অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળકને રાત્રે પથારીમાં પેશાબ થઇ જવો

બાળકને રાત્રે પથારીમાં પેશાબ થઇ જવો

બાળક નાનું હોય ત્યારે પથારીમાં પેશાબ થઇ જાય તે સાહજિક છે. પરંતુ બાળકની ઉમર વધતાં વધતાં રાત્રે પથારીમાં પેશાબ થઇ જાય તે બાળક તેમજ માતા-પિતા માટે સંકોચ અને ચિંતા કરાવે તેવો પ્રશ્ન છે. સદભાગ્યે મોટા ભાગનાં બાળકોમાં આ પ્રશ્ન કિડનીના કોઈ રોગને કારણે નથી હોતો.

આ પ્રશ્ન બાળકોમાં ક્યારે વધારે જોવા મળે છે ?

  • જે બાળકનાં માતા-પિતામાં તેમના બચપણમાં આ તકલીફ જોવા મળી હોય.
  • માનસિક વિકાસ નબળો હોય તેવા બાળકો ને પેશાબ ભેગો થાય ત્યારે પેશાબ કરવા જવું જોઈએ તેનો ખ્યાલ આવતો નથી.
  • છોકરી કરતાં છોકરામાં આ પ્રશ્ન ત્રણ ગણો વધારે જોવા મળે છે.
  • ગાઢ ઊંઘ આવતી હોય તેવાં બાળકોમાં આ પ્રશ્ન વધુ જોવા મળે છે.
  • માનસિક તણાવને કારણે ઘણી વખત આ પ્રશ્ન સારું થતો કે વધતો જોવા મળે છે.

આ પ્રશ્ન કેટલાં બાળકોમાં જોવા મળે છે અને તે ક્યારે માટે છે ?

આ તકલીફ સામાન્ય રીતે ૬ વર્ષ થી નાની ઉમર ના બાળકો માં જોવા મળે છે. 
૫ વર્ષ કરતાં વધુ ઉંમરનાં ૧૦-૧૫% બાળકોમાં આ તકલીફ જોવા મળે છે. સામાન્ય રીતે ઉમર વધવા સાથે આ પ્રશ્ન આપમેળે ઘટતો જાય છે અને મટી જાય છે. ૧૦ વર્ષની ઉમરે આ પ્રશ્ન ૩% અને ૧૫ વર્ષ કરતાં વધુ ઉમરે ૧% કરતાં ઓછા બાળકોમાંઆ પ્રશ્ન જોવા મળે છે

પથારીમાં પેશાબ થઇ જવો તે ક્યારે ગંભીર ગણાય ?

પથારીમાં પેશાબ થઇ જવો તે ગંભીર ગણાય જ્યારે:

  • દિવસ દરમ્યાન પેશાબ થઇ જતો હોય .
  • ઝાડા પર પણ કાબુ ન રહેતો હોય.
  • દિવસે પેશાબ કરવા વારંવાર જવું પડતું હોય.
  • પેશાબમાં વારંવાર ચેપ થતો હોય.
  • પેશાબની ધાર પાતળી હોય કે પેશાબ ટીપે ટીપે થતો હોય.

પથારીમાં પેશાબ થઇ જતો હોય તે બાળકોમાં ક્યારે અને કઈ તપાસ કરવી જરૂરી છે?

રાત્રે પેશાબ થવા માટે જ્યારે કોઈ જન્મજાત ક્ષતિ કે મેડીકલ બીમારી ની શંકા હોય તેવા બાળકો માં જ તપાસ કરવામાં આવે છે. આ તપાસ માં લોહી માં ખાંડ ની તપાસ, પેશાબ ની તપાસ, મળકાનો એક્સ-રે, સોનોગ્રાફી અથવા અન્ય કોઈ કિડની અને મૂત્રાશય ને લગતી તપાસ નો સમાવેશ થાય છે.

સારવાર:

આ તકલીફ કોઈ રોગ નથી કે બાળક જાણીબૂઝીને પથારીમાં પેશાબ કરતું નથી. તેથી બાળકને ધમકાવવા કે ખિજાવા ને બદલે, આ પ્રશ્નની સારવારની શરૂઆત સહાનુભૂતિપૂર્વક કાળજીથી કરવામાં આવે છે.

