વિકલાંગતા શરીરના કોઈ પણ અંગમાં થઈ શકે છે જે વ્યક્તિની જીવનશૈલી પર અસર કરે છે. અમુક વિકલાંગતા એવી હોય છે જેને લોકો સિરીયસલી લેતા નથી પણ તે ખૂબ જ હાનિકારક હોય છે, આવી જ એક વિકલાંગતા છે ઝામર જેના લીધે દર્દીની દ્રષ્ટી ઉપર માઠી અસર પડે છે. લોકોમાં ઝામર વિશેની જાગૃતિ લાવીને ઝામરનું સમયસર નિદાન કરી યોગ્ય સારવાર આપવામાં આવે તો ઘણા લોકોને અંધ થતા અટકાવી શકાય છે અને આ રીતે દેશનો આર્થિક બોજો પણ ઓછો કરી શકાય છે. આ વર્ષે સમગ્ર વિશ્વમાં ૧૧થી ૧૭ માર્ચ દરમિયાન ‘વિશ્વ ઝામર સપ્તાહ' ઉજવાઈ રહ્યો છે. આ વર્ષે લોકો સુધી પહોંચાડવાનો સંદેશો Green – Go get your eyes tested for glaucoma and save your sight જેનો સાદી ભાષામાં અર્થ થાય છે કે, તમારી આંખોની ઝામર માટે તપાસ કરાવો અને તમારી દૃષ્ટિ બચાવો.
આપણા દેશમાં અંધત્વ માટેના જવાબદાર કારણો પૈકી ઝામર એક મહત્વનું કારણ છે. ભારતમાં ૧.૨ કરોડ લોકો ઝામરથી પીડાય છે જે વધીને ૨૦૨૦ સુધીમાં ૧.૬ કરોડ થવાની શક્યતા છે. વિકસીત દેશોમાં ૫૦ ટકા લોકો જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશોમાં ૯૦ ટકા લોકોમાં ઝામરનું નિદાન થતું નથી. ૨૦૨૦ આ આંકડાને ૨૦ ટકા સુધી લાવવા વિશ્વમાં સામૂહિક પ્રયત્નો શરૂ થયા છે. ભારતીય અંધત્વ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ઝામરને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.
ઝામર શું છે?
ઝામર એ આંખનો ખુબ જ ગંભીર રોગ છે. આંખમાં અસામાન્ય દબાણને કારણે આંખની નસ એટલે કે ઓપ્ટીક નર્વ ધીરેધીરે સુકાતી જાય છે. સાથેસાથે દૃષ્ટિક્ષેત્ર એટલે કે ફીલ્ડ ઓફ વિઝન આજુબાજુથી સંકોચાતું જાય છે. આંખમાં આવેલ સીલીયરી બોડીમાંથી ઉત્પન્ન થતા એકવીયસ હ્યુમર નામના પ્રવાહીના નિકાલ થવામાં અવરોધ આવે તો આંખનું દબાણ વધે છે અને આંખની નસને અને દૃષ્ટિને કાયમી નુકશાન પહોંચે છે.
ઝામરના પ્રકાર
- જન્મજાત ઝામર (કન્જનાઈટલ ગ્લોકોમા): આંખના અપુરતા વિકાસને કારણે જન્મજાત ઝામર થઈ શકે છે. આંખનો ડોળો અને કીકી બંનેનું કદ વધે છે. કીકી તેની પારદર્શકતા ગુમાવીને ધીરેધીરે દુધિયા કાચ જેવી થઈ જાય છે. બાળક પ્રકાશ સામે જોઈ શકતું નથી અને આંખમાંથી પાણી પડ્યા કરે છે. જન્મજાત ઝામરનો આખરી ઈલાજ ઓપરેશન જ છે.
- કડવો ઝામર (એંગલ ક્લોઝર ગ્લોકોમા): કડવા ઝામરમાં દર્દીને પ્રકાશની આસપાસ લાલ-પીળા કુંડાળા દેખાય છે. જો આંખનું દબાણ એકદમ વધી જાય તો આંખમાં અને માથામાં સખત દુખાવો થાય છે. ઘણીવાર ગભરામણ થાય, ચક્કર આવે ને ઉલ્ટીઓ પણ થાય છે. આંખ લાલ થાય, જોવાનું એકદમ ઝાંખુ થઈ જાય અને કીકી ધુમ્મસ જેવી દેખાય છે. આ પ્રકારના ઝામરની લેસર, દવાઓ અથવા ઓપરેશનથી સારવર થઈ શકે છે.
- મીઠો ઝામર (ઓપન એંગલ ગ્લોકોમા):મીઠા ઝામરમાં મોટાભાગે કોઈ ચિહ્નો દેખાતા નથી હોતા. દૃષ્ટિક્ષેત્ર આજુબાજુથી ધીરેધીરે સંકોચાતું જાય છે જ્યારે સીધી દૃષ્ટિ સામાન્ય રહે છે એટલે ઘણીવાર મીઠા ઝામરમાં દર્દીઓ ઝામરના અંતિમ તબક્કામાં ડૉક્ટર પાસે આવે છે. દૃષ્ટિ ધીમેધીમે ઝાંખી થતી જાય છે. મોટેભાગે વહેલી સવારે કે રાત્રે પ્રકાશની આસપાસ રંગીન કુંડાળા દેખાય. ઓછા પ્રકાશમાં જોવામાં મુશ્કેલી પડે. ઘણા દર્દીઓને નજીકના ચશ્મા વારંવાર બદલાયા કરે. માથું ભારે લાગે અને આંખની આસપાસ થોડો દુખાવો થાય.
- સેકન્ડરી ગ્લોકોમા:સેકન્ડરી ગ્લોકોમાં જેમાં મોતીયો સરી જવાથી, આંખમાં વાગવાથી, ચેપ લાગવાથી, આંખમાં ગાંઠ થવાથી અથવા તો લોહી જામવાથી થઈ શકે છે..
ઝામર થવાની શક્યતા કોને?
મોટાભાગે ૩૫ વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળે છે. જોકે ઝામર ગમે તે ઉંમરે થઈ શકે છે. કુટુંબીજનોમાં કોઈને ઝામર હોય એવી વ્યક્તિઓને ઝામર થવાની શક્યતા દસ ગણી વધી જાય છે. આ ઉપરાંત બ્લડપ્રેશર, ડાયાબિટીસ, થાઈરોઈડ, વધારે પડતા માયનસ નંબર એટલે કે માયોપીયા, આંખમાં ઈજા થયેલ હોય કે કોઈ ઓપરેશન કરાવેલું હોય, લાંબા સમયથી સ્ટીરોઈડની દવા લેતા હોય તેવા લોકોને ઝામર થવાની શક્યતાઓ રેહલી છે.
ઝામર માટે યાદ રાખવાની બાબત
- ઝામર એ જા-મર એટલે કે ઝામરથી નજર ગઈ તે ગઈ જ. ગયેલી દૃષ્ટિ કોઈ પણ ઉપાય કરવામાં આવે તો પણ પાછી આવતી નથી. સમયસર સારવાર કરવામાં આવે તો જે દૃષ્ટિ બચેલી હોય તેને જાળવી શકાય છે.
- ઓપરેશન કરાવવાથી નજર જતી રહેશે તે માન્યતા ખોટી છે.
- ઓપરેશનની જરૂરી જણાય ત્યારે જેટલું વહેલું કરવામાં તેટલી નજર વધુ બચે છે.
- એક આંખમાં ઝામર હોય તો બીજી આંખમાં ઝામર થવાની શક્યતા રહેલી છે એટલે કે ડૉક્ટર સલાહ આપે તો યોગ્ય ઈલાજ કરાવી લેવો જોઈએ.
- નજીકના ચશ્મા વારંવાર બદલાતા હોય, પ્રકાશ સામે રંગીન કુંડાળા દેખાતા હોય તો ઝામરની તપાસ કરાવી લેવી જોઈએ.
- ઝામર લેસર, ઓપરેશન કે દવાઓથી કાબુમાં લાવી શકાય છે.
ઝામરની ક્યારે તપાસ જરૂરી
- ૨૦-૩૦ વર્ષની ઉંમર દરમિયાન એક વખત તપાસ કરાવવી.
- ૩૦-૪૦ વર્ષની ઉંમર દરમિયાન બે વખત તપાસ કરાવવી
- ૪૦-૬૦ ઉંમરની વ્યક્તિએ દર બે વર્ષે તપાસ કરાવવી
- ૬૦ વર્ષ કરતા વધુ ઉંમરની વ્યક્તિઓએ દર વર્ષે તપાસ કરાવવી જોઈએ.
ઝામર સાથેની મુશ્કેલી
- ઝામરનું નિદાન કરવું અઘરૂં છે, ખાસ કરીને મીઠા ઝામરનું.
- દવાઓ મોંઘી હોવાથી દર્દી નિયમિત આંખમાં ટીપા નાંખતા નથી..
- ઘણી વખત દર્દીઓ સમયસર નિયમિત દવાઓ નાંખતા નથી..
- જીવનપર્યત સમયસર નિયમિત રીતે આંખોની તપાસ કરાવવી પડે છે..
ઝામરને મટાડી શકાતો નથી, પણ લોકોમાં જાગૃતતા લાવીને સમયસર વહેલું નિદાન કરીને યોગ્ય સારવાર કરવામાં આવે તો રોગને આગળ વધતો અટકાવી શકાય છે
કેવી રીતે ઝામરનું નિદાન થશે
Applanation tonometerથી આંખનું દબાણ મપાય છે જે સામાન્ય રીતે ૧૦થી ૨૧ મી.મી. ઓફ મરક્યુરી હોય છે. ઝામરનો પ્રકાર જાણવા માટે Gonioscopy કરી શકાય છે. ઓપ્થેલ્મોસ્કોપી દ્વારા આંખની નસની તપાસ કરી શકાય છે. ફિલ્ડ ઓફ વિઝન (દૃષ્ટિ ક્ષેત્ર) ને જાણવા પેરીમીટરનો ઉપયોગ થાય છે. પેકીમેટ્રી દ્વારા કીકીની જાડાઈ માપી શકાય છે. આ ઉપરાંત OCT, HRT, અને GDxના ઉપયોગથી ઝામરનું વહેલું નિદાન થઈ શકે છે. UBM (અલ્ટ્રાસાઉન્ડ બાયોમાઈક્રોસ્કોપી) ના ઉપયોગથી પણ ઝામરનું નિદાન થઈ શકે છે..
ડૉ મરીયમ મનસુરી, ઝામરના નિષ્ણાંત.