অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આંખને ના લાગે નજર

આંખ કુદરતનું અદભૂત સર્જન અને પરિપૂર્ણાતાની શ્રેષ્ઠ કૃતિ છે. સર્વે જ્ઞાનેન્દ્રિયોમાં આંખ સૌથી વધુ અગત્યની જ્ઞાનેન્દ્રિય છે, જેના દ્વારા સંસારની સુંદર વસ્તુઓનો આનંદ લઈ શકાય છે. સાફ અને સ્વસ્થ આંખો માણસનું સૌંદર્ય અને મોહકતા વધારે છે. પ્રકૃતિની આ અનુપમ દેન વગર આસપાસની દુનિયા સાવ અજાણ જ રહી જાય. દૃષ્ટિહીન માનવીની અથવા બગડેલી નજરની સામે જગતની બધી જ રિદ્વિસિદ્વ નકામી લાગે છે, માટે જ ખામી રહિત દૃષ્ટિ જાળવી રાખવા માટે નેત્ર રક્ષાનું જ્ઞાન જરૂરી છે. માટે જ કહ્યું છે કે “તમે આંખને સંભાળો, આંખ તમને સંભાળશે”

આંખની બનાવટ

પાપણોનું લગાતાર હલનચલન આંસુ ગ્રંથિઓનું પ્રવાહી આપણને ધૂળ, પ્રકાશ અને હવાનાં પ્રદૂષણથી બચાવે છે. આંખોની સરખામણી કેમેરા સાથે કરવામાં આવે છે. આંખોના નાના સ્નાયુઓ દ્વારા આંખના લેન્સનો આકાર ઓપોઆપ બદલાય છે, જેના દ્વારા ચિત્રની છાપ દૃષ્ટિનાં જ્ઞાનતંતુઓ દ્વારા મગજને પહોંચે છે. મગજની અંદર દૃષ્ટિકેન્દ્ર તે ચિત્રનું પૃથ્થકરણ કરે છે. આંખના 5/6 સફેદ ભાગને કોર્નિયા કહેવાય છે. વચ્ચેનું રક્તવાહિનીનું આવરણ કનીનિકા મંડળને મધ્યે કીકી પ્રકાશનું નિયંત્રણ કરી જરૂર મુજબ વિકસે અને સંકોચાય છે. અંદરનું આવરણ નેત્રપટલ (રેટીના) સૌથી સંવેદનશીલ હોય છે.

આંખનું આરોગ્યશાસ્ત્ર

આધુનિક તબીબી અને વાઢકાપ વિધ્યાનાં વિકાસના કારણે અંધાપો લાવતા અનેક કારણો નિવારી શકાય છે અને તેના પર અંકુશ લાવી શકાયો છે..

  • બહાર નિકળતી વખતે ધૂળ અને તેજ પ્રકાશથી બચવા સારી બનાવટના ગોગલ્સ ખૂબ જરૂરી છે.
  • ચોખ્ખા પાણીથી આંખ દિવસમાં ત્રણ-ચાર વાર ધોવી જોઈએ. આંખના રોગો જેવા કે નેત્રખીલ અને કન્જક્ટીવાઈટીસ કોઈ બીજાના ટુવાલ કે નેપ્કીન વાપરવાથી ફેલાય છે માટે દરેકની આંખ લૂછવા માટે રૂમાલ અલગ હોવા જરૂરી છે..
  • આંજણ, સૂરમો, ગંદી આંગળી કે બરછટ વસ્તુઓ વડે આંખને ના અડશો.
  • ખોરાકમાં વિટામીન-એ પ્રમાણસર માત્રામાં લેવું જોઈએ..
  • જો આંખમાં કચરો પડે તો આંખને ચોળવા કે મસળવાને બદલે ચોખ્ખા પાણીથી સાફ કરો અને તેમ છતાંય ન સાફ થાય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
  • અનિયંત્રિત ડાયાબિટીસ, લોહીનું વધારે દબાણ, દારૂ, સતત ધુમ્રપાનથી આંખોની જ્યોતિ નષ્ટ થઈ શકે છે. અનિયંત્રિત ડાયાબિટીસથી Retinal haemorrhage અને Maculopathy થઈ શકે છે. લોહીના ઊંચા દબાણના લીધે આંખના સ્નાયુઓમાં લકવો અને ધમનીઓનો અટકાવ થઈ શકે છે. વધારે શરાબ-લઠ્ઠાથી અથવા તો વધુ પડતા ધુમ્રપાનથી આંખની નસ પર સોજો આવી શકે છે અને નસ સૂકાઈ શકે છે..
  • જાહેરાતોથી આકર્ષાઈ જાતે દવાઓ ના લગાવો, જો આંખ લાલ થઈ જાય, ચોંટી જાય, દુખવા લાગે, પાણી આવે કે ઓછુ દેખાય તો નેત્ર વિશેષજ્ઞની સલાહ લેવી આવશ્યક છે..
  • સમયાતરે આંખની તપાસ કરાવવી સલાહભર્યું છે..
  • બાળકોના જન્મ વખતે, સ્કૂલ જતા પહેલા તપાસ કરાવવાથી ચશ્માનો નંબર, ત્રાંસાપણું અથવાતો બીજી જન્મજાત રોગોને નાથી શકાય છે..

આંખો ચોળવી, પાંપણોનું વધારે પટપટાવવું, ઝીણી આંખ થવી, બહુ પાસેથી વાંચવું, બ્લેકબોર્ડ પર વાંચવામાં તકલીફ પડવી, ત્રાંસી આંખ થવી, પાંપણો સૂજવી, પાણી પડવું, બહુ નજીકથી ટીવી અથવા મોબાઈલ જોવો, ઝીણી આંખ કરી વાંચવું જેવી બાળકોની ફરિયાદો ઉપર ધ્યાન આપવું જરૂરી છે. ટીવી જોતી વખતે થોડી લાઈટ ચાલુ રાખવી (સંપૂર્ણ અંધારામાં ટીવી જોવું નહીં), ઓછામાં ઓછુ ત્રણ મીટર અંતર રાખવું જરૂરી છે. વાંચતી વખતે પુસ્તક આંખથી દોઢ ફૂટ દૂર અને સમાંતરથી 45 ડિગ્રીને ખૂણે, ડાબી અને પાછળની બાજુથી સારો પ્રકાશ આવે તે રીતે બેસવું જોઈએ. ઓછા પ્રકાશ અને ચાલતી બસ કે કારમાં આડા પડીને વાંચવું આંખ માટે હાનિકારક છે. ઝીણા અક્ષરોવાળા પુસ્તકો વાંચવાથી આંખોને બિનજરૂરી ખેંચ પડે છે. વાંચનની સારી ટેવો જરૂરી છે. બારીક કામ કરતી વખતે આંખને વચ્ચે આરામ આપવો જોઈએ. આજના જમાનામાં વધારે પડતું શિક્ષણ, ટીવી, મોબાઈલ વગેરે હોવાથી આંખો પાસેથી વધારે કામ લેવાતું હોવાના કારણે બાળકનું દર વર્ષે ચેકઅપ કરાવવું જોઈએ..

  • આંખોની તંદુરસ્તી માટે વિટામીન-એ વાળો ખોરાક લેવો જોઈએ. મેથી, પાલક, ગાજર, કોથમીર, ટામેટા, તાંદળજો, અળવી, ફૂદીનો, નાગરવેલનાં પાન, અજમાનાં પાંદડા, સરગવાની શીંગ અને પાંદડા, કેરી, પપૈયુ, સંતરા, કેળા, દૂધ અને ઈંડાનો વધારે ઉપયોગ હિતાવહ છે. વિટામીન-એ ની ઉણપથી રતાંધણાપણુ થાય છે જેનાથી ઓછા પ્રકાષમાં કે અંધારામાં જોવાની તકલીફ પડે છે..
  • દિવાળી સમયે ફટાકડા તથા વધારે પડતી લાઈટ, ઉત્તરાયણ વખતે Sun exposer ખાસ કરીને અલ્ટ્રાવાયોલેટ કિરણોનું exposer, હોળી વખતે રંગોનું આંખમાં જવું, દશેરા વખતે તીર-કામઠાની રમતો, ક્રિકેટ અથવા તો ગામમાં રમાતા ગિલ્લી-ડંડા જેવી લોકપ્રિય રમતોમાં બેદરકારી રહે તો આંખોને મોટુ અને સુધારી ના શકાય તેવું નુક્સાન થવાની સંભાવનાઓ રહેલી છે..
  • નિયમીત ચેકઅપ દ્વારા મોતિયા તથા ઝામરનું નિદાન શક્ય છે. સરખી સારવાર મળવાથી આંખની દૃષ્ટિ બચાવી શકાય છે. માથુ દુખવું, આંખો ખેંચાવી, રંગબેરંગી કુંડાળા નજર આવવા, ઓછુ દેખાવું, ડબલ દેખાવું તે સર્વે ચેતવણી ચિન્હો છે. બાળકના જન્મ વખતે, સ્કૂલ જતા પહેલા તપાસ કરાવવાથી ચશ્માનો નંબર, ત્રાંસાપણુ અથવા તો બીજા જન્મજાત રોગોને નાથી શકાય છે. ચાલીસ વર્ષ પછી દર વર્ષે આંખની તપાસ કરાવવાથી મીઠો ઝામર તથા બીજા રોગોની જાણ થઈ શકે છે. કહેવાય છે ને કે “Prevention is better than cure”..
  • પોલ્યુશનથી બચવા પ્રોટેક્ટીવ ચશ્મા અથવા ગોગલ્સ જરૂરી છે. સાયકલિંગ અને મોટર-બાઈકીંગ તે આજની જનરેશન માટે એક્સરસાઈઝ અને ફેશન સ્ટેટમેન્ટ છે. આ પ્રકારની પ્રવૃત્તિ દરમિયાન આંખોની રક્ષા માટે યુ.વી. પ્રોટેક્ટેડ ગ્લાસ પહેરવા જરૂરી છે. ઘણીવાર વેલ્ડીંગને જોવાથી આંખની કીકીને નુક્સાન થઈ શકે છે. તે માટે પ્રોટેક્ટીવ શિલ્ડ ગ્લાસીસ અથવા આખા ચહેરાને ઢાંકી શકાય તેવા શિલ્ડનો ઉપયોગ કરવો જરૂરી છે..
  • આંખોથી માનવીના સમગ્ર ભાવ અને પ્રભાવ વ્યક્ત થાય છે. પ્રેમ, તિરસ્કાર, આનંદ, દયા, લાચારી, ક્રોધ, શરમ વગેરે આંખો દ્વારા વ્યક્ત થાય છે. ઈમોશન્સની અભિવ્યક્તિ કરવા વધારે પડતા મેકઅપ અથવા તો કોન્ટેક્ટ લેન્સનો બેફામ ઉપયોગ આંખના રોગોને નોતરે છે..
  • આઘુનિક ટેક્નોલોજી ઘણી જ સરસ વસ્તુ છે, ડિજીટલ ઈન્ડિયાનું સ્વપ્ન દરેકનું છે પરંતુ કોમ્પ્યુટર, ટીવી, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ Dry Eye, computer vision syndrome જેવી તકલીફોને નોતરે છે માટે દર વીસ મિનીટ પછી સ્ક્રીન પરથી નજર હટાવી વીસ સેકન્ડ્સ દૂર જોવું તથા આંખોને સતત પટપટાવવી જેથી આંખમાં ભીનાશ (મોઈશ્ચર) પ્રમાણસર રહે..
  • ચશ્મા તથા કોન્ટેક્ટ લેન્સ તે આંખની સુંદરતાનો એક ભાગ છે. ચહેરાને અનુરૂપ ફ્રેઈમ પસંદ કરવાથી ચહેરાની સુંદરતા, ભવ્યતા અને આકર્ષણ જળવાઈ રહે છે. ફ્રેઈમ પસંદ કરતી વખતે આંખની કીકીનું centration ધ્યાનમાં લેવું જોઈએ. ફ્રેઈમ વજનમાં હલકી અને બંધ બેસતી હોવી જોઈએ. કોસ્મેટીક દૃષ્ટિએ ચશ્મા કરતાં કોન્ટેક્ટ લેન્સ વધુ સારા છે પરંતુ તેના માટે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ચશ્માના નંબર ઉતારવાનું ઓપરેશન દરેક વ્યક્તિ માટે નથી તેના માટે યોગ્ય તપાસ કરાવીને જ નિર્ણય લેવો જોઈએ. માટે જ કહ્યું છે કે “ આંખ છે તો જહાઁ છે”.

ડો રૂપાન્દે પટેલ, આઈ સર્જન, નવગુઅજરાત હેલ્થ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate