অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

એલર્જીના પ્રકાર, કારણ અને લક્ષણો

એલર્જીના પ્રકાર, કારણ અને લક્ષણો

વિશ્વમાં એલર્જીની બિમારીઓમાં વધારો થતો જણાય છે. એમ માનવામાં આવે છે કે વિશ્વનું વધતું જતું તાપમાન અને શહેરીકરણ જેવી જીવનશૈલી કારણભુત છે. પર્ફ્યુમ, ધૂમ્ર, પ્રદૂષણ વગેરે જેવા રાસાયણિક અથવા ભૌતિક પદાર્થો કેટલીક વ્યક્તિઓમાં શ્વાસોચ્છ્વાસના બિન-એલર્જિક પરંતુ એલર્જી જેવા લક્ષણો પેદા કરી શકે છે. ઘણી વખત બંને પરિસ્થિતિઓ (એલર્જીક અને બિન-એલર્જીક) સહઅસ્તિત્વ ધરાવે છે.
આનુવંશિક વલણ ( જીનેટીક ટેંડંસી) અને એલર્જનના સંપર્ક (એલર્જન એક્સ્પોઝર) નું સંયોજન (કમ્બાઇનેશન) એલર્જીક પ્રગટીકરણ (લક્ષણો) તરફ દોરી જાય છે. એલર્જન એ પર્યાવરણીય અથવા ખાદ્ય પદાર્થો છે જે એલર્જી પેદા કરી શકે છે. શ્વાસમાં લેવાતા પદાર્થોમાં સામાન્ય રીતે ઘાસ, ઝાડ અને નીંદણ અથવા નકામા રોપા (વીડ) ની પરાગ, ઘરની ધૂળની જીવાત (હાઉસ ડસ્ટ માઇટ), ફુગના બીજ, પશુની ત્વાચાના તત્વો, વગેરેના તત્વોનો સમાવેશ થાય છે. ખાદ્ય પદાર્થોમાં કોઈપણ ખોરાકના તત્વો હોઇ શકે છે પરંતુ તેમાં સામાન્ય રીતે દૂધ, સોયા, ઘઉં, ઇંડા, મગફળી, કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, માછલી અને તલના બીજના તત્વોનો સમાવેશ થાય છે. સ્થાનિક ખાદ્ય પદાર્થ અલગ અલગ હોવાથી, ખાદ્ય પદાર્થાના તત્વોની એલર્જી, વિશ્વના વિવિધ પ્રદેશોમાં અલગ અલગ હોઇ શકે છે.
એલર્જીક પ્રતિક્રિયા (એલર્જીક રીએક્શન) એ શરીરના સંરક્ષણ તંત્રની (ઇમ્યુન સીસ્ટમની) પ્રક્રિયા છે. આનુવંશિક વલણને કારણે, રોગપ્રતિકારક તંત્ર (ઇમ્યુન સીસ્ટમ) એલર્જનના સંપર્કમાં થતાં ક્રિયાપ્રતિક્રિયા કરે છે જેથી તે ચોક્કસ એલર્જન (સ્પેસીફીક એલર્જન) માટે સંવેદનશીલતા (સેંસિટાઇઝેશન) પેદા કરે છે. સામાન્ય રીતે તેનો અર્થ એવો થાય છે કે વિશિષ્ટ (સ્પેસીફીક) એલર્જનના ચોક્કસ (સ્પેસીફીક) તત્વ માટે વિશિષ્ટ એન્ટીબોડી ઇ (સ્પેસીફીક IgE) નું ઉત્પાદન થાય છે. આ સંવેદનશીલતા એલર્જીક અભિવ્યક્તિ (રીએક્શન)નુ કારણ બની શકે છે પરન્તુ સંવેદનશીલતાને લીધે એલર્જીક અભિવ્યક્તિ (ઓ) બનેજ એમ જરૂરી નથી. સંવેદનશીલતા સંપૂર્ણ જીવન માટે એલર્જીક અભિવ્યક્તિ (ઓ) વગર રહી શકે છે. તેથી, પ્રકાશિત એલર્જી સાહિત્ય (પબ્લિશ્ડ એલર્જી લિટરેચર) મુજબ, ફક્ત સંવેદનશીલતા શોધવાથી - હોવાથી જ એલર્જી છે તેમ નથી. “એલર્જી” છે એમ કહેવા માટે, ચોક્કસ એલર્જનથી ઉત્પન થયેલ સંવેદનશીલતાને અભિવ્યક્તિ (ઓ) સાથે સંબંધિત હોવું જરુરી છે.

