অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ક્રોનિક કિડની ફેલ્યરની સારવાર

ક્રોનિક કિડની ફેલ્યરની સારવાર

  1. દવા તથા પરેજી દ્વારા સારવાર
    1. ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓ માટે દવા તેમજ પરેજી દ્વારા સારવાર શા માટે અગત્યની છે?
    2. શા માટે ક્રોનિક કિડની ફેલ્યરના ઘણા દર્દીઓ દવા અને પરેજી દ્વારા સારવારનો ફાયદો લેવામાં નિષ્ફળ રહે છે ?
    3. દવા – પરેજી દ્વારા સારવારનો હેતુ શું છે ?
  2. સી.કે.ડી ની દવા દ્વારા સારવાર ના નવ સોનેરી સૂચનો:
    1. કિડની ફેલ્યરના કારણોની સારવાર :
    2. કિડનીની કાર્યક્ષમતા જાળવી રાખવા માટેની સારવાર:
    3. કિડની ફેલ્યરને કારણે ઉભા થતા પ્રશ્નોની સારવાર:
    4. કિડનીને થતું વધુ નુક્શાન અટકાવવું :
    5. જીવનશૈલીમાં જરૂરી ફેરફારો અને સામાન્ય સૂચનો કિડની ને વધુ નુકસાન થતું અટકાવવા માટે નીચે મુજબ કાળજી જરૂરી હોય છે
    6. ખોરાક માં પરેજી
    7. કિડની ફેલ્યરની દવા દ્વારા સારવારમાં સૌથી અગત્યની સારવાર કઈ છે ?
    8. કિડની ફેલ્યર માં શા માટે લોહી માં ફિક્કાશ જોવા મળે છે? તેની સારવાર કઈ રીતે કરવામાં આવે છે ?
    9. લોહીની ફિક્કાસ ની સારવાર શા માટે જરૂરી છે?
    10. કિડની ફેલ્યરની ભવિષ્યની સારવાર ની તૈયારી :
    11. નેફ્રોલોજીસ્ટ દ્વારા ની દેખરેખ અને તપાસ:

ક્રોનિક કિડની ફેલ્યરની સારવારની મુખ્ય ત્રણ પદ્ધતિઓ છે :

  • ક્રોનિક કિડની ફેલ્યરમાં શરૂઆતમાં જયારે કિડની વધુ બગડી ન હોય ત્યારે નિદાન બાદ દવા અને ખોરાકની પરેજી દ્વારા સારવાર આપવામાં આવે છે.
  • જયારે કિડની વધુ બગડે, કિડનીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થાય ત્યારે ડાયાલિસિસ ની જરૂર પડે છે અને તેમાના કેટલાક દર્દીઓને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન જેવી વિશિષ્ટ સારવાર આપવા માં આવે છે.

દવા તથા પરેજી દ્વારા સારવાર

ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓ માટે દવા તેમજ પરેજી દ્વારા સારવાર શા માટે અગત્યની છે?

ક્રોનિક કિડની ફેલ્યર ન મટી શકે તેવો રોગ છે. કિડની વધુ બગડે ત્ત્યારે જરૂરી ડાયાલીસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન જેવી સારવાર ખર્ચાળ છે,બધે સરળતાથી ઉપલબ્ધ નથી અને સાજા થવાની સંપૂર્ણ ખાતરી આપતી નથી.તો શા માટે ઓછા ખર્ચે,ઘર આંગણે શક્ય એવી દવા અને પરેજીની સારવારને ચુસ્તપણે અમલ કરી કિડનીને વધુ બગડતી ન અટકાવીએ !

કિડની બગાડવા છતાં યોગ્ય સારવાર દ્વારા દર્દી લાંબો સમય સુધી સ્વસ્થ રહી શકે છે.

શા માટે ક્રોનિક કિડની ફેલ્યરના ઘણા દર્દીઓ દવા અને પરેજી દ્વારા સારવારનો ફાયદો લેવામાં નિષ્ફળ રહે છે ?

ક્રોનિક કિડની ફેલ્યરના શરૂઆતના તબક્કામાં યોગ્ય સારવાર કિડનીને બગડતી અટકાવવામાં સૌથી વધુ અસરકારક રહે છે.કમનસીબે ક્રોનિક કિડની ફેલ્યર ના શરૂઆતના ચિહ્નો ખુબજ ઓછા હોય છે,અને દર્દીઓ પોતાનું રોજબરોજનું કામ સરળતાથી કરતા હોય છે,આથી ડોક્ટર દ્વારા સમજણ અને ચેતવણી આપવા છતાં રોગની ગંભીરતા અને સમયસરની સારવારથી થતો ફાયદો દર્દી અને તેના કુટુબીજનોના મગજમાં ઉતરતો નથી.અનિયમિત, અયોગ્ય અને અધુરી સારવારને કારણે કિડની વધુ ઝડપથી બગડી શકે છે અને ટૂંકા સમયમાં તબિયત વધુ બગડતા ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન જેવી ખર્ચાળ સારવારની જરૂર પડે છે અને બેદરકારીને કારણે કેટલાક દર્દીઓ જીંદગી પણ ગુમાવી શકે છે.

દવા – પરેજી દ્વારા સારવારનો હેતુ શું છે ?

ક્રોનિક કિડની ફેલ્યરને મટાડી શકે તેવી કોઈ પણ દવા ઉપલબ્ધ નથી.કોઈ પણ સારવાર છતાં આ રોગ ધીમે ધીમે વધતો જાય છે.દવા તથા પરેજી દ્વારા સારવારના હેતુઓ નીચે મુજબ છે :

  1. કિડનીની બચેલી કાર્યક્ષમતા જાળવી રાખી કિડની બગડવાની ઝડપ ઘટાડવી.
  2. રોગ ના કારણો ની સારવાર.
  3. રોગને કારણે દર્દીને થતી તકલીફમાં રાહત આપવી.
  4. હદય રોગ થવાની શક્યતા ઘટાડવી.
  5. ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડે તે તબક્કો શક્ય એટલો મોડો થાય તે માટે પ્રયત્નો કરવા.

ક્રોનિક કિડની ફેલ્યરની વધુ વહેલી સારવાર વધુ ફાયદામંદ રહે છે.

સી.કે.ડી ની દવા દ્વારા સારવાર ના નવ સોનેરી સૂચનો:

કિડની ફેલ્યરના કારણોની સારવાર :

સી.કે.ડી. થવા માટે જવાબદાર નીચે મુજબ ના રોગો ની યોગ્ય સારવાર થી ક્રોનિક કિડની ફેલ્યર માં કિડની ને વધુ બગડતી અટકાવી શકાય, કિડની ની કાર્યક્ષમતા જાળવી શકાય અથવા કિડની ની કાર્યક્ષમતા માં સુધારો થઇ શકે.

  • ડાયાબિટીસ તથા બ્લડપ્રેસરની યોગ્ય સારવાર.
  • પેશાબના ચેપની જરૂરી સારવાર.
  • પથરી માટે જરૂરી ઓપરશન કે દૂરબીન દ્વારા સારવાર.
  • અન્ય કારણો જેમ કે ગ્લોમેરુલોનેફ્રાઈટીસ, પથરી, દવાને કારણે કિડની પર થયેલ આડઅસર વગેરે ની યોગ્ય સારવાર.

કિડનીની કાર્યક્ષમતા જાળવી રાખવા માટેની સારવાર:

  • લોહીનું દબાણ કાબુમાં રાખવું
  • શરીરમાં પ્રવાહીની માત્રા યોગ્ય પ્રમાણમાં જાળવવી.
  • એસીડોસીસની સારવાર માટે સોડીયમ બાયકાર્બોનેટ(સોડામીન્ટ) નો ઉપયોગ કરવો.

કિડની ફેલ્યરને કારણે ઉભા થતા પ્રશ્નોની સારવાર:

  • લોહીના દબાણને કાબુમાં રાખવું.
  • સોજા ઘટાડવા માટે પેશાબ વધારવાની દવાઓ(ડાઈયુરેટીક્સ) આપવી.
  • ઉલટી-ઉબકા- એસીડીટી માટે ખાસ દવાઓ દ્વારા સારવાર આપવી.
  • હાડકાની તંદુરસ્તી માટે કેલ્સિયમ(Shelcal,Sandocal) અને સક્રિય વિટામીન ડી (AlfaD3 અને Rocaltrol) દ્વારા સારવાર આપવી.
  • લોહીની ફિક્કાસ(એનીમિયા) માટે લોહતત્વ,વિટામીનની દવાઓ અને ખાસ જાતના એરિથ્રોપોએટીનના ઇન્જેકશનો દ્વારા સારવાર આપવી.
  • આ રોગ અટકાવવા કિડની બગડવાના મૂળભૂત કારણોની યોગ્ય સારવાર જરૂરી છે.

કિડનીને થતું વધુ નુક્શાન અટકાવવું :

  • કિડનીને નુકશાન કરે તેવી દવાઓ (પીડાશામક દવા,કેટલીક એન્ટીબાયોટીક્સ દવાઓ) કે આયુર્વેદિક ભસ્મ ન લેવી.
  • કિડનીને નુકશાન કરી શકે તેવા અન્ય રોગોની (ઝાડા-ઉલટી,ઝેરી મેલેરિયા, સેપ્ટિસેમીયા) વગેરેની સમયસર ઝડપી સારવાર કરવી.
  • કિડનીને નુકશાન કરી શકે તેવા કિડનીના રોગોની(પેશાબનો ચેપ , પથરી, મુત્રમાર્ગમાં અવરોધ વગેરેની) સમયસરની ઝડપી સારવાર કરવી.
  • ધુમ્રપાન ન કરવું.તમાકુ,ગુટકા તથા દારૂ ન લેવા.

જીવનશૈલીમાં જરૂરી ફેરફારો અને સામાન્ય સૂચનો કિડની ને વધુ નુકસાન થતું અટકાવવા માટે નીચે મુજબ કાળજી જરૂરી હોય છે

  • ધુમ્રપાન ન કરવું અને તંબાકુ, ગુટકા, દારૂ નો ત્યાગ કરવો.
  • શરીર નું યોગ્ય વજન જાળવવું, નિયમિત કસરત કરવી અને કાર્યશીલ રહેવું.
  • પોષ્ટિક ખોરાક લેવો અને ખોરાકમાં નમક (મીઠું) ઓછુ લેવું.
  • ડોક્ટર ને નિયમિત બતાવી ચેકઅપ કરાવતા રહેવું અને સુચના મુજબ દવા નિયમિત લેવી.

ખોરાક માં પરેજી

સોડીયમ (મીઠું) : લોહીના દબાણના કાબુ અને સોજા ને ઘટાડવા માટે મીઠું (નમક) ઓછું(રોજનું ૨ થી ૩ ગ્રામ) લેવું જોઈએ.વધુ મીઠું ધરાવતા ખોરાક જેવા કે પાપડ , અથાણા, સંભાર, વેફર વગેરે સદંતર ન લેવા જોઈએ.

પ્રવાહીની માત્રા : પેશાબ ઓછો થવાથી સોજા અને શ્વાસની તકલીફ થઇ શકે છે.૨૪ કલાકમાં થતા પેશાબ માં કુલ પ્રમાણ ઉપરાંત ૫૦૦ એમ.એલ. પ્રવાહી લેવાથી સોજા થતા અટકાવી શકાય છે.ટૂંકમાં સોજા હોય તેવા દર્દીએ પ્રવાહી ઓછું લેવું અત્યંત આવશ્યક છે.

પોટેશિયમ : કિડની ફેલ્યરના દર્દીઓને પોટેશિયમ ધરાવતો ખોરાક જેવો કે ફળો,સુકોમેવો અને નારીયેલ પાણી વગેરે ઓછા લેવાની સલાહ દેવા માં આવે છે.પોટેશિયમનું પ્રમાણ હ્રદય પર ગંભીર જીવલેણ અસર કરી શકે છે.

પ્રોટીન : કિડની ફેલ્યરના દર્દીઓને વધારે પ્રોટીનવાળો ખોરાક ન લેવાની સલાહ આપવામાં આવે છે.જોકે શાકાહારી દર્દીઓના ખોરાકમાં પ્રોટીનના પ્રમાણમાં કોઈ મોટો ફેરફાર કરવાની જરૂર પડતી નથી.નબળા પ્રકારના પ્રોટીન ધરાવતા કાઠોડ વાળો ખોરાક ઓછા પ્રમાણમાં લેવાની સલાહ આપવામાં આવે છે .

કેલરી : પૂરતા પ્રમાણમાં કેલરી (૩૫ Kcal/Kg) શરીરના જરૂરી પોષણ અને પ્રોટીનના બિનજરૂરી વ્યય અટકાવવા માટે જરૂરી છે.

ફોસ્ફરસ: ફોસ્ફરસ યુક્ત પદાર્થો કિડની ફેલ્યરના દર્દીઓને ઓછા લેવા જરૂરી છે.

કિડની ફેલ્યરની દવા દ્વારા સારવારમાં સૌથી અગત્યની સારવાર કઈ છે ?

કિડની ફેલ્યરની સારવારમાં લોહીના દબાણને કાબુમાં રાખવું તે સૌથી વધુ અગત્યનું છે.કિડની ફેલ્યરમાં મોટાભાગના દર્દીઓમાં લોહીનું ઊંચું દબાણ જોવા મળે છે.જે નબળી કિડનીને બોજારૂપ બની તેને ઝડપથી નુકસાન કરી શકે છે.

ક્રોનિક કિડની ફેલ્યરમાં ખોરાકની યોગ્ય પરેજીથી કિડની બગડતી અટકે છે.

કિડની ફેલ્યરમાં પેશાબ ઘટતા સોજા અને શ્વાસ ચડવાની તકલીફ પણ થઇ શકે છે.ડાઈયુરેટીક્સ તરીકે જાણીતી દવાઓ (Lasix Frusinex,Tide,Dytor વગેરે)પેશાબનું પ્રમાણ વધારી સોજા,શ્વાસ ઘટાડી શકે છે એ યાદ રાખવું જરૂરી છે કે આ દવાઓથી ફક્ત પેશાબનું પ્રમાણ વધે છે,કિડનીની કાર્યક્ષમતા વધતી નથી.

કિડની ફેલ્યર માં શા માટે લોહી માં ફિક્કાશ જોવા મળે છે? તેની સારવાર કઈ રીતે કરવામાં આવે છે ?

સામાન્ય રીતે કામ કરતી કિડની એરીથ્રોપોયેટીન હોર્મોન બનાવે છે. જે રક્તકણ બનાવવા માં મદદરૂપ થાય છે. કિડની ફેલ્યર ના દર્દીઓ માં કિડની ની કાર્યક્ષમતા ઘટવા સાથે એરીથ્રોપોયેટીન ઓછુ બને છે જેથી રક્તકણ નું ઉત્પાદન ઘટે છે અને લોહી માં ફિક્કાશ થાય છે.

આ માટે જરૂરી લોહ અને વિટામીન ધરાવતી દવાઓ આપવામાં આવે છે.કિડની વધુ બગડે ત્યારે આ દવાઓ છતાં હિમોગ્લોબીનમાં ઘટાડો જોવા મળે છે.આ તબક્કે ખાસ જાતના એરીથ્રોપોયેટીન ના(Eprex,Wepox,Vintor વગેરે ) ઇન્જેકશનો આપવામાં આવે છે.આ ઇન્જેકશનો ખુબજ અસરકારક રીતે હિમોગ્લોબીન વધારે છે. જો કે આ ઇન્જેકશનો સલામત,અસરકારક અને સરળ રીતે આપી શકતા હોવા છતાં,વધુ ખર્ચાળ હોવાને કારણે બધા દર્દીઓ વાપરી શકતા નથી.આવા દર્દીઓ માટે ઓછી ખર્ચાળ અને વધુ જોખમી પધ્ધતિ લોહી ચડાવવાની છે.

