વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ભલામણ મુજબ છ મહિના સુધી સ્તનપાન કરાવતી માતાને બાળકો હોવા છતાં તેમને સ્તનપાન નહીં કરાવતી અન્ય માતાઓની સરખામણીમાં એન્ડોમેટ્રિયલ કેન્સર થવાનું જોખમ ૧૧ ટકા ઘટી જતું હોવાનું ૧૭ અભ્યાસના વિશ્લેષણમાં જણાયું હતું. છ મહિના કરતા વધુ સમય સ્તનપાન કરાવતી મહિલાઓમાં તો તેનું જોખમ ખૂબ ઘટી જાય છે. અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં મહિલાઓમાં સામાન્ય ગણાતા કેન્સરમાં તે ચોથા ક્રમે છે.
ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનના QIMR બર્ગહોફર મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના સુસાન જોર્ડને જણાવ્યું હતું કે ગર્ભાશયનું કેન્સર સામાન્ય બનતું જાય છે અને તેને અટકાવવાનો પ્રયાસ કરવો પડશે. મહિલાઓ કેન્સર વિશે જેટલી માહિતગાર થશે તેટલું તે ભવિષ્યમાં કેન્સર થવાના જોખમને ઘટાડી શકશે.
સંશોધકોએ બાળક થયું હોય અને વધુ કે ઓછા સમય માટે સ્તનપાન કરાવ્યું હોય કે ન કરાવ્યું હોય તેવી ૨૬ હજારથી વધુ મહિલાની વિગતો ચકાસી હતી. તેમાંથી ૯ હજાર મહિલાને એન્ડોમેટ્રિયલ કેન્સર હતું.
ઉંમર, જાતિ, વંશ, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવનો ઉપયોગ, રજોનિવૃત્તિની સ્થિતિ, છેલ્લી પ્રસુતિને થયેલા વર્ષ અને બોડી માસ ઈન્ડેક્સ સહિતના પરિબળો જેનાથી આ કેન્સરનું જોખમ થઈ શકે તેને ધ્યાનમાં લીધા પછી સંશોધકોને જણાયું કે સ્તનપાન કરાવ્યું હોય તો તેની રક્ષણાત્મક અસર રહે છે.
સ્તનપાનને લીધે એન્ડોમેટ્રિયલ કેન્સર સામે રક્ષણમાં મદદ મળે છે એવું અભ્યાસ પૂરવાર નથી કરતો. પરંતુ, આ કેન્સરનો વિકાસ એસ્ટ્રોજન દ્વારા થાય છે, તે સ્તનપાન દરમિયાન દબાઈ જાય છે.
સ્ત્રોત: સદાબહાર સ્વાસ્થ્ય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020