સારવાર ના શરૂઆત માં પહેલા બાળક ને સમજણ અને પ્રોત્સાહન આપવું, પ્રવાહી લેવાની અને પેશાબ જવાની ટેવમાં ફેરફાર કરવો અને તેમ છતાં આ તકલીફ માં રાહત ન મળે તો ડોક્ટર ની સલાહ મુજબ યોગ્ય દવા લેવી જોઈએ.

સમજણ અને પ્રોત્સાહન :

બાળકને આ તકલીફ વિશે યોગ્ય સમજણ આપવી અત્યંત જરૂરી છે. રાત્રે પથારીમાં પેશાબ થઇ જવો તે કોઈ ચિંતાજનક પ્રશ્ન નથી અને તે મટી જ જશે તેવી સમજણ માનસિક તણાવ ઘટાડવામાં અને પ્રશ્નને વહેલો હલ કરવામાં મદદરૂપ બને છે. આ પ્રશ્નની ચર્ચા કરી બાળકને કદિ ઉતારી પાડવું, ખિજાવું કે નિંદા કરવી ન જોઈએ. જે રાત્રે બાળક પથારી ભીની ન કરે ત્યારે તેના પ્રયત્નની પ્રશંસા કરવી અને તે માટે નાની એવી ભેટ આપવી તે બાળકને પ્રશ્ન હલ કરવામાં પ્રોત્સાહન આપે છે.

સામાન્ય રીતે પથારી માં પેશાબ કયા સમયે થાય છે તેને ધ્યાન માં રાખી સમય પહેલા બાળક ને ઉઠાડી પેશાબ કરાવી લેવો.

પ્રવાહી લેવામાં ફેરફાર

રાત્રે સૂતા પહેલા 2- 3 કલાક ઓછુ પ્રવાહી લેવુ. પરન્તુ દિવસ દરમિયાન વધુ પ્રવાહી લેવાનુ રાખવુ. સાંજે ૬ વાગ્યા બાદ પ્રવાહી ઓછી માત્રામાં લેવું અને કેફીન ધરાવતાં પીણાં (ચા, કૉફી વગેરે) સાંજે ન લેવાં.

પેશાબ જવાની ટેવમાં ફેરફાર

  • રાત્રેસૂતા પહેલાં હમેશાં પેશાબ જઈને સુવાની ટેવ પાડવી.
  • આ ઉપરાંત રાત્રે બાળકને ઉઠાડી ૨-૩ વખત પેશાબ કરાવી લેવાથી પથારીમાં પેશાબ થતો નથી.
  • દરરોજ રાત્રે સૂતા પછી ના ત્રણ કલાકે બાળક ને ઉઠાડી ને પેશાબ કરાવી લેવો અને શક્ય હોય તો એલાર્મ પણ રાખવો.
  • બાળકને ડાઈપર પહેરાવવાથી રાત્રે પથારી ભીની થતી અટકાવો શકાઈ છે.

મૂત્રાશયની તાલીમ

ઘણાં બાળકોમાં મૂત્રાશયમાં ઓછો પેશાબ સમાઈ શકે છે. આવાં બાળકોને ઓછા સમયના અંતરે વારંવાર પેશાબ કરવા જવું પડે છે અને રાત્રે પથારીમાં પેશાબ થઈ જાય છે.

આવાં બાળકોને દિવસ દરમિયાન પેશાબ લાગે ત્યારે રોકી રાખવો, પેશાબ થોડો કરી વચ્ચે રોકી રાખવો વગેરે મૂત્રાશયની કસરતો કરવાની સલાહ આપવામાં આવે છે. આ પ્રકારની કસરતોથી મૂત્રાશય મજબૂત બને છે. તેમાં પેશાબ સમાવવાની ક્ષમતા વધે છે અને પેશાબ પરનો કાબુ વધે છે.

એલાર્મ સિસ્ટમ:

પેશાબ થવાથી નીકર ભીનું થાય કે તરત જ તેની સાથે જોડેલી બેલ રણકે તે પ્રકારની એલાર્મ સિસ્ટમ વિકસિત દેશોમાં ઉપ્લબ્ધ છે. પેશાબ થવાની ચેતવણી બાળક જાણીને તરત જ પેશાબ રોકી લે છે. આ પ્રકારની તાલીમથી પ્રશ્ન વહેલો હલ થઈ શકે છે. આ પ્રકારનાં ઉપકરણો સામાન્ય રીતે ૭ વર્ષ કરતાં મોટી ઉમરનાં બાળકો માટે વપરાય છે.

દવા દ્વારા સારવાર :

જ્યારે આગળ ચર્ચા મુજબના પ્રયત્નો નિષ્ફળ નીકળે અને બાળક ની ઉમર સાત વર્ષ કરતા વધારે હોય ત્યારે દવા દ્વારા સારવાર કરવામાં આવે છે. દવા ની સારવાર થી પથારી માં પેશાબ થતો બંધ થાય છે પરંતુ દવા બંધ કર્યા બાદ પ્રશ્ન ફરી પેહલા ની જેમ જોવા મળે છે. ટુકમાં દવા તે આ તકલીફ નો કાયમી ઈલાજ નથી.

આ માટે મુખ્યત્વે વપરાતી દવામાં ઈમિપ્રેમીન અને ડેસ્મોપ્રેસીનનો સમાવેશ થાય છે. આ દવાનો ઉપયોગ ઉપર ચર્ચા કર્યા મુજબનાં સૂચનોની સાથે સાથે જ કરવામાં આવે છે.

ઈમિપ્રેમીન તરીકે ઓળખાતી દવાની ઉપયોગ ૭ વર્ષ કરતાં વધુ ઉમરનાં બાળકોમાં જ કરવામાં આવે છે. આ દવા મૂત્રશયનાં સ્નાયુઓને શિથિલ કરે છે, જેથી મૂત્રાશયમાં વધુ પેશાબ સમાઈ શકે છે. આ ઉપરાંત આ દવા પેશાબ ન ઉતારે તે માટે જવાબદાર સ્નાયુને વધુ સંકોચાવામાં મદદ કરી પેશાબ થઈ જતો અટકાવે છે. આ દવા ડોક્ટરોની દેખરેખ નીચે આશરે ૩-૬ મહિના માટે આપવામાં આવે છે.

ડેસ્મોપ્રેસિન (DDAVP) તરીકે ઓળખાતી દવા સ્પ્રે તથા ગોળી તરીકે મળે છે, જે લેવાથી રાત્રે ઓછો પેશાબ બને છે. જે બાળકોમાં રાત્રે વધુ પેશાબ બનતો હોય તેમાં આ દવા ખૂબ જ ઉપયોગી છે. આ દવા રાત્રે પથારીમાં થતો પેશાબ અટકાવવામાં અક્સીર હોવા છતા, ખૂબજ મોંઘી હોવાને કારણે બધાં બાળકોમાં તે વાપરી શકાતી નથી.

પથારી માં પેશાબ થઇ જતો હોય તે માટે ડોક્ટરની સલાહ ક્યારે લેવી જોઈએ ?

નીચે મુજબ ના પ્રશ્નો હોય ત્યારે બાળક ના કુટુંબજનો એ ડોક્ટર ની સલાહ તુરંત લેવી જરૂરી છે:

  • દિવસ દરમ્યાન પથારી માં પેશાબ થઇ જવો.
  • ૭ કે ૮ વર્ષ ની ઉમર બાદ પણ પથારી માં પેશાબ થવો.
  • તાવ, દુખાવો, પેશાબ માં બળતરા, અત્યંત તરસ લાગવી અથવા મોં પર અને પગ પર સોજા ચડી જવા.
  • પેશાબ અટકીને આવવો કે જોર કરવું પડે.
  • પેશાબ ની જેમ ઝાડા પર પણ કાબુ ના હોવો.

સ્ત્રોત: કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/1/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate