિતાને એકસ્ટ્રા મરાઇટલ અફેર થઇ ગયો હતો. ટીનએજર તરીકે અમાયાએ એની મમ્મીની મુશ્કેલીઓ જોઇ હતી. અને ઘરમાં સતત ઝઘડા જોયા હતા. એકના એક બાળક તરીકે પ્રેમ તો ક્યારેક ભરપૂર મળે પણ ‘પેમ્પરીંગ'ના સ્વરૂપમાં અને જો ઘરનું વાતાવરણ બગડે તો અમાયા ઘરના કયા ખૂણામાં પડી છે તેની પણ કોઇને દરકાર ન હોય. આવા અનિશ્ચિત બાળપણ સાથે લાગણીઓના મિસમેનેજમેન્ટ વચ્ચે મોટી થયેલી અમાયાને સાયકોથેરપી આપવામાં આવી. એના અચેતન માનસમાંથી અસલામતી દૂર કરાઇ. પર્સનલ સંબંધોની જાળવણી વિશે કાઉન્સેલિંગ થયું.
સારવારથી અમાયા સમજી શકી કે પ્રોબ્લેમ પોતાનામાં છે અને ભૂતકાળ ભૂલીને પ્રોબ્લેમને અવશ્યપણે દૂર કરી શકાય. એટેન્શન અને પ્રેમની એબ્નોર્મલ ભૂખ વિકૃત વર્તન કરાવે છે. પોતાનું ઇમોશનલ બેલેન્સ અને માનસિક શાંતિ પ્રાપ્ત થવાથી હવે અમાયા નીલ સાથે વિના સંકોચે પરણવા રાજી છે, લગ્નની નવી તારીખ અને મજબૂત મન સાથે.
સ્ત્રોત: લેખક ઉત્સવી ભીમાણી,સાયકોલોજીફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/30/2020