મેડિસિનનાં વિદ્યાર્થીઓ તરીકે આપણે પિત્તાશયની પથરીને સરળતાપૂર્વક યાદ રાખવા માટે એકસાથે ચાર શબ્દો “મેદસ્વી, 40 વર્ષ, મહિલા અને ફળદ્રુપતા”ની પેટર્નનો ઉપયોગ કરતાં હતાં. મેડિકલ સંશોધનનાં ક્ષેત્રમાં ઘણી પ્રગતિ થઈ હોવા છતાં આ પેટર્ન હજુ પણ સાચી છે. એટલે જો તમે 40 વર્ષથી વધારે વય ધરાવતી મહિલા હોવ અને તમે મેદસ્વીપણું ધરાવતાં હોય, તો તમે પિત્તાશયમાં પથરીનો રોગ થવાનું વધારે જોખમ ધરાવો છે. ઊંચું જોખમની સંભવિતતા હોવા છતાં મહિલાઓ આ રોગ વિશે ઓછી જાગૃતિ કે જાણકારી ધરાવે છે. સામાન્ય રીતે મેં જોયું છે કે, મોટા ભાગની મહિલાઓ અન્ય કોઈ સમસ્યા માટે સોનોગ્રાફી કરાવવા આવે છે, ત્યારે તેમનાં પિત્તાશયમાં પથરી હોવાનું નિદાન થાય છે. જોકે આમાં ચિંતા કરવાની કે ગભરાઈ જવાની જરૂર નથી, કારણ કે આ સમસ્યાનું સમાધાન સરળ સર્જરીથી થઈ શકશે.સામાન્ય રીતે આ સમસ્યાનું સમાધાન કરવા માટે પિત્તાશય દૂર કરવામાં આવે છે (જેને તબીબી ભાષામાં કોલેસિસ્ટેક્ટોમી કહેવાય છે). મોટા ભાગે પિત્તાશય દૂર કરવા માટે ઓછામાં ઓછી વાઢકાપની ટેકનિક (જે કી-હોલ સર્જરી/લેસર સર્જરી તરીકે લોકપ્રિય છે, પણ હકીકતમાં ખોટું છે) અને આ પ્રક્રિયાને તબીબી ભાષામાં “લેપરોસ્કોપિક કોલીસિસ્ટેક્ટોમી” કહેવાય છે.
અહીં કેટલાંક વારંવાર પૂછાતાં પ્રશ્રો અને તેનાં જવાબોની યાદી આપી છે, જેનાથી પિત્તાશયની પથરી વિશે મહિલાઓમાં જાણકારી કે જાગૃતિ આવશે.
પિત્તાશય એટલે શું?
- પિત્તાશય જામફળ આકારનું શરીરનું એક અંગ છે, જે યકૃતની નજીક હોય છે.
- આનું મુખ્ય કાર્ય યકૃતથી પેદા થતાં પાચક રસો (પિત્ત)ને એકત્ર અને સંકેન્દ્રિત કરવાનું છે. ભોજન લીધા પછી પિત્તાશયમાંથી પિત્ત મુક્ત થાય છે, જે પાચનમાં મદદ કરે છે. પિત્ત યકૃતની નળી (પિત્ત નળી)માંથી નાનાં આંતરડામાં પ્રવેશ કરે છે.
પિત્તાશયમાં પથરીમાં બનવા માટે કયું કારણ જવાબદાર છે?
- ચોક્કસ કારણોની જાણકારી હજુ સુધી મળી નથી એટલે દરેક કેસમાં એનું નિવારણ ન થઈ શકે.
- પણ સામાન્ય જોખમી પરિબળો છે – મહિલા, મેદસ્વીપણું, કોલેસ્ટેરોલનું ઊંચું સ્તર, આધેડ વય (40થી 50 વર્ષ), ચોક્કસ દવાઓ, લોહી સાથે સંબંધિત કોઈ પણ રોગ અને યકૃતનાં રોગો.
પિત્તાશયમાં પથરીને અટકાવવાની કોઈ ચોક્કસ રીત નથી અને અગાઉથી અસ્તિત્વ ધરાવતાં વિવિધ કારણોસર થોડાં લોકોને આનું જોખમ પણ હોય છે.
પિત્તાશયની પથરીને કારણે કઈ સમસ્યાઓ સર્જાઈ શકે છે?
- સંપૂર્ણપણે ચિહ્નો ન દેખાય એવું બની શકે છે .
- ચૂક, આંકડી કે પેટનો દુઃખાવો / પિત્ત પાછો પણ પડી શકે છે.
- કમળો – યકૃતની નળીમાં પથરી સરકી જવાથી .
- પિત્તાશયને ઇન્ફેક્શન લાગવું – પસ કે પરું બનવું / ફાટવું .
- યકૃતમાં પસ કે પરુ બનવું .
- સ્વાદુપિંડમાં બળતરા – પેટમાં અતિ દુઃખાવો – મોટી સમસ્યા છે, જેની સારવારમાં મહિનાઓ લાગી શકે છે .
આ તમામ સમસ્યાઓનું સમાધાન શું છે?
- સર્જરી – લેપરોસ્કોપિક કોલેસિસ્ટેક્ટોમી (લેપરોસ્કોપીની મદદથી પિત્તાશય અને પથરી બંને દૂર કરવા).
કિડનીની પથરીની જેમ કેટલીક દવાઓથી પથરી ઓગળી શકે છે?
- આ માટે કોઈ અસરકારક દવા નથી. .
પિત્તાશયને દૂર કર્યા વિના પથરીનો નિકાલ કરી શકાય?
ટેકનિકલ રીતે આ શક્ય છે. પણ હિતાવહ નથી. પિત્તાશયમાંથી પથરીનો નિકાલ કરવા માટે સર્જરી કરાવ્યાં પછી લગભગ તમામ દર્દીઓમાં થોડાં મહિનાઓમાં ફરી પથરી જોવા મળે છે. એટલે એકલી પથરીનો નિકાલ કરવાનો કોઈ ફાયદો નથી.
એન્ડોસ્કોપીની મદદથી પથરી દૂર કરી શકાય?આ પદ્ધતિને ERCP કહેવાય છે એટલે કે કમળાનાં કેસમાં યકૃતની નળીમાંથી પથરી દૂર કરવા માટેની એન્ડોસ્કોપી. બહુ થોડાં કેસોમાં આ પ્રક્રિયાની જરૂર હોય છે, પણ પિત્તાશયની પથરી માટે આ પદ્ધતિ ઉપયોગી નથી. સર્જરી એકમાત્ર ઉપાય છે.
પિત્તાશયને દૂર કર્યા પછી વધારે સમસ્યાઓ સર્જાશે?
પિત્તાશયને દૂર કર્યા પછી લાંબા ગાળે જટિલતા/આડઅસરો જોવા મળી હોય એવાં કોઈ પુરાવા નથી. વારંવાર જાજરૂ જવું, દુઃખાવો થવો વગેરે જેવી નાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જે મોટાં ભાગનાં કેસોમાં ટૂંકા ગાળા માટે હોય છે.
જો લક્ષણો કે ચિહ્નોમાં ઘટાડો થાય, તો ઓપરેશન કરાવવા માટેની રાહ જોવી ઉચિત છે?.
મોટા ભાગે આ તમારી ઇચ્છા અને અનુકૂળતાએ થતું ઓપરેશન છે. આમાં “તાત્કાલિક” ઓપરેશનની જરૂર નથી. પણ તમે એકવાર ચિહ્નો અનુભવો પછી કોઈ પણ સમયે મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને તેની ધારણા કોઈ બાંધી ન શકે. એટલે તમામ વ્યવહારિક કારણોને ધ્યાનમાં રાખીને તમને દુઃખાવો થાય પછી વહેલામાં વહેલી તકે સર્જરી કરાવવી હિતાવહ છે.