એલર્જી અભિવ્યક્તિઓમાં નાકમાં ખંજવાળ, નાકમાંથી પાણી નિકળવું, નાક બન્ધ થઇ આવુ, છીંકો આવવી; આંખમાં ખંજવાળ, પાણી અથવા લાલાશ; કાનની ખંજવાળ, કાનમાં અવાજ સાંભળવામાં તકલીફ; ગળામાં ખંજવાળ; અને અસ્થમા જેવી શ્વસન સમસ્યાઓનો સમાવેશ થાય છે. ચામડીની લાક્ષણિકતાઓમાં ખંજવાળ, ખરજવું, વગેરેનો સમાવેશ થાય છે. કેટલીકવાર બાળપણમાં થયેલ ત્વચાના એલર્જીક લક્ષણો, ખાધ્ય પદાર્થની એલર્જી, અનુનાસિક અને આંખનાં લક્ષણો અને અસ્થમામાં પ્રગતિ કરે છે. ખાદ્ય પદાર્થની એલર્જી, શ્વસન અને / અથવા ત્વચાની અવસ્થા સાથે પ્રગટ કરી શકે છે. તે પેટમાં દુખાવો, ઉલટી, ઝાડા કરી શકે છે અને કેટલીક વખત જીવન જોખમી સ્થિતિ “એનાફાઇલેક્સિસ” થઈ શકે છે.

મધમાખી જેવા જંતુના ડંખના ઝેર પ્રત્યે જીવલેણ પ્રતિક્રિયા થઇ શકે છે અને તે માટે યોગ્ય તપાસ, સાવચેતી અને ઉપચારની જરૂર હોય છે. આ સ્થિતિને ગંભીરતાપૂર્વક લેવી જોઈએ.

જ્યારે એલર્જી સૂચવતા લક્ષણો હોય ત્યારે એલર્જીક સ્થિતિ માટે તપાસ કરવામાં આવે છે. શરૂઆત વિસ્તૃત પૂર્વ-વિગત (ડિટેઇલ્ડ હીસ્ટ્રી) અને શારીરિક તપાસ (એક્ઝામીનેશન) થી થાય છે. રક્ત ગણતરી, થાઇરોઇડ ટેસ્ટ, વગેરે જેવા કોમન લૅબ્સની સલાહ આપવામાં આવે છે અને પૂર્વ-વિગત અને શારીરિક તપાસ આધારીત, ફેફસાની ટેસ્ટ્ની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે, જરુર જણાય તો, પ્રાદેશિક કોમન ઇન્હેલન્ટ (શ્વાસમાં લેવાતા) એલર્જેન્સને પરીક્ષણ માટે ગણવામાં આવે છે. એલર્જી સાહિત્ય માત્ર શંકાસ્પદ ખોરાક માટે જ ખોરાકની ચકાસણી કરવાની ભલામણ કરે છે. ત્વચાના પરીક્ષણને (સ્કીન ટેસ્ટને) પ્રમાણભૂત (ગોલ્ડ સ્ટાન્ડર્ડ) માનવામાં આવે છે. જોકે, જ્યારે ચામડીની ચકાસણી ન કરી શકાય અથવા ઇચ્છિત ન હોય ત્યારે વિશ્વસનીય લેબ ટેસ્ટ કરી શકાય છે. હકારાત્મક પરીક્ષણ પરિણામો (પોઝીટીવ ટેસ્ટ) ને, અભિવ્યક્તિ (ઓ)ને એલર્જન (ઓ) સાથેના સબંધને ધ્યાનમાં રાખીને વિચારવામાં આવે છે.

પ્રાથમિક સારવાર તરીકે, જાણીતા એલર્જનના સંપર્ક ના નિવારણ (પ્રીવેંશન) અને તે માટે સાવચેતી રાખવી યોગ્ય ગણાય છે. લક્ષણો નિયંત્રિત કરવા અને મૂળભૂત એલર્જીક પ્રક્રિયાને નિયંત્રિત કરવા માટે વિવિધ દવાઓ ઉપલબ્ધ છે જેની અસર વિભિન્ન (વેરીએબલ) હોઇ શકે. હાલમાં એલર્જીક દર્દ માટે કાયમને માટે નાબુદ થઇ જાય એવો કોઈ ઉપાય નથી. એલર્જિક ઇમ્યુન પ્રતિસાદને બદલવા માટે પદ્ધતિઓ ઉપલબ્ધ છે જેમાં શ્વાસમાં લેવાતા એલર્જેન્સ માટે ઇન્જેક્શન થેરાપી અથવા સબલિંગ્યુઅલ (જીભ નીચે) થેરાપીનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે આ થેરાપી ત્રણ થી પાંચ વર્ષ માટે લેવાની હોય છે.

ઇંજેક્શન માટે ડોક્ટરના ક્લિનિક પર અઠવાડિયામાં એક વખત જવુ પડે છે અને ઇંજેક્શન લીધા પછી સંભવીત રીએક્શનના અવલોકન માટે 30 મિનિટ માટે બેસવાનું હોય છે. સબલિંગ્યુઅલ થેરાપી માટે શરુઆતના ડોઝ માટે સંભવીત રીએક્શનના અવલોકન માટે ક્લિનિકમાં બેસવાનુ હોય છે પરંતુ પછી ઘરે લઇ શકાય છે. સબલિંગ્યુઅલ થેરાપી વધુ સલામત ગણાય છે જ્યારે ઇંજેક્શન થેરાપી વધુ અસરકારક ગણાય છે. હાલ સબલિંગ્યુઅલ થેરાપી માટે યુએસમાં ઘાસ, રેગવીડ અને હાઉસ ડસ્ટ માઇટની ગોળી માન્ય છે. સલામત અને અસરકારક ઉપચાર વિકસાવવા સંશોધકો ખૂબ જ સક્રિય છે. જોખમોને કારણે, એલર્જી સાહિત્યમાં ખોરાકની ઇમ્યુનોથેરાપીની ભલામણ કરવામાં આવતી નથી. તે માટે સંશોધનો ચાલુ છે.

તે સમજવું મહત્વનું છે કે એક એલર્જીક અભિવ્યક્તિ અન્ય એલર્જીક અભિવ્યક્તિ તરફ પ્રગતિ કરી શકે છે જે બાળકોમાં થઇ શકે છે જેને એટોપિક માર્ચ (એલર્જીક કૂચ) કહેવાય છે. કેટલાક સાવચેતી સાથેના પગલાં અને યોગ્ય અનુવર્તન (ફોલો અપ)ની લાંબા ગાળાના નિયંત્રણ માટે ભલામણ કરવામાં આવે છે. ફક્ત સારું લાગવું એ નિયંત્રણ અથવા રીઝોલ્યુશનના સંકેત માટે પૂરતું ન હોઈ શકે.

આડઅસરો ઉપરાંત દવાઓની પ્રતિક્રિયા, ડ્રગ એલર્જી તરીકે ઓળખાતી પ્રતિક્રિયા થઇ શકે છે. આ પ્રતિક્રિયાઓ વિવિધ પ્રકારની હોય છે અને તેના વ્યવસ્થાપન માટે યોગ્ય તપાસ જરૂરી હોય છે. વિકસિત વિશ્વમાં સંશોધકો ઉકેલ શોધવામાં સક્રિય છે જેથી દર્દીને આપવામાં આવે તે પહેલાં ડ્રગ એલર્જી પ્રતિક્રિયાની સંભાવના જાણી શકાય. એલર્જી સાહિત્ય મુજબ, એવું માનવામાં આવે છે કે હાલમાં ડ્રગ એલર્જી પ્રતિક્રિયા (પેનિસિલિન આઈજીઇ પ્રતિક્રિયા સિવાય) ની આગાહી કરવા માટે કોઈ વિશ્વસનીય પરીક્ષણ નથી. તે વધુ મુશ્કેલ છે કારણ કે વિવિધ પ્રકારની ડ્રગ એલર્જી પ્રતિક્રિયાઓ જોવા મળે છે. માર્ગદર્શિકા મુજબ ફક્ત વિશ્વસનીય માનવામાં આવતી ટેસ્ટ પેનિસિલિન ત્વચા પરીક્ષણ છે. જો કે, એવું જણાય છે કે પેનિસિલિન ત્વચા પરીક્ષણ માટે જરૂરી તમામ સામગ્રી ભારતમાં ઉપલબ્ધ નથી..મધમાખી જેવા જંતુના ડંખના ઝેર પ્રત્યે જીવલેણ પ્રતિક્રિયા થઇ શકે છે અને તે માટે યોગ્ય તપાસ, સાવચેતી અને ઉપચારની જરૂર હોય છે, આ સ્થિતિને ગંભીરતાપૂર્વક લેવી જોઈએ

ઉપરોક્ત અને વધુ માહિતી માટે, વાચકને નીચેની વેબસાઇટ્સની મુલાકાત લેવાની સલાહ છે :

  • અમેરિકન એકેડેમી ઓફ એલર્જી અસ્થમા અને ઇમ્યુનોલોજી (AAAAI) www.aaaai.org.
  • અમેરિકન કોલેજ ઓફ એલર્જી અસ્થમા અને ઇમ્યુનોલોજી (ACAAI): www.acaai.org.
  • યુરોપીયન એકેડેમી ઓફ એલર્જી અને ક્લિનિકલ ઇમ્યુનોલોજી (EAACI) : www.eaaci.org.
  • ઑસ્ટ્રેલેશિયન સોસાયટી ઓફ ક્લિનિકલ ઇમ્યુનોલોજી અને એલર્જી (ASCIA): www.allergy.org.au.
  • વર્લ્ડ એલર્જી ઓર્ગેનાઇઝેશન (વિશ્વ એલર્જી સંગઠન) (WAO) : www.worldallergy.org.
  • ગ્લોબલ ઇનિશિએટીવ ફોર અસ્થમા (અસ્થમા માટે વૈશ્વિક પહેલ) (GINA) : www.ginasthma.org.
  • નેશનલ હાર્ટ લંગ અને બ્લડ ઇન્સ્ટિટ્યુટ (NHLBI): www.nhlbi.nih.gov/health/public/lung/index.htm#asthma.

સ્ત્રોત : લેખક -ડો રાજેન ત્રિવેદી,એલર્જી એન્ડ અસ્થમા કન્સલ્ટન્ટ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate