લગભગ પંદરસો સ્કુલોમાં થયેલાં સર્વેમાં જણાઈ આવ્યું છે કે દર દસ વિદ્યાર્થીઓમાંથી એક બાળક માયોપિયાનો શિકાર બની ગયો છે. પાંચથી બાર વર્ષની વય જુથના સાડા-સાત લાખ બાળકોની આંખો સ્માર્ટફોનના વપરાશને કારણે ક્ષતિગ્રસ્ત થઈ રહી છે. એક અભ્યાસમાં આંચકાજનક માહિતી સામે આવી છે કે મુંબઈ શહેરનાં પાંચ થી બાર વર્ષની વયજુથના પ્રત્યેક જ્ઞાતનાં બાળકોમાંથી દર એક બાળકને માયોપિયા અર્થાત દૂર દ્રષ્ટિની સમસ્યા સતાવી રહી છે. આ બાળકોને દૂરની વસ્તુ, વ્યક્તિ કે અક્ષરો જોવામાં તકલીફ પડે છે. ધુંધળું દેખાય છે અથવા દૂરનું સદંતર દેખાતું જ નથી. આ સમસ્યાનું મુખ્ય કારણ સ્માર્ટ ફોનનો બહોળો હોવાનું માલુમ પડે છે. એક ખ્યાતનામ હૉસ્પિટલ અને સ્ટેટ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા હાથ ધરાયેલા એક સર્વેમાં દક્ષિણ મુંબઈની સરકારી અને ખાનગી સ્કુલના સાડાસાત લાખ વિદ્યાર્થીઓને આવરી લેવાયા હતા. જેમાં ૯૧,૦૦૦ બાળકો 'માયોપિયા'ની સમસ્યાથી પીડાઈ રહ્યાં હોવાની આચંકા જનક બાબત સામે આવી હતી. પરંતુ જ્યારે જાણ થઈ ત્યારે આ બાળકોની આંખે ચશ્મા પહેરીને દુનિયા નિરખવાની ઘડી આવી પહોંચી હતી. સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત યુનિયન ગવર્મેન્ટે ૭૧,૦૦૦ જેટલાં બાળકોની આંખો ક્ષતીગ્રસ્ત હોવાનું જણાવ્યું છે. આ સમસ્યાનું મુખ્ય કારણ આ બાળકોના જીવનમાં મોબાઈલ એટલે જ કે સ્માર્ટફોનનો વહેલો પગપેસારો હોવાનું જણાઈ રહ્યું છે. આમાંના કેટલાંક બાળકો તો ફક્ત ૧ વર્ષની ઉંમરે જ સ્માર્ટ ફોન વાપરતાં થઈ ગયા હોવાનું માલુમ પડયું છે. વૈજ્ઞાાનિક તથ્યમાં માનીએ તો બાળકની આંખનો વિકાસ જન્મે ત્યારથી છ વર્ષની ઉંમર સુધી સતત થતો હોય છે. આ કુમળી વયમાં જ્યારે તેના હાથમોં અને આંખની કિકી સામે વાલીએ બચ્ચાંને સ્માર્ટ બનાવવાની લ્હાયમાં સ્માર્ટફોન ધરી દે છે ત્યારે તેના 'હાર્ડ ગ્લેઅર'માંથી ફેંકાતો પ્રકાશ બાળકની નાજુક કિકીઓને કાયમી નુકસાન પહોંચાડી 'માયોપિયા' નામક આંખની બિમારીને નોતરી ચૂકે છે. એક નામાંકિત ચક્ષુતજ્ઞા એ અત્યંત ખેદ સાથે જણાવ્યું હતું કે હાલમાં કેટલાંક બાળકો દિવસના સતત સાતથી આઠ કલાક સ્માર્ટફોનનો ઉપયોગ કરતા જણાયા છે. કેટલાંક વાલીઓએ નફ્ફટાઈ ભર્યાં અવાજમાં કહ્યું છે કે અમારા બાળકો તો ફક્ત એક વર્ષની વયના હતા ત્યારથી જ સ્માર્ટફોન વાપરતાં થઈ ગયા છે. મોબાઈલ ફોન કે સ્માર્ટફોન નામનું અતિ આધુનિક અને અતિજોખમી રમકડું નાના બાળકોના હાથમાં ખૂબ જ વહેલું રમતું થઈ ગયું છે. હવે આ રમકડાં વિરુદ્ધ જાગૃતી લાવવાનો સમય પાકી ગયો છે. કુમળી વયના બાળકોને સ્માર્ટ બનાવવાની હરણફાળમાં વાલીઓ તેમની આંખોને વધુને વધુ નબળી અને ક્ષતિગ્રસ્ત બનાવી રહ્યાં છે. એમ તેમણે ચિંતાગ્રસ્ત અવાજે જણાવ્યું છે. આ સમસ્યા સામે જાગૃતી ફેલવવા માટે વાલીઓ અને શિક્ષકો માટે રાજ્ય સરકારે એક અલગ માર્ગદર્શિકા બહાર પાડી છે. એક અન્ય જાણીતા ચક્ષુતજ્ઞાએ ભારપૂર્વક જણાવ્યું છે કે મોેબાઈલ ફોનનો સ્ક્રિન, કૉમ્પ્યુટરના સ્ક્રિન કરતા પણ આંખ પર વધુ તાણ ઉત્પન્ન કરે છે. જે રેટિનાને અત્યંત નબળાં બનાવી જોવાની શક્તિ ક્ષીણ બનાવી દે છે. નવાઈની વાત તો એ છે કે કેટલાંય વાલીઓ બાળકોને તોફાન કરતું અટકાવવા માટે કે એની જીદ પૂર્ણ કરવા માટે તેના નાનકડાં હાથમાં સ્માર્ટ ફોન પધરાવી દેતા હોય છે. વૈજ્ઞાાનિક તથ્ય પ્રમાણે સામાન્ય પ્રમાણમાં વ્યક્તિ એક મિનિટમાં પંદર વખત આંખની પાંપણો પટપટાવે છે જે આંખોની ભિનાશ ટકાવી રાખવા માટે ખૂબ જ મહત્ત્વનું છે. પરંતુ સ્માર્ટ ફોન સામે સતત ટિકીટિકીને જોવાના સમયે પાંપણો પટપટાવવાનું પ્રમાણ એકદમ અડધું એટલે કે એક મિનિટમાં પંદર વખતને બદલે ફક્ત છ કે સાત વખત જેટલું થઈ જાય છે અને આંખો સુકી બનતી જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ સતત ત્રણ વર્ષ સુધી મોબાઈલનો વપરાશ કરે છે ત્યારે તેની આંખોની જોવાની શક્તિ કાયમને માટે ક્ષતીગ્રસ્ત બની જાય છે. મુંબઈ જેવા શહેરોમાં સ્માર્ટફોનનો વપરાશ બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે અને આ વપરાશનો ચેપ ૬ થી ૮ વર્ષના બાળકોમાં વ્યાપક પ્રમાણમાં દેખાઈ રહ્યો છે. ચક્ષુતજ્ઞાો દ્રઢપણે જણાવે છે કે 'માયોપિયા'ની સમસ્યા બાળકોમાં વકરવાના કારણ પાછળ વધુ પડતો સ્માર્ટફોનનો વપરાશ જ છે. વાલીઓએ હવે સતર્કપણે બાળકોને સ્માર્ટફોનથી દૂર રાખવા પડશે. બાકી હજી પણ ઘણાં વાલીઓ પોતાનું બાળક 'માયોપિયા'ની સમસ્યાથી પિડાઈ રહ્યું છે એ બાબતથી તદ્દન અનભિજ્ઞા જણાઈ રહ્યાં છે. બાળકોમાં સ્માર્ટફોનના વપરાશ અંગે જાગૃતી ફેલાવવાનો સમય બારણે ટકોરા મારી રહ્યો છે.પાશ્ચાત્યજીવન શૈલીની લ્હાયમાં બાળકોને જીવનભર ક્ષતિગ્રસ્ત આંખોની અનોખી ભેટ આપતા વાલીઓને જણાવવાનું કે 'માયોપિયા'ની વકરતી સમસ્યા સામે બાંયો ચઢાવવાની તાતી જરૃર ઊભી થઈ ગઈ છે.
સ્ત્રોત: હેમા ભટ્ટ, સહિયરફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/3/2020