લોહીની ફિક્કાસ ની સારવાર શા માટે જરૂરી છે?

લોહીમાંનું હિમોગ્લોબીન ફેફસામાંથી ઓક્સીજન લઇ આખા શરીર માં પહોચાડવાનું અગત્ય નું કામ કરે છે.લોહી ની ફીકકાસ એટલે કે હિમોગ્લોબીન ઘટી જવાને કારણે નબળાઈ લાગવી,થાક લાગવો,થોડું કામ કરવાથી શ્વાસ ચડી જવો,છાતી માં દુખાવો થવો,શરીર ની રોગપ્રતિકારક શક્તિ ઘટી જવી વગેરે તકલીફો થઇ શકે છે.આથી કિડની ફેલ્યરના દર્દીની તંદુરસ્તી માટે લોહીની ફિક્કાસની સારવાર જરૂરી છે.

કિડનીને બચાવવા માટે સૌથી મહત્વની સારવાર લોહીના દબાણ નો હમેશા માટે યોગ્ય કાબુ(૧૪૦/૮૪ થી ઓછું) છે.

કિડની ફેલ્યરની ભવિષ્યની સારવાર ની તૈયારી :

કિડની ફેલ્યર ના નિદાન બાદ ડાબા હાથની નસો(Veins) ને નુકશાન થતું અટકાવવા, તેમાંથી લોહી ન લેવું અને તેમાં કોઈ ઇન્જેક્શન કે બાટલા ન ચડાવવા.

કિડની વધુ બગડે ત્યારે,ડાબા હાથમાં ધમની-શીરાનું જોડાણ એટલે કે એ.વી.ફિસ્ચ્યુલા (Arterio-Venous Fistula) કરાવવી,જે લાંબો સમય હિમોડાયાલિસીસ કરવા માટે જરૂરી છે.

 

હિપેટાઈટીસ – બીના વેક્સીનનો કોર્સ વહેલાસર આપવાથી જયારે ડાયાલિસિસ કે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે ત્યારે હિપેટાઈટીસ બી (ઝેરી કમળો) થવાનું જોખમ ઘટાડી શકાય છે. હિપેટાઈટિસ - બી માટે ના વેક્સીન ચાર વખત લેવાના હોય છે. જે સી.કે.ડી. ના નિદાન પછી તરત લેવા ફાયદાકારક છે. પહેલા ત્રણ ઇન્જેક્શન એક મહિના ના અંતરે અને ચોથું ઇન્જેક્શન ત્રીજા ઇન્જેક્શન બાદ ૪ મહીને. દરેક વખતે આ ઇન્જેક્શન નો ડોસ સામાન્ય કરતા બમણો હોય છે. જે ૧ ml ડાબા હાથના ખંભે અને ૧ ml જમણા હાથ ના ખંભે લેવાના રહેશે.

દર્દી અને કુટુંબ ને વહેલાસર (pre - emptive) ના કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ના ફાયદાઓ સમજાવવા,ડાયાલિસિસ ની જરૂરિયાત ઉભી થાય તે પહેલા જ કરવામાં આવતા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ને "વહેલાસર(pre- emptive) નું કિડની ટ્રાન્સપ્લાન્ટેશન" કહેવામાં આવે છે.

ક્રોનિક કિડની ફેલ્યરમાં સારી તબીયત માટે લોહીમાં હિમોગ્લોબીનનું યોગ્ય પ્રમાણ મહત્વનું છે

નેફ્રોલોજીસ્ટ દ્વારા ની દેખરેખ અને તપાસ:

  • કિડની ને થતું નુકશાન અટકાવવા માટે દર્દીએ નેફ્રોલોજીસ્ટની સુચના મુજબ નિયમિતપણે તબિયત બતાવવી અને તપાસ કરાવવી અત્યંત જરૂરી છે.
  • નેફ્રોલોજીસ્ટ દર્દીની તકલીફ અને કિડનીની કાર્યક્ષમતાને ધ્યાનમાં લઇ કઈ સારવાર દર્દીને અનુકુળ રહેશે તે નક્કી કરે છે.

સ્ત્રોત: કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate