કિડની ફેલ્યોર જેને ‘સાયલન્ટ કિલર' તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થિતિ વ્યક્તિના જીવનની ગુણવત્તાને ઘણીજ હદ સુધી અસર કરે છે. આ પરિસ્થિતિને અટકાવવા કિડનીની યોગ્ય કાળજી અને જાળવણી કરવી જરૂરી છે.
દિવસની શરૂઆત પાણી પીવાથી, યોગ-પ્રાણાયમ અને ભારે નહીં પણ સામાન્ય વ્યાયામ કરવાથી કિડની તેમજ આખું શરીર સ્વસ્થ અને એક્ટિવ રહી શકે છે. વ્યાયામ શરીરના બ્લડપ્રેશરનું નિયમન કરે છે.
આશરે ૫૦ ટકા જેટલા ડાયાબિટીસના દર્દીઓમાં વહેલા-મોડા કિડની ફેલ્યોર થતું જોવા મળે છે. તેથી ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ બ્લડશુગરનું પ્રમાણ જાળવવું તેમજ સમયાંતરે કિડની ફંકશનની તપાસ કરાવતા રહેવું ખૂબ જરૂરી છે.
સતત ઊંચુ રહેતુ બ્લડપ્રેશર કિડની ફેલ્યોરના મુખ્ય કારણો પૈકીનું એક કારણ છે. આ માટે બ્લડપ્રેશરની નિયમિત તપાસ અને તેનું યોગ્ય માત્રા પ્રમાણ (120/80) જાળવી રાખવું અતિ મહત્વનું છે.
ખોરાકમાં મીઠા તથા પ્રોસેસ ફૂડ અને જંકફૂડનો ઓછો ઉપયોગ તેમજ સ્વસ્થ ખોરાકનું સેવન શરીરને નિરોગ રાખવા અને વજનનું નિયમન કરવામાં મદદરૂપ થાય છે.
યોગ્ય માત્રામાં પ્રવાહીના સેવન દ્વારા કિડનીને શરીરમાંથી નકામા તત્વો બહાર કાઢવાની પ્રક્રિયામાં ઘણી જ મદદ મળે છે. આ માટે દિવસના ૧.૫ થી ૨ લીટર પ્રવાહીનું સેવન ખૂબ જ જરૂરી છે. આ સાથે કિડનીમાં પથરીની તકલીફવાળા દર્દીઓને દરરોજ ૨-૩ લીટર સુધી પ્રવાહી લેવું હિતાવહ છે.
ધુમ્રપાન કિડની તરફ જતા લોહીના પ્રવાહને અવરોધે છે. આ ઉપરાંત ધુમ્રપાનથી માનવ શરીરને થતા ઘણા ગેરફાયદાઓથી આપણે વાકેફ છીએ. ધુમ્રપાનના કારણે કિડનીનું કેન્સર થવા માટે ૫૦ ટકા સુધી જોખમ વધી શકે છે.
ઘણી દવાઓ ખાસ કરીને પેઈનકિલર દવાઓથી કિડનીને નુકશાન થવાની સંભાવનાઓ ઘણી જ વધારે રહેલી છે. આથી ડૉક્ટરની સલાહ વીના જાતે દવાઓનું સેવન ટાળવું જોઈએ. આ ઉપરાંત જે લોકોને ડાયાબિટીસ, બ્લડપ્રેશર, મેદસ્વીતા અથવા કુટુંબના કોઈ વ્યક્તિને કિડનીની બીમારી લાગુ થઈ હોય એવા લોકોએ કડિનીની ખાસ સંભાળ રાખવી જરૂરી છે. ઉપરોક્ત ચાર પરિસ્થિત પૈકી એક અથવા તેથી વધુનું કોમ્બિનેશન વ્યક્તિને કિડની ફેલ્યોર થવા માટે હાઈ રિસ્ક પેશન્ટ ગણી શકાય છે. આ માટે જીવનના ચાર દાયકા પછી કિડની ફેલ્યોરથી બચવા વ્યક્તિએ વર્ષમાં નિયમિત એક વખત બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને પેશાબની તપાસ કરાવવી સલાહભરી છે.
ડૉ. વિવેક કુટે,નેફ્રોલોજિસ્ટ, નવુંગજરાત હેલ્થ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/12/2020