રોબોટિક સર્જરીની મદદથી ખૂબ જ નાના ચેકા દ્વારા, દર્દ વગર ખૂબ ઝડપથી દર્દી સાજો થાય છે અને ગણતરીના દિવસમાં જ ઘરે જઈ શકે છે
ભારતમાં દરરોજના 3000 નવા કેન્સરના દર્દીઓનું નિદાન થાય છે આમ થતાં કેન્સર પ્રત્યેની સભાનતા, જરૂરી જ્ઞાન અને શરૂઆતની તપાસના અભાવે મોટાભાગના કેન્સરના દર્દીઓ છેલ્લા સ્ટેજમાં ડોક્ટર પાસે આવે છે. કેન્સર અંગે એક કહેવત કે, કેન્સરનું જો શરૂઆતના તબક્કામાં નિદાન થાય તો મહદઅંશે એનો ઉપચાર શક્ય છે.
સ્ત્રીઓમાં પેપ સ્મીયર (ગર્ભાશયના મુખના કેન્સર માટે), મેમોગ્રાફી (સ્તન કેન્સર માટે) અને દૂરબીનની તપાસ (મોટા આંતરડાના કેન્સર માટે)ની મદદથી શરૂઆતના તબક્કામાં નિદાન થઈ શકે છે, આ ટેસ્ટને સ્ક્રીનિંગ ટેસ્ટ પણ કહે છે.
પુરૂષોમાં જરૂરી સ્ક્રીનિંગ ટેસ્ટ પીએસએ (પ્રોસ્ટેટના કેન્સર માટે) અને દૂરબીનની તપાસ (મોટા આંતરડાના કેન્સર માટે)નો સમાવેશ થાય છે.
છેલ્લા કેટલાક વર્શોમાં કેન્સરની સારવારમાં તબીબી જગતે ઘણી પ્રગતિ સાધી છે જેમકે આંતરડા અને છાતીના સ્પેશિયાલિસ્ટ કેન્સર સર્જન હોવાના લીધે જે ઘણા વર્ષો પહેલા પેટ ચીરીને સર્જરી કરવામાં આવતી હતી તેને બદલે હવે દૂરબીનીથી ખૂબ જ નાનો કાપો મૂકીને કે એન્ડોસ્કોપની મદદથી મોટાભાગની સર્જરી શક્ય બની છે. છેલ્લા થોડાક વર્ષોથી રોબોટીક સર્જરીના આગમનથી દર્દીઓને ખૂબ જ ફાયદા મળી રહ્યાં છે. આ પ્રકારની રોબોટીક સર્જરીની મદદથી ખૂબ જ નાના ચેકા દ્વારા, દર્દ વગર ખૂબ ઝડપથી દર્દી સાજો થાય છે અને ગણતરીના દિવસમાં જ ઘરે જઈ શકે છે.
આ પ્રકારની સર્જરી માટે ડોક્ટરોએ નિપૂણતા તો કેળવવી જ પડે છે. તદ્ઉપરાંત આ પ્રકારની અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવા માટે હોસ્પિટલ્સે પણ ખૂબ મોટો ખર્ચ કરવો પડતો હોય છે.
મોઢા અને ગળાના કેન્સરના દર્દીઓ માટે આધુનિક દૂરબીન અને રોબોટની મદદથી સારવાર શક્ય બની છે. આવા દર્દીઓમાં લેટેસ્ટ ટ્રાન્સ્પ્લાન્ટ પ્રકારની (ફ્રી ક્લેપ) પ્લાસ્ટીક સર્જરી કરવાથી પહેલા જેવો જ દેખાવ અને મોઢાની કામગીરી જેવું કે બોલવું, ચાવવું, ખાવું-પીવું વગેરે પાછું મેળવી શકાય છે.
સ્તન કેન્સરમાં હવે કોઈપણ સ્ત્રી દર્દીને આજીવન સારવારના ભાગરૂપે સ્તન વગર જીવવું પડતું નથી જેમ કે, આધુનિક સ્તન કેન્સર અને રિકન્સ્ટ્રક્ટીવ સર્જરી વડે તુરત જ નવું સ્તન બનાવી શકાય છે.
હાઈપેક (હાઈપરથર્મિક ઈન્ટ્રાવેરીટોનિયલ કિમોથેરાપી) સર્જરીની શોધ સાથે આગળના તબક્કામાં પહોંચેલા અંડાશય, આંતરડા, એપેન્ડિક્સના કેન્સરના દર્દીઓને જીવતદાન મળી રહ્યું છે. આ જ પ્રકારની સારવારની પદ્વતિ છાતી અને ફેફસાના કેન્સરના દર્દીઓ માટે પણ શક્ય છે જેને હાઈટિક (હાઈપરથર્મિક ઈન્ટ્રાથોરાસિક કિમોથેરાપી) કહેવાય છે.
લેટેસ્ટ કિમોથેરાપી અને અત્યાધુનિક રેડિયોથેરાપીના મશીનની મદદથી પણ દર્દીઓની સારવાર સરળ બની રહી છે એટલું જ નહીં આ દ્વારા સારવારના સારા પરિણામ પણ મેળવી શકાય છે.
જે હોસ્પિટલ્સ કેન્સરના એડવાન્સ સ્ટેજના દર્દીઓને સારવાર પૂરી પાડતી હોય છે તેવા દર્દીઓને આઈસીયુ કેર અને અત્યાધુનિક રેડિયોલોજી વડે નિદાન પદ્વતિની જરૂર તો પડતી જ હોય છે તદ્ઉપરાંત આવા દર્દીઓને હદયરોગ નિષ્ણાંત, મગજના કે કિડનીના એક્સપર્ટ ડોક્ટરની પણ જરૂર પડતી હોય છે. આ પ્રકારની સુવિધાઓને લીધે દર્દીની રિકવરી ઘણી ઝડપી બને છે. છેલ્લે તમ્બાકુ અને સોપારીનો કોઈપણ રૂપમાવપરાશ બંધ કરવામાં આવે અને દારૂનો સંપૂર્ણપણે ત્યાગ કરવામાં આવે તો મોટાભાગના કેન્સર ઉદભવતા અટકાવી શકાય છે.
સ્ત્રોત: : નવગુજરાત હેલ્થ (ડો મહેશ ડી. પટેલ જીઆઈ એન્ડ થોરાસિક રોબોટિક કેન્સર સ્પેશિયાલિસ્ટ.)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/5/2020