નેત્રદાનની પ્રવૃત્તિને વેગ આપવા માટે તથા લોકોમાં જાગૃતિ લાવવા માટે રાષ્ટ્રીય અંધત્વ નિવારણ યોજના હેઠળ ૨૫ ઓગસ્ટથી ૮ સપ્ટેમ્બર દરમિયાન નેત્રદાન પખવાડિયું ઉજવવામાં આવે છે. કીકીના જે રોગોને કારણે અંધત્વ આવે છે તેવા રોગો વિશે માહિતી મેળવવી જોઈએ અને તેને અટકાવવા અથવા સારવાર લેવા લોકોને પ્રેરિત કરવા જોઈએ.
આંખ એ કુદરતે માણસને આપેલી અણમોલ ભેટ છે. માણસને મળેલી આ ઈશ્વરીય ભેટનું જતન કરવાની આપણી ફરજ છે. કહેવાય છે કે, જીવ્યા કરતા જોયું ભલું. તો જિંદગીભર આંખોની દૃષ્ટિ જાળવી રાખવા માટે એની પુરતી સંભાળ રાખવી આપણા સૌની પ્રાથમિક ફરજ છે.
એક અંદાજ મુજબ વિશ્વમાં હાલ ૪.૫ કરોડ લોકો અંધ છે જ્યારે ભારત દેશમાં તેની સંખ્યા આશરે ૧.૨ કરોડ છે. દર વર્ષે વિશ્વ તેમજ આપણા દેશમાં અંધ થતા લોકોનો ઉતરોત્તર વધારો થતો જોવા મળે છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં આશરે ૬ લાખ જેટલા અંધ લોકો છે.
ભારત સરકારના ‘નેશનલ પ્રોગ્રામ ફોર કન્ટ્રોલ ઓફ બ્લાઈન્ડનેસ' દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ માટે સમગ્ર દેશમાંથી ૫૦ હજાર ચક્ષુઓનું દાન મેળવવા લક્ષ્ય રાખવામાં આવ્યો છે. લક્ષ્યને પૂરો કરવા ભારત સરકારના હેલ્થ વિભાગ ઉપરાંત વિવિધ વિભાગોનો સહયોગ લેવામાં આવશે. તાજેતરમાં મળેલા આંકડાં મુજબ જૂન મહિના સુધીમાં આશરે ૧૧ હજાર જેટલી આંખોનું દાન મેળવવામાં સરકારના આ વિભાગને સફળતા મળી ચૂકી છે જ્યારે ગુજરાત રાજ્યમાં ૬૫૦૦ ચક્ષુઓનું દાન મેળવવા લક્ષ્ય રખાયું છે જેની સામે જૂન મહિના સુધીમાં આશરે ૧૪૦૦ આંખોનું દાન મેળવવામાં સફળતા મળી છે.
મોતિયો, આંખના નંબરની ખામી, ઝામર, કીકીના રોગો, ડાયાબિટીસ, રેટીનોપથી, મેક્યુલર ડિજનરેશન, આંખમાં ઈજા થવી તેમજ બાળકના આંખના રોગો અંધત્વ માટે મુખ્ય જવાબદાર કારણો છે. કીકી અથવા કોર્નિયા એ આંખોની આગળનો ચમકતો પારદર્શક ભાગ છે. કીકીના રોગો જેવા કે વિટામીન-એની ઉણપ, ફુલુ પડવું, રસી થવી, આંખમાં ઈજા થવી, આંખમાં એસિડ કે ચુનો પડવો, નેત્રખીલ, એલર્જી, જન્મજાત કીકીના રોગો તથા ઓપરેશન બાદ કીકી ઉપર આવતો સોજો વગેરે કારણે પારદર્શક કીકી અપારદર્શક બને છે. આ સ્થિતિમાં કિરણો આંખમાં પ્રવેશતા અટકે છે. જેથી અંશત: અથવા સંપૂર્ણ અંધાપો આવે છે. કીકી પ્રત્યારોપણ એટલે કે, કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરવાથી અપારદર્શક કીકીનો ભાગ દૂર કરવામાં આવે છે અને જે જગ્યાએ માનવ શરીરમાંથી દાનમાં મળેલ આંખની પારદર્શક કીકીને ટાંકા લઈ બેસાડવામાં આવે છે. જેથી દર્દીને પુન:દૃષ્ટિ મળે છે.
કીકી પ્રત્યારોપણ માટે નેત્રદાન મળવું જરૂરી છે. ભારત દેશમાં દર વર્ષે બે લાખ નેત્રદાનની જરૂર છે તેની સામે માત્ર ૪૦ હજાર જેટલા જ નેત્રો દાનમાં મળે છે. ગુજરાતમાં ૧૫ હજાર નેત્રદાનની જરૂરિયાત છે. તેની સામે ૬ હજાર નેત્રો જ મળે છે તેમાં ૬૦ ટકા જેટલા નેત્રો જ સારી હાલતમાં હોય છે, કે જે પ્રત્યારોપણ માટે કામમાં લઈ શકાય છે આથી આ ખોટને પૂરવા માટે વધુને વધુ નેત્રદાન જાગૃતિ અભિયાનો યોજવાની તાતી જરૂર છે.
સ્ત્રોત : ડૉ મરિયમ મનસુરી, ગ્લુકોમા સ્પેશ્યાલિસ્ટ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/7/2019