(1) વારસાગત લક્ષણોથી-જનીનીક બંધારણના આધારે અને
(2) વાતાવરણના સંપર્કથી-આસપાસના પરિબળોની અસરથી. આ બંન્ને પ્રકારથી થતી એલર્જીમાં વયજૂથ, એલર્જી કરનારા પરિબળો, એલર્જી સામેના વ્યક્તિના પ્રતિકાર વગેરેમાં ઘણી સમાનતાઓ પણ રહેલી હોય છે જે જટીલ તેમજ બારીકાઈ પૂર્વકના નિદાન કાર્યની જરૂરત માંગી લે છે. આપણે હવે જાણીએ છીએ કે વાતાવરણમાંથી કોઈપણ સ્વરૂપે શરીરમાં પ્રવેશતા બહારી પરિબળની સામેનો અણગમો એટલે એલર્જી. આવી એલર્જી વિશ્વભરમાં ખૂબ સામાન્ય છે..
વિશ્વમાં એલર્જીના નામકરણ વિશે વાત કરીએ તો વર્ષ 1906માં વિયેના-ઓસ્ટ્રીયા બાળરોગ નિષ્ણાંત ક્લેમેન્સ પિટર દ્વારા એલર્જી શબ્દનો પહેલો ઉપયોગ થયો ત્યારથી વિવિધરીતે શરીર ઉપર દેખાતી અણગમાની અભિવ્યક્તિનાં વિવિધ સ્વરૂપોનાં જૂથ/સમૂહને એકનામ મળ્યું. આ એલર્જીનો વૈશ્વિક વ્યાપ પણ આશ્ચર્યજનક છે. એવું કહી શકાય તે વીસ ટકા લોકોને નાકમાંથી પાણી પડવું કે છીંકો આવવી, વીસ ટકા લોકોને ચામડી પર ખંજવાળ કે ચકામા થવા, 5-10 ટકા લોકોને ખોરાકથી એલર્જી અને 2-8 ટકા લોકોને દમ એલર્જી સાથે સંકળાયેલ દમ(અસ્થમા) જોવા મળે છે, જ્યારે લગભગ 10,000 વ્યક્તિએ એક વ્યક્તિને ગંભીર જીવલેણ એલર્જી હોઈ શકે છે.
એલર્જી કરનારા સૌથી સામાન્ય પરિબળો વિશે જાણીએ તો એ સ્વાભાવિક છે કે જે પરિબળો વધુમાં વધુ માત્રામાં વધુમાં વધુ ઉંડે સુધી શરીરમાં પહોંચે તે વધુ એલર્જી કરાવી શકે આનો રસ્તો એટલે ખોરાક. ખોરાક એટલે કે મોં વાટે શરીરમાં પ્રવેશતા તત્વોમાં સામાન્યરીતે ખાધ પદાર્થો, ફળો, તેલીબીયા (શીંગદાણા, કપાસીયા) કે સૂકો મેવો તો હોય જ છે પરંતુ તેથી પણ વધુ માત્રામાં એલર્જી કરનાર તત્વો એટલે કૃત્રિમ રંગો, પ્રિઝર્વેટીવ્ઝ કે કૃત્રિમ સ્વાદ ઉત્પન્ન કરનાર કેમિકલ અને દવાઓ. જનસામાન્યને એવી તો સમજણ હોય જ છે કે જ્યારે પણ દવાની એલર્જી થતી હોય એટલે કે રિએક્શન આવતું હોય તો તુરત જ ડોક્ટરને જણાવતા હોય છે. પેનિસિલીન કે સલ્ફા વગેરે ખૂબ પ્રચલિત નામો છે. પરંતુ જેમને એલર્જીક દમ-અસ્થમા થતો હોય તેવા દર્દીઓને ક્યારેક એસ્પીરિન કે આઈબ્રુપોફેન જેવી સામાન્ય દવાથી પણ એલર્જીક અસ્થમાનો હુમલો થતો હોય છે.
એલર્જી કરનાર તત્વનો બીજો પ્રવેશમાર્ગ એટલે હવા. શ્વાસમાં લેવાતી હવામાં તરતા એવા રજકણો કે જે એલર્જી ધરાવનાર વ્યક્તિને તકલીફ કરી શકે છે તે વિવિધ ઋતુ, પ્રદેશ કે વાતાવરણ અનુસાર વિવિધતા ધરાવે છે. પશ્ચિમી દેશમાં રહેતા આપણા સ્વજનો થકી આપણે સાંભળતા હોઈએ છીએ કે આ પોલન સિઝન એટલે કે ફૂલો કે વૃક્ષોમાંથી પરાગરજ નિકળવાની ઋતુ અને હેફિવર જેવા શબ્દો સાંભળ્યા જ હશે. ભારત જેવા વિકાસશીલ અને ગીચ દેશમાં ફક્ત ફૂલ-ઝાડ નહીં પણ કેમિકલ, વાહનોનાં ધૂમાડા, બાંધકામમાં વપરાતા સિમેન્ટ-કલર-ચૂનો, ખોદકામ થકી ઉડતી માટી, રાંધવામાં વપરાતા છાણા-લાકડા, શિયાળામાં ગરમાવો લાવવા માટે કરાતા તાપણામાં સળગાવવામાં આવતા ટાયર-રબ્બર વગેરે શ્વસનમાર્ગ વડે શરીરમાં પ્રવેશતા તત્વો પણ સામાન્યરીતે એલર્જી વધારવામાં ભાગ ભજવતા જોવા મળે છે. અગરબત્તી, રાંધવામાં થતો વઘાર, તળવાથી થતો ધૂમાડો, સુગંધી સ્પ્રે, પાઉડર વગેરે પરિબળો ખૂબ જ સામાન્ય રીતે એલર્જી ધરાવનાર અને પરેશાન કરતાં જોવા મળે છે.
ત્રીજો અને સામાન્ય છતાં બહુ તકલીફદાયક ન હોય એવો પ્રવેશમાર્ગ એટલે ચામડી. ચામડી ઉપર સંપર્કમાં આવવાથી થતી એલર્જી વધારતા તત્વોમાં સામાન્યરીતે સૌંદર્ય પ્રસાધનમાં વપરાતા ક્રીમ, લોશન કે કેમિકલ, રંગ-રસાયણના કામમાં વપરાતા ડાય-કેમિકલ, વાળ રંગવામાં વપરાતી હેર ડાઈ, ચેપ-ગુમડા ઉપર લગાડવામાં આવત એન્ટીબાયોટિક ક્રીમ વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે સંપર્કમાં આવવાથી થતી આ પ્રકારની એલર્જીનું કારણ પકડવું સહેલું હોય છે. ક્યારેક વન-વગડામાં જવાથી, બાગમાં જવાથી કે નદી-દરિયામાં સ્નાન કરવાથી થતી એલર્જીમાં સૂર્યપ્રકાશ કે તડકો પણ જવાબદાર હોઈ છે. જાણીને આશ્ચર્ય થશે કે ઠંડીની પણ એલર્જી હોઈ શકે છે!
સર્વવ્યાપી – સર્વસામાન્ય એલર્જીની જાણકારી અને નિદાન કરવું આમ તો ખૂબ જ સહેલુ છે. જ્યારે ચોક્કસ પરિબળના સંસર્ગથી ચિન્હો આવતા હોય ત્યારે સ્વાભાવિક છે તે તે પરિબળ સાથેનો સંબંધ સ્થાપિત થઈ શકે છે, પણ જ્યારે હવાથી આવતા પરિબળોથી એલર્જી ખાસ કરીને એલર્જીક અસ્થમા જેવા ચિન્હો હોય ત્યારે તે પરિબળ પકડવું અને તેની તીવ્રતા જાણવી અઘરી બની રહે છે. સર્વ સામાન્ય કિસ્સાઓમાં લોહીની તપાસ વડે સંભવિત એલર્જીની શક્યતાઓ જાણી શકાય છે. CBC, Absolute eosinophil count, STgE વગેરે સામાન્ય ટેસ્ટથી એલર્જી તરફનો ઝુકાવ જાણી શકાય છે પરંતુ આ ટેસ્ટના રિપોર્ટ્સ નોર્મલ હોવા છચાં પણ એલર્જી હોઈ શકે છે. આવા કિસ્સાઓમાં Skin Prick Test કે લોહીના વિસ્તૃત એલર્જી ટેસ્ટ કરવાની જરૂર હોય છે. આવા ટેસ્ટ કરાવતા પહેલા એલર્જીનાં ક્વોલિફાઈડ નિષ્ણાંત પાસે જવું જરૂરી છે જ.
જનસામાન્યમાં એવી ગેરમાન્યતા પ્રવર્તે છે કે, મોંઘા એલર્જી ટેસ્ટ કરાવાથી એલર્જી પકડી શકાય છે અને તેનાથી બચી શકાય છે પરંતુ મુદ્દાની વાત એ છે કે એવા જ વાતાવરણ-ખોરાક અને પરિબળો વચ્ચે જીવતા હજારો લાખો લોકોમાંથી ફક્ત મુઠ્ઠીભર લોકોને જ શું કામ એલર્જી પજવે છે? આનું કારણ આવા વ્યક્તિઓનાં શારીરિક બંધારણમાં રહેલી વિશિષ્ટતા હોય છે. આવી વિશિષ્ટતા કે બગાડને સુધારવાની સાથે એલર્જી કરનાર પરિબળોથી અંતર રાખવાથી એલર્જીથી બચી પણ શકાય છે..
ભારત દેશની વાત કરીએ તો બાળકોથી માંડીને વૃધ્ધોને પરેશાન કરનાર એલર્જીની સાથે સંકળાયેલ સામાન્યતમ પરિબળોમાં પ્રાણીઓ-પક્ષીઓ (કૂતરા-બિલાડી-કબૂતર વગેરે) સાથેનો સંપર્ક, ઈંડા-માછલી, ચણા-સોયાબીન-બદામ વગેરે ખોરાક અને અમુક વિશિષ્ટ પ્રકારની હવામાં તરતી પરાગરજ કે ફૂગનો સમાવેશ થાય છે.
આપણે કેટલીપણ સજાગતા, ચોક્સાઈ કે ચોખ્ખાઈ રાખીએ તો પણ એલર્જી કરનાર પરિબળો શરીરમાં પ્રવેશ કરે જ છે અને વધુ ઓછા અંશે એલર્જીના ચિન્હો દેખાય જ છે. જ્યારે આવા એલર્જીના હુમલા થાય ત્યારે તેની સારવાર તીવ્રતા અને જે અંગ-સિસ્ટમ ઉપર અસર થઈ હોય તે મુજબની થતી હોય છે. સમાન્ય સંજોગોમાં એન્ટી હિસ્ટામાઈન, લ્યુકોટ્રાઈન, ઈન્હીબીટર, સ્ટીરોઈડ કે તીવ્ર હુમલામાં એફ્રીનાબીન જેવી લાઈફ સેવિંગ સારવારની જરૂરત એલર્જીને કાબૂમાં રાખવામાં પડતી હોય છે. આ દરેક સારવાર ક્વોલિફાઈડ ડોક્ટર દ્વારા તેમની દેખરેખમાં નિયંત્રિત રીતે અપાય તે ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે લોકો જાણી જાય છે કે આ દવાથી મારું કામ ચાલી જશે અને એ દવાઓ વર્ષો વર્ષ સુધી લીધા કરે છે. અંતે એ દવાઓની ગંભીર આડઅસર થાય ત્યારે દવાઓ બદનામ થાય છે નહીં કે અનિયંત્રિત ઉપયોગ કરનાર વ્યક્તિ. આવી આડઅસરોથી બચવા માટે અન્ય સારવાર પદ્વતિનો પણ ઉપયોગ લોકો કરતા હોય છે જો ચોક્કસ ક્વોલિફિકેશન ધરાવતા નિષ્ણાંતો આવી સારવાર આપે તો તેમાં પણ સારા પરિણામો મળી શકે છે. એલર્જીની દવાઓથી કરાતી સારવાર ઉપરાંત ડિ-સેન્સિટાઈઝેશન પદ્વતિ અને ઈમ્યુન થેરાપી પણ ઉપલબ્ધ છે. આ જટીલ, ખર્ચાળ પરંતુ વધુ અસરકારક સારવાર ક્વોલિફાઈડ નિષ્ણાંતો દ્વારા અંગત દેખરેખ હેઠળ જ કરાય છે અને તેમાં ઘણાં હઠીલી એલર્જીના દર્દીઓને રાહત મળી શકે છે.
અંતે આપણે એટલું તો સમજીએ જ કે એલર્જીએ આપણાં શરીરનાં કોઈ બહારના તત્વ પ્રત્યેના અણગમાની તીવ્ર પ્રતિક્રિયા છે. આ પ્રતિક્રિયાનો સંબંધ આપણી મનોસ્થિતી સાથે પણ રહેલો છે. ગુસ્સો, ચિંતા, સ્ટ્રેસ વગેરે પરિબળો પણ એલર્જી ધરાવનાર વ્યક્તિઓને વધુ તીવ્ર એલર્જીનો હુમલો કરાવી શકે છે. માટે ફક્ત દુનિયાને કે વાતાવરણને દોષ આપ્યા વગર જાતને સુધારવા – કંટ્રોલ કરવાથી પણ એલર્જી ધરાવનાર વ્યક્તિ સહજ જીવન જીવી શકે છે.
લેખક : ડો પાર્થિવ મહેતા. પલ્મોનોલોજિસ્ટ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020