હવાના પ્રદૂષણને ખૂબ જ ગંભીરતાથી લેવું જોઈએ અને એની અસરથી થતા મગજના રોગો વિષે વધુને વધુ જાગરૂકતા લાવવી જોઈએ.
તાજેતરના એક અંદાજ મુજબ “વાયુ પ્રદૂષણ”ને લીધે વિશ્વભરમાં દર વર્ષે નેવું લાખ લોકોના મૃત્યુ થાય છે. જેના કારણોમાં મુખ્યત્વે હૃદય રોગનો હુમલો, મગજના ગંભીર રોગો, ફેફસાના રોગો અને કેન્સર જવાબદાર છે. વાયુનું પ્રદૂષણ એ હાનિકારક રસાયણિક (કુદરતી અને માનવસર્જિત) , જૈવિક (બાયોઅરોસોલ્સ) અને કેટલાક રજકણીય પદાર્થોથી થાય છે, જે માનવી અને અન્ય જીવસૃષ્ટિને હાનિ પહોંચાડે છે, તે ઉપરાંત વાતાવરણના પ્રાકૃતિક પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે. જ્યારે કેટલાક વાયુ પ્રદૂષણના સ્ત્રોતો કુદરતી હોય છે જેમ કે જ્વાળામુખી ફાટવો, દાવાનળ, આગ,પરંતુ મોટાભાગના માનવસર્જિત હોય છે. આધુનિકતાની સાથે દહનીય અશ્મિભૂત ઇંધણનો વપરાશ ખુબજ વધ્યો છે, એ સિવાય વનનાબૂદી, પશુપાલન અને ખેતીવાડી વગેરે વાયુ પ્રદૂષણના માનવસર્જિત સ્ત્રોતો છે.
“ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ”ના હાલના એક અભ્યાસ મુજબ વાયુ પ્રદૂષણ લકવા એટલે કે પક્ષઘાત માટેના પરિબળોમાં ૩૦ ટકા જેટલું જવાબદાર છે. ભારતમાં આશરે દર વર્ષે ૧ લાખે ૧૫૦ને પક્ષઘાત થાય છે. વિશ્વમાં દર ૨ સેકન્ડે એક વ્યક્તિને પક્ષઘાત થાય છે, જેમાંથી ૩૦ ટકા લોકો ૧ થી ૪ અઠવાડિયામાં મૃત્યુ પામે છે. વિશ્વભરમાં લગભગ ૮૦ મિલિયન સ્ટ્રોકથી બચી ગયેલા દર્દીઓ છે જેમાંથી ૫૦ મિલિયનથી વધુ લોકો કાયમી અપંગતા સાથે જીવે છે. લકવા ઉપરાંત વાયુ પ્રદૂષણની મગજ પર આશંકિત અસર એક ઊભરતો અને ચિંતાજનક મુદ્દો છે. વાયુ પ્રદૂષણ એ મગજના લકવા અને કેટલાક ન્યુરો-ડિજનરેટીવ રોગો જેવા કે ડિમેન્સિયા માટેનું એવું જોખમી પરિબળ છે જેને બદલી શકાય છે અને તેથી મગજ ના આવા ગંભીર રોગોને રોકવામાં મદદ મળી શકે છે. ખાસ કરીને ભારત જેવા મધ્યમ આવક ધરાવતા દેશ માટે વાયુ પ્રદૂષણની અસરો આવનારા દિવસોમાં બહુજ ગંભીર બની શકે છે.