કેટલાંક કેસોમાં અમુક કારણોસર (ઇન્ફેક્શન/પરુ થવું વગેરે) આ સર્જરી તાત્કાલિક કરાવવાની જરૂર છે અને તાત્કાલિક ધોરણે સર્જરી કરાવવી વધારે ઉચિત છે.
આ સર્જરી કેવી રીતે થાય છે? આમાં વાઢકાપ થાય છે?
સામાન્ય રીતે આ સર્જરી લેપરોસ્કોપિક ટેકનિક એટલે કે ઓછામાં ઓછી વાઢકાપ સાથે થાય છે. પ્રચલિત ભાષામાં આને લેસર સર્જરી/કી હોલ સર્જરી/સ્ટિચલેસ સર્જરી કહેવાય છે. આ સર્જરીનો ફાયદો ઓછામાં ઓછી વાઢકાપ/બિલકુલ વાઢકાપ ન થવાનો છે. વળી આમાં દુઃખાવો ઓછો થાય છે અને સ્થિતિમાં ઝડપથી સુધારો થાય છે, જે તમને તરત જ રોજિંદા કામ પર પરત ફરવામાં મદદરૂપ થાય છે.
સર્જરી પછી સામાન્ય રીતે સ્વાસ્થ્યમાં સુધારો કેવી રીતે થાય છે?
સામાન્ય રીતે આ સરળ પ્રક્રિયા છે અને સર્જરી થયાનાં 6થી 8 કલાક પછી વ્યક્તિ સામાન્ય આહાર લેવાનું શરૂ કરી શકે છે. બીજા દિવસે થોડી ચકાસણી પછી દર્દીને દવાઓ અને સલાહ આપીને રજા આપી શકાશે.
આ સર્જરી પછી કેવી જટિલતાઓ સર્જાઈ શકે છે?
- મોટા ભાગનાં કેસમાં અગાઉ ઉલ્લેખ કર્યા મુજબ તબિયતમાં સરળતાપૂર્વક સુધારો થાય છે. જોકે થોડાં કેસમાં ઇન્ફેક્શન, વધુ પડતો દુઃખાવો વગેરે જેવી નાની સમસ્યાઓ સર્જાઈ શકે છે.
- કેટલીક મોટા સમસ્યાઓ ઊભી થાય છે (ભાગ્યે જ થાય છે, 0.5 ટકાથી 1 ટકા કેસમાં) જેમ કે,
- પિત્તાશયનાં નીચેનાં ભાગમાંથી પિત્ત લીક થાય છે – જે માટે ઓપરેશન પછી એન્ડોસ્કોપી કરવાની જરૂર પડી શકે છે.
- યકૃતની નળીને નુકસાન થવું – જેમાં નુકસાનનાં પ્રમાણ મુજબ સારવારની જરૂર પડે છે.
- મોટાં અને નાનાં આંતરડાને નુકસાન – ભાગ્યે જ થાય છે, પણ તાત્કાલિક સારવારની જરૂર પડે છે.
- વ્યક્તિને અગાઉથી રોગો હોવાથી આ સમસ્યાઓ ફરી થઈ શકે છે અને એ મુજબ તબીબી સારવાર લેવાની જરૂર પડશે.
વિશેષ સાવચેતી રાખવાની/આહાર પર નિયંત્રણ
સર્જરી પછી મારે કોઈ વિશેષ સાવચેતી રાખવાની/આહાર પર નિયંત્રણ રાખવાની જરૂર છે?
- નિયમિત કેસોમાં કોઈ વિશેષ સાવચેતી કે સારસંભાળ રાખવાની જરૂર નથી.
ડૉ નીરવ વાકાણી, કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ.