5 વર્ષની વય પહેલાં ઓટિઝમની સારવાર શરૂ કરાય તો બાળકની ક્વોલિટી ઓફ લાઇફ સુધરે છે
બાળક પરિવારમાં ભળે નહીં, પોતે બોલે નહીં અને બોલો તો સમજે પણ નહીં, બાળક એક જ જગ્યા ઉપર બેસી રહે વગેરે જેવા અજુકતા વર્તન કરે તો સમજો કે તેને કંઈક માનસિક તકલીફ છે. આ બાળક ઓટિસ્ટિક હોઈ શકે છે. એક અંદાજ મુજબ વિશ્વ આખામાં ૬૮ બાળકે એક ઓટિસ્ટિક બાળકનો જન્મ થાય છે. ઓટિઝમમાં બાળક જેટલું નાનું હોય તેટલા બાળકોમાં સારવાર બાદ સારા પરિણામો મળી શકે છે. બાળકમાં દોઢથી ચાર વર્ષની વય દરમિયાન ઓટિઝમનું નિદાન થઈ જાય અને તેની પાંચ વર્ષની વય પહેલાં યોગ્ય સારવાર શરૂ કરી દેવાય તો તેની ક્લોવિટી ઓફ લાઈફ સુધારી શકાય છે.
ઓટિઝમના મુદ્દે ફેલાયેલી ગેરસમજો અથવા તો જાગૃતિના અભાવને લીધે માતા-પિતા લાંબા સમય સુધી મૂંઝવણ અનુભવ્યા કરે છે અને સમાજમાં પોતાનું બાળક હલકું પડી જશે તેવી બીકને લીધે તેની સમસ્યાઓ વિશે ખુલીને કોઈની સાથે વાતચીત કરતા નથી અને બાળકનો ઈલાજ શરૂ કરવાનો પાંચ વર્ષની વય પહેલાનો ગોલ્ડન પિરિયડ ગુમાવી દે છે. ઓટીઝમ એ મગજના વિકાસ દરમિયાન થતી તકલીફ છે. ઓટિઝમનું પ્રમાણ છોકરીઓ કરતા છોકરાઓમાં ચાર ગણું વધારે જોવા મળે છે. માતા-પિતાને બાળકની તકલીફનો ત્રણ વર્ષ સુધીમાં ખ્યાલ આવી જતો હોય છે. વંશપરંપરાગત, ઈન્ફેક્શન, વેક્સિન, ગર્ભાવસ્થા દરમિયાન થયેલ મુશ્કેલીઓ વગેરે જેવા કોઈ ચોક્કસ કારણે આ બીમારી થતી નથી.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓટીઝમ માટે વર્ષોથી ઓપીડી ચાલે છે જેમાં દર વર્ષે ૫૦થી વધુ નવા દર્દી સારવાર માટે ઉમેરાય છે. સિવિલમાં ઓટિઝમના દર્દીઓની સર્વગ્રાહી સારવાર થાય છે. વળી લાગુ પડતું હોય એવા કેસમાં દર્દીને પૂરી તપાસ કર્યાબાદ વિકલાંગતા સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. આવા દર્દીઓ માટે સરકારની ઘણી યોજનાઓ અંતરગત સર્ટીફિકેટના આધારે ઓટિસ્ટિક બાળકો અને તેમના પરિવારને આર્થિક તેમજ સગવડની સહાય મળી શકે છે.
બાળકમાં નીચે મુજબના કોઈ બે કરતા વધુ લક્ષણો દેખાય તો તુરંત ડેવલપમેન્ટલ પીડિયાટ્રિશિયન અથવા ઓટિઝમની બીમારીના નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કરી વધુ માર્ગદર્શન મેળવવું જરૂરી છે.
ઓટિઝમની બીમારી ધરાવતા બાળકોના લક્ષણો
- બાળક દોઢ વર્ષનું થઈ જાય તેમ છતાં બોલવાની શરૂઆત ન કરે, રમાડવાથી પણ તે આપણી સામે જોઈને હસે નહીં..
- દોઢથી બે વર્ષની વય બાદ પણ બાળક માતા-પિતા કે ભાઈ-બહેન કે અન્ય વ્યક્તિ સાથે આંખ ન મિલાવે..
- લાઈટ કે પ્રકાશ ફેંકતી વસ્તુ સામે તેમજ ગોળ ફરતી ચીજો જેવી કે પંખો, કારના વ્હીલ સામે સતત જોયા કરે..
- બાળક 2થી 4 વર્ષની વય દરમિયાન પણ પોતાની ઉંમરના બાળકો સાથે રમે નહીં. હાથ-આંગળીઓ સતત હલાવ્યા કરે, કુદકા માર્યા કરે, એક જગ્યાએ - જંપીને બેસે નહીં, સતત દોડા-દોડ કરે, હાથમાં વસ્તુ આવે તો ફેંકી દે, તોડી-ફોડી નાંખે..
- પોતાની આજુ-બાજુની વ્યક્તિના વાળ ખેંચવા, બચકું ભરી દેવું, પોતાનું કપાળ દીવાલ સાથે અફાળવું. એક રમકડાં સાથે લાંબા સમય સુધી એકની એક રીતે રમવું..
- બાળકની સતત મોટેથી ચીસો પાડવી, કોઈ વસ્તુ પર ધ્યાન ન આપવું અને સામેવાળી વ્યક્તિ કાંઈ પણ પૂછે કે કહે તો તેનો જવાબ આપવાને બદલે તેની તે વાતને જ તેમની સમક્ષ રિપીટ કરવી..
- મોબાઈલ જેવી મનપસંદ વસ્તુ કે રમકડું આપીએ તો કલાકો સુધી એક જગ્યાએ બેસીને તેને જોયા કરવું. .
- ઘરમાં મીક્સર-ગ્રાઈન્ડર, જ્યુસર, વેક્યુમ ક્લીનર, વાહનના હોર્ન કે કૂકરની સિટી વાગવાનો અવાજ આવે તો ગભરાઈને તુરત હાથ વડે કાનને ઢાંકી દેવા અને મોઢું છુપાવી દેવું.
ગવર્મેન્ટ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટમાં ઓટિસ્ટિક બાળકો માટે સ્પેશિયલ ઓપીડી
- ઓક્યુપેશનલ થેરાપી ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ ખાતે ઓટિસ્ટિક બાળકો માટે સ્પેશિયલ ઓપીડી શરૂ કરાયેલ છે. જેમાં નવા દર્દીઓ સીધા સારવાર માટે આવી શકે છે. તેમજ સિવિલમાંથી ઓટિસ્ટિક બાળકોનું નિદાન કરી અહીં રેફર પણ કરવામાં આવે છે. ત્રીજી ઓગસ્ટના દિવસે એક્સક્લુઝિવ ઓટિસ્ટિક બાળકો માટે આ ઓપીડી શરૂ કરાઈ છે. .
- ઓટીઝમ ધરાવતા બાળકોની સારવાર માટે રિહેબીલીટેશન ટીમની જરૂર પડે છે. આ ટીમમા સાઇકાઇટ્રીસ્ટ, પીડિયાટ્રીશીયન, ઓક્યુપેશનલ થેરાપીસ્ટ, ક્લીનીકલ સાયકોલોજીસ્ટ, સ્પીચ થેરાપીસ્ટ તથા સ્પેશીયલ એજ્યુકેટરનો સમાવેશ થાય છે. તથા બાળકોની જરૂરીયાત પ્રમાણે ફિઝીયોથેરાપીસ્ટ અને પ્રોસ્ટેટીક્સ અને ઓર્થોટીક્સની પણ મદદ લેવામાં આવે છે. .
- સેન્સરી ઇન્ટીગ્રેશન થેરાપીમા વિવિધ સેન્સરી પ્રવૃતિઓની મદદથી બાળકની વિવિધ ઇન્દ્વીઓને (સ્પર્શ, શ્રવણ, દ્રષ્ટિ, સ્વાદ, સુંગધ, વેસ્ટીબ્યુલર, પ્રોપાઓસેપશન) જાગૃત કરવામાં આવે છે. બાળકોના બિહેવીઅરને સુધારી શકાય તે માટે વિવિધ બિહેવીઅર મોડિફીકેશન ટેકનિક્સ જેવી કે પોઝીટીવ રિઇન્ફોર્સમેન્ટ, પ્રોમ્પીંગ અને ફેડિંગ, ટાસ્ક એનાલીસીસ, જનરલાઇઝેશન, નેગેટીવ રિઇન્ફોર્સમેન્ટ નો ઉપયોગ કરવામા આવે છે.
- કોગ્નીટીવ બિહેવીઅર થેરાપીમાં બાળક્ની તકલીફને ધ્યાનમા રાખીને તેણે કેવું વ્યવહાર કરવું જોઇએ તે શીખવવામા આવે છે. જેમ કે જો બાળકને ફુગ્ગાથી બીક લાગતી હોય તો તે બાળક ફુગ્ગા જોઇને રડશે તેનાથી દુર રહેવાનો પ્રયાસ કરેશે. પરંતુ જો તે જ બાળકને એવી ટ્રેનીંગ આપવામા આવે કે જો તેના ભાઇ કે બહેન આ ફુગ્ગાને જોઇને કેવું વર્તન કરશે. તો તે આ ફુગ્ગાને અડવાનો પ્રયત્ન કરશે. આમ માત્ર વિચાર બદલવાથી તેના વ્યવહારને પણ બદલી શકાય છે. ઓક્યુપેશનલ થેરાપી ડિપાર્ટમેન્ટમાં તેની ટ્રેનીંગ આપવામા આવે છે.
બાળકને મળે છે અહી સર્વાંગી વિકાસ
ઓક્યુપેશનલ થેરાપી ડિપાર્ટમેન્ટ દ્વારા ઓટીઝમ ધરાવતા બાળકોને તેમની જરૂરીયાત મુજબ ઓક્યુપેશનલ થેરાપી સારવાર આપવામા આવે છે. જેમા સેન્સરી ઇન્ટીગ્રેશન થેરાપી, અપ્લાઇડ બિહેવીઅર એનાલાઇસીસ, કોગ્નીટીવ બિહેવીઅર થેરાપી, જેવી સારવાર ની વિવિધ પધ્ધતીઓ દ્વારા બાળકોને સારવાર આપવામાં આવે છે. (પુરૂષોત્તમ પુરોહિત, સિનિયર ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, ગવર્મેન્ટ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ)
વહેલા નિદાનથી બાળકની ક્વોલિટી ઓફ લાઇફ સુધારી શકાય.
આ બીમારી મગજ સંબંધીત છે જેને વહેલા નિદાન અને ટ્રેનિંગથી બાળકની ક્લોવિટિ ઓફ લાઈફ સુધારી શકાય છે. ટ્રેનિંગના કારણે ઘણા બાળકો પોતાનું કામ પોતે કરી શકવા સક્ષમ બનતા હોય છે. બાળકમાં થોડા ઘણા લક્ષણો આજીવન રહેતા હોય છે, પણ ટ્રેનિંગથી ઘણો સુધારો આવી શકે છે. જે રીતે ડાયાબિટીસ ક્યોર થતો નથી, કંટ્રોલ કરી શકાય છે તેમજ ઓટિઝમને પણ સારવારની સાથે ટ્રેનિંગથી કંટ્રોલ કરી શકાય છે.(ડૉ. મિનાક્ષી પરીખ, સાઇકાઇટ્રી વિભાગના વડા- સિવિલ હોસ્પિટલ)