ગયા મહિને લન્ડનમાં એક રિસર્ચ પેપર રજુ કરવામાં આવ્યું હતું. જેમાં એવું જોવા મળ્યું કે જે લોકો ટ્રાફિકને લીધે થતા વાયુ પ્રદૂષણના સતત સંપર્કમાં રહેતા એવા મેટ્રો સિટીમાં રહેતા ૫૦ થી ૮૦ વર્ષની ઉંમરના 1.૩0 લાખ લોકોમાંથી લગભગ ૨૦૦૦ને ડિમેન્સિયાનું નિદાન થયું હતું જેમાં ૩૯%માં અલ્ઝાઇમર રોગ થયો હતો. ડિમેન્શિયા એ ઉમર સાથે થતો કોઈ સામાન્ય રોગ નથી. તે થાય છે ત્યારે મગજને એક ચોક્કસ રોગ દ્વારા અસર થાય છે. ડિમેન્શિયાના દર્દીમાં અલગ અલગ અસર જોવા મળે છે, જેમકે યાદશક્તિ, એકાગ્રતા, દિશાઓની ઓળખ, સ્વભાવ, વર્તન, વાણી અને ભાષા સહીતની સમસ્યાઓ થઇ શકે છે. ડિમેન્શિયા ક્રમશઃ આગળ વધી શકે છે તેથી સમય જતા દર્દીની તકલીફો ખુબજ વધી શકે છે. ટ્રાફિક અને વાહનોને લીધે થતા વાયુ પ્રદૂષણમાં મુખ્યત્વે NO2 એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, PM2 .5 નામના પાર્ટિકલ્સ અને ઓઝોન ગેસ જવાબદાર હોય છે, જે મગજ માટે હાનિકારક હોય છે.
વ્યક્તિગત સ્તરે વાયુના પ્રદૂષણની અસર ઓછી કરવા માટે આમાંના કેટલાંક પગલાંઓ લઇ શકાય છે. વ્યક્તિગત મોટરવાહનોના ઉપયોગને બદલે પબ્લિક વાહનવ્યવહાર કે શક્ય હોય તો સાઇકલિંગનો ઉપયોગ કરવો જોઈએ, વધુ પ્રદૂષિત સમયગાળા દરમિયાન બહાર રહેવાનું ટાળવું જોઈએ, ટ્રાફિકજામની પરિસ્થિતિ ટાળવી જોઈએ અને જરૂર પડે તો એન્ટીપોલ્યુશન માસ્ક (N95 ,N99) પહેરવો જોઈએ. ચાલતા જતા હોઈ ત્યારે મુખ્ય ટ્રાફિક-રૂટથી દૂર રહેવું જોઈએ. રેડ સિગ્નલ પર વાહન બન્ધ કરવું જોઈએ. ઘરમાં રસોઈ અને ગરમાવા માટે લાકડા અને બીજા બાયોમાસ ઇંધણનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ અને રસોડામાં ચિમનીનો ઉપયોગ કરવો જોઈએ અને ઘરમાં હવાની મુકત અવરજવર માટે એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને જે દર્દીને પહેલેથી જ હૃદય અને મગજની તકલીફ હોય તેમણે હવાના પ્રદૂષણથી દૂર રહેવું જોઈએ.
“વર્લ્ડ બ્રેઈન ડે”ની આ વર્ષની ઝુંબેશની થીમ પણ “મગજની તંદુરસ્તી માટે સ્વચ્છ હવા” છે. તો સુશિક્ષિત વાચકમિત્રોને મારો અનુરોધ છે કે હવાના પ્રદૂષણને ખુબજ ગંભીરતાથી લેવું જોઈએ અને એની અસરથી થતા મગજના રોગો વિષે વધુને વધુ જાગરૂકતા લાવવી જોઈએ. સર્વે ડૉક્ટરમિત્રોને પણ મારી અપીલ છે કે મગજના લકવાથી પીડિત દર્દીની સારવાર કરવાની સાથે સાથે હવાના પ્રદૂષણથી મગજના સ્વાસ્થ્યને થતા જોખમો વિશેની સમજણ પણ આપવી જોઈએ અને એની અસરોથી સમાજને વાકેફ કરવો જોઈએ અને વિશ્વભરમાં આ વધતી જતી જાહેર આરોગ્યની સમસ્યા માટે સરકારે પણ સક્ષમ પર્યાવરણીય અને આરોગ્ય નીતિઓ બનાવવાની જરૂર છે કે જેથી હવાના પ્રદૂષણને ઓછું કરી શકાય કે જે ના માત્ર ફેફસા,પણ મગજની તંદુરસ્તીની સુરક્ષા માટે હવે જરૂરી છે.
સ્ત્રોત: ડો. શૈલેષ દરજી(કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/21/2020